Chronological
પાઉલ તેની સેવાનું સમર્થન કરે છે
10 હું પાઉલ છું અને હું તમને વિનવું છું. હું ખ્રિસ્તની નમ્રતા અને મમતાથી તમને વિનવું છું. કેટલાએક લોકો કહે છે કે જ્યારે હું તમારી સાથે હોઉં છું. ત્યારે દીન હોઉં છું, અને તમારાથી દૂર હોઉં છું. ત્યારે હિંમતવાન હોઉં છું. 2 કેટલાએક લોકો વિચારે છે કે અમે દુન્યવી પધ્ધતિથી જીવીએ છીએ. જ્યારે હું આવું ત્યારે આવા લોકો સાથે ઘણા નીડર થવાની મારી યોજના છે. હું તમને વિનવું છું કે હું જ્યારે આવું ત્યારે તેવી જ નીડરતાનો ઉપયોગ તમારી સાથે કરવાની મારે જરૂર પડશે નહિ. 3 અમે આ દુનિયામાં જીવીએ છીએ. પરંતુ જે રીતે દુનિયા ઝઘડે છે તે રીતે અમે ઝઘડતા નથી. 4 દુનિયા વાપરે છે તેના કરતાં જુદા પ્રકારના શસ્ત્રોથી અમે લડીએ છીએ. અમારા શસ્ત્રમાં દેવનું સાર્મથ્ય છે. દુશ્મનના મજબૂત સ્થાનનો આ શસ્ત્ર નાશ કરી શકે છે. અમે લોકોના વાદવિવાદનો નાશ કરીએ છીએ. 5 અને દરેક વસ્તુ જે દેવના જ્ઞાનની વિરૂદ્ધ ઉદભવે છે તેનો અમે નાશ કરીએ છીએ. અમે દરેક વિચારને કબજે કરી, તેને ત્યજી ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. 6 જે આજ્ઞાંકિત નથી તેવી દરેક વ્યક્તિને શિક્ષા કરવા અમે તૈયાર છીએ. પણ પ્રથમ તમે સંપૂર્ણ આજ્ઞાંકિત બનો.
7 તમારી સામેની હકીકતોને તમારે જોવી જોઈએ. જો વ્યક્તિ એમ વિચારતી હોય કે તે ખ્રિસ્તનો છે. તો તેણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેની જેમ અમે પણ ખ્રિસ્તમાં છીએ. 8 એ સાચું છે કે અમે મુક્ત રીતે પ્રભુએ અમને આપેલ સાર્મથ્ય વિષે બડાઈ મારીએ છીએ. પરંતુ તેણે આ સાર્મથ્ય તમને સુદઢ બનાવવા અમને આપ્યુ છે, નહિ કે તમને ક્ષતિ પહોંચાડવા. તેથી તે બડાઈ માટે હું શરમ નથી અનુભવતો. 9 હું એમ નથી ઈચ્છતો કે તમે એમ ધારો કે મારા પત્રો વડે હું તમને ડરાવવા માગું છું. 10 કેટલાએક લોકો કહે છે કે, “પાઉલના પત્રો શક્તિશાળી અને મહત્વના છે. પરંતુ જ્યારે તે અમારી પાસે હોય છે, ત્યારે તે નિર્બળ હોય છે. અને તેની વાણીમાં કશુંજ નથી.” 11 તે લોકોએ આ જાણવું જોઈએ: અમે અત્યારે તમારી સાથે નથી; તેથી પત્રો દ્વારા આ વસ્તુ અમે કહીએ છીએ. પરંતુ જ્યારે અમે ત્યાં તમારી સાથે હોઈશું ત્યારે અમે એજ પ્રભાવ દર્શાવીશું જે અમે પત્રમાં દર્શાવ્યો છે.
12 જે લોકો એમ માને છે કે પોતે ખૂબ જ મહત્વના છે, તેવા લોકોની ટોળીમાં દાખલ થવાની અમે હિંમત નથી કરી શકતા. અમે તેઓની સાથે અમારી સરખામણી પણ નથી કરતા. તેઓ પોતેજ પોતાનો માપદંડ બને છે, અને તેઓ જે છે તેના થકી પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે. આ બતાવે છે કે તેઓ કશું જ જાણતા નથી.
13 પરંતુ અમને જે કામ કરવાનું સોંપ્યું છે, તેના પરિધની બહાર જઈને અમે બડાઈ નહિ મારીએ. અમે અમારી બડાઈ, દેવે અમને સોંપેલા કાર્ય પૂરતી મર્યાદીત રાખીશું. પરંતુ આ કાર્યમાં તમારી સાથેના અમારા કાર્યનો સમાવેશ થાય છે. 14 અમે વધારે પડતી બડાઈ નથી મારતા. કારણ કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ. એમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. પરંતુ અમે તમારી પાસે આવ્યા છીએ. અમે તમારી પાસે ખ્રિસ્તની સુવાર્તા લઈને આવ્યા હતા. 15 જે કાર્ય અમારું છે તે પૂરતી અમારી બડાઈને અમે મર્યાદીત રાખી છે. જે કામ બીજા લોકોએ કર્યુ છે, તે વિષે અમે બડાઈ નથી મારતા. અમને આશા છે કે તમારા વિશ્વાસમાં વૃદ્ધિ થશે. અમને આશા છે કે અમારા કાર્યના ક્ષેત્રને વધુ ને વધુ વિશાળ બનાવવામાં તમે મદદરૂપ નિવડશો. 16 તમારા શહેર ઉપરાંતના વિસ્તારોમાં પણ સુવાર્તા કહેવાની અમારી ઈચ્છા છે. બીજી વ્યક્તિના વિસ્તારમાં થઈ ચૂકેલા કાર્ય વિષે અમે બડાઈ મારવા નથી ઈચ્છતા. 17 પરંતુ, “જે વ્યક્તિ બડાઈ મારે છે તેણે પ્રભુમાં બડાઈ મારવી જોઈએ.”(A) 18 કેમ કે તે એ વ્યક્તિ નથી કે જે કહે છે કે તે સારો છે. જેને પ્રભુ સારો કહે છે અને સ્વીકાર છે તે એ વ્યક્તિ છે.
પાઉલ અને જુઠા પ્રેરિતો
11 હું આશા રાખું છું કે થોડી મૂર્ખતા દર્શાવું તો પણ તમે મારી સાથે ધીરજ રાખશો. પરંતુ તમે મારી સાથે ક્યારનીચે ધીરજ રાખી છે. 2 મને તમારી ઈર્ષા આવે છે અને આ તે ઈર્ષા છે જે દેવ તરફથી આવી છે. મેં તમને ખ્રિસ્તને સમર્પિત કરવાનું વચન આપ્યું હતું. તમારો પતિ માત્ર ખ્રિસ્ત જ હોવો જોઈએ. હું તમને ખ્રિસ્તને સમર્પિત કરવા માંગુ છું, તેની પવિત્ર કુમારિકા તરીકે, 3 પરંતુ મને ભય છે કે તમારું મન તમને તમારા ખ્રિસ્ત પ્રત્યેના સાચા અને શુદ્ધ અનુસરણથી દૂર ઘસડી જશે જે રીતે સર્પે હવાની સાથે દુષ્ટ રીતે કપટ કર્યુ હતું અને છેતરી હતી. 4 તમે જે કોઈ તમારી પાસે આવે અમે આપ્યો છે તેના કરતા જુદો ઉપદેશ તમને ખ્રિસ્ત વિષે આપે તેની સાથે તમે ઘણા ધીરજવાન છો. એ આત્મા અને સુવાર્તાને સ્વીકારવા તમે ઘણા તત્પર છો પણ એ આત્મા અને સુવાર્તા અમે તમને આપ્યા છે તેનાથી ઘણા જુદા છે. તેથી તમારે મારી સાથે ધીરજ રાખવી જોઈએ.
5 હું નથી માનતો કે તે “મહાન પ્રેરિતો” મારાથી વધુ સારા છે. 6 તે સાચું છે કે હું એક કેળવાયેલો વક્તા નથી. પરંતુ મારી પાસે જ્ઞાન છે. અમે તમને દરેક રીતે આ સ્પષ્ટ બતાવ્યું છે.
7 કોઈ પણ પ્રકારના વળતર વગર મેં તમને દેવની સુવાર્તા પ્રગટ કરી. તમને મહત્વ આપવા હું નમ્ર બન્યો છું. તમે માનો છો કે તે ખોટું હતું? 8 મેં બીજી મંડળીઓ પાસેથી વળતર સ્વીકાર્યુ છે. મે તેમના નાણાં લીધા કે જેથી હું તમારી સેવા કરી શકું. 9 જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મારે જે કોઈ વસ્તુ જોઈતી હતી, તો મેં તેનો તમારા પર કોઈ બોજો નાખ્યો ન હતો. મકદોનિયાથી આવેલા બંધુઓએ મારે જે જોઈતું હતું, તે બધુંજ મને આપ્યું. તમારા પર બોજારૂપ મેં મારી જાતને બનવા દીઘી નથી. અને હું કદી તમને બોજારૂપ બનીશ નહિ. 10 અખાયાની કોઈ પણ વ્યક્તિ આ વિષે બડાઈ મારતા મને રોકી શકશે નહિ. મારામાંના ખ્રિસ્તના સત્ય વડે આમ કહું છું. 11 અને હું શા માટે તમને બોજારુંપ ન બન્યો? તમને પ્રેમ નથી કરતો એટલા માટે એમ તમે માનો છો? ના. દેવ જાણે છે કે હું તમને પ્રેમ કરું છું.
12 અને અત્યારે હું જે કરું છું તે કરવાનું હું ચાલું રાખીશ કારણ કે પેલા લોકોને બડાઈ મારવાનું કારણ મારે નથી આપવું. તેઓને તેમ કહેવું ગમશે કે જે કાર્ય માટે તેઓ બડાઈ મારે છે તે કાર્ય અમારા કાર્ય જેવું જ છે. 13 આ લોકો સાચા પ્રેરિતો નથી. તેઓ અસત્ય બોલનાર કાર્યકરો છે. અને તેઓ તેમના પોતામાં પરિવર્તન લાવે છે, કે જેથી લોકો માને કે તેઓ ખ્રિસ્તના પ્રેરિતો છે. 14 આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂત[a] છે. 15 જ્યારે શેતાનના સેવકો સાચા સેવકો દેખાવાનો પ્રયત્ન કરે છે તેથી અમને આશ્ચર્ય થતું નથી, પરંતુ અંતમાં તેઓના કરેલા કામ પ્રમાણે તેઓને શિક્ષા મળે છે.
પાઉલ તેની વ્યથા વિષે વાત કરે છે
16 હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું. 17 હું બડાઈ મારું છું, કારણ કે મને મારા વિષે ખાતરી છે. પરંતુ પ્રભુ જે રીતે વાત કરે થે રીતે હું વાત કરતો નથી. હું મૂર્ખની જેમ બડાશ મારું છું. 18 દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ. 19 તમે શાણા છો, તેથી હર્ષસહિત મૂર્ખાઓ સાથે તમે ધીરજ ઘરશો. 20 હું જાણું છું કે, તમે ધીરજવાન છો, કારણ કે જે માણસ તમને અમુક વસ્તુ કરવાની ફરજ પાડે છે અને તમારો લાભ લે છે. તેની સાથે પણ તમે ધીરજ ધરો છો. જે વ્યક્તિ તમને છેતરે, અથવા જે એમ માને કે તે તમારા કરતા સારો છે અથવા તમને મોંઢાં પર મારે તેની સાથે પણ તમે ધીરજવાન છો! 21 મારે માટે આમ કહેવું શરમજનક છે, પરંતુ આવી વસ્તુ તમારી સાથે કરવા માટે અમે ઘણા જ “નિર્બળ” છીએ.
પરંતુ જો કોઈ વ્યક્તિ બડાઈ મારવામાં બહાદુર હોઈ શકે, તો હું પણ બહાદુર બનીશ અને બડાશ મારીશ. (હું મૂર્ખની જેમ બોલું છું.) 22 શું પેલા લોકો યહૂદિ છે? હું પણ છું. શું તેઓ ઈસ્રાએલી છે? હું પણ છું. શું તેઓ ઈબ્રાહિમના કુટુંબના છે? હું પણ છું. 23 શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.
24 પાંચવાર યહૂદિ લોકોએ 39 કોરડા મારવાની સજા મને કરી છે. 25 ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો. એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો. ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા, અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો. 26 મેં ઘણીવાર મુસાફરી કરી છે. અને હું નદીઓ, લૂંટારાઓ અને મારા પોતાના લોકો દ્વારા ભયમાં મૂકાયો છું. હું એવા લોકો દ્વારા પણ ભયમાં મૂકાયો છું. જેઓ બિનયહૂદિ છે. હૂં શહેરોમાં, જ્યાં માનવ વસતો નથી ત્યાં, કે દરિયામાં પણ ભયમાં મૂકાયો છું. અને જે લોકો એમ કહે કે તેઓ મારા ભાઈઓ છે પણ ખરેખર ન હોય તેમના થકી પણ ભયમાં મૂકાયો છું.
27 મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું. 28 અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું. 29 જ્યારે અન્ય વ્યક્તિ શીથિલ બને છે ત્યારે હું પણ શીથિલ બનું છું. જ્યારે અન્ય વ્યક્તિ પાપ તરફ દોરાય છે ત્યારે અંદરથી હું બળુ છું.
30 જો મારે બડાઈ મારવી જ હોય તો, હું એ વસ્તુની બડાઈ મારીશ જે બતાવે છે કે હું નિર્બળ છું. 31 દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે. 32 જ્યારે હું દમસ્કમાં હતો, ત્યારે અરિતાસ રાજાનો હાકેમ મને કેદ કરવા માંગતો હતો. તેથી શહેરની આજુબાજુ તેણે રક્ષકો ગોઠવ્યા. 33 પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.
પાઉલના જીવનમાં વિશિષ્ટ આશીર્વાદ
12 મારે બડાશ મારવાનું ચાલું રાખવું જોઈએ. તે ખાસ મદદરૂપ નહિ થાય, પરંતુ હવે પ્રભુ તરફથી ઉદભવતા દર્શન અને પ્રકટીકરણ[b] વિષે હું વાત કરીશ. 2 હું ખ્રિસ્તમય બનેલી એવી વ્યક્તિને જાણું છું, જેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. આ 14 વર્ષ પહેલા બન્યું હતું. મને ખબર નથી કે તે માણસ તેના શરીરમાં હતો કે શરીરની બહાર હતો. પરંતુ દેવ જાણે છે. 3-4 અને મને ખબર છે કે આ વ્યક્તિને પારાદૈશમાં લઈ જવામાં આવ્યો. મને ખબર નથી કે તે તેના શરીરમાં હતો કે તેના શરીરથી દૂર હતો. પરંતુ તેણે એવી વસ્તુઓ સાંભળી હતી કે જે તે સમજાવી શક્યો નથી. તેણે એવી વાતો સાંભળેલી કે જે કહેવાની કોઈ વ્યક્તિને પરવાનગી નથી. 5 હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ.
6 પરંતુ જો મારે મારી જાત વિષે બડાઈ મારવી હોત તો, હું મૂર્ખ તો નહિ જ બનું. હું મૂર્ખ નહિ બનું કારણ કે હું સત્ય કહેતો હોઈશ. પરંતુ હું મારી જાત વિષે બડાઈ મારીશ નહિ. શા માટે? કારણ કે લોકો મને જે કરતા જુએ છે અને જે કહેતા સાંભળે છે, તેથી વિશેષ મારા માટે લોકો ધારે તેવી મારી ઈચ્છા નથી.
7 પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યા[c] મને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો. 8 મેં આ સમસ્યા મારાથી દૂર કરવા માટે પ્રભુને ત્રણ વાર પ્રાર્થના કરી. 9 પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે. 10 તેથી જ્યારે મારામાં નબળાઈ આવે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું. મારા વિષે લોકો જ્યારે ખરાબ બોલે છે, ત્યારે હું રાજી થાઉં છું. જ્યારે મને મુશ્કેલી પડે છે ત્યારે હું રાજી થાઉં છું. અને જ્યારે મારી આગળ સમસ્યાઓ હોય છે ત્યારે હું રાજી થાઉં છું. આ બધું જ ખ્રિસ્ત માટે છે. અને હું આ બધાથી આનંદીત છું, કારણ કે જ્યારે હું નિર્બળ હોઉં છું, ત્યારે હું મજબૂત હોઉં છું.
કરિંથીના ખ્રિસ્તીઓ પ્રત્યે પાઉલનો પ્રેમ
11 હું મૂર્ખની જેમ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે મને એમ કરવા પ્રેર્યો. તમારે લોકોએ મારા વિષે સારું બોલવું જોઈએ. મારું કોઈ મૂલ્ય નથી, પરંતુ તે “મહાન પ્રેરિતો” નું મૂલ્ય મારા કરતા વધારે નથી! 12 હું જ્યારે તમારી સાથે હતો ત્યારે મે એવા કામો કર્યા જે પૂરવાર કરે કે હું પ્રેરિત છું – મેં ચિહ્નો બતાવ્યા, અદભૂત કાર્યો અને પરાક્રમો કર્યા. મેં ઘણી ધીરજથી આ કામો કર્યા. 13 તેથી બીજી મંડળીઓને જે પ્રાપ્ત થયું તે બધું જ તમને પ્રાપ્ત થયું. માત્ર એક બાબતમાં તફાવત હતો. હું તમને બોજારૂપ નહોતો. આ માટે મને માફ કરશો!
14 હવે ત્રીજી વખત તમારી મુલાકાત લેવા માટે હું તૈયાર છું. અને હું તમને બોજારૂપ બનીશ નહિ. તમારું જે કાંઈ છે, તેમાંથી મારે કશું જ જોઈતું નથી. હું તમને ઈચ્છું છું. બાળકોએ માતા પિતાને આપવા માટે કોઈ બચાવવાની જરૂર નથી, માતા પિતાએ તેમના બાળકોને આપવા બચાવવું જોઈએ. 15 મારી પાસે જે કાંઈ છે તે તમને આપતા મને આનંદ થાય છે. હું મારી જાત સુદ્ધા તમને આપીશ. જો હું તમને વધારે પ્રેમ કરું તો શું તમે મને ઓછો પ્રેમ કરશો?
16 એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો. 17 તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ. 18 મેં તિતસને તમારી પાસે જવા કહ્યું અને અમારા બંધુને મેં તેની સાથે મોકલ્યો. તિતસે તમને નથી છેતર્યા, ખરું ને? ના! તમે જાણો છો કે મને અને તિતસને એક જ આત્માએ દોર્યા છે. અને અમે એ જ માર્ગને અનુસર્યા છે.
19 તમે શું એમ માનો છો કે આ બધા સમય દરમ્યાન અમે અમારો બચાવ કરીએ છીએ? ના. અમે ખ્રિસ્ત થકી આ બધી વાતો કહીએ છીએ. અને દેવની સમક્ષ અમે આ બધી વસ્તુ કહીએ છીએ. તમે મારા પરમ મિત્રો છો. અને અમે જે કઈ કરીએ છીએ તે તમને વધુ સાર્મથ્યવાન બનાવવા કરીએ છીએ. 20 હું આમ કરું છું કારણ કે મને ભય છે કે હું તમને જેવા થવા ઈચ્છું છું તેવા તમે હશો નહિ. જ્યારે હું આવું છું અને તમે મને જેવો થવા ઈચ્છો છો તેવો હું હોઈશ નહિ. મને ભય છે કે તમારા સમૂહમાં વિવાદ, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, ઝઘડા, દુષ્ટવાતો, ગપસપ, ઉધ્ધતાઈ અને મુંઝવણો હશે. 21 મને ભય છે કે જ્યારે હું ફરીથી તમારી પાસે આવીશ ત્યારે મારો દેવ મને તમારી આગળ નમ્ર બનાવશે. તમારામાંના ઘણા દ્વારા મને વિષાદ થશે. જેઓએ અગાઉ પાપો કર્યા છે તે માટે હું દિલગીર થઈશ. કારણ કે તેઓએ પસ્તાવો કર્યો નથી. તથા તેઓએ તેઓના પાપી જીવન માટે પશ્ચાતાપ કર્યો નથી. તેઓના વ્યભિચાર અને શરમજનક કૃત્યો માટે પણ તેઓએ પશ્ચાતાપ નથી કર્યો.
આખરી ચેતવણી અને શુભકામના
13 હું ફરીથી તમારી પાસે આવીશ આ ત્રીજી વખત હશે. અને યાદ રાખજો, “દરેક ફરિયાદ માટે બે કે ત્રણ વ્યક્તિ હોવી જોઈએ જે કહે કે તેઓ જાણે છે કે ફરિયાદ સાચી છે.” 2 હું જ્યારે બીજીવાર તમારી સાથે હતો, ત્યારે જે લોકોએ પાપકર્મો કરેલા તેમને ચેતવણી આપી હતી. અત્યારે હું તમારાથી દૂર છું, અને બીજા બધા લોકો જેમણે પાપ કર્યા છે તેમને ચેતવણી આપું છું: જ્યારે ફરીથી હું તમારી પાસે આવીશ, ત્યારે તમારા પાપીકર્મો માટે હું તમને શિક્ષા કરીશ. 3 ખ્રિસ્ત મારા થકી બોલે છે તેની સાબિતી જોઈએ છે. મારી સાબિતી એ છે કે તમને શિક્ષા કરવામાં ખ્રિસ્ત નિર્બળ નથી. પરંતુ તમારી વચ્ચે ખ્રિસ્ત સર્વશક્તિમાન છે. 4 તે સાચું છે કે જ્યારે ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાંખ્યો ત્યારે તે નિર્બળ હતો. પરંતુ અત્યારે તે દેવના સાર્મથ્ય વડે જીવિત છે. અને તે સાચું છે કે ખ્રિસ્તમય આપણે નિર્બળ છીએ. પરંતુ તમારા માટે, દેવના સાર્મથ્ય વડે અમે ખ્રિસ્તમાં જીવિત હોઈશું.
5 તમે પોતાને ધ્યાનથી જુઓ. તમે વિશ્વાસમાં છો કે નહિ તેની પરીક્ષા કરો. તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત તમારામાં જીવે છે. પરંતુ જો તમે પરીક્ષામાં નિષ્કળ જશો, તો ખ્રિસ્ત તમારામાં સમાવિષ્ટ નથી. 6 પરંતુ મને આશા છે કે તમે જોશો કે અમે પરીક્ષામાં નિષ્કળ નથી ગયા. 7 અમે દેવને પ્રાર્થના કરીએ છીએ કે તમે કોઈ દુષ્કર્મો ન કરો. તે મહત્વનું નથી કે અમારી પરીક્ષણની સફળતા લોકો જુએ. પરંતુ એ મહત્વનું છે કે તમે જે યોગ્ય છે તે જ કરો, પછી ભલેને લોકો વિચારે કે અમે પરીક્ષણ માં નિષ્ફળ ગયા છીએ. 8 અમે સત્યની વિરુંધ્ધ કશું જ કરી શકીએ નહિ. અમે માત્ર એ જ કરી શકીએ જે સત્ય માટે છે. 9 જો તમે શક્તિશાળી છો તો, નિર્બળ થવામાં અમને આનંદ છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે વધુ ને વધુ પ્રબળ બનો. 10 હું જ્યારે તમારી સાથે નથી ત્યારે આ વાતો લખું છું. હું લખું છું જેથી જ્યારે હું આવું ત્યારે તમને શિક્ષા કરવા માટે મારા સાર્મથ્યનો ઉપયોગ ના કરવો પડે. પ્રભુએ મને તે સાર્મથ્ય તમને પ્રબળ કરવા આપ્યું છે નહિ કે તમારો ધ્વંશ કરવા.
11 હવે, ભાઈઓ અને બહેનો, હું વિદાય લઈશ. સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો. એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો. પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.
12 જ્યારે તમે એકબીજાને સલામ કહો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો. દેવના બધા જ પવિત્ર લોકો તમને સલામ કહે છે.
13 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવની પ્રીતિ, અને પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International