Read the Gospels in 40 Days
ઈસુનું નોકરને સાજા કરવું
(માથ. 8:5-13; યોહ. 4:43-54)
7 ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો. 2 ત્યાં કફરનહૂમમાં એક લશ્કરનો અમલદાર હતો. તે અમલદારને એક નોકર હતો જે ઘણો માંદો હતો. તે મરવાની અણી પર હતો, તે અમલદાર નોકરને ઘણો ચાહતો હતો. 3 જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. 4 તે માણસો ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને અમલદારને મદદ કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું, “આ અમલદાર તમારી મદદ માટે યોગ્ય છે. 5 તે આપણા લોકોને ચાહે છે અને આપણા માટે તેણે સભાસ્થાન બંધાવ્યું છે.”
6 તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી. 7 તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી. તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે. 8 હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.”
9 જ્યારે ઈસુએ આ સાંભળ્યું; તે આશ્ચર્યચકિત થયો. જે લોકો તેની પાછળ આવતા હતા તેઓના તરફ ઈસુ પાછો ફર્યો. ઈસુએ કહ્યું, “હું તમને કહું છું આટલો બધો વિશ્વાસ તો મેં ઇઝરાએલમાં પણ નથી જોયો.”
10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો.
ઈસુનું માણસને સજીવન કરવું
11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. 12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા. 13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,” 14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.” 15 પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”
17 ઈસુ વિષેના આ સમાચાર આખા યહૂદિયામાં અને આસપાસના બધાજ પ્રદેશમાં પ્રસરી ગયા.
યોહાનનો પ્રશ્ર
(માથ. 11:2-19)
18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”
20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?”
21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!”
24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે:
‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’(A)
28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”
29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)
31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે:
‘અમે તમારે માટે સંગીત વગાડ્યું,
પણ તમે નાચ્યા નહિ;
અમે કરૂણ ગીત ગાયું,
પણ તમે દિલગીર થયા નહિ.’
33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.”
સિમોન ફરોશી
36 ફરોશીઓમાંના કોઈ એકે ઈસુને પોતાની સાથે જમવા માટે કહ્યું. ઈસુ ફરોશીના ઘરમાં ગયો અને મેજ પાસે બેઠો.
37 તે સમયે તે શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જાણ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમવા બેઠો છે. તેથી તે અત્તરની આરસપાનની એક ડબ્બી લાવી. 38 તે ઈસુના પગ પાસે ઊભી રહી, અને રડવા લાગી. પછી તેના આંસુઓથી તેના પગ ધોવાનું શરૂ કર્યું. તે પોતાના ચોટલાથી ઈસુના પગ લૂછવા લાગી. તેણે તેના પગને ઘણીવાર ચૂમ્યા અને પછી અત્તરથી ચોળ્યા.
39 ઈસુને પોતાને ઘેર આવવા જે ફરોશીએ કહ્યું હતું, તેણે આ જોયું. તે તેની જાતે વિચાર કરવા લાગ્યો. “જો આ માણસ પ્રબોધક હોત તો એ જાણતો હોત કે જે સ્ત્રીતેને સ્પર્શે છે તે પાપી છે!”
40 ઈસુએ ફરોશીને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.”
સિમોને કહ્યું, “ઉપદેશક તું શું કહેવા માગે છે?”
41 ઈસુએ કહ્યું, “બે માણસો હતા, બંને એક જ લેણદારના દેવાદાર હતા, એક માણસને લેણદારનું 500 ચાંદીના સિક્કાનું દેવું હતું. બીજાને લેણદારનું 50 ચાંદીના સિક્કાનું દેવું હતું. 42 માણસો પાસે પૈસા ન હતા, તેથી તેઓનું દેવું ચૂકવી શક્યા નહિ. પરંતુ લેણદારે તે માણસોને કહ્યું, ‘તેઓએ તેને કશું આપવાનું નથી. તે બે માણસોમાંથી કયો માણસ લેણદારને વધુ પ્રેમ કરશે?’”
43 સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જે માણસને તેનું સૌથી વધારે દેવું હતું તે.”
ઈસુએ સિમોનને કહ્યું, “તું સાચો છે.” 44 પછી ઈસુ તે સ્ત્રીતરફ વળ્યો અને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? જ્યારે હું તારા ઘરમાં આવ્યો ત્યારે તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નહી. પણ તેણે મારા પગ તેના આંસુથી ધોયા અને તેના ચોટલાથી લૂંછયા છે. 45 તેં મને ચુંબન કર્યુ નથી, પણ હું જ્યારથી અંદર આવ્યો ત્યારથી તે જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે! 46 તેં મારા માથામાં તેલ ચોળ્યું નથી, પણ તેણે મારા પગ પર અત્તર ચોળ્યું છે. 47 તેથી હું તને કહું છું કે, તેના ગણા પાપો હોવા છતાં માફ થયા છે. આ સ્પષ્ટ છે, કારણ કે તેણે ઘણો પ્રેમ દર્શાવ્યો છે. પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે પ્રેમ પણ થોડોક દર્શાવે છે.”
48 પછી ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા પાપ માફ કરવામાં આવ્યા છે.”
49 જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”
50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.”
ઈસુ સાથેનો લોકસમુહ
8 બીજા દિવસે, ઈસુએ કેટલાક શહેરો અને નાનાં ગામોની મુસાફરી કરી. ઈસુ ઉપદેશ આપતો અને દેવના રાજ્યની સુવાર્તા પણ આપતો. તેની સાથે બાર શિષ્યો હતા. 2 તેની સાથે કેટલીએક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તે સ્ત્રીઓને ભૂંડા આત્માઓના બંધનમાંથી મુક્ત કરીને તેઓને માંદગીમાંથી સાજી કરી હતી. તે સ્ત્રીઓમાંની એકનું નામ મરિયમ હતું, તે મગ્દલા ગામની હતી. જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં. 3 આ સ્ત્રીઓની સાથે ખૂઝાની પત્ની યોહાન્ના (હેરોદનો કારભારી) અને સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓ તેમના પોતાના પૈસાનો ઉપયોગ ઈસુ અને તેના પ્રેરિતોને મદદ માટે કરતી.
ઈસુનું બી વાવનારનું દ્ધષ્ટાંત
(માથ. 13:1-17; માર્ક 4:1-12)
4 ઘણા લોકો ભેગા થવા આવ્યા. દરેક શહેરમાંથી લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ તે લોકોને આ દ્ધષ્ટાંત કહ્યું:
5 “એક ખેડૂત તેનાં બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની ધારે પડ્યા. લોકો તે બી પર ચાલ્યા અને પક્ષીઓ આ બધા બી ખાઈ ગયાં. 6 કેટલાંએક બી ખડક પર પડ્યાં આ બી ઊગવાની શરૂઆત થઈ, પણ પછી કરમાઇ ગયાં કારણ કે બી ને પાણી મળ્યું નહિ. 7 કેટલાંએક બી કાંટાવાળી ઝાડી પર પડ્યાં. આ બી ઊગ્યાં પણ પછી કાંટાઓએ તેને ઊગતાં જ દાબી દીધાં. 8 અને કેટલાંએક બી સારી જમીન પર પડ્યાં. આ બી ઊગ્યાં અને તેમાંથી 100 ગણા દાણા પાક્યાં.”
ઈસુએ દ્ધંષ્ટાત પૂરું કર્યા પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો તે ધ્યાનથી સાંભળો!”
9 ઈસુના શિષ્યોએ તેને પૂછયું, “આ વાર્તાનો અર્થ શું છે?”
10 ઈસુએ કહ્યું, “દેવના રાજ્યનું રહસ્ય સમજવા માટે તમારી પસંદગી થયેલ છે. પણ બીજા લોકોને કહેવા માટે હું દ્ધષ્ટાંતોનો ઉપયોગ કરું છું. આમ કહું છું તેથી:
‘તેઓ નજર કરશે,
પણ તેઓ જોશે નહિ;
અને તેઓ ધ્યાનથી સાંભળશે,
પણ તેઓ સમજશે નહિ.’(B)
ઈસુ બી ના દ્ધષ્ટાંતનો અર્થ સમજાવે છે
(માથ. 13:18-23; માર્ક 4:13-20)
11 “દ્ધષ્ટાંતનો અર્થ આ છે: બી એ તો દેવના વચન છે. 12 રસ્તાની ધારે પડેલું બી એટલે શું? તે એવા લોકો છે જે ઉપદેશ સાંભળે છે પણ પછી શેતાન આવે છે અને તેઓના હ્રદયમાંથી ઉપદેશ લઈ જાય છે. તેથી એ લોકો ઉપદેશમાં માનતા નથી અને બચી શકતા નથી. 13 પેલા ખડક પર પડેલા બી નો અર્થ શું? તે એવા લોકો જેવા છે જે દેવનો ઉપદેશ સાંભળે છે અને આનંદપૂર્વક સ્વીકાર કરે છે પણ આવા લોકોનાં મૂળિયાં ઊંડા હોતાં નથી તેઓ થોડા સમય માટે સ્વીકારે છે પણ જ્યારે પરીક્ષણનો સમય આવે છે, તો વિશ્વાસ ગુમાવે છે અને દેવથી દૂર જતા રહે છે.
14 “કાંટાવાળી ઝાડીમાં પડેલા બી નો અર્થ શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચન સાંભળે છે પણ આ જીવનની ચિંતાઓ, સંપત્તિ અને મોજમઝામાં તેઓનો વિકાસ અટકી જાય છે. અને તેથી તેઓને સારાં ફળ કદાપિ આવતાં નથી. 15 અને જે સારી જમીન પર પડ્યાં હોય છે તે બી નું શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચનો પ્રામાણિક શુદ્ધ હ્રદયથી સાંભળે છે. તેઓ દેવના વચનને અનુસરે છે અને ધીરજથી સારા ફળ પ્રાપ્ત કરે છે.
તમારી સમજશક્તિનો ઉપયોગ
(માથ. 4:21-25)
16 “કોઈ પણ વ્યક્તિ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકતો નથી. અથવા ખાટલા નીચે છુપાવતો નથી. તે માણસ દીવો દીવી પર મૂકે છે તેથી જે લોકો અંદર આવે તેઓને જોવા માટે પૂરતો પ્રકાશ મળશે. 17 દરેક વસ્તુ જે છુપાયેલી છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ જાહેર થઈ જશે. 18 તેથી તમે કેવી રીતે ધ્યાનથી સાંભળો છો તે માટે સાવધાન બનો. જે વ્યક્તિ પાસે થોડીક સમજશક્તિ હશે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે વ્યક્તિ પાસે સમજશક્તિ નહિ હોય, તેની પાસેથી તેના ધારવા મુજબ જે થોડી સમજશક્તિ હશે તે પણ તે ગુમાવશે.”
ઈસુના શિષ્યો એ જ તેનું સાચું કુટુબ
(માથ. 12:46-50; માર્ક 3:31-35)
19 ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ. 20 કોઈકે ઈસુને કહ્યું, “તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભા છે. તેઓ તને મળવા ઈચ્છે છે.”
21 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ લોકો જે દેવની વાત ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તેઓ મારી મા તથા મારા ભાઈઓ છે!”
ઈસુની સત્તાનું શિષ્યોને દર્શન
(માથ. 8:23-27; માર્ક 4:35-41)
22 એક દિવસ ઈસુ અને તેના શિષ્યો એક હોડીમાં ચઢ્યા. ઈસુએ તેઓને કહ્યું, “મારી સાથે સરોવરને પેલે પાર આવો.” અને તેથી તેઓએ હોડી હંકારવાનું શરૂ કર્યુ. 23 જ્યારે તેઓ હાંકારતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. સરોવર પર વાવાઝોડું ફૂંકાયું. જેથી હોડીમાં પાણી ભરાવા લાગ્યું. તેઓ જોખમમાં હતા. 24 તેના શિષ્યો ઈસુ પાસે ગયા અને તેને જગાડ્યો. તેઓએ કહ્યું, “સ્વામી! સ્વામી! આપણે ડૂબી જઈશું!”
ઈસુ ઊભો થયો. તેણે પવનને અને પાણીનાં મોજાંને હૂકમ કર્યો. પવન અટક્યો અને સરોવર શાંત થઈ ગયું. 25 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?”
શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, “આ કેવા પ્રકારનો માણસ છે? તે પવન અને પાણીને પણ હૂકમ કરે છે અને તેઓ તેનું માને છે!”
26 ઈસુ અને તેના શિષ્યો ગાલીલથી સરોવરને પેલે પાર હોડી હંકારી ગયા. તેઓ ગેરસાનીઓના લોકોના પ્રદેશમાં આવી પહોંચ્યા. 27 જ્યારે ઈસુ હોડીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે શહેરમાનો એક માણસ ઈસુ પાસે આવ્યો. આ માણસમાં ભૂતો હતાં. તે ઘણા લાંબા સમયથી કપડાં પહેરતો ન હતો. તે ઘરમાં નહિ પણ જ્યાં લોકોના મૃતદેહો દાટવામાં આવતા તે ગુફાઓમાં તે રહેતો.
28-29 અશુદ્ધ આત્મા તેને વારંવાર વળગતો. તેને કાબુમાં રાખવા માટે તેના હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવતા. તે માણસ હંમેશા સાંકળો તોડી નાંખતો. અને તેના અંદર રહેલા ભૂતો નિર્જન જગ્યાએ બહાર જવા તેને દબાણ કરતા. પછી ઈસુએ તે અશુદ્ધ આત્માને આ માણસમાંથી બહાર આવવા હુકમ કર્યો તે માણસ ઈસુની આગળ નીચે પડ્યો અને મોટા સાદેથી બૂમો પાડવા લાગ્યો, “ઓ ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસેથી શું ઈચ્છે છે? મહેરબાની કરીને મને શિક્ષા કરીશ નહિ!”
30 ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?”
તે માણસે ઉત્તર આપ્યો, “સેના.” (તેણે કહ્યું તેનું નામ સેના હતું કારણ કે ઘણા ભૂતો તેનામાં પેઠાં હતા.) 31 ભૂતોએ ઈસુને વિનંતી કરી કે અમને અનંતકાળના અંધકારમાં મોકલીશ નહિ. 32 ત્યાં એક ટેકરીની બાજુમાં ઘણાં ભૂંડોનું ટોળું ચરતું હતું. ભૂતોએ ઈસુને વિનંતી કરી કે, અમને ભૂંડોમાં પ્રવેશવાની રજા આપો. તેથી ઈસુએ ભૂતોને તેમ કરવાની રજા આપી. 33 પછી ભૂતો માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. પછી ભૂંડોનું ટોળું પહાડની ધાર પરથી સરોવરમાં ધસી પડ્યું. બધાજ ભૂંડો ડૂબીને મરી ગયા.
34 ભૂંડો ચરાવનાર જે થયું હતું તે જોઈને તે પણ ભાગી ગયો. તે માણસોએ એ વાત શહેરમાં અને ગામડાંઓમાં જાહેર કરી. 35 શું બન્યું છે તે જોવા લોકો બહાર આવ્યા. લોકો ઈસુ પાસે આવ્યા ત્યાંરે તે માણસને ઈસુના પગ આગળ બેઠેલો જોયો. તે માણસે કપડાં પહેરેલાં હતા. માનસિક રીતે તે ફરીથી સ્વસ્થ હતો. અને અશુદ્ધ આત્માઓ જતા રહ્યાં હતા. તે લોકો ડરી ગયા. 36 તે લોકો કે જેમણે આ બાબત બનતાં જોઈ હતી તેમણે ઈસુએ આ માણસ કે જનામાં ભૂતો હતાં તેને કેવી રીતે સાજો કર્યો તે બીજા લોકોને કહ્યું. 37 ગેરસાનીઓના બધાજ લોકોએ ઈસુને દૂર ચાલ્યા જવા કહ્યું. તેઓ બધા ડરી ગયા હતા.
તેથી ઈસુ પાછો હોડીમાં બેઠો અને ગાલીલ પાછો ફર્યો. 38 જે માણસ કે જેનામાંથી ભૂતો નીકળ્યાં હતા તેણે ઈસુ સાથે જવા વિનંતી કરી. પણ ઈસુએ તે માણસને વિદાય કર્યો. અને કહ્યું, 39 “તારે ઘરે પાછો જા અને દેવે તારે માટે શું કર્યુ છે તે લોકોને કહે.”
તેથી તે માણસ ગયો અને આખા શહેરમાં કહ્યું કે ઈસુએ તેને માટે શું કર્યુ છે.
ઈસુ મૃત છોકરીને જીવનદાન આપે છે અને માંદી સ્ત્રીને સાજી કરે છે
(માથ. 9:18-26; માર્ક 5:21-43)
40 ઈસુ જ્યારે ગાલીલ પાછો ફર્યો ત્યારે લોકોએ તેનું સ્વાગત કર્યુ. દરેક વ્યક્તિ તેની રાહ જોતી હતી. 41 ઈસુ પાસે યાઈર નામનો એક માણસ આવ્યો. યાઇર સભાસ્થાનનો અધિકારી હતો. તે ઈસુના ચરણે પડ્યો અને ઈસુને વિનંતી કરી કે મારે ઘેર પધારો. 42 યાઇરને માત્ર એક દીકરી હતી. તે બાર વર્ષની હતી, જે મરણ પથારીએ હતી.
જ્યારે ઈસુ યાઇરને ઘરે જતો હતો તે દરમ્યાન તેની આજુબાજુ લોકોનું ટોળું તેના પર ઘસારો કરતું હતું. 43 ત્યાં એક સ્ત્રીહતી જેને બાર વર્ષથી લોહીવા હતો. પોતાની પાસે જે કઈ હતું તે બધું જ ખર્ય્યુ. પણ કોઈ વૈદ તેને સાજી કરી શક્યો ન હતો. 44 તે ઈસુની પાછળથી આવી અને તેનાં લૂગડાંની કોરને અડકી. તે જ ક્ષણે તેનો લોહીવા બંધ થઈ ગયો. 45 પછી ઈસુએ કહ્યું, “મને કોણ અડક્યું?”
બધા લોકોએ કહ્યું, તેઓએ ઈસુને સ્પર્શ કર્યો નથી. પિતરે કહ્યું, “સ્વામી, તારી આજુબાજુ જે લોકો છે તેઓ તારા પર ધસી રહ્યાં હતાં.”
46 ઈસુએ કહ્યું, “મને કોઈએ સ્પર્શ કર્યો છે. કેમકે મને ખબર પડી છે કે પરાક્રમ મારામાંથી બહાર નીકળ્યું છે.” 47 જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી. 48 ઈસુએ તેને કહ્યું, “દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા.”
49 હજી ઈસુ બોલતો હતો ત્યાં તો સભાસ્થાનના અધિકારી (યાઇર) ને ઘરેથી એક માણસ આવ્યો. અને કહ્યું કે, “તારી પુત્રીનું અવસાન થયું છે. હવે ઉપદેશકને તકલીફ આપીશ નહિ.”
50 ઈસુએ આ સાંભળ્યું, તેણે યાઇરને કહ્યું, “જરાય ગભરાઇશ નહિ. માત્ર વિશ્વાસ રાખ એટલે તારી પુત્રી સાજી થઈ જશે.”
51 ઈસુ ઘરે આવ્યો. ઈસુએ ફક્ત પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીના માબાપને જ તેની સાથે અંદર આવવા દીધા. ઈસુએ બીજા કોઈ પણ માણસને અંદર આવવા દીધા નહિ. 52 બધાજ લોકો રડતાં હતા અને વિલાપ કરતાં હતાં કારણ કે તે છોકરી મૃત્યુ પામી હતી. પણ ઈસુએ કહ્યું, “રડશો નહિ, તેનું મૃત્યુ થયું નથી, પણ તે ઊંઘે છે.”
53 લોકો ઈસુ તરફ હસ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઇ છે. 54 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને બોલાવી, “નાની છોકરી ઊભી થા!” 55 તેનો આત્મા તેનામાં પાછો આવ્યો ને તરત ઊભી થઈ. ઈસુએ કહ્યું, “તેને કઈક ખાવાનું આપો.” 56 તે છોકરીનાં માબાપ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસુએ તેઓને કહ્યું કે, જે કંઈ બન્યું છે તે વિષે કોઈને કહેતાં નહિ.
ઈસુ બાર પ્રેરિતોને મોકલે છે
(માથ. 10:5-15; માર્ક 6:7-13)
9 ઈસુએ તેના શિષ્યોને બોલાવીને તેઓને બધા ભૂતો પર, તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યાં. 2 તેણે તેઓને દેવના રાજ્ય વિષે કહેવા તથા માંદાઓને સાજા કરવા મોકલ્યા. 3 તેણે તેઓને કહ્યું, “જ્યારે તમે મુસાફરી કરો ત્યારે તમારી સાથે લાકડી લેશો નહિ, ઝોળી, ખોરાક કે પૈસા પણ લઈ જશો નહિ. પ્રવાસમાં ફક્ત તમે પહેરો છો તે જ કપડાં લેજો. 4 જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે તે જગ્યા છોડતા સુધી ત્યાં જ રહો. 5 જો શહેરના લોકો તમારું સ્વાગત ન કરે તો શહેરની બહાર જઈને તમારા પગ પર લાગેલી ધૂળ ખંખેરી નાખજો. આ તમને ચેતવણીરૂપ બનશે.”
6 તેથી તે શિષ્યો બહાર નીકળ્યા. તેઓ બધા ગામડાઓમાંથી પસાર થયા. તેઓ સુવાર્તા પ્રગટ કરતાં અને સર્વત્ર લોકોને સાજા કરતાં ગયા.
હેરોદની ઈસુ વિષેની મૂંઝવણ
(માથ. 14:1-12; માર્ક 6:14-29)
7 જે કંઈ બનતું હતું તે બધી બાબતો વિષે શાસનકર્તા હેરોદે સાંભળ્યું. તે મૂંઝવણમાં પડ્યો કારણ કે કેટલાએક લોકોએ કહ્યું, “યોહાન મૂએલામાંથી ઊઠ્યો છે.” 8 બીજા લોકોએ કહ્યું, “એલિયા આપણી પાસે આવ્યો છે.” અને બીજા કેટલાએક લોકોએ કહ્યું, “પ્રાચીન પ્રબોધકોમાંનો એક મૂએલાંમાંથી ઊભો થયો છે.” 9 હેરોદે કહ્યું, “મેં યોહાનનું મસ્તક કાપી નંખાવ્યું, પણ જેના સંબધી હું આ વાતો સાંભળું છું તે કોણ છે?” હેરોદે ઈસુને મળવાના પ્રયત્ન ચાલુ કર્યા.
ઈસુ 5,000થી વધુ લોકોને ખવડાવે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; યોહ. 6:1-14)
10 જ્યારે પ્રેરિતો પાછા આવ્યા. તેઓએ તેમના પ્રવાસમાં જે જે કર્યુ હતું તે ઈસુને કહ્યું અને ઈસુ તેઓને બેથસૈદા નામના શહેરમાં લઈ ગયો. જ્યા ઈસુ અને તેના પ્રેરિતો એકાંતમાં સાથે રહી શકે. 11 પણ લોકોને ખબર પડી કે ઈસુ ક્યાં ગયો છે. તેઓ તેની પાછળ ગયા. ઈસુએ તેઓને આવકાર્યા અને દેવના રાજ્ય સંબંધી વાત કરી. તેણે જે માંદા લોકો હતા તેઓને સાજા કર્યા.
12 નમતા બપોરે, તે બાર પ્રેરિતો ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “આ જગ્યાએ કોઈ રહેતા નથી. લોકોને વિદાય કરો. જેથી તેઓ તેમના માટે ખેતરમાં અને આજુબાજુના ગામોમાં જઇને ખાવાની અને રહેવાની સૂવાની જગ્યાની વ્યવસ્થા કરે.”
13 પરંતુ ઈસુએ પ્રેરિતોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”
પ્રેરિતોએ કહ્યું, “આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલીઓ જ છે. આ બધા લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ એમ તું ઈચ્છે છે?” 14 (ત્યાં લગભગ 5,000 માણસો હતાં.)
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકોને કહો પચાસ પચાસના સમૂહમાં બેસે.”
15 તેઓએ તેમ કર્યુ, અને બધાજ લોકો નીચે બેસી ગયા. 16 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. ઈસુએ ઊચે આકાશમાં જોયું અને ખોરાક માટે આશીર્વાદ માંગ્યો. પછી ઈસુએ ખોરાકના ભાગ પાડ્યા અને તે શિષ્યોને આપ્યા. ઈસુએ શિષ્યોને લોકોને ભોજન પીરસવાનું કહ્યું. 17 બધાજ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. છતાં ત્યાં ઘણું ખાવાનું રહ્યું હતું. અને છાંડેલા ખોરાકના ટૂકડાઓથી બાર ટોપલીઓ ભરી.
ઈસુ જ ખ્રિસ્ત છે
(માથ. 16:13-19; માર્ક 8:27-29)
18 એક વખત ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતો હતો. તેના શિષ્યો ભેગા થઈને ત્યાં આવ્યા. ઈસુએ તેઓને પૂછયું, “હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?”
19 શિષ્યોએ ઉત્તર આપ્યો, “કેટલાએક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા કેટલાએક કહે છે તું એલિયા છે અને કેટલાએક લોકો કહે છે; તું પ્રાચિન પ્રબોધકોમાંનો એક છે અને ફરી સજીવન થઈને આવ્યો છે.”
20 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “અને હું કોણ છું એ વિષે તમે શું કહો છે?”
પિતરે ઉત્તર આપ્યો, “તું દેવનો ખ્રિસ્ત છે.”
21 ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી.
ઈસુના મરણની આગાહી
(માથ. 16:21-28; માર્ક 8:31–9:1)
22 પછી ઈસુએ કહ્યું, “માણસના દીકરાએ સહન કરવું પડશે. મોટા યહૂદિ વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેનો અસ્વીકાર કરશે. માણસના દીકરાને મારી નાખવામાં આવશે. પણ ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી ઊભો થશે.”
23 ઈસુએ તે બધાને કહેવાનું ચાલુ રાખ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ઈચ્છતું હોય, તો તેણે પોતાની ઈચ્છાઓ અને વસ્તુઓને ‘ના’ કહેવી અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 24 જે કોઈ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા ઈચ્છશે તે પોતાનું જીવન ગુમાવશે. પણ જે કોઈ વ્યક્તિ મારે ખાતર પોતાનો જીવ ગુમાવશે, તો તેને તે બચાવશે. 25 કારણ કે જો કોઈ માણસ આખું જગત પ્રાપ્ત કરે પણ પોતાનો પ્રાણ ગુમાવે અથવા તેનો પોતાનો નાશ થાય તો તેને શો લાભ? 26 જો કોઈ મારા કારણે તથા મારા ઉપદેશને લીધે લજવાશે ત્યારે માણસનો દીકરો તે વ્યક્તિથી લજવાશે. જ્યારે તે તેના મહિમા સાથે અને બાપના મહિમા સાથે અને પવિત્ર દૂતોના મહિમા સાથે આવશે. 27 હું તમને સત્ય કહું છું, અહીં ઊભા રહેલાઓમાંથી તમે કેટલાએક લોકો મૃત્યુ પામતા પહેલા દેવના રાજ્યનું દર્શન કરશે.”
મૂસા, એલિયા, અને ઈસુ
(માથ. 17:1-8; માર્ક 9:2-8)
28 ઈસુ, એ વાતો કહ્યા પછી લગભગ આઠ દિવસો પછી પિતર, યોહાન તથા યાકૂબને લઈને પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયો. 29 ઈસુ જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે તેનો ચહેરો બદલાયો. તેનાં વસ્ત્રો સફેદ ચમકતાં થયાં. 30 તે પછી બે માણસો ઈસુ સાથે વાતો કરતાં હતા. તે માણસો મૂસા તથા એલિયા હતા. 31 મૂસા અને એલિયા પણ તેજસ્વી અને ચમકતા દેખાતા હતા. તેઓ ઈસુ સાથે તેના મૃત્યુ સંબંધી વાત કરતા હતા. જે યરૂશાલેમમાં થવાનું હતું. 32 પિતર અને બીજા ઘસઘસાટ ઊંઘતા હતા. પણ તેઓ જાગી ઊઠ્યા અને ઈસુનો મહિમા જોયો. તેઓએ ઈસુ સાથે ઊભેલા બે માણસોને પણ જોયા. 33 જ્યારે મૂસા અને એલિયા જ્યારે વિદાય થતા હતા ત્યારે પિતરે કહ્યું, “સ્વામી, આપણે અહીં છીએ તે સારું છે અમે અહીં ત્રણ તંબૂ બનાવીશું. એક તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે” (પિતર જે કંઈ કહેતો હતો તે સમજતો નહતો.)
34 જ્યારે પિતર આ બોલતો હતો ત્યારે તેઓની આજુબાજુ એક વાદળ આવ્યું. પિતર, યાકૂબ અને યોહાન ગભરાઇ ગયા. જ્યારે વાદળોએ તેઓને ઢાંકી દીધા. 35 વાદળામાંથી એક અવાજ આવ્યો. તે અવાજે કહ્યું, “આ મારો દીકરો છે. મારો પસંદ કરેલો. તેની આજ્ઞાનું પાલન કરો.”
36 જ્યારે તે અવાજ પૂરો થયો ત્યારે માત્ર ઈસુ જ ત્યાં હતો પિતર, યાકૂબ, યોહાને કંઈ કહ્યું નહિ. તે વખતે તેઓએ જે જોયું હતું તેમાનું કશુંય કોઈને કહ્યું નહિ.
જેનામાં અશુદ્ધ આત્મા હતો તે છોકરાને ઈસુ સાજો કરે છે
(માથ. 17:14-18; માર્ક 9:14-27)
37 બીજે દિવસે ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન પહાડ પરથી નીચે ઉતર્યા. લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો. 38 લોકોના સમુદાયમાંથી એક માણસે ઘાંટો પાડીને ઈસુને કહ્યું, “ઉપદેશક, મહેરબાની કરીને આવ અને મારા દીકરા તરફ જો. તે મારો એકનો એક દીકરો છે. 39 એક અશુદ્ધ આત્મા મારા પુત્રને વળગે છે, અને પછી તે બૂમો પાડે છે. તે તેની જાત પરનો કાબૂ ગુમાવે છે અને તેના મોંઢામાંથી ફીણ નીકળે છે. અશુદ્ધ આત્મા તેને ઇજા કરવાનું ચાલુ રાખે છે અને માંડ માંડ તેને છોડે છે. 40 મેં તમારા શિષ્યોને મારા પુત્રમાંથી દુષ્ટ આત્માઓને હાંકી કાઢવા વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.”
41 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે લોકો જે હમણાં જીવો છો પણ તમારામાં વિશ્વાસ નથી. તમારા જીવનો બધા ખોટાં છે. હું ક્યાં સુધી તમારી સાથે હોઇશ અને તમારી સાથે ક્યાં સુધી તમારું સહન કરું?” ઈસુએ તે માણસને કહ્યું, “તારા પુત્રને અહીં લાવ.”
42 જ્યારે તે છોકરો આવતો હતો ત્યારે અશુદ્ધ આત્માએ તેને જમીન પર પછાડ્યો. છોકરાએ તેની જાત પરનો કાબૂ ગુમાવ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ખૂબ ધમકાવ્યો. પછી તે છોકરો સાજો થઈ ગયો. અને ઈસુએ તે છોકરાને તેના બાપને પાછો આપ્યો. 43 બધા લોકો દેવના આ મહાન પરાક્રમથી આશ્ચર્યચકિત થયા.
ઈસુ તેના મૃત્યુ વિષેની વાત કહે છે
(માથ. 17:22-23; માર્ક 9:30-32)
હજુ પણ લોકો ઈસુએ જે જે બધુ કર્યું તેનાથી વિસ્મિત થતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, 44 “હું હમણાં તમને જે બાબતો કહીશ તેને ભૂલશો નહિ. માણસનો દીકરો કેટલાએક માણસોના બંધનોમાં મૂકાશે.” 45 પણ શિષ્યો ઈસુના કહેવાનો અર્થ સમજી શક્યા નહિ. તેનો અર્થ તેનાથી ગુપ્ત રખાયો જેથી તેઓ તે સમજી શક્યા નહિ. પણ શિષ્યો ઈસુએ જે કહ્યું હતું તે વિષે પૂછતાં ડરતા હતા.
સૌથી વધારે મહત્વની વ્યક્તિ
(માથ. 18:1-5; માર્ક 9:33-37)
46 ઈસુના શિષ્યોમાં વાદવિવાદ શરું થયો કે તેમનામાંનો કોણ સૌથી વધારે મહત્વનો છે. 47 ઈસુએ તેઓ શું વિચારતા હતા તે જાણ્યું. તેથી ઈસુએ એક નાનું બાળક લઈને પોતાની બાજુમાં ઊભૂં રાખ્યું. 48 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે કોઈ મારે નામે આ નાનાં બાળકનો અંગીકાર કરે છે તે વ્યક્તિ મારો અંગીકાર કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ મારો અંગીકાર કરે છે, ત્યારે તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે. તમારામાંનો એ વ્યક્તિ સૌથી મહત્વનો વ્યક્તિ છે જે નમ્ર છે.”
જે કોઈ તમારી વિરૂદ્ધ નથી તે તમારા પક્ષનો છે
(માર્ક 9:38-40)
49 યોહાને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે એક વ્યક્તિને તારા નામનો ઉપયોગ કરીને ભૂતોને લોકોમાંથી બહાર કાઢતા જોયો. અમે તેને બંધ કરવા કહ્યું, કારણ કે તે આપણા સમુદાયનો નથી.”
50 ઈસુએ યોહાનને કહ્યું, “તેને અટકાવશો નહિ. જે કોઈ તમારી વિરૂદ્ધ નથી. તે તમારા પક્ષનો જ છે.”
સમરૂની શહેર
51 ઈસુને આ દુનિયા છોડીને આકાશમાં પાછા જવાનો સમય નજીક આવતો હતો ત્યારે તેણે યરૂશાલેમ જવાનો નિર્ણય કર્યો. 52 ઈસુએ પોતાની આગળ કેટલાએક માણસોને મોકલ્યા. તે માણસો ઈસુ માટે સંપૂર્ણ તૈયારી કરવા સમરૂનીઓના એક શહેરમાં ગયા. 53 પણ ત્યાના લોકોએ તેને આવકાર્યો નહિ કારણ કે તે યરૂશાલેમ જતો હતો. 54 યાકૂબ અને યોહાન, જે ઈસુના શિષ્યો હતા તેમણે આ જોયું. તેઓએ કહ્યું, “પ્રભુ, શું તું ઈચ્છે છે કે, અમે આજ્ઞા કરીએ કે આકાશમાંથી આગ વરસે અને એ લોકોનો નાશ કરે?”[a]
55 પણ ઈસુએ પાછા ફરીને તેઓને ઠપકો આપ્યો.[b] 56 પછી ઈસુ અને તેના શિષ્યો બીજા એક શહેરમાં ગયા.
ઈસુને અનુસરવુ
(માથ. 8:19-22)
57 તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે કોઈ વ્યક્તિએ ઈસુને કહ્યું, “તું જે જગ્યાએ જશે ત્યાં હું તારી પાછળ આવીશ.”
58 ઈસુએ ઉત્તર આપ્યો, “લોંકડાંને રહેવા માટે દર હોય છે. પક્ષીઓને રહેવા માટે માળા હોય છે પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”
59 ઈસુએ બીજા એક માણસને કહ્યું, “મારી પાછળ આવ!”
પણ તે માણસે કહ્યું, “પ્રભુ, મને જવા દે અને પહેલા હું મારા પિતાને દાટું.”
60 પણ ઈસુએ તેને કહ્યું, “જે લોકો મરેલા છે તેઓને પોતાના મૃત્યુ પામેલાઓને દાટવા દે. તું જઇને દેવના રાજ્યની વાત પ્રગટ કર.”
61 બીજા એક માણસે કહ્યું, “પ્રભૂ, હું તારી પાછળ આવીશ પણ પહેલા મને મારા પરિવારમાં જઇને સલામ કરી આવવાની રજા આપ.”
62 ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિ ખેતર ખેડવાનું શરૂ કરે અને પાછળ જુએ તો તે દેવના રાજ્યને માટે યોગ્ય નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International