Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
રોમનો 14-16

બીજા લોકોની ટીકા ન કરો

14 વિશ્વાસમાં જે માણસ નબળો હોય તો તેનો તમે તમારી મંડળીમાં સ્વીકારવા માટે ઈન્કાર ન કરશો. અને એ વ્યક્તિના જુદા વિચારો વિષે એની સાથે દલીલબાજીમાં ન ઉતરશો. એક વ્યક્તિ એવું માને છે કે એને મન ફાવે તેમ તે કોઈપણ જાતનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ નિર્બળ વિશ્વાસ ધરાવનાર માણસ એવું માને છે કે તે ફક્ત શાકભાજી જ ખાઈ શકે છે. કોઈપણ જાતનો ખોરાક લેનાર માણસે એવું માની લેવું ન જોઈએ કે તે શુદ્ધ શાકાહારી વ્યક્તિ કરતાં વધારે સારો છે. અને ચુસ્ત શાકાહારી માણસે પણ એવું માનવું ન જોઈએ કે બધી જાતનો ખોરાક લેનાર માણસ ખોટો છે. કેમ કે દેવે તેનો પણ સ્વીકાર કર્યો છે. બીજા માણસના નોકર વિષે તમે અભિપ્રાય આપી ન શકો. નોકર કામ બરાબર કરે છે કે નહિ, એ તો ફક્ત એનો પોતાનો જ શેઠ નક્કી કરી શકે. અને પ્રભુનો સેવક ન્યાયી હશે કારણ કે તેને ન્યાયી કે સુપાત્ર બનાવવા પ્રભુ સમર્થ છે.

કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે. અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે. ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ. બીજા દિવસો કરતાં અમુક જ દિવસ વધારે અગત્યનો છે એવું માનનાર માણસ પ્રભુને માટે એવું કરી રહ્યો છે. અને બધું જ ખાનાર માણસ પણ દેવને માટે એવું કરી રહ્યો છે. હા એ ખોરાક માટે તે દેવનો આભાર માને છે. અને અમુક ખોરાક ખાવાનો ઈન્કાર કરનાર માણસ પણ પ્રભુને ખાતર એમ કરી રહ્યો છે. એ પણ દેવનો આભાર માને છે.

હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી. જો આપણે જીવીએ છીએ તો તે પ્રભુને ખાતર જ જીવીએ છીએ. અને જો આપણે મરીએ છીએ તો તે પણ પ્રભુને ખાતર જ. આમ, જીવતાં કે મરતાં આપણે પ્રભુનાજ છીએ.

તેથી જ તો ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો મૃત્યુમાંથી સજીવન થયો. ખ્રિસ્તે આ પ્રમાણે કર્યુ જેથી કરીને જે લોકો મરણ પામ્યા છે અને જેઓ હજી જીવતા છે તે સૌને ને પ્રભુ થાય. 10 તો પછી ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર તમારા ભાઈ વિષે તમે શા માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધો છો? અથવા તો તમારા ભાઈ કરતાં તમે વધારે સારા છો, એમ તમે શા માટે વિચારો છો? આપણે બધાએ દેવના ન્યાયાસન આગળ ઉપસ્થિત થવાનું છે અને તે આપણા સૌનો ન્યાય કરશે. 11 હા, શાસ્ત્રમાં લખેલું છે:

“‘પ્રભુ કહે છે કે,
    પ્રત્યેક વ્યક્તિ મારી આગળ ઘૂંટણીએ પડીને નમન કરશે
    અને પ્રત્યેક વ્યક્તિ કબૂલ કરશે કે, હું દેવ છું. હું જીવું છું એ જેટલું ચોક્કસ છે, એટલું ચોક્કસ એ રીતે આ બધું બનશે.’” (A)

12 આમ, પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે.

બીજા લોકો પાસે પાપ કરાવશો નહિ

13 આમ આપણે એકબીજાનો ન્યાય તોળવાનું બંધ કરવું જોઈએ. આપણે એવો નિર્ણય લેવો પડશે કે આપણે એવું કાંઈ પણ ન કરવું કે જે કોઈ ભાઈ કે બહેનને નિર્બળ બનાવે કે તેને પાપમાં પાડે. 14 હું તો પ્રભુ ઈસુમાં છું. અને હું જાણું છું કે એવો કોઈ ખોરાક નથી કે જે ખાવા માટે નકામો હોય. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે કોઈ વસ્તુ તેના માટે ખોટી કે નકામી છે, તે તેના માટે તે ખોટું જ છે.

15 જો તમે જે કાંઈ ખોરાક લેતા હોય અને તેનાથી તમારા ભાઈની લાગણી દુભાતી હોય તો તમે પ્રેમનો માર્ગ અનુસરતા નથી. તેને ખાવાનો આગ્રહ કરીને તેના વિશ્વાસનો નાશ કરશો નહિ. એ માણસ માટે ઈસુ મરણ પામ્યો છે. 16 તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું કશું કરશો નહિ. 17 દેવના રાજ્યમાં ખાવું અને પીવું એ અગત્યની બાબતો નથી. તેનાં કરતાં અગત્યની બાબતો દેવના રાજ્યમાં તો દેવની સાથે ન્યાયી થવું અને શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ અનુભવવો તે છે. 18 જે કોઈ વ્યક્તિ આ રીતે જીવન જીવીને ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પ્રસન્ન કરે છે. અને બીજા લોકો પણ એ વ્યક્તિનો સ્વીકાર કરે છે.

19 જે કામો કરવાથી શાંતિ સ્થપાતી હોય એવું કરવા આપણે સખત પરિશ્રમ કરીએ. અને જેનાથી એક બીજાને મદદ થાય એવું કરવાનો આપણે પ્રયત્ન કરીએ. 20 જ ખોરાક ખાવાની બાબત પર માર મૂકીને દેવનું કાર્ય નષ્ટ ન થવા દો. ખાવાની બાબતમાં બધો જ ખોરાક ખાવા લાયક હોય છે. પરંતુ જે ખાવાથી બીજો માણસ જો પાપમાં પડતો હોય તો એ ખોરાક ખાવો યોગ્ય ન ગણાય. 21 સાચી વસ્તુ એ છે કે માંસ ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી કે એવું કાંઈ કરવાથી જો તમારા ભાઈનું આધ્યાત્મિક પતન થતું હોય તો તે યોગ્ય નથી. તેથી એવું કાંઈ પણ ન કરવું જેનાથી કોઈનું પણ આધ્યાત્મિક પતન થાય.

22 આવી બાબતો વિષેની તમારી અંગત માન્યતાઓને તમારી અને દેવની વચ્ચે ગુપ્ત રાખવી જોઈએ. અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવ્યા વગર જે વ્યક્તિ પોતે જેને સાચું કે યોગ્ય માનતો હોય એવું કરી શકે એવી વ્યક્તિને ધન્ય છે. 23 તે ખોરાક ખાવો યોગ્ય છે કે નહિ તેની ખાતરી કર્યા વગર જો કોઈ વ્યક્તિ તે ખાઈ લે તો તે પોતાની જાતને દોષિત માને છે. શા માટે? કારણ કે તે વ્યાજબી હતું એમ તેણે માન્યું નહોતું. અને જો કોઈ વ્યક્તિ જેમાં તેને વિશ્વાસ નથી કે તે સાચું છે અને તે કરે છે તો પછી તે પાપ છે.

15 આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આપણામાંના દરેકે બીજાને પણ ખુશ કરવા જોઈએ. એમને મદદ કરવા આપણે આમ કરવું જોઈએ. એમનો વિશ્વાસ દ્રઢ થાય એ માટે એમને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.”(B) ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે. ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,

“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
    અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (C)

10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:

“દેવના માણસોની સાથે સાથે સૌ
    બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (D)

11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:

“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
    અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (E)

12 અને યશાયા પ્રબોધક કહે છે:

“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
    તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
    અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (F)

13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.

પાઉલ પોતાના કાર્ય વિષે કહે છે

14 મારા ભાઈઓ તથા બહેનો, મને ખાતરી છે કે તમે ભલાઈથી ભરપૂર છો. હું જાણું છું કે જરૂર હોય એટલું સર્વ પ્રકારનું જ્ઞાન તમે ઘરાવો છો, અને તમે એકબીજાને ચેતવણી આપી શકો એમ છો. 15 એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય આર્પણ થાય, માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉ. 16 એ કારણે દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વધારે હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.

17 આમ, ખ્રિસ્ત ઈસુમાં દેવ માટે હું જે કઈ કરી શક્યો છું એનું મને ગૌરવ છે. 18 મેં પોતે જે કઈ કર્યુ છે તે વિષે હું વાત નહિ કરું. બિનયહૂદિ લોકો દેવની આજ્ઞા માને એવું એમને માર્ગદર્શન આપવામાં ખ્રિસ્તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે તે વિષે જ હું બોલીશ. મેં જે બાબતો કહી છે અને કરી છે, એને લીધે તેઓએ દેવની આજ્ઞા પાળી છે. 19 પરાક્રમોની શક્તિ અને જે મહાન વસ્તુઓ એમણે જોઈ છે, અને પવિત્ર આત્માના સાર્મથ્યને લીધે એમણે દેવનો આદેશ માન્યો છે. યરૂશાલેમથી માંડીને ઈલ્લુરિકા સુધી બધે ફરી ફરીને મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. અને આમ મારા કાર્યનો એ ભાગ મેં પરિપૂર્ણ કર્યો છે. 20 જે જે સ્થળોએ લોકોએ કદી પણ ખ્રિસ્ત વિષે સાંભળ્યું ન હોય ત્યાં સુવાર્તા પ્રગટ કરવાનાં કાર્યને મેં હમેશા મારું ધ્યેય બનાવ્યું છે. આમ કરવાનું કારણ એ છે કે બીજી કોઈ વ્યક્તિએ જ્યાં આ કાર્ય પહેલેથી જ શરું કરી દીધું હોય ત્યાં પહોંચી જઈને એણે કરેલા કાર્યના પાયા પર હું કામ ન કરું. 21 પણ, શાસ્ત્રોમાં લખેલું છે:

“જે લોકોને તેના વિષે કશું જ કહેવામાં નથી આવ્યું તે લોકો જોશે,
    અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.” (G)

રોમની મુલાકાત માટે પાઉલની યોજના

22 તેથી જ ઘણી વાર તમારી પાસે આવતાં મને રોકવામાં આવતો હતો. જેથી મારે અહીં રોકાઈ જવું પડતું હતું.

23 હવે અહીં આ વિસ્તારોમાં મેં મારું કાર્ય પરિપૂર્ણ કર્યુ છે. વળી ઘણાં વર્ષોથી તમારી મુલાકાતે આવવાનું મને મન હતું. 24 તેથી હું જ્યારે સ્પેન જઈશ ત્યારે તમારી મુલાકાત લઈશ. હા, સ્પેન પ્રવાસે જતા તમારી મુલાકાત લેવાની હું આશા રાખું છું, અને તમારી સાથે રહેવાથી મને ખૂબ આનંદ થશે. પછી તમે મારા પ્રવાસમાં મને મદદ કરી શકશો.

25 અત્યારે તો હું દેવના લોકોને મદદરૂપ થવા યરૂશાલેમ જઈ રહ્યો છું. 26 યરૂશાલેમમાં દેવના કેટલાક સંતો ગરીબ છે. મકદોનિયા અને અખાયાના વિશ્વાસુ લોકોએ તેઓને સારું કઈ ઉઘરાણું કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ગરીબ લોકોને મદદ કરવા એમણે દાન આપ્યું છે. 27 મકદોનિયા અને અખાયાના વિશ્વાસી ભાઈઓ આમ કરતાં આનંદ અનુભવતા હતા. અને યરૂશાલેમના વિશ્વાસીઓને એમણે ખરેખર મદદ કરવી જ જોઈએ. તેઓએ એમને મદદ કરવી જોઈએ કારણ કે તેઓ આ રીતે બિનયહૂદિઓ છે અને યહૂદિઓને ઈસુના આધ્યાત્મિક આશીર્વાદોના તેઓ ભાગીદાર થયા. તેથી યહૂદિઓને મદદ કરવા એમની પાસે જે કાંઈ હોય એનો એમણે ઉપયોગ કરવો જોઈએ. તેઓના માથે યહૂદિઓનું ઋણ છે. 28 મારે ખાતરી કરવી પડશે કે યરૂશાલેમના ગરીબ લોકોને જ આ બધા પૈસા મળે કે જે એમના માટે દાનમાં આપવામાં આવ્યા છે.

આ કાર્ય પૂરું કર્યા પછી હું સ્પેન જવા નીકળીશ. સ્પેનના પ્રવાસે જતાં તમારી મુલાકાત લેવા માટે હું રોકાઈશ. 29 હું જાણું છું કે તમારી મુલાકાત વખતે તમારા માટે, હું ખ્રિસ્તના ભરપૂર આશીર્વાદો લાવીશ.

30 ભાઈઓ તથા બહેનો, મારા આ કાર્યમાં મને મદદ કરવા તમે મારા માટે દેવને પ્રાર્થના કરો એવી મારી તમને વિનંતી છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ કરો. પવિત્ર આત્મા આપણને પ્રેમ આપે છે તેટલા માટે આમ કરો. 31 યહૂદિયામાં રહેતા અવિશ્વાસીઓના હુમલામાંથી હું બચી જાઉ એવી પ્રાર્થના કરો. અને એવી પણ પ્રાર્થના કરો કે યરૂશાલેમ માટે હું જે મદદ લાવી રહ્યો છું તેનાથી ત્યાંના દેવના સંતો ખુશ થાય. 32 જો દેવની ઈચ્છા હશે તો હું તમારી પાસે સહર્ષ આવીશ અને તમારી સાથે હું વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને મદદ કરો. 33 દેવ જે શાંતિદાતા છે તે સદાને માટે તમો સૌની સાથે રહો. આમીન.

પાઉલ ઉપસંહારમાં આભાર-વિધિ કરે છે

16 હું તમને જણાવવા ઈચ્છું છું કે ખ્રિસ્તમાં ખ્રિસ્તની મંડળીની તે ખાસ સેવિકા છે. પ્રભુના નામે દેવના લોકોને શોભે તે રીતે તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ તમારી પાસે મદદની માગણી કરે ત્યારે તેને સહાય કરજો.

પ્રિસ્કા અને અકુલાસને મારી સલામ કહેજો. ખ્રિસ્ત ઈસુની સેવામાં તેઓ મારી કાર્ય કરે છે. મારો જીવ બચાવવા તેમણે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું. હું એમનો આભારી છું, અને બધી જ બિનયહૂદિ મંડળીઓ એમની આભારી છે.

અને વળી એમના ઘરમાં જે મંડળી છે તેને પણ મારી સલામ કહેશો.

મારા પ્રિય મિત્ર અપૈનિતસને મારા સ્નેહસ્મરણ પાઠવશો. આસિયા માઈનોરના પશ્ચિમ વિસ્તારમાં ખ્રિસ્તનો શિષ્ય થનાર તે પહેલો માણસ હતો.

મરિયમની ખબર પૂછશો, તમારા માટે એણે ઘણું સખત કામ કર્યુ છે.

આન્દ્રનિકસ અને જુનિયાસને સલામ કહેજો. તેઓ મારા સંબંધી છે, અને તેઓ મારી સાથે કેદમાં હતા. તેઓ તો દેવના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ કાર્યકરોમાંના છે. મારી અગાઉ તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસી હતા.

પ્રભુમાં મારા પ્રિય મિત્ર અંપ્લિયાતસને મારી સલામ પાઠવશો. ઉર્બાનુસને મારી સલામ કહેજો. ખ્રિસ્તની સેવામાં જોડયેલા તે મારા સહકાર્યકર છે.

અને મારા પ્રિય મિત્ર સ્તાખુસની ખબર પૂછશો. 10 અપેલ્લેસને મારી સલામ કહેશો. તેની પરીક્ષા કરવામાં આવી હતી અને સાબિત થયું હતું કે તે ખ્રિસ્તને ખરેખર પ્રેમ કરે છે.

અરિસ્તોબુલસના કુટુંબના સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 11 મારા સંબંધી હેરોદિયોનને સલામ કહેજો.

નાર્કીસસ કુટુંબના જેઓ પ્રભુના છે તે સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 12 ત્રુંફૈના અને ત્રુંફોસાની મારા વતી ખબર પૂછશો. પ્રભુ માટે આ સ્ત્રીઓ ઘણી સખત મહેનત કરી રહી છે.

પેર્સિસને મારી સ્નેહભીની યાદ પાઠવશો. એણે પણ પ્રભુ માટે ઘણો સખત પરિશ્રમ કર્યો છે.

13 રૂફસને સલામ કહેજો. પ્રભુની સેવામાં તે વિશિષ્ટ વ્યક્તિ છે. એની માને મારી સલામ પાઠવશો. એ તો મારી મા પણ થાય છે.

14 ખ્રિસ્તના શરણે આવેલા સૌ ભાઈઓ સાથે અસુંકિતસ, ફલેગોન, હર્મેસ, પાત્રબાસ તથા હાર્માસ છે તેઓને મારી સલામ કહેજો.

15 ફિલોલોગસ અને જુલિયા, નેર્યુસ તથા એની બહેન, અને ઓલિમ્પાસને મારી સલામ પાઠવશો. અને એમની સાથે જે સંતો છે તે સૌને મારી સલામ કહેજો.

16 તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો.

ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે.

17 ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો. 18 એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે. 19 તમે લોકો દેવની આજ્ઞા પાળો છો, એમ બધા વિશ્વાસીઓએ સાંભળ્યું છે. તેથી એ વિષે તમારે લીધે મને ઘણો આનંદ થાય છે. પરંતુ જે બધી વસ્તુઓ સારી છે તે તમે જાણો અને સમજો એમ હું ઈચ્છું છું. અને જે બાબતો ભૂંડી છે તે વિષે તમે બિલકુલ ન જાણો એમ પણ હું ઈચ્છું છું.

20 શાંતિ આપનાર દેવ હવે ટૂંક સમયમાં જ શેતાનને હરાવશે અને એના પર તમારી સત્તા ચાલે એવી તમને શક્તિ આપશે.

પ્રભુ ઈસુની દયા તમારી સાથે જ છે.

21 મારી સાથેના કાર્યકર તિમોથી તમને સલામ પાઠવે છે. વળી મારા સંબંધીઓ લૂક્યિસ, યાસોન, સોસિપાત્રસ પણ તમારી ખબર પૂછે છે.

22 હું તેર્તિયુસ છું, અને પાઉલ જે બોલે છે તે બધું હું લખી રહ્યો છું. પ્રભુના નામે મારી તમને સલામ કહું છું.

23 ગાયસ એનું ઘર મને તથા અહીંની આખી ખ્રિસ્તની મંડળીને વાપરવા દે છે. તે પણ તમને સલામ પાઠવે છે. એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમારી ખબર પૂછે છે. એરાસ્તસ અહીંનો નગર-ખજાનચી છે. [24 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન.][b]

25 દેવનો મહિમા થાઓ. એક માત્ર દેવ જ તમારા વિશ્વાસને દ્રઢ કરી શકે છે. જે સુવાર્તાનો ઉપદેશ હું તમને ધર્મમાં તમારો વિશ્વાસ મજબૂત કરવા આપું છું, એ સંદેશનો સદુપયોગ દેવ હવે કરી શકશે. સુવાર્તા એટલે કે લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહેવા સુપાત્ર થાય, એવો માર્ગ હવે દેવે સૌ માટે ખૂલ્લો કરી દીધો છે. એ સુવાર્તા ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે હું લોકોને કહું છું. સુવાર્તા એક ગુપ્ત સત્ય છે કે જે હવે દેવે જાહેર કર્યુ છે. ઘણા વર્ષોથી એ રહસ્યમય સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું. 26 પરંતુ એ ગુપ્ત સત્ય હવે આપણી આગળ પ્રગટ કરી દેવામાં આવ્યું છે. અને હવે બધા જ દેશોના લોકોને એ સત્યથી માહિતગાર કરવામાં આવ્યા છે. પ્રબોધકોએ લખેલાં વચનો દ્વારા એ સત્ય જાહેર કરવામાં આવ્યું છે. દેવની આજ્ઞા આવી જ છે. અને તે ગુપ્ત સત્ય સૌ લોકોને હવે જણાવ્યું છે, જેથી કરીને તેઓ દેવ પર વિશ્વાસ કરે અને એની આજ્ઞાઓ પાળે. દેવ તો અવિનાશી છે. 27 તે એકલા જ્ઞાની દેવને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ પર્યંત મહિમા હો. આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International