Chronological
જમીન ખરીદવા પાછળનો સંકેત
32 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના દશમાં વર્ષમાં, નબૂખાદનેસ્સારના અઢારમાં વર્ષમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ. 2 તે વખતે બાબિલના રાજાની સૈના યરૂશાલેમને ઘેરો ઘાલીને પડી હતી અને પ્રબોધક યર્મિયા યહૂદિયાના રાજમહેલના રક્ષકઘરના ચોકમાં કેદમાં પડેલો હતો; 3 સિદકિયા રાજાએ યર્મિયાને કેદ કર્યો હતો, કારણ કે તેણે ભવિષ્યવચન કહેવાનું સતત ચાલું રાખ્યું હતું કે, “‘બાબિલનો રાજા નગરને જીતી લેશે. 4 અને રાજા સિદકિયા બચવા નહિ પામે, તેને ચોક્કસપણે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, તે તેને રૂબરૂ મળશે અને તેની સાથે વાત કરશે. 5 તે સિદકિયાને બાબિલ લઇ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. તમે બાબિલવાસીઓ સામે લડશો તો યે વિજય નહિ પામો!’” આ તો યહોવાનું વચન છે.
6 પછી યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: 7 “તારા કાકા શાલ્લૂમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને તને કહેશે કે, ‘અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે, કારણ નજીકના સગા તરીકે તારો એ હક્ક છે.’
8 “અને યહોવાના કહ્યા પ્રમાણે મારો પિતરાઇ ભાઇ હનામએલ રક્ષકઘરમાં ચોકમાં મારી પાસે આવ્યો અને બોલ્યો, ‘બિન્યામીનના કુળસમુહના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કારણ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે.’”
તે તારે પોતાને માટે વેચાતું લે, ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે. 9 તેથી 17 શેકેલ ચાંદી ચૂકવીને મેં હનામએલ પાસેથી તે ખેતર વેચાતું લીધું. 10 મેં વેચાણખત કરી તેના પર સહીસિક્કા અને સાક્ષી કરાવી અને કાંટા પર કિંમત ચૂકવી દીધી. 11 ત્યાર પછી મેઁ મહોર મારેલું બંધ ખરીદખત લીધું જે નિયમો અને શરતો ધરાવતું હતું અને તેની એક ઉઘાડી પ્રત પણ લીધી. 12 અને જાહેરમાં મારા પિતરાઇ ભાઇ હનામએલ, વેચાણખત પર સહી કરનારા સાક્ષીઓની અને રક્ષકઘરના ચોકમાં તે વખતે હાજર હતા તે બધા યહૂદીઓની સાક્ષીમાં નેરિયાના પુત્ર માઅસેયાના પૌત્ર બારૂખના હાથમાં સુપ્રત કરી.
13 તેમનાં દેખતા જ મેં બારૂખને આ પ્રમાણે સૂચના આપી: 14 “આ બન્ને દસ્તાવેજ, મહોર મારેલું બંધ ખરીદખત અને તેની ઉઘાડી પ્રત લઇ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂકજે. 15 કારણ કે ઇસ્રાએલના સૈન્યોનો દેવ યહોવાએ કહ્યું છે કે, ‘લોકો આ દેશમાં ફરીથી ઘરો, ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ ખરીદશે.’”
16 દસ્તાવેજી નકલ બારૂખને આપ્યા પછી મેં પ્રાર્થના કરી:
17 “હે સૈન્યોનો દેવ યહોવા, તમેં તમારી પ્રચંડ શકિતથી આકાશ અને પૃથ્વી સર્જ્યા છે. તમારે માટે કશું અશકય નથી. 18 હજારો પ્રત્યે તું કરૂણા બતાવે છે, પણ પૂર્વજોનાં પાપની સજા તેમનાં સંતાનોને કરે છે. તું મહાન અને બળવાન છે. તારું નામ સૈન્યોનો દેવ યહોવા છે. 19 તારી યોજના મહાન છે, તારાં કાર્યો પ્રચંડ છે, તારી આંખો માણસોનું બધું જ હલનચલન જુએ છે, અને તું દરેકને તેનાં કાર્યોને અનુરૂપ બદલો આપે છે. 20 તેં મિસરમાં ચમત્કારો અને અદભૂત કાર્યો કરી નામના મેળવી હતી અને ઇસ્રાએલમાં અને બીજી પ્રજાઓમાં આજ સુધી તું એમ કરતો રહ્યો છે. 21 મહાન ચમત્કારો અને મહાપરાક્રમ દર્શાવીને તથા શત્રુને ભયભીત કરીને તમે ઇસ્રાએલને મિસરની બહાર લઇ આવ્યા હતા.
22 “ત્યારબાદ તેમના પિતૃઓને વચન આપ્યા પ્રમાણે તેં આ ભૂમિ જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેમને આપી હતી. 23 તેમણે આવીને એનો કબજો લીધો. પણ તેમણે તારું કહ્યું ન કર્યું કે, ન તારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ. તેમણે તારી બધી સૂચનાઓની અવગણના કરી અને તેથી તે આ બધી આફત તેમની પર ઉતારી.
24 “શત્રુએ નગરનાં સામે મજબૂત મોરચાઓ બાંધ્યા છે. બાબિલનું સૈન્ય તરવાર વડે તથા નગરમાં પ્રવર્તતા દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેશે. તમે કહ્યું હતું અને તમે નક્કી કર્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તમારી જાતે જોઇ શકો છો.
25 “અને છતાં, સૈન્યોનો દેવ યહોવા મારા પ્રભુ, તેં મને આજ્ઞા કરી કે, સાક્ષીઓના દેખતાં પૈસા ચૂકવીને ખેતર ખરીદી લે; જો કે શહેર તો અત્યારે બાબિલ વાસીઓના હાથમાં જઇ રહ્યું છે.”
26 પછી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ; 27 “હું, યહોવા, માનવ માત્રનો દેવ છું, શું મારા માટે કાઇં અશક્ય હોઇ શકે ખરું?” 28 તેથી આ યહોવા કહે છે, “જુઓ, હું આ નગર નબૂખાદનેસ્સારને સોપી રહ્યો છું. 29 જે ખાલદીઓ લડી રહ્યાં છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. તે તેમના ઘરની સાથે સળગાવી દેશે, જેના છાપરા પર બઆલ દેવના બલિદાન અર્પણો અને બીજા દેવોને ધરેલા પેયાર્પણો હતા. આ બાબતે મને ખૂબ ક્રોધિત કરી દીધો. 30 હા ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના પ્રારંભથી જ મારી નજરમાં અયોગ્ય ગણાય એવાં કાર્યો કર્યા છે, અને પોતાના એ કાર્યોથી મારો રોષ વહોરી લીધો છે. 31 આ નગર બાંધવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી તેઓએ હું ક્રોધિત થાઉં તેવા જ કાર્યો કર્યા છે. તેથી તેઓને દૂર કરવાનો મેં નિરધાર કર્યો છે. 32 ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોએ તથા તેમના રાજાઓ યાજકો અને પ્રબોધકોએ અને યહૂદિયાના માણસો અને યરૂશાલેમના લોકોએ દુષ્કૃત્યો કર્યા છે, અને તેને કારણે હું એને મારી નજર આગળથી દૂર કરવા માંગુ છું.
33 “તેમણે મારા તરફ મોઢું નહિ, પીઠ ફેરવી છે, અને જો કે હું તેમને સતત ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓ સાંભળતા નથી કે શીખતા નથી. 34 તેઓએ મારા પોતાના મંદિરમાં તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓની પૂજા કરીને તેને પણ અપવિત્ર કર્યું છે.
35 “તેમણે હિન્નોમની ખીણમાં બઆલ દેવ માટે ઉચ્ચસ્થાનકો બાંધ્યા છે. ત્યાં તેઓએ મોલેખની સામે પોતાનાં સંતાનોને અગ્નિમાં હોમીને બલિદાન આપ્યાં છે. મેં એવી સૂચના તેઓને કદી આપી જ નથી. તેઓ આવા ધૃણાજનક કાર્ય કરશે અને યહૂદિયાના લોકોને પાપમાં નાખશે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી.
36 “તેથી હવે ઇસ્રાએલના દેવ યહોવા આ નગર વિષે કહે છે કે ‘તેને તરવાર, દુકાળ અને મરકી દ્વારા બાબિલના રાજાના હાથમાં સુપ્રત કરવામાં આવશે.’ 37 ‘મારા પુણ્યપ્રકોપ અને ભયંકર રોષને લીધે એ લોકોને મેં જે જે દેશોમાં વેરવિખેર કરી નાખેલા છે, ત્યાંથી એમને પાછા એકત્ર કરીશ, આ જગ્યાએ પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ. 38 તેઓ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ. 39 હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે.
40 “‘હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય. 41 એમનું કલ્યાણ કરવામાં મને આનંદ આવશે અને હું તેમને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સુસ્થાપિત કરીશ.’”
42 હા, આ યહોવા કહે છે, “જેમ તેઓ પર આ બધા દુ:ખ અને સમસ્યાઓ હું લાવ્યો હતો, તે જ રીતે હું તેઓને આપેલાં વચન મુજબ તેઓનું સર્વ રીતે ભલું કરીશ. 43 તમે જે ભૂમિને વિષે એમ કહો છો કે, ‘એ તો વેરાન થઇ જાણો, એમાં નહિ માણસ વસે કે નહિ એમાં પશુ વસે.’ એ તો બાબિલવાસીઓના હાથમાં જ પડી જાણો. તેમાં લોકો ફરી ખેતર ખરીદશે. 44 બિન્યામીન કુળસમૂહના પ્રદેશમાં, યરૂશાલેમની આસપાસ, યહૂદિયાના ગામોમાં, પહાડી દેશોમાં, શફેલાહની તળેટીમાં અને નેગેબમાં લોકો ખેતરો ખરીદશે, કિંમત ચૂકવશે, અને સહીસીક્કા કરીને કરારો બનાવશે, કારણ કે હું તેમનું ભાગ્ય ફેરવી તેઓને સુખ-સમૃદ્ધિ આપીશ.”
શાંતિ અને સમૃદ્ધિ માટે દેવનું વચન
33 યર્મિયા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યાં જ તેને બીજી વાર યહોવાની વાણી સંભળાઇ. 2 આ પ્રમાણે યહોવા કહે છે જે જગતનો ઉત્પન કરનાર છે, જે યહોવાએ તેને સ્થાપિત થાય તે માટે બનાવ્યું છે, યહોવા તેનુ નામ છે. 3 “તું મને હાંક માર અને હું તને જવાબ આપીશ. આ સ્થળે જે બનવાનું છે તે વિષે કેટલાક ગાઢ રહસ્યો હું તને જણાવીશ. 4 આથી જ ઇસ્રાએલના દેવ યહોવા આ નગરના ઘરો અને યહૂદિયાના રાજાઓના ઘરો માટે કહે છે, જેને બાબિલના હુમલાઓથી રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં.
5 “તેઓ બાબિલની વિરુદ્ધ લડાઇ કરશે, પણ પછી તેઓ એ લોકોના મૃત દેહથી પોતાના ઘરોને ભરી દેશે. જેઓને મે ગુસ્સાથી મારી નાખ્યા છે. આવું બનશે કારણકે, તેમણે આચરેલા દુષ્કૃત્યોને લીધે મેં આ નગર છોડી દીધું છે.
6 “છતાં એવો સમય આવશે ત્યારે હું તેના ઘા રૂઝાવીશ અને આરોગ્ય બક્ષીસ. હું તેના વતનીઓને સાજા કરી પૂર્ણ શાંતિને સલામતીનો અનુભવ કરાવીશ. 7 હું યહૂદિયા અને ઇસ્રાએલને ફરીથી બાંધીશ અને તેઓનું ભાગ્ય ફેરવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપીશ. 8 તેમણે મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યા છે તે હું ધોઇ નાખીશ, તથા તેઓને ક્ષમા આપીશ. 9 પછી આ યરૂશાલેમ માટે પૃથ્વી પરની બધી પ્રજાઓ સમક્ષ આનંદનું, સ્તુતિનું અને ગૌરવનું કારણ થઇ પડશે. હું એને જે બધી સંપત્તિ બક્ષવાનો છું તેની વાત જ્યારે એ પ્રજાઓ જાણશે, ત્યારે મેં એને બક્ષેલી સંપત્તિ અને સુખશાંતિથી ભયભીત થઇને કંપી ઉઠશે.”
10 યહોવા કહે છે તે આ પ્રમાણે છે: “આ દેશમાં, જે, તું કહે છે કે નાશ પામ્યું છે, માણસો અને પ્રાણીઓ વગરના યહૂદિયાના શહેરોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી જે હવે નિર્જન છે, ત્યાં ફરી એક વખત અવાજો સંભળાશે. 11 વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે, ‘સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર’ લોકો આ પ્રમાણે કહેશે. કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ.” આ યહોવાના વચન છે.
12 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આ જગ્યામાં એનાં માનવ કે પશુની વસ્તી વગરનાં ખંડેર ગામોં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતા ભરવાડોનું આશ્રયસ્થાન થશે. 13 પહાડી દેશમાં, શફેલાહના ગામોમાં અને નેગેબ અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમની નજીકના સ્થળોએ ફરીવાર ઘેટાં ગણતા ઘેટાંપાળકોના હાથ નીચેથી ઘેટાં પસાર થશે.”
સારી શાખા
14 યહોવા કહે છે કે, “એવો દિવસ આવશે કે ઇસ્રાએલ તથા યહૂદિયાના હકમાં સર્વ સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ. 15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે. 16 તે સમયે યહૂદિયા તથા યરૂશાલેમના લોકો સમૃદ્ધ થશે અને તેઓ સુરક્ષામાં જીવશે. ‘યહોવા આપણું ન્યાયીપણું’ એ તેઓનું નામ હશે.”
17 કારણ કે યહોવા આ પ્રમાણે કહે છે, “ઇસ્રાએલની ગાદીએ બેસવા માટે દાઉદના કુટુંબમાં કદી વારસની ખોટ નહિ પડે, 18 અને ત્યાં અર્પણ એવા બલિદાન, પ્રાણીઓના બલિદાન વગેરે માટે હવે લેવી વંશી યાજકનો અભાવ નહિ હોય.”
19 ત્યારબાદ યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: 20 મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી. 21 એ જ પ્રમાણે મેં મારા સેવક દાઉદ સાથે કરાર કર્યો છે કે, રાજ્યશાસન પર હંમેશા તેનો વંશજ રાજ કરશે. વળી લેવી કુળના યાજકો સાથે મેં કરાર કર્યો છે કે, તેઓ હંમેશા મારી સેવા કરશે અને આ કરારોનો પણ ભંગ થઇ શકે નહિ. 22 આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના અને મારી સેવા કરનાર લેવીવંશી યાજકના કુળસમૂહોની વૃદ્ધિ કરીશ.”
23 યહોવાએ યર્મિયા સાથે ફરીથી વાત કરી અને કહ્યું, 24 “લોકો શું કહે છે તે તેં સાંભળ્યું છે? ‘યહોવાએ યહૂદિયા તથા ઇસ્રાએલને પસંદ કર્યાર્ અને પછી ફરી તેઓનો ત્યાગ કર્યો! તેઓ હાંસી કરે છે અને કહે છે કે, દેવની પ્રજા તરીકે ઇસ્રાએલની ગણના કરી શકાય તેમ નથી.’”
25 પરંતુ યહોવાનો ઉત્તર આ છે: “દિવસ તથા રાત અને પૃથ્વી તથા આકાશના પરિમણનો સમય નિર્ધારિત કરેલો છે; 26 એટલી ખાતરી છે કે યાકૂબના વંશજો અને મારા સેવક દાઉદ સાથેનો કરાર એ પણ એટલો જ ચોક્કસ છે. હું જરુર ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર રાજ કરવા માટે દાઉદના કોઇ વંશજને પસંદ કરીશ. હું તેઓ પર દયા દર્શાવીશ અને તેઓના ભાગ્યને બદલી નાખીશ.”
યહૂદાના રાજા સિદકિયાને ચેતવણી
34 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે દેશો પર રાજ્ય કરતો હતો તે સર્વ સૈન્યો સાથે ચઢી આવ્યો અને યરૂશાલેમ તથા યહૂદિયાના નગરો સાથે યુદ્ધ કર્યું. તે સમયે યર્મિયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો:
2 “ઇસ્રાએલના દેવ યહોવાના આ વચનો છે: જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, આ મારાં વચન છે: ‘હું આ યરૂશાલેમ શહેર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને બાળી મૂકશે. 3 તું જાતે ભાગી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઇ જવાશે અને બાબિલના રાજાને સુપ્રત કરી દેવામાં આવશે. તારે તેને મોઢામોઢ મળવાનું થશે અને તે તારી સાથે વાત કરશે. તે તને બાબિલમાં બંધક તરીકે લઇ જશે. 4 તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા, હું યહોવા કહું છું કે, તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ. 5 પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેમણે તારા પિતૃઓ માટે કર્યું હતું તેમ તારી યાદમાં તારા લોકો ધૂપસળી બાળશે, અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અરેરે, ઓ રાજા!”’” આ યહોવાના વચન છે.
6 તેથી પ્રબોધક યર્મિયાએ આ બધું શબ્દે શબ્દ યહૂદિયાના રાજા સિદકિયાને કહી સંભળાવ્યું. 7 તે સમયે બાબિલનું સૈન્ય યહૂદિયાના બાકી રહેલા કિલ્લેબંદીવાળા નગરો યરૂશાલેમ, લાખીશ અને અઝેકાહની આસપાસ ઘેરો ઘાલતું હતું.
લોકોએ એક કરાર તોડ્યો
8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરૂશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ. 9 કારણ કે રાજા સિદકિયાએ ફરમાન બહાર પાડ્યું હતું કે, દરેક જણે પોતાનાં સ્ત્રી કે પુરુષ હિબ્રૂ ગુલામને છોડી દેવાના હતાં. અને કોઇએ પછી કોઇ જાતભાઇને ગુલામ રાખવાનો નહોતો. 10 કરાર કરનાર બધા જ અમલદારો અને લોકો પોતાનાં સ્ત્રીપુરુષ ગુલામોને મુકત કરવા તથા તેમને હવે ગુલામ તરીકે ન રાખવા કબૂલ થયાં હતાં અને તેમણે એનું પાલન કરી તેમને છોડી મૂક્યાં. 11 પાછળથી તેઓનાં મન બદલાઇ ગયાં અને તેઓએ ફરીથી પોતાના ચાકરોને ગુલામ બનાવ્યાં.
12 એ વખતે યરૂશાલેમમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ; 13 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે: “હું તમારા પિતૃઓને ગુલામીના દેશ મિસરની બહાર લઇ આવ્યો ત્યારે મેં તેમની સાથે કરાર કર્યો હતો કે, 14 ‘તમે જે જાતભાઇને ગુલામ તરીકે ખરીદેલો હોય અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષે છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ. 15 મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે તાજેતરમાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે મંદિર મારા નામથી ઓળખાય છે તેમા તમે મારી આગળ કરાર કર્યો હતો. 16 પરંતુ હવે તમે ફરી ગયા, તમે ના પાડીને મારા નામનું અપમાન કર્યું, અને તમે છોડી મૂકેલાં સ્ત્રીપુરુષ ગુલામને તમે પાછા લાવ્યાં અને ફરી ગુલામ બનાવ્યાં.
17 “‘તમે મારું સાંભળ્યું નથી અને ગુલામોને મુકત કર્યા નથી. તેથી હું તમને યુદ્ધ, દુકાળ અને મરકી, તરવાર, રોગચાળો દ્વારા મૃત્યુને હવાલે કરીશ. બીજા શહેરના લોકો જ્યારે તારી સાથે શું થયું છે એ સાંભળશે ત્યારે ભયભીત થઇ જશે. યહોવા આમ કહે છે. 18 જેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે તેમને હું વાછરડા જેવા બનાવીશ, જેને તેઓએ બે ટુકાડામાં કાપ્યાં હતાં અને કરાર બનાવતી વખતે તેની વચ્ચેથી પસાર થયા હતાં. 19 તે લોકોને એટલે યહૂદિયાના તથા યરૂશાલેમના સરદારોને, ત્યાંના અધિકારીઓને, યાજકોને, તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઇને ગયેલી દેશની સર્વ પ્રજાને. 20 હું તેમનો જીવ લેવા ટાંપી રહેલા તેમના શત્રુઓના હાથમાં તેમને સોંપી દઇશ. અને તેમનાં શબ આકાશનાં પંખી અને જમીનનાં પશુઓ ખાશે. 21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે એ જેઓ તેઓનો સંહાર કરવા માંગે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સુપ્રત કરીશ. 22 હું હુકમ કરીશ, અને બાબિલના સૈન્યોને પાછા બોલાવીશ, તેઓ આ નગર પર હુમલો કરશે, એને જીતી લઇને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન ઉજ્જડ જગ્યા બનાવીશ.’” આ યહોવાના વચન છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International