Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
રોમનો 8-10

આત્મામાં જીવન

તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી. મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો. આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ.

ફક્ત પાપમય દુર્વાસનાઓની જ ઈચ્છાઓ વિષે જે લોકો વિચારે છે, તે પાપમય દુર્વાસનાઓને અનુસરીને જીવે છે. પણ જે લોકો આત્માને અનુસરે છે તેઓ હંમેશા આત્મા તેમની પાસે જે કરવાની અપેક્ષા રાખે છે તેનો વિચાર કરે છે. જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે. આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી. જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી.

પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી. 10 પાપને કારણે તમારું શરીર મરેલું છે. પરંતુ જો તમારામાં ખ્રિસ્ત (વસતો) હશે, તો આત્મા તમને જીવન આપશે, કેમ કે તમને દેવ સાથે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. 11 જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.

12 તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ. 13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.

14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે. 15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ. 16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ. 17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.

ભવિષ્યમાં આપણને મહિમા મળશે

18 હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી. 19 દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે. 20 દેવે જે દરેક વસ્તુ સર્જી તે દરેક વસ્તુ જાણે નિરર્થકતાને આધીન હોય તેમ તેને બદલી નાખવામાં આવી. તેને બદલવાની ઈચ્છા ન હતી. પરંતુ દેવે તેમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમાં પણ આ આશા તો હતી 21 કે દેવ-સર્જિત પ્રત્યેક વસ્તુ નષ્ટ થવાથી મુક્ત હશે. એવી પણ આશા હતી કે દેવનાં સંતાનોને જે મુક્તિ અને મહિમા પ્રાપ્ત થયા છે, તે દેવે બનાવેલી દરેક વસ્તુને મળશે.

22 આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે. 23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 24 કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે. 25 પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.

26 વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે. 27 અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે. કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંત:કરણમાં શું છે તે પણ જાણે છે, કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે.

28 આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી. 29 દુનિયાની રચના કરી તે પહેલાં દેવ એ લોકોને ઓળખતો હતો. અને દેવે એવો પણ નિર્ણય કર્યો હતો કે એ લોકો તેના દીકરા જેવા થાય. અનેક ભાઈઓ અને બહેનોમાં ઈસુ સર્વ પ્રથમ જન્મેલો સૌથી મોટો ગણાશે. 30 પોતાના દીકરા જેવા થવા લોકોને દેવે નિમંત્રણ આપ્યું. અને એ લોકોને પોતાની સાથે ન્યાયી બનાવ્યા અને પોતાની સાથે રહેવાની યોગ્યતા આપી. જેઓને ન્યાયી ઠરાવ્યા તેઓને મહિમાવંત પણ કર્યા.

ખ્રિસ્ત ઈસુ પર દેવનો પ્રેમ

31 તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ. 32 આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે? 33 દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે. 34 કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે. 35 શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! 36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:

“તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ.
    લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.” (A)

37 દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે. 38-39 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.

દેવ અને યહૂદિ લોકો

હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી. યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું. તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું. કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે. એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે. દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે. દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી. અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું. તેઓ આપણા પિતાઓના વંશજો છે. અને તેઓ ખ્રિસ્તના દુન્યવી કુટુંબીજનો છે. ખ્રિસ્ત સર્વોપરી દેવ છે. તેની સ્તુતિ નિત્ય કરો! આમીન.

હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે. અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.”(B) આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી. દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે. ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.”(C)

10 માત્ર એટલું જ નહિ, રિબકાને પણ દીકરો થયો. એક જ પિતાના એ દીકરા હતા. તે જ આપણા પિતા ઈસહાક. 11-12 (રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”(D) એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું. જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય. 13 શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.”(E)

14 તો આ બાબતમાં આપણે શું કહીશું? શું દેવ ન્યાયી નથી? એવું તો આપણે કહી શકીએ એમ નથી. 15 દેવે મૂસાને કહ્યું હતું, “જે વ્યક્તિ પર મારે કૃપા કરવી હશે, તેના પર હું કૃપા કરીશ. જે વ્યક્તિ પર દયા બતાવવી હશે તેના પર હું દયા દર્શાવીશ.”(F) 16 તેથી જે વ્યક્તિ પર દયા કરવાનો દેવ નિર્ણય કરશે તેને દયા માટે દેવ પસંદ કરશે. લોકો શું ઈચ્છે છે અથવા તેઓ કેવા કેવા પ્રયત્ન કરે છે, તેના પર દેવની પસંદગીનો આધાર નથી. 17 શાસ્ત્રમાં દેવ ફારૂનને કહે છે: “તું મારું આ કામ કરે એટલા માટે મેં તને રાજા બનાવ્યો. તારા દ્વારા મારું સાર્મથ્ય પ્રગટ કરવાની મારી ઈચ્છા હતી. આખી દુનિયામાં મારું નામ પ્રગટ થાય એમ હું ઈચ્છતો હતો.”(G) 18 આમ જે લોકોની તરફ દયા બતાવવી હોય એમની તરફ દેવ દયા દર્શાવે છે. અને જે લોકોને હઠીલા બનાવવા હોય તેમને દેવ હઠીલા બનાવે છે.

19 તો તમારામાંથી કોઈ મને પૂછશે: “જો આપણાં કાર્યો પર દેવનો અંકૂશ જ હોય, તો પછી આપણાં પાપ માટે દેવ શાથી આપણી પર આરોપ મૂકે છે?” 20 દેવને પ્રશ્ન કરશો નહિ. તમે માત્ર માનવ છો; અને માનવોને એવો કોઈ હક્ક નથી કે તેઓ દેવને (આવા) પ્રશ્નો પૂછી શકે. માટીની બરણી તેના બનાવનારને પ્રશ્નો પૂછતી નથી. “તમે મને આવી જુદી જુદી વસ્તુઓ રૂપે કેમ બનાવી?” 21 જે કુંભાર માટીની બરણી બનાવે છે, તે પોતાની ઈચ્છા મુજબ ગમે તે બનાવી શકે છે. જુદા જુદા રૂપ રંગની વસ્તુઓ બનાવવા તે એક જ માટીનો ઉપયોગ કરે છે. તે એક વસ્તુ વિશિષ્ટ હેતુથી કોઈ ખાસ ઉપયોગ માટે બનાવી શકે, અને બીજી વસ્તુ રોજબરોજના ઉપયોગ માટે બનાવી શકે.

22 દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે. દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ. જે લોકો સર્વનાશને લાયક હતા, એમના પર દેવ ગુસ્સે થયો હતો, એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા. 23 એવા લોકો માટે પણ દેવે ધીરજથી રાહ જોઈ, જેથી કરીને દેવ પોતાનો સમૃદ્ધ મહિમા દર્શાવી શકે. જેઓ તેની કૃપા પ્રાપ્ત કરવાના હતા. તેથી આપણે જેઓ તેની કૃપાનાં પાત્રો છીએ અને જેમને તેણે તેનો મહિમા મેળવવા તૈયાર કર્યા છે તેમનામાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે. 24 એ લોકો તે આપણે જ છીએ. આપણે એવા માનવો છીએ કે જેમને દેવે તેડયા છે. યહૂદિઓ તેમજ બિનયહૂદિઓમાંથી દેવે આપણને પસંદ કર્યા છે. 25 હોશિયાના અધ્યાયમાં શાસ્ત્ર કહે છે તેમ:

“જે લોકો મારા નથી
    તેઓને હું મારાં લોકો કહીશ.
અને જે લોકો ઉપર મેં પ્રેમ નથી કર્યો
    તેઓ પર હું પ્રેમ કરીશ.” (H)

26 અને,

“એ જ ઠેકાણે દેવે કહ્યુ કે,
    ‘તમે મારી પ્રજા નથી’
    તે જ ઠેકાણે તેઓ જીવંત દેવના દીકરા કહેવાશે.” (I)

27 અને ઈસ્રાએલ વિષે યશાયા પોકારીને કહે છે કે:

“સમુદ્રની રેતીના કણ જેટલા ઈસ્રાએલના અનેક લોકો છે.
    પરંતુ એમાંના થોડાક જ લોકો તારણ પામશે.
28 હા, પૃથ્વી પરના લોકોના ન્યાય તોળવાનું કાર્ય દેવ જલદી પૂર્ણ કરશે.” (J)

29 યશાયાએ કહ્યું છે તેમ:

“દેવ સર્વસમર્થ છે. આપણા માટે દેવે એના કેટલાએક માણસોને બચાવી લીધા,
એવું જો દેવે ન કર્યુ હોત તો,
    સદોમ અને ગમોરા[a] શહેરોના લોકો જેવી
    આપણી દશા થાત.” (K)

30 તો આ બધાનો અર્થ શું થાય? એનો અર્થ આ છે કે: બિનયહૂદિ લોકો દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરતા ન હતા છતાં તેઓને દેવ સાથે ન્યાયી બનાવાયા અને તેઓ પોતાના વિશ્વાસને લીધે ન્યાયી ઠર્યા. 31 અને જ્યારે દેવ માટે ન્યાયી ઠરવા ઈસ્રાએલના લોકોએ નિયમશાસ્ત્રને અનુસરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ સફળ ન થયા. 32 સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા. 33 એ પથ્થર વિષે શાસ્ત્ર કહે છે.

“જુઓ, સિયોન માં મેં એક પથ્થર મૂક્યો છે કે જે લોકોને પાડી નાખશે.
    એ પથ્થર ઠોકર ખવડાવીને લોકોને પાપમાં પાડશે.
પરંતુ જે કોઈ વ્યક્તિ એ પથ્થરમાં વિશ્વાસ રાખશે તે નિરાશ થશે નહિ.” (L)

10 ભાઈઓ તથા બહેનો, મારી સૌથી મોટી ઈચ્છા એ છે કે યહૂદિઓ તારણ પામે. દેવને મારી એ જ પ્રાર્થના છે. યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી. દેવ જે માર્ગે લોકોને ન્યાયી બનાવે છે એ તેઓ જાણતા ન હતા. અને પોતાની આગવી રીતે તેઓએ ન્યાયી બનવાનો પ્રયત્ન કર્યો. આમ દેવની રીતે ન્યાયી બનવાનું તેમણે સ્વીકાર્યુ નહિ. ખ્રિસ્તે જૂના નિયમશાસ્ત્રનો અંત આણ્યો, જેથી કરીને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિને દેવ-પ્રાપ્તિ માટે ન્યાયી બનાવી શકાય.

નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે, “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”(M) પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો, ‘ઉપર આકાશમાં કોણ જશે?’” (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?”) “અથવા તમે આમ પણ પૂછશો નહિ, ‘કે પૃથ્વીના કે ઊડાણમાં કોણ ઊતરશે?’” (એનો અર્થ છે, “નીચે પાતાળમાં મૃત્યુલોકમાં જઈને મૃત્યુમાંથી ખ્રિસ્તને પૃથ્વી પર કોણ લઈ આવશે?”)

શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ.(N) જો તમે તમારી મુખવાણીનો ઉપયોગ આમ કહેવા માટે કરશો કે, “ઈસુ પ્રભુ છે,” અને જો તમે તમારા મનમાં માનશો કે દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડયો છે, તો તમારું તારણ થશે. 10 હા, અમે અમારા હૃદયોથી માનીએ છીએ, અને તેથી અમને ન્યાયી ઠરાવાયા છે. અને, “અમે એમાં માનીએ છીએ.” એમ કહેવા માટે અમે અમારી મુખની વાણીનો ઉપયોગ કરીએ છીએ; અને તેથી આપણું તારણ થયું છે.

11 હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”(O) 12 એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે. 13 હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.”(P)

14 પરંતુ સહાય માટે તેઓ પ્રભુમાં ભરોસો મૂકી શકે તે પહેલાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. અને લોકો પ્રભુમાં વિશ્વાસ કરે તે પહેલાં તેમણે પ્રભુ વિષે સાંભળેલું હોવું જોઈએ. અને લોકો પ્રભુ વિષે સાંભળે એ માટે બીજી કોઈ વ્યક્તિએ તેમને પ્રભુ વિષે કહેવું પડે. 15 અને લોકોની પાસે જઈને તેઓને બધું કહેવા માટે કોઈક વ્યક્તિને મોકલવી પડે. શાસ્ત્રમાં લખેલું છે કે, “સુવાર્તા લાવનાર પ્રબોધકો કે ઉપદેશકોનાં પગલા કેવાં સુંદર છે!”(Q)

16 પરંતુ બધા જ યહૂદિઓએ એ સુવાર્તા માની નહિ. યશાયાએ કહ્યું, “હે પ્રભુ, અમે લોકોને જે કહ્યું એમાં માનનારા કોણ હતા?”(R) 17 આમ, સુવાર્તા સાંભળવાથી વિશ્વાસ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે ત્યારે એ સુવાર્તા લોકોને સાંભળવા મળે છે.

18 પરંતુ હું પૂછું છું, “શું લોકોએ એ સુવાર્તા સાંભળી નથી?” હા, તેઓએ સાંભળી જ હતી જેમ શાસ્ત્ર કહે છે તેમ:

“આખી દુનિયામાં તેઓને અવાજ ફેલાઈ ગયો;
    આખા જગતમાં બધે જ તેઓનાં વચનો ફેલાયાં છે.” (S)

19 વળી હું પૂછું કે, “શું ઈસ્રાએલના લોકો એ સુવાર્તા સમજી ન શક્યા?” હા, તેઓ સમજ્યા હતા. પ્રથમ મૂસા દેવ વિષે આમ કહે છે:

“જે પ્રજા હજી ખરેખર રાષ્ટ્ર બની નથી, એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ.
    જે રાષ્ટ્રમાં સમજશક્તિ નથી તેની પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.” (T)

20 દેવ માટે આવું કહેનાર યશાયાએ હિંમતપૂર્વક કહ્યું:

“જેઓ મને શોધતા ન હતા-તેઓને હું મળ્યો;
    જેમણે મને કદી ખોળયો નહોતો એવા લોકોની આગળ હું પ્રગટ થયો.” (U)

21 બિનયહૂદિઓ વિષે યશાયા દ્વારા દેવ આમ બોલ્યો. પરંતુ યહૂદિ લોકો વિષે દેવ કહે છે,

“એ લોકો માટે હું રાત-દિવસ રાહ જોઈ રહ્યો છું,
    પરંતુ મારી આજ્ઞા પાળવાનો અને મને અનુસરવાનો તેઓ ઈન્કાર કરે છે.” (V)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International