Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 2

મંદિરના બાંધકામનું આયોજન

સુલેમાને યહોવાને માટે એક મંદિર અને પોતાને માટે એક રાજમહેલ બાંધવાનો નિર્ધાર કર્યો. તેણે 70,000 લોકોને હમાલ તરીકે સામાન ઊંચકવા માટે, 80,000 માણસોને પર્વતોમાં પથ્થરો કાપવા માટે તથા 3,600 લોકોને તેઓના ઉપર દેખરેખ રાખવા મુકાદમો તરીકે રાખ્યા.

ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે,

“તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું. અત્યારે હું મારા દેવ યહોવા માટે મંદિર બાંધવા માંગુ છું, જ્યાં તેની સમક્ષ નિત્ય ધૂપ થાય, નિત્ય એની સામે રોટલી અપિર્ત થતી રહે, વિશ્રામવારોએ, અમાસને દિવસે અને અમારા દેવ યહોવા દ્વારા ઠરાવાયેલા બીજા ઉત્સવોને દિવસે સવારેને સાંજે દહનાર્પણ અપાય, કારણકે ઇસ્રાએલને માથે એ કાયમી ફરજ છે.

“હું જે મંદિર બાંધવાનો છું તે ઘણું મોટું થવાનું છે, કારણ, અમારો દેવ સર્વ દેવો કરતઁા મોટો છે. પરંતુ તેમને માટે યોગ્ય નિવાસસ્થાન કોણ બાંધી શકે? અપાર ઊંચામાં ઊંચું આકાશ પણ તેને સમાવી શકતું નથી. તો પછી હું કોણ કે તેને માટે મંદિર બાંધું? એ તો માત્ર તેની સમક્ષ ધૂપ કરીને તેમનું ભજન કરવાનું સ્થાન જ બનશે.

“તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું એ જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણાંત કારીગરોને મોકલી આપો. વળી, મને દેવદારનું, પાઇનના વૃક્ષનું અને ઓલ્ગમંના વૃક્ષનું લાકડું પણ મોકલાવશો, કારણ, મને ખબર છે કે તમારા માણસો દેવદારમાં વૃક્ષો પાડવામાં પાવરધાં છે. મારા માણસો તમારા માણસો સાથે કામ કરશે. તેઓને સહાય કરવા માટે હું મારા માણસો મોકલી આપીશ. હું જે મંદિર બાંધુ છું તે માટે પુષ્કળ પ્રમાણમાં ઇમારતી લાકડું જોઇશે કારણકે તે મંદિર બહુ જ મોટું અને અતિ ભવ્ય બનશે. 10 તમારા વૃક્ષો પાડનારા માણસો માટે હું 1,25,000 બુશેલ ઘઉં, 1,25,000 બુશેલ જવ, 1,15,000 ગેલન દ્રાક્ષારસ અને 1,15,000 ગેલન તેલ મોકલીશ.”

11 તૂરના રાજા હૂરામે રાજા સુલેમાનને પત્ર દ્વારા નીચેનો જવાબ મોકલ્યો,

“યહોવાને તેના લોકો માટે પ્રેમ છે માટે તેણે આપને તેમના રાજા બનાવ્યા છે.” 12 હૂરામે વધુમાં લખ્યું છે, “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે, અને રાજા દાઉદને જ્ઞાની, બુદ્ધિશાળી અને સમજુ પુત્ર આપ્યો છે, જે યહોવાને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બંધાવનાર છે. 13 હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે. 14 એનાં માતા દાનવંશના અને પિતા તૂરના છે. એ સોના-ચાંદીનું, કાંસાનું અને લોઢાનું પથ્થરનું અને લાકડાનું તેમજ જાંબુડીયા, કિરમજી અને ભૂરા રંગના કિંમતી કાપડનું કામ કરવામાં કુશળ છે. વળી, એ બધી જાતનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. એને સોંપેલી કોઇ પણ ભાત એ કોતરી શકે છે. એ મારા ધણી અને આપના પિતા દાઉદના કારીગરો અને આપના કારીગરો સાથે કામ કરી શકે તેમ છે.

15 “તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો. 16 અમે લબાનોનમાંથી આપને જોઇતાં બધાં લાકડાં કાપીશું, અને દરિયાઇ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તેને યરૂશાલેમ પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે.”

17 સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ. 18 તેણે તેઓમાંના 70,000ને મજૂરો તરીકે, 80,000ને પથ્થરોની ખાણોમાં કામ કરવા અને 36,000ને છસોને આ લોકો પાસે કામ કરાવવા મુકાદમ તરીકે નીમ્યા.

1 યોહાન 2

ઈસુ આપણો મદદગાર છે

મારાં વહાલાં બાળકો, હું આ પત્ર તમને લખું છું જેથી તમે પાપ કરશો નહિ. પણ જો કાઈ વ્યક્તિ પાપ કરે છે, તો આપણી પાસે આપણી મદદમાં ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે ઈસુ દેવ બાપ આગળ આપણો બચાવ કરે છે. ઈસુના દ્વારા આપણા પાપો દૂર કરવામાં આવે છે. અને કેવળ આપણાં જ નહિ, સમગ્ર જગતનાં પાપો દૂર કરનાર તે જ છે.

જો આપણે દેવે જે આપણને કહ્યું છે તેનુ પાલન કરીશું, તો પછી આપણને ખાતરી છે કે આપણે ખરેખર દેવને ઓળખીએ છીએ. એક વ્યક્તિ કહે છે કે, “હું દેવને જાણું છું!” પણ જો તે વ્યક્તિ દેવની આજ્ઞાઓનું પાલન કરતો નથી, તો પછી તે વ્યક્તિ જૂઠો છે. તેનામાં સત્ય નથી. પણ જ્યારે એક વ્યક્તિ દેવના વચનનું પાલન કરે છે, તો તેનામાં દેવ પરનો પ્રેમ તેના લક્ષ્યાંક સુધી પહોંચ્યો છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આપણે દેવને અનુસરીએ છીએ. જો કોઈ વ્યક્તિ કહે કે તે દેવમાં જીવે છે, તો પછી તેણે ઈસુ જેવું જીવન જીવ્યો તેવું જીવન જીવવું જોઈએ.

દેવે બીજા લોકોને પ્રેમ કરવા આપણને આજ્ઞા કરી છે

મારા વહાલા મિત્રો, હું તમને નવી આજ્ઞા લખતો નથી. જે તમને શરુંઆતથી આપવામાં આવી છે તે એ જ આજ્ઞા છે. જે વચન તમે સાંભળ્યું છે તેની તે જ આ આજ્ઞા છે. પણ હું આ નવી આજ્ઞા તરીકે તમને લખું છું. આ આજ્ઞા સત્ય છે. તમે તેનું સાચાપણું ઈસુમાં અને તમારી જાતમામ જોઈ શકશો. અંધકાર દુર જઈ રહ્યો છે અને ખરો પ્રકાશ આ સમયે હમણા પ્રકાશી રહ્યો છે.

કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું,” પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે. 10 જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે. 11 પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.

12 વહાલા બાળકો, હું તમને લખું છું,
    કારણ કે તમારાં પાપો ખ્રિસ્ત દ્વારા માફ કરવામાં આવ્યાં છે.
13 પિતાઓ, હું તમને લખું છું
    કારણ કે આરંભથી તમે તે કોણ છે તે જાણો છો,
જુવાનો, હું તમને લખું છુ,
    કારણ કે તમે દુષ્ટ વ્યક્તિ (શેતાન) પર વિજય મેળવ્યો છે.
14 બાળકો હું તમને લખું છું,
    કારણ કે તમે પિતાને ઓળખો છો.
પિતાઓ, મેં તમને લખ્યું છે
    કારણ કે જે આરંભથી ત્યાં હતો
તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે.
    કારણ કે તમે બળવાન છો;
દેવનું વચન તમારામાં છે,
    અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.

15 જગત પર અથવા જગતમાંના વાનાં પર પ્રેમ ના રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે છે, તો તેનામાં બાપ પરનો પ્રેમ નથી. 16 જગતમાં આ દુષ્ટ વસ્તુઓ છે આપણા પાપી સ્વભાવને પ્રસન્ન કરવા માટેની ઈચ્છા, આંખોની લાલસા માટેની ઈચ્છા, આપણી સંપત્તિનું ખૂબ અભિમાન હોવું, આ બધું બાપ (દેવ) પાસેથી આવતું નથી, આ સર્વ જગતમાંથી આવે છે. 17 જગત અને દુનિયાની જે બધી વસ્તુઓ લોકો ઈચ્છે છે તેનો પણ લય થશેજ. પરંતુ જે વ્યક્તિ દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તે અનંતકાળ જીવે છે.

ખ્રિસ્તવિરોધીઓને અનુસરો નહિ

18 મારાં વહાલાં બાળકો, અંત નજીક છે! તમે સાંભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે ખ્રિસ્તવિરોધીઓ ઘણાં અહીં છે. તેથી અમે જાણીએ છીએ કે હવે અંત નજીક છે. 19 ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.

20 તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો. 21 મારે તમને શા માટે લખવું? તમે સત્યને જાણતા નથી તેથી મારે લખવું? ના! હું આ પત્ર લખું છું કારણ કે તમે સત્યને જાણો છો. અને તમે જાણો છો કે કોઈ પણ જુઠાણું સત્યમાંથી આવતું નથી.

22 તેથી જુઠો કોણ છે? તે એ વ્યક્તિ છે જે કહે છે કે ઈસુ, ખ્રિસ્ત નથી. તે ખ્રિસ્તવિરોધી છે. તે વ્યક્તિ પિતામાં વિશ્વાસ કરતો નથી. અથવા તેના પુત્રમાં વિશ્વાસ કરતો નથી, તો તેને બાપ હોતો નથી, પરંતુ જે વ્યક્તિ પુત્રને સ્વીકારે છે તો તેને બાપ પણ છે.

23-24 તમે આરંભથી જે સાંભળ્યું છે તે તમારામાં રહો, આરંભથી જે તમે સાંભળ્યું છે તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામા રહેશો. તેની ખાતરી રાખજો. 25 પુત્રએ આપણને અનંતકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે.

26 જે લોકો તમને ખોટા રસ્તે દોરવાનો પ્રયત્ન કરે છે તે લોકો વિષે હું આ પત્ર લખું છું 27 ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.

28 હા, મારાં બાળકો, તેનામાં જીવો. જો આપણે આ કરીશુ, તો આપણે ખ્રિસ્ત ઈસુ જ્યારે પાછો આવવાનો છે તે દિવસે નિર્ભય બનીશું જ્યારે તે આવે ત્યારે આપણે છુપાઈ જવાની કે શરમાઈ જવાની જરુંર નથી. 29 તમે જાણો છો કે ઈસુ ન્યાયી છે. તેથી તમે એ બધા લોકોને જાણો છો જે સાચું હોય તે જ તે કરે છે. તે દેવનાં છોકરાં છે.

નાહૂમ 1

આ પુસ્તક એલ્કોશીમાં રહેતા નાહૂમને નિનવેહ પર આવી રહેલા વિનાશ વિષે દેવે આપેલું સંદર્શન છે:

નિનવેહ પર યહોવાનો પ્રકોપ

યહોવા ઇર્ષાળું દેવ છે.
    તેઓ ક્રોધે ભરાઇને
    બદલો લેનાર દેવ છે.
તે પોતાના શત્રુઓ પર વૈર વાળે છે.
    તે પોતાના શત્રુઓ પર કોપાયમાન રહે છે.
યહોવા ગુસ્સે થવામાં ધીમા છે.
    તેમની પાસે મહાન શકિત છે.
અને તે ચોક્કસપણે ગુનેગારોને
    દંડ્યા વગર જવા દેતા નથી.
પ્રચંડ ઝંજાવાત અને વાવાઝોડામાં
    થઇને યહોવાનો માર્ગ જાય છે.
    વાદળો તેના પગની રજ છે.
તે સાગરને ધમકાવે છે અને મહાસાગરો સૂકવી દે છે.
    તે નદીઓ સૂકાવીને રેતીમાં ફેરવી દે છે;
બાશાન અને કામેર્લના લીલાંછમ પ્રાંતો સૂકાઇ જાય છે;
    લબાનોનનાં ફૂલો કરમાઇ જાય છે.
તેમને કારણે પર્વતો ધ્રુજે છે.
    ને ડુંગરો ઓગળી જાય છે.
તેમની સામે પૃથ્વી ધ્રુજે છે,
    દુનિયા અને તેમાં વસતા
    બધા જીવો હાલી ઊઠે છે.
યહોવાના રોષ આગળ કોણ ટકી શકે?
    તેના ક્રોધનો તાપ કોણ સહી શકે?
તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે
    અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.
યહોવા ભલા છે;
    મુશ્કેલીના સમયમાં તે આપણને આશ્રય આપે છે!
    તેને શરણે આવનારનું તે ધ્યાન રાખે છે.
પરંતુ તે પોતાના શત્રુઓનો પ્રચંડ
    ઘસમસતા જળપ્રલયથી સંપૂર્ણ નાશ કરે છે;
    અને તેઓને અંધારામાં ધકેલી દે છે.
હે નિનવેહ, યહોવા વિરૂદ્ધ તમે શું ષડયંત્ર રચો છો?
    તે તમારો સંપૂર્ણ નાશ કરી નાખશે.
    તું બીજીવાર મુશ્કેલી ઊભી નહિ કરી શકે.
10 કાંટા વચ્ચે અટવાયેલાની જેમ,
    જેઓ પીધેલા છે તેની જેમ,
અને સંપૂર્ણ રીતે કરમાયેલા,
    લણી લીધેલા ખેતરની જેમ હશે
    તોપણ તેઓને તે ભરખી જશે.

11 યહોવાની વિરૂદ્ધ દુષ્ટ યોજના કરનાર તમારામાંથી એક બહાર આવે.
    તે દુષ્ટ સલાહકાર છે.
12 યહોવા પોતાના લોકોને કહે છે,
“તમારા શત્રુઓ ગમે તેવા બળવાન
    અને અસંખ્ય હશે તેમ છતાં તેનો નાશ થશે.
    તેમનું નામોનિશાન નહિ રહે.
મેં તમને શિક્ષા કરી છે છતાઁ
    હું હવે તમને સજા નહિ કરું!
13 અને હવે હું તમારી સાંકળી તોડી નાખીશ
    અને આશ્શૂરના રાજાની ગુલામીના
    બોજમાંથી તમને મુકત કરીશ.”

14 યહોવાએ તમારા માટે આ હુકમ આપ્યો છે,
    “તારા કુળની હારમાળા ખલાસ થઇ જશે.
તારા મંદિરોની મૂર્તિઓ
    અને પ્રતિમાઓનો હું નાશ કરીશ.
હું તને દફનાવી દઇશ! કારણકે
    તું તિરસ્કૃત થયો છે!”

15 જુઓ, પર્વત પર સંદેશાંવાહકોના પગલાં છે;
    તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે.
    હે યહૂદિયાના લોકો,
તમારા ઉત્સવો ઊજવો,
    તમારા વચનો પૂરા કરો,
કારણ હવે કદી દુષ્ટ લોકો તમારા પર આક્રમણ કરશે નહિ,
    તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.

લૂક 17

17 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકો પાપ કરે એવી ઘટનાઓ તો બનવાની જ. પણ જે માણસો દ્ધારા એ ઘટનાઓ બને છે તેને અફસોસ છે. જો કોઈ નિર્બળ માણસોમાંના કોઈ એકને પાપમાં નાખે તો તે માણસ માટે અફસોસ છે. તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બાંધીને તેને સાગરમાં ડૂબાડવામાં આવે તે તેને માટે વધારે સારું છે. તેથી સાવધાન રહો!

“જો તારો ભાઈ પાપ કરે તો તેને કહે કે તે ખોટો છે. પણ તે જો દુ:ખ વ્યક્ત કરે અને પાપ કરવાનું બંધ કરે તો તેને માફ કર. જો તારો ભાઈ દિવસમાં સાત વાર કંઈ ખોટું કરે, અને દરેક વખતે તારી પાસે પાછો આવે અને કહે કે, હું દિલગીર છું. તો તું તેને માફ કર.”

તમારો વિશ્વાસ કેટલો મોટો છે?

પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધાર!”

પ્રભુએ કહ્યું, “જો તમને રાઇના દાણા જેટલો વિશ્વાસ હોય તો તને આ ગુલ્લર ઝાડને કહેતા કે, ‘તું ઊખડીને સમુદ્ધમાં રોપાઇ જા!’ અને તે ઝાડ તમારું માનત.

સારા સેવક બનો

“ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે. નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે. જ્યારે તે કામ પરથી આવે છે, ત્યારે તમે તેને શું કહેશો? તમે તેને કહેશો કે, ‘અંદર આવ અને જમવા માટે બેસી જા’? ના! તમે તમારા નોકરને કહેશો, મારા માટે કંઈક ખાવાનું તૈયાર કર. પછી કપડાં પહેર અને મારી સેવા કર. જ્યારે હું ખાવા પીવાનું પુરું કરું પછી તું ખાજે. નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે. 10 તમારી સાથે એવું જ છે. જ્યારે તમને જે કરવાનું કહેવામાં આવ્યું છે તે જ બધું તમે કર્યુ છે ત્યારે તમારે કહેવું જોઈએ, ‘અમે ફક્ત અમારે જે કામ કરવાનું હતું તે જ કર્યું છે, અમે ખાસ મહેરબાનીને લાયક નથી.’”

આભારી બનો

11 ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો. 12 તે એક નાના ગામમાં તેને દશ માણસો મળ્યા હતા. આ માણસો ઈસુની નજીક આવ્યા નહિ, કારણ કે તે બધા રક્તપિત્તિયા હતા. 13 પણ તે માણસોએ ઘાંટો પાડીને કહ્યું, “ઈસુ! સ્વામી! કૃપા કરી અમને મદદ કર!”

14 જ્યારે ઈસુએ માણસોને જોયા, તેણે કહ્યું કે, “જાઓ તમે તમારાં શરીરને યાજકોને દેખાડો.”

જ્યારે દશ માણસો યાજકો પાસે જતા હતા ત્યારે, તેઓ સાજા થયા. 15 જ્યારે તેઓના એક માણસે જોયું કે તે સાજો થયો હતો, તે ઈસુ પાસે પાછો ગયો. તેણે મોટા અવાજે દેવની સ્તુતિ કરી. 16 તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.) 17 ઈસુએ ઉત્તર આપ્યો, “દશ માણસો સાજા થયા હતા; બીજા નવ ક્યાં છે? 18 દેવનો આભાર માનવા આવનાર આ વિદેશી સમરૂની માણસ જ પાછો આવ્યો?” 19 પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તું જઇ શકે છે. તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”

દેવનું રાજ્ય તમારામાં છે

(માથ. 24:23-28, 37-41)

20 કેટલાએક ફરોશીઓએ ઈસુને પૂછયું, “દેવનું રાજ્ય ક્યારે આવશે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “દેવનું રાજ્ય આવે છે પણ તમે તમારી આખો વડે જોઈ શકો તે રીતે નહિ. 21 લોકો કહેશે નહિ, ‘જુઓ, અહી દેવનું રાજ્ય છે!’ અથવા ‘ત્યાં તે છે!’ ના, દેવનું રાજ્ય તો તમારામાં છે.”

22 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એવો સમય આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છશો પણ તમે જોઈ શકશો નહિ. 23 લોકો તમને કહેશે, ‘જુઓ ત્યાં તે છે!’ જુઓ, અહીં તે છે! તમે જ્યાં છો ત્યાં જ રહો; દૂર જશો ના અને શોધશો ના.

24 “જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે તમે તે જાણી શકશો. જે દિવસે તે આવશે ત્યારે તે આકાશમાં વીજળીના ઝબકારાની જેમ પ્રકાશસે. 25 પણ તે પહેલા માણસના દીકરાને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીના લોકો દ્ધારા તેનું મરણ થશે.

26 “જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 27 નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો.

28 “લોતના સમય દરમ્યાન પણ એમ જ થયું, જ્યારે દેવે સદોમનો નાશ કર્યો ત્યાં સુધી પેલા લોકો ખાતા, પીતા, ખરીદતા, વેચતા, રોપતા, અને તેઓના માટે મકાનો બાંધતા હતાં. 29 જ્યારે લોતે શહેર છોડ્યું ત્યારે તે દિવસે પણ લોકો આ બધું કરતા હતા. પછી આકાશમાંથી અજ્ઞિવર્ષા થઈ અને ગંધકનો વરસાદ થયો અને બધાનો નાશ થયો. 30 જે દિવસે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે પણ એમ જ બનશે.

31 “તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ. 32 યાદ કરો, લોતની પત્નીનું શું થયું?

33 “જે માણસ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે જીવ ગુમાવશે અને જે કોઈ માણસ તેનો જીવ આપશે, તે બચાવી શકશે. 34 જ્યારે હું ફરીથી આવીશ તે સમયે બે જણ એક જ પથારીમાં ઊઘતા હશે. તો એક જણને લઈ લેવાશે. અને બીજા માણસને પડતો મૂકાશે. 35 જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે. [36 બે માણસો એક ખેતરમાં હશે. એક માણસ ઉચકી લેવાશે, અને બીજો માણસ પડતો મૂકાશે.]”[a]

37 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રભુ! આ ક્યાં થશે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં મડદું હોય, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International