Chronological
“યરૂશાલેમની રક્ષા યહોવા કરશે”
31 તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી, 2 તેમ છતાં યહોવા બધું સમજે છે અને આફત લાવે છે, ને પોતાની ધમકી ફોક થવા દેતા નથી. તે દુષ્ટોનાં સંતાનોને અને તેમને મદદ કરનારાઓને સજા કરશે.
3 મિસરીઓ પણ માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા પણ માંસના બનેલા છે, અમર નથી. જ્યારે યહોવા હાથ ઉગામશે ત્યારે મદદ કરનાર ઠોકર ખાશે અને મદદ લેનાર પડી જશે, અને તેઓ બધા જ એકી સાથે સમાપ્ત થઇ જશે.
4 કેમ કે, યહોવાએ મને એમ કહ્યું છે કે, “જેમ કોઇ સિંહ શિકાર પર ઊભો રહીને ધૂરકે છે, અને ભરવાડોનું ટોળું તેની સામે આવે છે, તોયે તેમની બૂમરાણથી તે ગભરાતો નથી કે નથી તેમના હાકોટાથી ભાગી જતો.”
તેમ હું સૈન્યોનો દેવ યહોવા, સિયોનના પર્વત પર તેને પક્ષે લડવા ઊતરી આવીશ અને મને કોઇ રોકી શકશે નહિ. 5 જે રીતે પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માળા પર પાંખો પ્રસારે તેમ હું સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમનું રક્ષણ કરીશ અને તેનો મોક્ષ કરીશ.
6 હે ઇસ્રાએલના લોકો, તમે જેનો ભારે અપરાધ કર્યો છે તેની પાસે પાછા આવો. 7 કારણ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે તમારાંમાંનો દરેક જણ તમારા પોતાના પાપી હાથે બનાવેલી ચાંદીની અને સોનાની મૂર્તિને ફગાવી દેશે.
8 માણસની નહિ એવી તરવારથી આશ્શૂરનું પતન થશે, માણસની નહિ હોય તેવી તરવારથી તેનો સંહાર થશે. તે રણસંગ્રામમાંથી ભાગી જશે, અને તેના જુવાનજોધ યોદ્ધાઓને મજૂરીએ વળગાળવામાં આવશે; 9 તેનો રાજા ભયને લીધે ભાગી જશે અને તેના સરદારો એવા તો બીશે કે ધ્વજને છોડીને નાસી જશે.
આ યહોવાના વચન છે, જેની ભઠ્ઠીનો અગ્નિ યરૂશાલેમમાં ભડભડ બળે છે.
ઇસ્રાએલની શાંતિ માટે અગમવાણી
32 જુઓ, એવો સમય આવશે જ્યારે રાજા ન્યાયથી રાજ્ય કરશે અને અમલદારો ન્યાયથી તેનો અમલ ચલાવશે. 2 તે લોકો ઇસ્રાએલને તોફાન અને વાવાઝોડા સામે રક્ષણ પૂરું પાડશે. તે તેને રણમાં વહેતી નદી જેવી તાજગી આપશે. ઇસ્રાએલ માટે તે ગરમ અને સૂકા પ્રદેશમાં શીતળ છાંયો આપનાર મહાન ખડક સમાન બનશે. 3 પછી, જેઓ જોઇ શકે છે તેમની આંખો બંધ નહિ થાય અને જેઓ સાંભળી શકે છે તેમના કાન શ્રવણ કરશે. 4 ઉતાવળા માણસો જોઇ વિચારીને વર્તન કરશે, અને જે લોકો બોલતાં થોથવાય છે તે સ્પષ્ટ બોલશે. 5 ત્યારબાદ મૂર્ખર્ને કોઇ ખાનદાન નહિ કહે, કે ધૂર્તને કોઇ આદરપાત્ર નહિ કહે.
6 કારણ કે મૂર્ખ મૂર્ખની જેમ બોલે છે, અને તે મનમાં દુષ્ટ મનસૂબા ઘડે છે. તે અધર્મ આચરે છે, યહોવા વિષે પણ વિપરીત બોલે છે, ભૂખ્યાને ભૂખ્યું રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી. 7 અને પેલા ધૂર્તની રીત પણ દુષ્ટ હોય છે; તે દુષ્ટ યુકિત પ્રયુકિતઓ વાપરે છે, તે રંક લોકોને દુ:ભવવાનો પ્રયત્ન કરે છે અને તેમને કાયદાના ન્યાયાલયમાં ઠગે છે.
8 છતાં ઉદાર માણસો ઉદારતા રાખવાનું ચાલુ રાખશે.
ખરાબ સમય આવી રહ્યો છે
9 એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો! 10 હે બેદરકાર સ્ત્રીઓ, અત્યારે તમને કશી ચિંતાફિકર નથી, પણ વરસ પૂરું થતાં જ તમે ધ્રૂજી ઊઠશો, કારણ, દ્રાક્ષની ભેગી કરવાની ઋતું પૂરી થઇ ગઇ હશે અને તમે કઇં ભેગું કર્યું નહિ હોય.
11 હે એશઆરામી સ્ત્રીઓ, કંપી ઊઠો! હે બેદરકાર સ્ત્રીઓ, ધ્રૂજી ઊઠો! તમારા રોજબરોજના વસ્રો દૂર કરો અને શણના કપડાં પહેરીલો. 12 પાકથી ભરપૂર એવા તમારાં ખેતરો અને ફળદાયક દ્રાક્ષવાડીઓ માટે તમારી દિલગીરી વ્યકત કરવા તમે તમારી છાતી કૂટો. 13 તમારી ભૂમિમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળ્યા છે. એક વખતના આનંદભર્યા નગરો અને સુખી ઘરો માટે આક્રંદ કરો.
14 કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.
15 પરંતુ છેવટે દેવ આપણા પર સ્વર્ગમાંથી ચૈતન્ય વરસાવસે, અને ત્યાર પછી રણ પ્રદેશ ખેતીની જમીન જેવો ફળદ્રુપ બની જશે અને ખેતર ભૂમિ જંગલ જેવી ફળદ્રુપ બની જશે. 16 ત્યારે સમગ્ર મરુભૂમિમાં અને લીલી ધરતીમાં સર્વત્ર ઇનસાફ અને ન્યાય વાસો કરશે, 17 અને ન્યાયીપણાને પરિણામે કાયમી શાંતિ અને સુરક્ષા રહેશે. 18 ત્યારે મારા લોકો શાંતિભર્યા દેશમાં અને સુરક્ષાભર્યા તંબુઓમાં નિશ્ચિંત થઇને રહેશે.
19 પરંતુ જંગલો નાશ પામશે; નગરનો ધ્વંસ થશે. 20 સુખી છો તમે જેઓ દરેક ઝરણાની ધારે બી વાવો છો અને તમારા બળદોને અને ગધેડાને ચરાણમાં છૂટથી ચરવા દો છે.
યહોવાને મદદ માટે ધા
33 અફસોસ છે તને! તું અલબત્ત, બીજાને લૂંટે છે, પણ તું લૂંટાયો નથી! તું દગાબાજી કરે છે ખરો, પણ તારી સાથે કોઇએ દગાબાજી કરી નથી! પણ જ્યારે તારી ખરાબીઓ પૂરી થશે, ત્યારે તું ખરેખર લૂંટાશે; જ્યારે તું તારી દગાબાજીનો અંત લાવીશ ત્યારે ખરેખર તારી સાથે દગાબાજી થશે.
2 હે યહોવા, અમારા પર કૃપા કરો,
અમને તમારી જ આશા છે.
રોજે રોજ અમારું રક્ષણ કરો
અને મુશ્કેલીના સમયે અમારી રક્ષા કરો.
3 તમારી ધમકીની ગર્જના સાંભળીને લોકો નાસી જાય છે,
તમારા ઊઠતાં બરાબર જ પ્રજાઓ વેરવિખેર થઇ જાય છે.
4 તમારી યુદ્ધની લૂંટ, જાણે તીડ અને તીતીઘોડા ખાઇ રહ્યાં હોય તેમ ભેગી કરવામાં આવશે.
5 યહોવા મોટો મનાયો છે; કેમ કે ઉચ્ચસ્થાને રહે છે, તે સિયોનને ન્યાય, ભલાઇ અને સદાચારનું નિવાસસ્થાન બનાવશે.
6 તે પોતાની પ્રજાને સ્થિરતા આપશે. તારણ, ડહાપણ અને જ્ઞાન આપશે. યહોવાનો ભય સિયોનની પ્રજાનો ખજાનો છે.
7 પણ જુઓ, હમણા વીરપુરુષો મદદ માટે પોકાર કરી રહ્યા છે, અને શાંતિ કરવા ગયેલા એલચીઓ પોક મૂકીને રડે છે. 8 રાજમાર્ગો ઉજ્જડ થઇ ગયા છે, કારણ કે કોઇ વટેમાર્ગુ નથી, કરારોનો ભંગ કરવામાં આવ્યો છે, વચન પ્રતિબદ્ધતાને માન અપાતું નથી. નગરો ધૃણિત થઇ ગયા છે, ત્યાં લોકો વિષે કોઇ વિચારતું નથી. 9 ભૂમિ આક્રંદ કરે છે, ઝૂરી મરે છે; લબાનોન ઉજ્જડ થઇ ગયું છે, શારોનની ફળદ્રુપ ભૂમિ વગડો બની ગઇ છે અને બાશાન અને કામેર્લના જંગલો તેમનાં પાંદડા ખેરવી નાખે છે.
10 યહોવા કહે છે, “હવે હું ઉપર ઊઠીશ અને સાર્મથ્ય દેખાડીશ. 11 તમે સૂકા ધાસને ઘારણ કરો છો અને તણખલાને જન્મ આપો છો. તમારો શ્વાસ જ તમને અગ્નિની જેમ ભરખી જશે. 12 જેમ કાંટાઓને કાપીને અગ્નિમાં ફેંકવામાં આવે, તેમ તમારા યોદ્ધાઓને પૂરેપૂરા બાળી નાખવામાં આવશે.
13 “હે દૂર દૂર તેમ જ નજીક વસનારાઓ, મેં શું શું કર્યુ છે તે સાંભળી તમે મારું સાર્મથ્ય જાણી લો.”
14 સિયોનમાં પાપીઓ ધ્રૂજે છે, દુષ્ટો થથરે છે, અને પૂછે છે, “આ ભડભડતા અગ્નિમાં આપણામાંથી કોણ રહી શકે? આ સદાય બળતી જવાળામાં આપણામાંથી કોણ બચી શકે?”
15 જે માણસ ન્યાયને માર્ગે ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે. 16 આ પ્રકારના સર્વ લોકો ઉચ્ચસ્થાનોમાં રહેશે. પર્વતોના ખડકો તેઓની સુરક્ષાના કિલ્લા બનશે. તેઓને ખોરાક પૂરો પાડવામાં આવશે અને તેઓને પૂરતું પાણી મળી રહેશે.
17 તમે ફરીવાર રાજાને (દેવને) એક સુવિશાળ દેશ પર પૂરા વૈભવપૂર્વક રાજ્ય કરતો જોવા પામશો. 18 ભૂતકાળના ભયને યાદ કરીને તમે વિચારશો “ક્યાં ગયા એ કર ઉઘરાવનારા પરદેશી? ક્યાં ગયા પેલા વિદેશી જાસૂસો?” 19 કારણ કે તેઓનો નાશ થશે; તમે સમજી શકો નહિ તેવી વિચિત્ર તોતડી બોબડી ભાષાવાળા આ ક્રોધી અને હિંસક લોકો નાશ પામશે.
દેવ યરૂશાલેમને બચાવશે
20 આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી. 21 ત્યાં સૈન્યોના દેવ યહોવા આપણને તેની ભવ્યતા સાથે દર્શન દેશે. આપણે વિશાળ નદીઓ અને ઝરણાંઓના પ્રદેશમાં વસીશું. ત્યાં કોઇ શત્રુઓના વહાણો નહિ આવે. 22 કારણ કે યહોવા આપણા ન્યાયાધીશ આપણા શાસક, અને આપણા રાજા છે; તે આપણી સંભાળ રાખશે અને આપણો બચાવ કરશે. 23 શકિતશાળી વહાણોના દોરડાં ઢીલાં થઇ જશે અને તેના કૂવાસ્થંભો ભાંગી જશે, જેથી તે સઢ ફેલાવી શકશે નહિ. તેઓની સંપત્તિ દેવના લોકો દ્વારા વહેંચી લેવામાં આવશે. જેઓ અપંગ છે તેઓ પણ પોતાનો હિસ્સો પ્રાપ્ત કરશે. 24 અને હવે ઇસ્રાએલના કોઇ વતનીને એવું કહેવાનો વારો નહિ આવે કે, “અમે માંદા છીએ.” કારણ કે યહોવા તે લોકોને તેઓની દુષ્ટતાની માફી આપશે.
શત્રુઓને માથે લટકતી તરવાર
34 ઓ પૃથ્વી પરની સર્વ પ્રજાના લોકો, અહીં આવો અને સાંભળો; સમગ્ર પૃથ્વી અને તેમાં વસતાં સૌ કોઇ, સાંભળો! 2 કારણ કે યહોવા સર્વ પ્રજાઓ અને તેમની સેનાઓ પર રોષે ભરાયો છે, અને તેણે તેમનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ધાર કર્યો છે. 3 તેમના હત્યા થયેલાંઓનાં શબોને રઝડતાં મૂકી દેવામાં આવશે, અને તે ગંધાઇ ઊઠશે પછી પર્વતો પરથી તેઓનું રકત વહેશે અને ઓગળી જશે. 4 આકાશના બધાં નક્ષત્રો અલોપ થઇ જશે, આકાશ ઓળિયાની જેમ સંકેલાઇ જશે, અને બધાં તારામંડળ દ્રાક્ષનાવેલા પરથી પાંદડા ખરે તેમ ખરી પડશે.
5 યહોવાની તરવાર આકાશમાં ઝઝૂમી રહી છે, જુઓ, હવે એ તરવાર યહોવાએ જેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે તે અદોમના લોકો પર ઊતરે છે. 6 યહોવાની તરવાર લોહીથી તરબતર અને ચરબીથી લથબથ જાણે ઘેટાં-બકરાંના બલિના લોહીથી તરબતર અને તેમની ચરબીથી લથબથ થઇ જશે. કારણ, યહોવાએ પાટનગર બોસ્રાહમાં યજ્ઞ માંડ્યો છે અને અદોમમાં ભારે હત્યા શરૂ કરી છે. 7 જંગલી ગોધાઓ અને વાછરડાંઓની જેમ મહા બળવાનોનો નાશ થશે. યુવાનો-પ્રૌઢોનો પણ નાશ થશે. તેઓની ભૂમિ લોહીથી તરબોળ થશે અને તેની ધૂળ ચરબીથી ફળદ્રુપ થશે.
8 કારણ કે, તે યહોવાનો વૈર વાળવાનો દિવસ હશે, સિયોનના શત્રુઓ પર બદલો લેવાનું વર્ષ હશે. 9 અદોમની નદીઓ સળગતાં કોલસા અને ડામરથી ભરાઇ જશે. અને તેની માટી ગંધકની થઇ જશે; અને તેની ભૂમિ બળતા ડામરમાં ફેરવાઇ જશે. 10 અદોમના આ ન્યાયકાળનો કદી અંત આવશે નહિ. તેનો ધુમાડો સદા ઉપર ચઢયા કરશે. તેની ભૂમિ પેઢી દર પેઢી અરણ્ય જેવી પડી રહેશે; અને કોઇ પણ તેમાં નિવાસ કરશે નહિ. 11 પણ ત્યાં ગીધ અને ઘુવડનો વાસ થશે. યહોવા તેને ખેદાન-મેદાન અને વેરાન બનાવી દેશે. 12 તે જગા “ખાલીપણાની ભૂમિ” કહેવાશે અને તેના રાજા તથા અધિકારીઓ થોડા જ સમયમાં નાશ પામશે.
13 તેના રાજમહેલમાં અને એના કિલ્લાઓ ઉપર કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે. ત્યાં શિયાળવાની બોડ હશે અને ત્યાં શાહમૃગનો વાસ થશે. 14 ત્યાં રાની બિલાડીઓ અને વરુઓ ભેગા થશે અને જંગલી બકરીઓ એકબીજાને પોકારશે; અને ત્યાં નિશાચર પ્રાણી આરામ કરવા આવી ભરાશે. 15 ઘુવડો ત્યાં માળો બાંધશે. ઇંડા મૂકશે અને સેવીને બચ્ચાં જન્મતા તેમને પોતાની પાંખોમાં ભેગા કરશે. ત્યાં એક પછી એક સમડીઓ ભેગી થશે.
16 યહોવાના ગ્રંથમાં શોધીને વાંચો; અને યહોવા જે કરવાના છે તે જુઓ. તેમાંની એકપણ વિગત તે બાકી રાખશે નહિ, તેમાનું એક પણ પ્રાણી પોતાના સાથી વગરનું ખબર પડશે નહિ, કારણ કે યહોવા આ પ્રમાણે બોલ્યા છે અને તેમનો આત્મા તે સર્વને સત્ય પુરવાર કરશે. 17 તેમણે દરેકનો ભાગ ચિઠ્ઠી નાખીને નક્કી કરી આપ્યો છે, તેણે પોતાને હાથે દોરી માપીને તેમને ભૂમિનો ભાગ વહેંચી આપ્યો છે, તેઓ સદાસર્વદા એ ભોગવશે અને પેઢી દર પેઢી તેમાં નિવાસ કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International