Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
લૂક 19-20

જાખ્ખી

19 ઈસુ યરેખોના શહેરમાં થઈને જતા હતો. યરેખોમાં જાખ્ખી નામનો માણસ રહેતો હતો. તે ઘણો શ્રીમંત અને કર ઉઘરાવનાર મુખ્ય માણસ હતો. તેણે પણ ઈસુને જોવાની ઈચ્છા હતી. ત્યાં બીજા ઘણા લોકો હતા તેઓની ઈચ્છા પણ ઈસુને જોવાની હતી. જાખ્ખી એટલો ઠીંગણો હતો કે લોકોની ભીડમાં જોઈ શકતો નહિ. તેથી ઈસુ જે જગ્યાએ આવવાનો હતો તે જાણીને તે ત્યાં દોડી ગયો. પછી જાખ્ખી એક ગુલ્લરના ઝાડ પર ચડ્યો જેથી તે ઈસુને જોઈ શકે.

જ્યારે ઈસુ તે જગ્યાએ આવ્યો ને ઊચે જોયું તો ત્યાં ઝાડ પર જાખ્ખીને જોયો. ઈસુએ તેને કહ્યું કે, “જાખ્ખી, જલદી નીચે આવ! હું આજે તારે ઘેર રહેવાનો છું.”

પછી જાખ્ખી જલ્દી નીચે આવ્યો. ઈસુને તેને ઘેર આવકારીને તે ખુશ થયો. બધા લોકોએ આ જોયું. તેઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ, ઈસુ કેવા માણસ સાથે રહે છે. જાખ્ખી એક પાપી છે!”

જાખ્ખીએ પ્રભુને કહ્યું, “હું સારું કરવા ઈચ્છું છું. હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપીશ. જો કોઈ વ્યક્તિને છેતરી હશે તો હું તેને ચારગણું વધારે પાછું આપીશ!”

ઈસુએ કહ્યું કે, “આ એક સજ્જન માણસ છે. સાચે જ તે ઈબ્રાહિમના પરિવારનો છે. તેથી આજે જાખ્ખીનું તેનાં પાપોમાંથી તારણ થયું છે! 10 માણસનો દીકરો ખોવાયેલા માણસોને શોધવા અને તેઓને તારવા આવ્યો છે.”

દેવ જે આપે તેનો ઉપયોગ કરો

(માથ. 25:14-30)

11 ઈસુ યરૂશાલેમ પાસે ફરી મુસાફરી કરીને આવ્યો. કેટલાએકે વિચાર્યુ કે દેવનું રાજ્ય જલ્દી પ્રગટ થશે. 12 ઈસુએ લોકોનો આ વિચાર જાણ્યો. તેથી તેણે તેઓને આ વાર્તા કહેવાની ચાલુ રાખી. “એક કુલીન માણસ પોતાના માટે રાજ્ય મેળવીને રાજા બનવા માટે પાછો આવવા દૂર દેશમાં ગયો. પછી તે માણસે પોતાને ઘરે પાછા ફરીને તેના લોકો પર શાસન કરવા માટે યોજના કરી. 13 પછી તેણે પોતાના ચાકરોમાંથી દસ જણને બોલાવ્યા. તેણે દરેક ચાકરને પૈસાની થેલી આપી. તે માણસે કહ્યું કે, ‘હું પાછો આવું ત્યાં સુધી આ પૈસા વડે વ્યાપાર કરો.’ 14 પણ રાજ્યના લોકો તે માણસને ધિક્કારતા હતા. તેથી લોકોએ એક સમૂહને તે માણસની પાછળ બીજા દેશમાં મોકલ્યા. બીજા દેશમાં આ સમૂહે કહ્યું કે, ‘અમે આ માણસ અમારો રાજા થાય એમ ઈચ્છતા નથી!’

15 “પરંતુ તે માણસ રાજા થયો. જ્યારે તે ઘેર પાછો ફર્યો, તેણે કહ્યું, ‘જે ચાકરો પાસે મારા પૈસા હતા તેઓને બોલાવો. હું જાણવા માગું છું કે તે પૈસા વડે તેઓ કેટલું વધારે કમાયા.’ 16 પહેલા ચાકરે આવીને કહ્યું, ‘સાહેબ, તેં મને આપેલી એક થેલી વડે હું દશ થેલી પૈસા[a] કમાયો!’ 17 રાજાએ ચાકરને કહ્યું, ‘સરસ! તું મારો ચાકર છે. હું જોઈ શકું છું કે હું નાની વસ્તુઓ માટે તારો વિશ્વાસ કરી શકું. તેથી મારા શહેરોમાંથી દશ શહેરો પર તારો અધિકાર રહેશે!’

18 “બીજો ચાકર આવ્યો અને કહ્યું કે; ‘સાહેબ, તારી પૈસાની એક થેલીમાંથી હું પાંચ થેલી કમાયો.’ 19 રાજાએ આ ચાકરને કહ્યું, ‘તું પાંચ શહેરોનો અધિકારી થઈ શકીશ.’

20 “પછી બીજો એક ચાકર અંદર આવ્યો અને રાજાને કહ્યું કે, ‘સાહેબ, આ રહી તારી પૈસાની થેલી. મેં તેને કપડાંના ટુકડામાં લપેટીને છુપાવી રાખી હતી. 21 મને તારી બીક લાગતી હતી કારણ કે તું શક્તિશાળી છે. હું જાણું છું કે તું બહું કડક છે. તું જે તારું નથી તે પણ માગી લે છે; અને જ્યાં તેં વાવ્યું નથી તેની ફસલ લણી લે તેવો છે.’

22 “પછી રાજાએ તે ચાકરને કહ્યું કે, ‘તું ખરાબ ચાકર છે, હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ. તેં કહ્યું કે, હું એક કડક માણસ છું. તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું. અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું. 23 જો તે સાચું હોય તો, તેં મારા પૈસા સાહુકારને ત્યાં (બેંકમાં) મૂક્યા હોત. પછી હું જ્યારે પાછો આવું ત્યારે, મારા પૈસાનું થોડું વ્યાજ મળ્યું હોત.’ 24 પછી જે માણસો ત્યાં ઊભા હતા તેઓને રાજાએ કહ્યું કે, ‘આ ચાકર પાસેથી પૈસાની થેલી લઈ લો અને જે ચાકર પૈસાની દશ થેલી કમાયો છે તેને તે આપો.’

25 “તે માણસોએ રાજાને કહ્યું કે, ‘પણ સાહેબ, તે ચાકર પાસે પૈસાની થેલી તો અત્યારે જ છે!’

26 “રાજાએ કહ્યું કે, ‘જે માણસ એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરે છે તે વધારે મેળવે છે. પણ જે વ્યક્તિ એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરતો નથી. તેની પાસેથી બધું જ લઈ લેવામાં આવે છે. 27 હવે મારા દુશ્મનો ક્યાં છે? ક્યાં છે એ લોકો જે હું તેઓનો રાજા થાઉં તેમ તેઓ ઈચ્છતા નહોતા? મારા દુશ્મનોને અહી લાવો અને તેઓને મારી નાખો. હું તેઓને મરતા જોઈશ!’”

યરૂશાલેમમાં ઈસુનો પ્રવેશ

(માથ. 21:1-11; માર્ક 11:1-11; યોહ. 12:12-19)

28 આ બાબતો કહ્યા પછી ઈસુએ યરૂશાલેમ તરફની મુસાફરી ચાલું રાખી. 29 ઈસુ બેથફગે તથા બેથાનીયા શહેર પાસે જૈતૂન નામના પહાડ નજીક આવ્યો. ઈસુએ તેના બે શિષ્યોને મોકલ્યા. 30 તેણે કહ્યું કે, “તમે ત્યાં જે શહેર જુઓ છો ત્યાં જાઓ, જ્યારે તમે શહેરમાં પ્રવેશસો તો તમે એક (ગધેડાનું) વછેરું ત્યાં બાધેલું જોશો. આ વછેરા પર કોઈએ કદાપિ સવારી કરી નથી. વછેરાને છોડીને મારી પાસે લઈ આવો. 31 જો કોઈ વ્યક્તિ તમને પૂછે કે તમે વછેરાને શા માટે લઈ જાઓ છો. તમારે કહેવું, ‘પ્રભુને આ વછેરાની જરૂર છે.’”

32 બે શિષ્યો શહેરમાં ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે જ તેઓને વછેરું મળ્યું. 33 શિષ્યોએ વછેરાને છોડ્યું. પણ વછેરાના માલિકો બહાર આવ્યા. તેઓએ શિષ્યોને કહ્યું કે, “તમે અમારા વછેરાને શા માટે છોડો છો?”

34 શિષ્યોએ ઉત્તર આપ્યો કે, “પ્રભુને તેની જરુંર છે.” 35 તેથી ઈસુની પાસે તે શિષ્યો વછેરાને લાવ્યા. શિષ્યોએ વછેરાની પીઠ પર તેઓનાં લૂગડાં મૂક્યા. પછી તેઓએ ઈસુને વછેરા પર બેસાડ્યો. 36 ઈસુએ યરૂશાલેમના રસ્તે વછેરા પર સવારી કરી. શિષ્યો ઈસુની આગળ પોતાના લૂગડાં રસ્તા પર પાથરતાં હતા.

37 ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી. 38 તેઓએ કહ્યું કે,

“‘પધારો! પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!’ (A)
આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ!”

39 કેટલાએક ફરોશીઓ જે ટોળામાં હતાં તેઓએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, તારા શિષ્યોને કહે કે આવી વાતો ના ઉચ્ચારે!”

40 ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું તમને કહું છું, આ બાબતો કહેવાવી જોઈએ. જો મારા શિષ્યો આ નહિં કહે તો આ પથ્થરો તેઓને બૂમો પાડીને કહેશે.”

યરૂશાલેમ માટે ઈસુનું રૂદન

41 ઈસુ યરૂશાલેમ પાસે આવ્યો. તેણે શહેર જોયું અને તે માટે રૂદન કર્યુ. 42 ઈસુએ યરૂશાલેમને કહ્યું કે, “હું ઈચ્છું છું કે તેં આજે શાંતિ શાના વડે લાવી શકાય તે જાણ્યું હોત. પણ તેં તે જાણ્યું નથી કારણ કે તે તમારાથી ગુપ્ત રખાયેલ છે. 43 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો તારી આજુબાજુ દીવાલ બાંધશે અને તને દુશ્મનો ચારે બાજુથી ઘેરી લેશે. તેઓ તને સપડાવશે અને પકડશે. 44 તેઓ તારા મકાનના એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેવા દેશે નહિ. જ્યારે દેવ તારો ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે તે સમયને તેં ઓળખ્યો નહિ.”

ઈસુનું મંદિરમાં આગમન

(માથ. 21:12-17; માર્ક 11:15-19; યોહ. 2:13-22)

45 ઈસુ મંદિરમાં પ્રવેશ્યો અને વસ્તુઓ વેચનારાઓની વસ્તુઓ બહાર ફેંકવા માડી. 46 ઈસુએ કહ્યું કે, “શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે.’(B) પરંતુ તમે તેને ‘ચોરોને છુપાવા માટેનો અડ્ડો બનાવી દીધું છે.’”

47 ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતો હતો. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. 48 પણ બધાજ લોકો ઈસુને નજીકથી એકાગ્રતાથી સાંભળતા હતા. ઈસુ જે કહેતો તેમાં તેઓને ખુબ રસ હતો. તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓને તેને કેવી રીતે મારી નાખવા શું કરવું તે સૂઝતુ ન હતું.

યહૂદિ આગેવાનો ઈસુને પ્રશ્ર પૂછે છે

(માથ. 21:23-27; માર્ક 11:27-33)

20 એક દિવસ ઈસુ મંદિરમાં હતો. તે લોકોને બોધ આપતો હતો. ઈસુ દેવના રાજ્ય વિષેની સુવાર્તા લોકોને કહેતો હતો. ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વૃદ્ધ યહૂદિ આગેવાનો પણ ઈસુ સાથે વાત કરવા આવ્યા. તેઓએ કહ્યું કે, “અમને કહે! કયા અધિકારથી તું આ વસ્તુઓ કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો?”

ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું પણ તમને એક પ્રશ્ર પૂછીશ; મને કહો; જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે આકાશમાંથી આવ્યું હતુ કે માણસોમાંથી?”

યાજકો, શાસ્ત્રીઓ, યહૂદિ આગેવાનો બધા આ અંગે વાતો કરવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “જો આપણે ઉત્તર આપીશું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવથી થયુ હતુ તો એ કહેશે, તો તમે શા માટે યોહાનને માનતા નથી?’ પણ જો આપણે કહીએ કે, યોહાનનું બાપ્તિસ્મા માણસથી થયું હતુ તો પછી બધા લોકો આપણને પથ્થરોથી મારી નાખશે. કારણ કે તેઓ માને છે કે યોહાન એક પ્રબોધક હતો.” તેથી તેઓએ ઉત્તર આપ્યો કે, “અમે ઉત્તર જાણતા નથી.”

તેથી ઈસુએ તેઓને કહ્યું કે, “તો હું તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.”

દેવ તેના પુત્રને મોકલે છે

(માથ. 21:33-46; માર્ક 12:1-12)

પછી ઈસુએ લોકોને આ વાર્તા કહી, “એક માણસે વાડીમાં દ્ધાક્ષા રોપી. કેટલાએક ખેડૂતોને જમીન ઇજારે આપી પછી તે લાબાં સમય સુધી બહાર ગયો. 10 થોડા સમય પછી દ્ધાક્ષની ફસલનો સમય આવ્યો. તેથી તે માણસે પેલા ખેડૂતો પાસે એક ચાકરને મોકલ્યો, જેથી તેઓ તેને તેના ભાગની દ્ધાક્ષ આપે. પણ તે ખેડૂતોએ ચાકરને માર્યો અને કંઈ પણ આપ્યા વિના કાઢી મૂક્યો. 11 તેથી તે માણસે બીજા એક ચાકરને મોકલ્યો. ખેડૂતોએ આ ચાકરને પણ માર્યો. તેઓએ તેનું સહેજ પણ માન રાખ્યું નહિ. તે ખેડૂતોએ તે ચાકરને કાંઇ આપ્યા વિના કાઢી મૂક્યો. 12 તેથી માણસે ત્રીજા સેવકને ખેડૂતો પાસે મોકલ્યો, ખેડૂતોએ આ ચાકરને ખરાબ રીતે ઇજા પહોંચાડી અને તેને બહાર ફેંકી દીધો.

13 “ખેતરના માલિકે કહ્યું કે, ‘હવે હું શું કરું? હું મારા પુત્રને મોકલીશ. હું મારા પુત્રને ઘણો ચાહું છું. કદાચ ખેડૂતો મારા પુત્રને માન આપે!’ 14 જ્યારે ખેડૂતોએ પુત્રને જોયો ત્યારે તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ માલિકનો દીકરો છે. આ ખેતરો તેના થશે.’ જો આપણે તેને મારી નાખીશું ત્યાર પછી તેના ખેતરો આપણા થશે. 15 તેથી ખેડૂતોએ પુત્રને ખેતરમાંથી બહાર કાઢી મૂક્યો અને મારી નાખ્યો.

“આ ખેતરનો ધણી તેઓને શું કરશે? 16 તે આવીને પેલા ખેડૂતોને મારી નાખશે! પછી કે બીજા કેટલાએક ખેડૂતોને ખેતર આપશે.”

લોકોએ આ વાર્તા સાંભળી. તેઓએ કહ્યું કે, “ના! આવું કદી ન થાઓ!” 17 પરંતુ ઈસુએ તેઓની તરફ નજર કરી અને કહ્યું કે, “તો પછી આ લખાણનો શો અર્થ:

‘જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો. તે જ ખૂણાનું મથાળું થયો?’(C)

18 જે વ્યક્તિ તે પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે અને જો તે પથ્થર તમારા પર પડશે તો તે તમને કચડી નાખશે!”

19 શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો આ વાર્તા જે ઈસુએ કહી તે સાંભળી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ તે વખતે ઈસુને પકડવા ઈચ્છતા હતા. પરંતુ લોકો કંઈ કરશે તો તેવો તેઓને ડર હતો.

યહૂદિ આગેવાનોની ઈસુ સામેની યુક્તિ

(માથ. 22:15-22; માર્ક 12:13-17)

20 તેથી શાસ્ત્રીઓ અને યાજકોએ ઈસુને પકડવાના યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. તેઓએ કેટલાએક માણસોને ઈસુ પાસે મોકલ્યા. તેઓએ આ માણસોને તેઓ સારા હોય તે રીતે વર્તવા કહ્યું. ઈસુ જે કંઈ કહે તેમાં કંઈક ખોટું શોધવા તેઓ ઈચ્છતા હતા, જો તેઓ કંઈ ખોટું શોધી કાઢે તો પછી તેઓ ઈસુને શાસનકર્તાને સોંપી શકે જેની પાસે સત્તા અને અધિકાર હતા. 21 તેથી તે માણસોએ ઈસુને પૂછયું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું જે કહે છે અને શીખવે છે તે દેવના માર્ગ માટે સાચું છે, કોણ સાંભળે છે તેનું કોઈ મહત્વ નથી, તું એ જ બધા લોકોને શીખવે છે. તું હંમેશા સત્યથી દેવનો માર્ગ શીખવે છે. 22 અમને કહે કે, અમારે કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના?”

23 પણ ઈસુએ જાણ્યું કે આ માણસો તેની સાથે કપટ કરી રહ્યા છે. ઈસુએ તેઓને કહ્યું કે, 24 “મને એક દીનાર સિક્કો બતાવો, સિક્કા પર કોનું નામ છે? અને તેના પર કોની છાપ છે?”

તેઓએ કહ્યું કે, “કૈસરની.”

25 ઈસુએ તેઓને કહ્યું કે, “તો કૈસરની જે વસ્તુઓ હોય તે કૈસરને અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.”

26 તે માણસો તેના શણપણભર્યા ઉત્તરથી આશ્ચર્ય પામ્યા. તેઓ કંઈ બોલી શક્યા નહિ. તે માણસો લોકો આગળ ઈસુને ફસાવવામાં ફાવ્યા નહિ. ઈસુએ કશું કહ્યું નહિ જેથી તેઓ તેની વિરૂદ્ધ ઉપયોગ કરી શકે.

કેટલાએક સદૂકિઓની ઈસુ સામેની યુક્તિ

(માથ. 22:23-33; માર્ક 12:18-27)

27 કેટલાએક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે મૃત્યુ પછી પુનરુંત્થાન નથી.) તેઓએ ઈસુને પૂછયું કે; 28 “ઉપદેશક, મૂસાએ આપણા માટે લખ્યું છે કે જો પરણીત માણસ મૃત્યુ પામે અને તેની પત્નીને બાળક ના હોય તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત્યુ પામેલા ભાઈ માટે બાળકો થશે. 29 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ એક સ્ત્રીને પરણ્યો, પણ મૃત્યુ પામ્યો. તેને બાળકો ન હતાં. 30 પછી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. 31 અને ત્રીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. આ જ ઘટના બધાજ સાતે ભાઈઓ સાથે બની. તેઓ બધા મૃત્યુ પામ્યા. અને તેઓને બાળકો ન હતા. 32 છેલ્લે મૃત્યુ પામનાર સ્ત્રી હતી. 33 પરંતુ બધા સાતે ભાઈઓ તેણીને પરણ્યા. તેથી જ્યારે મૃત્યુ પછી પુનરુંત્થનનો સમય આવશે, ત્યારે આ સ્ત્રી કોની પત્ની થશે?”

34 ઈસુએ સદૂકીઓને કહ્યું કે, “પૃથ્વી પર લોકો પરણે છે. 35 જે લોકો મૃત્યુ પછી પુનરુંત્થાન થવા માટે યોગ્ય રીતે ન્યાયી ઠરશે અને આ જીવન પછી ફરી જીવશે. તે નવા જીવનમાં તેઓ પરણશે નહિ. 36 તે જીવન દરમ્યાન લોકો દેવદૂત જેવાં હોય છે અને તેઓનું કદી મૃત્યુ થતું નથી. તેઓ દેવના બાળકો છે કારણ કે તેઓ મૃત્યુમાંથી સજીવન થાય છે. 37 મૂસાએ સ્પષ્ટ બતાવ્યું છે કે લોકો મૃત્યુમાંથી ઊઠે છે. જ્યારે મૂસા બળતા ઝાડવામાં દેવ દર્શનના પ્રસંગનું વર્ણન કરે છે. ત્યારે તે પ્રભુને ‘ઈબ્રાહિમનો દેવ, ઈસહાકનો દેવ અને યાકૂબનો દેવ કહે છે.’[b] 38 જો દેવ કહે કે તે તેઓના દેવ છે તો પછી આ માણસો ખરેખર મૃત્યુ પામેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો જ દેવ છે. બધાં જ લોકો દેવના છે તે જીવતા છે.”

39 કેટલાએક શાસ્ત્રીઓએ કહ્યું કે, “ઉપદેશક, તારો ઉત્તર ઘણો સારો છે.” 40 તે પછી વધારે પ્રશ્રો ઈસુને પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.

શું ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?

(માથ. 22:41-46; માર્ક 12:35-37)

41 પછી ઈસુએ કહ્યું કે, “ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો શા માટે કહે છે? 42 ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે:

‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે:
તું મારી જમણી બાજુએ બેસ,
43     અને હું તારા શત્રુંઓને તારા કબજામાં મૂકીશ.’ (D)

44 જો દાઉદ ખ્રિસ્તને તેના ‘પ્રભુ’ કહે તો પછી ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે થઈ શકે?”

શાસ્ત્રીઓથી સાવધાન રહેવાની ચેતવણી

(માથ. 23:1-36; માર્ક 12:38-40; લૂ. 11:37-54)

45 બધા લોકો ઈસુને ધ્યાનથી સાંભળતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, 46 “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરીને માનવંતા દેખાડવાનું ગમે છે. બજારનાં સ્થળોએ તેઓને લોકો માન આપે તેમ તેઓ ઈચ્છે છે. તેઓ સભાસ્થાનોમાં, મુખ્ય મહત્વની બેઠકો મેળવવા ચાહે છે. તેઓ જમણવારમાં પણ મહત્વની બેઠકો ચાહે છે. 47 પણ તેઓ વિધવાઓના ઘર પડાવી લે છે. તેઓ લાંબી પ્રાર્થનાઓ કરીને તેઓની જાતે સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. દેવ આ લોકોને વિશેષ શિક્ષા કરશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International