Chronological
નીતિવચનોનો હેતુ
1 ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો: 2 વ્યકિત માટે આ પુસ્તકનો હેતુ છે કે તે જ્ઞાન અને શિક્ષણ મેળવે, જેનાથી તે ઊંડી સમજ આપે તેવા શબ્દો સમજી શકે. 3 કે તેને વિચાર પૂર્વકની વર્તણૂકની, સારા વિવેકની અને ન્યાયની કેળવણી મળે. 4 ભોળા માણસો ચતુર બને, યુવાનોને જ્ઞાન તથા વિવેકબુદ્ધિ મળે. 5 જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે. 6 તેઓ કહેવતો અને ષ્ટાંતો જ્ઞાનીઓના વચનો અને તેમના કોયડાઓ પણ સમજી શકશે.
7 યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ મૂર્ખો જ્ઞાન અને શિક્ષણને વ્યર્થ ગણે છે.
સુલેમાન પોતાના બાળકોને ઉપદેશ આપે છે
8 મારા દીકરા, તારા પિતાનો ઉપદેશ સાંભળ, અને તારી માતાનું શિક્ષણ નકારીશ નહિ. 9 કેમ કે તારા મસ્તક પર ફૂલોના મુગટ અને ગળાના હાર રૂપ બની રહેશે.
10 મારા દીકરા, જો દુષ્ટ પાપીઓ તને લલચાવે તો તું એમની વાતો માનતો નહિ. 11 જો તેઓ તને કહે કે “અમારી સાથે ચાલ, કોઇની હત્યા કરવા માટે આપણે સંતાઇ રહીએ; અને જે નિર્દોષ છે તેને ફસાવવા છુપાઇ રહીએ. 12 જેમ શેઓલ જીવતા માણસોને ગળી જાય છે તેમ આપણે તેમને ગળી જઇશું. 13 વિવિધ પ્રકારનો કિમતી માલ આપણા હાથમાં આવશે, આપણે આપણાં ઘર લૂંટથી ભરીશું. 14 તું અમારી સાથે જોડાઇ જા. અને અમારો ભાગીદારથા; આપણાં સૌનો ભાગ સિલકમાં સરખો રહેશે.”
15 મારા દીકરા, એમના માર્ગે ચાલતો નહિ, તેમના માર્ગે તારા પગ મૂકતો નહિ. 16 કારણ, તેમના પગ દુષ્ટ પાપ કરવા ઉતાવળા હોય છે અને હત્યા કરવાને દોડી જતા હોય છે.
17 કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે. 18 તેઓ અન્યની હત્યા કરવા સંતાઇ રહે છે, પણ હત્યા એમની જ થાય છે. બીજાનો જીવ લેવા જાય છે. અને પોતાનો જીવ ગુમાવે છે. 19 પ્રત્યેક ધનના લોભીના માર્ગો આવા જ છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
ચતુર સ્ત્રી
20 જ્ઞાન શેરીઓમાં મોટે અવાજે બોલાવે છે. તે જાહેર સ્થળોએ બૂમો પાડે છે. 21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરને દરવાજે ઊભુ રહીને બૂમો પાડે છે:
22 “હે ભોળિયાઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ટિખળી લોકો, તમે ક્યાં સુધી ટિખળ કરવામાં આનંદ મેળવશો? ઓ મૂર્ખાઓ, ક્યાં સુધી તમે જ્ઞાનનો તિરસ્કાર કરશો? 23 જો તમે મારી ચેતવણી સાંભળશો તો હું મારો આત્મા તમારા પર રેડીશ અને મારા વચનો તમને જણાવીશ.
24 “પરંતુ મેં તમને બોલાવ્યા અને તમે ના પાડી. મેં મારો હાથ લંબાવી ઇશારો કર્યો પણ કોઇએ તેની કાળજી કરી નહિ; 25 તમે મારા સવેર્ ઉપદેશ ફગાવી દીધા છે અને મારી ચેતવણીને પણ ગણકારી નથી. 26 તેથી જ્યારે તમારી ઉપર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ; જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ. 27 એટલે જ્યારે વંટોળિયાની જેમ તમારી ઉપર ભય ફરી વળશે, વિપત્તિઓ ફૂટી નીકળશે, સંકટ અને વેદના તમારા પર આવશે.
28 “ત્યારે તેઓ મને બોલાવશે તો પણ હું ઉત્તર આપીશ નહિ, તમે મને ખંતથી શોધશો પણ હું તમને મળીશ નહિ. 29 કારણ, તેઓએ વિદ્યાનો તિરસ્કાર કર્યો છે અને તેમણે યહોવાનો ડર રાખ્યો નથી. 30 મારી સલાહ માની નહોતી અને તેઓએ મારો સઘળો ઠપકો તુચ્છ ગણ્યો. 31 તેથી તેઓને તેમના કર્મના ફળ મળશે અને તેમને તેમની પોતાની સલાહો ભારે પડશે.
32 “આમ, મૂર્ખોના અવળા રસ્તા તેમને મૃત્યુના મુખમાં લઇ જાય છે. અને મૂર્ખોની બેદરકારી તેમનો વિનાશ નોઁતરે છે. 33 પરંતુ જે કોઇ મારું કહ્યુ સાંભળશે તે સુરક્ષિત રહેશે. અને કોઇપણ જાતના નુકશાન થવાના ભય વિના શાંતિ અનુભવશે.”
જ્ઞાનનાં વરદાન
2 મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓ અંતરમાં સંઘરી રાખશે, 2 ડહાપણની વાત ધ્યાનથી સાંભળીને, સમજણમાં તારું ધ્યાન દોરીશ; 3 અને જો તું વિવેકબુદ્ધિનેમાટે પોકાર કરશે અને સમજણ શકિત માટે ખંત રાખશે. 4 અને તું જો ચાંદીની જેમ અને છૂપાવેલા ખજાનાની જેમ તેને શોધશે. 5 તો તને યહોવાના ભયનું ભાન થશે. અને તને દેવનું જ્ઞાન પ્રાપ્ત થશે.
6 કારણ કે યહોવા જ્ઞાનના દાતા છે, તેના મુખમાંથી જ્ઞાન અને સમજણ શકિત પ્રગટે છે. 7 તે નીતિમાન લોકોને વ્યવહારિક ક્ષમતા આપે છે, પ્રામાણિકતાથી રહેતા લોકોની રક્ષા કરે છે. 8 તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વફાદાર લોકોની કાળજી લે છે.
9 ત્યારે તને સમજાશે કે દરેક સાચો અને સારો રસ્તો સત્ય ન્યાયી અને પ્રામાણિક હોય છે; 10 તારા હૃદયમાં શાણપણ પ્રવેશશે અને જ્ઞાન તારા આત્માને ખુશીથી ભરી દેશે.
11 વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે અને સમજણ તારું રક્ષણ કરશે. 12 ખરાબ માર્ગેથી અને આડું બોલનાર માણસોથી તને ઉગારી લેશે; 13 જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારને માર્ગે ચાલે છે. 14 જેઓ દુષ્ટતા આચરવામાં આનંદ માણે છે, અને છળકપટ કરવામાં જ તેમને મજા પડે છે. 15 જેઓના રસ્તા આડા છે, અને જેમના પગલા છેતરામણાં છે તેમનાથી તારું રક્ષણ કરશે.
16 વળી સમજ કે તે તને વ્યભિચારી સ્ત્રીઓથી અને તેમની લોભામણી વાણીથી બચાવશે. 17 જે પોતાના પતિને જેની સાથે જુવાનીમાં તેણે લગ્ન કરેલા તેને છોડી દે છે અને દેવ સાથે કરેલો પોતાનો કરાર વિષે ભૂલી જાય છે; 18 તેનું ઘર મૃત્યુની ખાઇમાં ઊતરી જાય છે અને તેનો માર્ગ મૃત્યુલોકમાં જાય છે. 19 તેની પાસે જનારાઓમાંથી કોઇ પાછો ફરતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
20 તું સજ્જનોના માર્ગે ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે. 21 કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિર્દોષ માણસો જ એમાં વસશે. 22 પણ દુષ્ટોનું પૃથ્વી પરથી નિકંદન નીકળી જશે. અને જેઓ કપટ કરનારા છે તેમને સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.
નીતિમત્તાથી રહેવું તમારું જીવન વધારશે
3 મારા દીકરા! મારો ઉપદેશ ભૂલી જઇશ નહિ. પરંતુ તારા હૃદયમાં મારી આજ્ઞાઓને સંઘરી રાખજે, 2 કારણ કે એ તને દીર્ઘ પૂર્ણ જીવન અને શાંતિ આપશે.
3 પ્રેમ અને વફાદારી તારો ત્યાગ ન કરે, વિશ્વાસનીયતાને તું તારા ગળે બાંધી રાખજે, અને તારા હૃદયપર લખી રાખજે; 4 આ રીતે તું દેવ તથા માણસોની દ્રષ્ટિમાં કૃપા અને સફળતા પામશે.
5 તારા પૂર્ણ હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ. અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. 6 તું જ્યાં પણ જાય, તેનો આભારમાન, અને તે તને સાચે માર્ગે દોરશે અને તને સફળ બનાવશે. 7 તું તારી પોતાની જાતને જ્ઞાની ન માનીશ; યહોવાનો ડર રાખજે અને પાપથી દૂર રહેજે. 8 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારા હાડકાં બળવંત રહેશે.
9 તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર. 10 એમ કરવાથી તારા અન્નના ભંડાર હર્યાભર્યા રહેશે અને તારા દ્રાક્ષારસના કુંડો દ્રાક્ષારસથી ઊભરાઇ જશે.
11 મારા દીકરા, યહોવાની શિક્ષાને નકારીશ નહિ, અથવા તેના ઠપકાથી કંટાળી જઇશ નહિ. 12 કારણ કે યહોવા જેના ઉપર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે, જેમ બાપ પોતાના દીકરાને, જે તેને ખુબ પ્યારો છે, તેને ઠપકો આપે છે.
13 જેને જ્ઞાન મળ્યું છે, અને જેણે સમજશકિત મેળવી છે, તેને ધન્ય છે. 14 કારણ કે તેનો નફો ચાંદીથી વધારે છે, અને તેનો લાભ ચોખ્ખા સુવર્ણના લાભ કરતાં શ્રેષ્ઠ છે. 15 તે કીંમતી પથ્થરો કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તારી માલિકીની કોઇપણ વસ્તુ એની સાથે સરખાવાય તેમ નથી.
16 તેના જમણા હાથમાં દીર્ધાયુંષ્ય છે અને તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે. 17 તેના માર્ગો સુખદાયક અને તેના રસ્તા શાંતિપૂર્ણ છે. 18 જેઓ તેને વીટંળાય છે તેને માટે એ સંજીવનીવેલ છે, અને જેઓ તેને દ્રઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
19 યહોવાએ પૃથ્વીને જ્ઞાનથી અને આકાશને સમજશકિતથી ભરીને સ્થાપન કર્યા છે. 20 તેના જ્ઞાનને પ્રતાપે પાતાળમાંથી પાણીના ઝરણા ફૂટી નીકળ્યા છે, અને વાદળોમાંથી વરસાદ વરસે છે.
21 મારા દીકરા, તેઓને તારી નજર આગળથી દૂર થવા દઇશ નહિ, વ્યવહારૂ ક્ષમતા, વિવેકબુદ્ધિ, અને સાર્મથ્યને પકડી રાખજે. 22 તો તેઓ તને જીવન આપશે અને તારા ગળાનો હાર બની રહેશે. 23 પછી તું તારા માર્ગે સુરક્ષિત જઇ શકીશ અને ઠોકર ખાઇને લથડશે નહિ. 24 સૂતી વખતે તને કોઇ ડર રહેશે નહિ. અને તું મીઠી ઊંઘ લઇ શકીશ. 25 ઓચિંતા ભયથી કે દુષ્ટ માણસો પર આવતા સર્વનાશથી તું ગભરાઇશ નહિ. 26 કારણ કે યહોવા તારી જોડે રહેશે અને તારા પગને ફસાઇ જતાં બચાવશે.
27 જો કોઇને તારી મદદની જરૂર હોય અને તું સમર્થ હોય તો ના પાડીશ નહિ. 28 જો તારી પાસે હોય તો તારા પડોશીને એમ ના કહીશ કે, “જાઓ, ફરીથી આવજો,” આવતીકાલે હું આપીશ.
29 તારો પડોશી તારી પડોશમાં પોતાને સુરક્ષિત અનુભવે છે, તેની સામે અનિષ્ટ યોજના કરીશ નહિ.
30 જો કોઇ માણસે તમારું નુકશાન કર્યુ ન હોય તો તેની સાથે કારણ વગર વિખવાદ કરીશ નહિ.
31 દુષ્ટ માણસની ઇર્ષ્યા ન કરશો, અને તેનો એક પણ માર્ગ પસંદ ન કરશો. 32 કારણ કે છેતરપિંડી કરનારા માણસોને યહોવા દુ:ખી કરે છે. વાંકા માણસોને યહોવા ધિક્કારે છે પણ પ્રામાણિક માણસોને તે પોતાના અંગત ગણે છે.
33 યહોવાનો શાપ દુષ્ટ માણસોના ઘર ઉપર ઉતરે છે. પણ સાચા માણસોના ઘર ઉપર તેમના આશીર્વાદ ઉતરે છે.
34 તે ટીખળી માણસોની ટીખળ કરે છે અને જેઓ નમ્ર છે તેના માટે કૃપાળુ છે.
35 જ્ઞાનીઓને ગૌરવનો વારસો મળશે પરંતુ મૂર્ખોને અપકીર્તિ જ મળશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International