M’Cheyne Bible Reading Plan
હિઝિક્યાની માંદગી
20 આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે, ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.’”
2 ત્યારે હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી; 3 “ઓ યહોવા, એટલું ધ્યાનમાં રાખજે, અને યાદ રાખજે કે હું સફળ અને પ્રામાણિક જીવન જીવ્યો છું” અને તે ચોધાર આંસુએ રડી પડયો.
4 યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, તેને યહોવાની વાણી સંભળાઈ કે, 5 “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ. 6 હું પંદર વર્ષ તારું આયુષ્ય વધારીશ. તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાઉદને આપેલ વચન માટે હું એનું રક્ષણ કરીશ.’”
7 યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.”
8 પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?”
9 યશાયાએ કહ્યું, “આ એંધાણી યહોવા તરફથી આવે છે. હાં, તેમણે જેનું વચન આપ્યું હતું તે જરુર કરે છે. આ છાંયડો 10 ડગલા આગળ જાય કે 10 ડગલા પાછો જાય.”
10 ત્યારે હિઝિક્યાએ કહ્યું, “છાંયડોને 10 ડગલા આગળ જવું તો સહેલું છે, પણ એ 10 ડગલા પાછળ જાય એમ કરો.”
11 પ્રબોધક યશાયાએ યહોવાને મોટેથી પોકાર કર્યો, છાંયડાને 10 ડગલા પાછળ હઠાવ્યો, આ રીતે સૂર્ય આહાઝના સૌર-ઘડિયાલ પર ક્ષીણ થયો.
બાબિલનો માણસ અને હિઝિક્યા
12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા. 13 હિઝિક્યાએ તેઓનો આભાર માન્યો અને તેઓને પોતાનો આખો ખજાનો બતાવ્યો, તેના ભંડારના બધા જ ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ અને શસ્રભંડાર એ સર્વ તેને બતાવ્યું.
14 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?”
હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”
15 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?”
હિઝિક્યાએ કહ્યું, “એ લોકોએ મારા મહેલમાં બધું જ જોયું છે. જે કંઇ પણ ભંડારમાં હતું તે બધું તેમણે જોયું છે, ત્યાં કંઇ બાકી નહોતું રાખ્યું જે મેં તેમને ન બતાવ્યું હોય.”
16 ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે; 17 એવો સમય આવી રહ્યો છે જયારે તારા મહેલમાંનું બધું જ, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલ લઇ જશે. કશું જ બાકી રહેશે નહિ. 18 અને તારા પોતાના પુત્રોને લઈ જઈને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.”
19 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.”
તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”
20 હિઝિક્યાનાઁ શાસનનાં બીજા બનાવો અને તેણે કરેલા કાર્યોની તથા તેણે નગરમાં પાણી લાવવા માટે બંધાવેલાં નહેરો અને બંધો આ બધું યહૂદાના રાજાઓનાં ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 21 એ પછી હિઝિક્યા પિતૃલોકને પામ્યો એટલે તેનો પુત્ર મનાશ્શા તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કરવા લાગ્યો.
આપણું તારણ નિયમ કરતાં મહાન છે
2 આથી આપણને જે કઈ સત્ય શીખવવામાં આવ્યું છે તેના તરફ ખૂબજ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ જેથી આપણે સત્યના માર્ગથી દૂર ફંટાઇ ન જઇએ. 2 દેવે દૂતો દ્ધારા જે શિક્ષણ આપ્યું તે સત્ય કરી બતાવ્યું હતું. અને દરેક વખતે જ્યારે યહૂદિ લોકો આ શિક્ષણની વિરૂદ્ધમા કંઈક કરતા તો તેમને આજ્ઞાભંગ માટે શિક્ષા કરવામાં આવતી હતી. 3 જે તારણ આપણને આપવામાં આવેલું છે તે અતિ મહાન છે તેથી ખાતરી પૂર્વકની વાત છે કે જો આપણે પણ તારણની ઉપેક્ષા કરીશું તો આપણને પણ શિક્ષા થશે. પ્રભુએ પોતે લોકોને પ્રથમ તારણની વાત કરી. અને જેમણે તેનું સાંભળ્યું તેમણે એ સાક્ષી પૂરી કે આ તારણ તે સાચું તારણ છે. 4 દેવે પોતે પણ આ સત્યતાને, ચિહ્રનો, અદભૂત કૃત્યો, જુદા જુદા ચમત્કારો અને ભેટો વડે પ્રમાણિત કરી છે, અને તેની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્મા તરફથી દાન મેળવીને સાક્ષી આપતો રહ્યો છે.
તેઓને તારવા ખ્રિસ્તે માનવદેહ ધારણ કર્યો
5 નવી દુનિયા જે આવી રહી હતી તેના ઉપર શાસન કરવા દેવે દૂતોને પસંદ કર્યા નહિ. આપણે જે ભવિષ્યની દુનિયાની વાત કરીએ છીએ તે આ દુનિયા છે. 6 તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે,
“હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે?
મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે?
શું તે એટલો બધો અગત્યનો છે?
7 થોડા સમય માટે તેં તેને દૂતો કરતાં ઊતરતો ગણ્યો છે.
તેં તેને ગૌરવ તથા માનનો મુગટ આપ્યો છે. અને તારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8 સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” (A)
તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી. 9 થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો.
10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.
11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી. 12 ઈસુ કહે છે,
“હે દેવ, હું મારા ભાઈઓ અને બહેનોને તારા વિષે કહીશ.
તારા સર્વ લોકો આગળ હું તારાં સ્તોત્રો ગાઇશ.” (B)
13 તે એમ પણ કહે છે,
“હું દેવ પર ભરોસો રાખીશ” (C)
અને તે કહે છે,
“દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.” (D)
14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે. 15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે. 16 એ સ્પષ્ટ છે કે ઈસુ દૂતોને નહિ, પરંતુ મનુષ્યો જે ઇબ્રાહિમનાં[a] સંતાનો છે તેમને મદદ કરે છે. 17 આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.
ઇસ્રાએલે પોતાનો વિનાશ નોતર્યો
13 “એફ્રાઇમના વંશનો બોલ પડતાં બીજા વંશના લોકો ધ્રુજી ઊઠતાં. ઇસ્રાએલમાં એ વંશનું એવું માન હતું પરંતુ બઆલની પૂજા કરવાને કારણે એ લોકો અપરાધી ઠર્યા અને માર્યા ગયા. 2 અને હવે તેઓ પાપ ઉપર પાપ કર્યા જ જાય છે અને પોતાને માટે પોતાની કલ્પના પ્રમાણેની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવડાવે છે. એ બધી તો કારીગરે બનાવેલી છે, છતાં તેઓ કહે છે કે, ‘આને બલિ ચઢાવો.’ માણસો વાછરડાઓને ચુંબન કરે છે! 3 આથી તેઓ પરોઢના ધુમ્મસની જેમ, અથવા જોતજોતમાં ઊડી જતી ઝાકળની જેમ, અથવા ખળામાંથી પવન તણાઇ જતાં ભૂસાની જેમ કે, ધુમાડિયામાંથી નીકળતા ધુમાડાની જેમ હતા ન હતા થઇ જશે.”
4 યહોવા કહે છે: “તમે મિસરમાં હતાં ત્યારથી હું, યહોવા તમારો દેવ છું. મારા સિવાય તમારો કોઇ અન્ય દેવ નથી. અને મારા વિના તમારો કોઇ તારણહાર નથી. 5 ગરમ અને સૂકા અરણ્યમાં મેં તમારી કાળજી રાખી હતી. 6 પરંતુ તમે પેટ ભરીને ખાધુંપીધું અને ધરાયા એટલે તમને અભિમાન થઇ ગયું અને તમે મને ભુલી ગયા.
7 “એટલે હવે હું તમારા માટે સિંહ જેવો થઇશ, દીપડાની જેમ હું તમારા રસ્તાની બાજુમાં ટાંપીને બેસીશ. 8 જેનાં બચ્ચાં ઝૂટવી લેવાયા હોય એવી રીંછણની જેમ હું તમને ચીરી નાખીશ; અને સિંહની જેમ હું તમારો ભક્ષ કરીશ.
દેવના ક્રોધથી ઇસ્રાએલનો વિનાશ
9 “હે ઇસ્રાએલવાસીઓ, જો હું તમારો વિનાશ કરીશ, તો તમને મદદ કરનાર કોણ છે? 10 તમારું રક્ષણ કરનાર તમારો રાજા ક્યાં છે? તમારું રક્ષણ કરનારા તમારા બધા રાજકર્તાઓ ક્યાં છે? તમે જ તેમની પાસે મારી માગણી કરી હતી કે, ‘અમને એક રાજા આપો, રાજકર્તાઓ આપો.’ 11 મેં મારા ક્રોધમાં તમને રાજા આપ્યો હતો. અને હવે રોષે ભરાઇને મેં તેને લઇ લીધો છે.
12 “ઇસ્રાએલના પાપો ચોપડે નોંધવામાં આવેલા છે
અને યોગ્ય સમયે શિક્ષા માટે
તે ભરી રાખેલા છે.
13 એના પ્રસવ માટે વેદના-પીડા શરૂ થઇ છે,
પણ એ મૂર્ખ બાળક છે,
કારણકે સમય થયો હોવા છતાં
એ ઉદરમાંથી બહાર આવતું નથી.
14 “હું મૂલ્ય ચૂકવીને તેને શેઓલમાંથી છોડાવી લઇશ,
હું એમને મૃત્યુમાંથી છોડાવીશ.
તેની કસોટી કરવા માટે હે શેઓલ,
તારી વિનાશક શકિત છૂટી મૂક.
અરે મૃત્યુ તારી મહામારી મોકલ! કારણકે મારી આંખમાં દયા રહી નથી.
15 તેના સર્વ ભાઇઓમાં તે સૌથી વધુ નિષ્ઠાવાન ગણાતો હતો.
પરંતુ પૂર્વનો પવન-અરણ્યમાંથી આવતો યહોવાનો પવન
તેના ઉપર પ્રચંડ રીતે આવશે અને પછી ઝરા સુકાઇ જશે.
અને તેમના કુંવાઓ સૂકાઇ જશે
અને તેમનો મુલ્યવાન ખજાનો પવનમાં ઘસડાઇ જશે.
16 સમરૂને દેવની વિરૂદ્ધ બંડ કર્યું છે;
માટે તેણે તેના અપરાધના ફળ ભોગવવા પડશે.
તેના ઉપર આક્રમણ કરનાર સૈન્ય તેના લોકોનો સંહાર કરશે.
તેમના બાળકોને ભોંયે પછાડીને મારી નાખવામાં આવશે
અને તેમની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.
એ લોકો તરવારનો ભોગ બનશે.”
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
દાઉદને સમર્પિત એક ગીત.
1 હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
2 તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
3 મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
અને આત્મબળ આપી મને બળવાન કર્યો.
4 હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
કારણકે યહોવાનો મહિમા મહાન છે!
6 જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
તે દૂરથી જ ઓળખે છે.
7 ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
8 યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International