Chronological
શાઉલનું બદલાણ
9 યરૂશાલેમમાં શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને બધીજ વખતે હત્યા કરવાની ધમકીઓ આપતો હતો. તેથી તે પ્રમુખ યાજક પાસે ગયો. 2 શાઉલે તેને દમસ્ક શહેરની સભાઓના યહૂદિઓને પત્રો લખવાનું કહ્યું. શાઉલે ખ્રિસ્તના માર્ગના શિષ્યોને દમસ્કમાં શોધવાનો અધિકાર પ્રમુખ યાજક પાસેથી માગ્યો. જો તેને કોઈ સ્ત્રી કે પુરુંષ મળે તો તેઓને યરૂશાલેમ લઈ આવે.
3 તેથી શાઉલ દમસ્ક ગયો. જ્યારે તે શહેરની નજીક આવ્યો. તેની આજુબાજુ એકાએક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ ઝબૂક્યો. 4 શાઉલ જમીન પર પટકાયો. તેણે તેને કહેવાતી એક વાણી સાંભળી. “શાઉલ, શાઉલ! તું શા માટે મને સતાવે છે?”
5 શાઉલે કહ્યું, “તું કોણ છે, પ્રભુ?”
જવાબમાં વાણી સંભળાઇ, “હું ઈસુ છું, તું જેની સતાવણી કરે છે. તે હું છું. 6 હવે ઊભો થા, શહેરમાં જા, ત્યાં ત્યારે શું કરવું જોઈએ તે તને કોઈ કહેશે.”
7 શાઉલ સાથે મુસાફરી કરતા માણસો ત્યાં ઊભા રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહિ. તે માણસોએ વાણી સાંભળી, પણ તેઓએ કોઇને જોયો નહિ. 8 શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે તેની આંખો ઉઘાડી. પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી શાઉલની સાથેના માણસોએ તેનો હાથ પકડ્યો અને તેને દમસ્ક દોરી ગયા. 9 ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ. તે ખાઈ કે પી શક્યો પણ નહિ.
10 ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”
અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”
11 પ્રભુએ અનાન્યાને કહ્યું, “ઊભો થા અને પાધરા નામના રસ્તે જા. યહૂદિયાનું ઘર શોધી કાઢ. તાર્સસના શહેરમાં શાઉલ નામના માણસની તપાસ કર. તે હમણાં ત્યાં પ્રાર્થના કરે છે. 12 શાઉલે એક દર્શન જોયું છે. આ દર્શનમાં આનાન્યા નામનો માણસ તેની પાસે આવ્યો અને તેના પર હાથ મૂક્યો. પછી શાઉલ ફરિથી જોઈ શક્યો.”
13 પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું. 14 હવે શાઉલ અહીં દમસ્કમાં આવ્યો છે. મુખ્ય યાજકોએ જે લોકોને તારામાં વિશ્વાસ છે તે બધાને પકડવા માટેનો તેને અધિકાર આપ્યો છે.”
15 પણ પ્રભુએ અનાન્યાને કહ્યું, “જો! મેં એક અગત્યના કામ માટે શાઉલને પસંદ કર્યો છે. તેણે રાજાઓને, યહૂદિ લોકોને અને બીજા રાષ્ટ્રોને મારા વિષે કહેવું જોઈએ. 16 મારા નામે એને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે. એ હું તેને બતાવીશ.”
17 તેથી અનાન્યા ત્યાંથી છોડીને યહૂદાના ઘરે ગયો. તેણે તેના હાથો શાઉલ પર મૂક્યા અને કહ્યું, “શાઉલ, મારા ભાઈ, પ્રભુ ઈસુએ મને મોકલ્યો છે. તું જ્યારે અહીં આવ્યો ત્યારે રસ્તા પર જે તને દેખાયો તે એ જ છે. ઈસુએ મને એટલા માટે મોકલ્યો કે જેથી તું ફરીથી જોઈ શકે. અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.” 18 અચાનક તેની આંખોમાંથી છાલાં જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે જોઈ શકવા સમર્થ બન્યો, શાઉલ ઊભો થયો અને તે બાપ્તિસ્મા પામ્યો. 19 પછી તેણે થોડુંક ખાધું અને ફરીથી સાર્મથ્ય અનુભવવા લાગ્યો.
શાઉલનો જમસ્કમાં બોધ
શાઉલ દમસ્કમાં ઈસુના શિષ્યો સાથે થોડા દિવસો માટે રહ્યો. 20 તેથી જલદીથી તેણે સભાસ્થાનોમાં ઈસુ વિષે બોધ આપવાની શરુંઆત કરી. તેણે લોકોને કહ્યું, “ઈસુ એ દેવનો દીકરો છે!”
21 જે બધા લોકોએ શાઉલને સાંભળ્યો તે નવાઈ પામ્યા હતા. તેઓએ કહ્યું, “આ એ જ માણસ છે જે યરૂશાલેમમાં હતો. તે ઈસુ નામમાં વિશ્વાસ રાખનારા લોકોને મારી નાખવા પ્રયત્ન કરતો હતો! તે (શાઉલ) અહી એ જ વસ્તુ કરવા આવ્યો છે. તે ઈસુના શિષ્યોને પકડવા માટે અહીં જ આવ્યો છે. અને તેઓને યરૂશાલેમમાં મુખ્ય યાજકો પાસે લઈ જશે.”
22 પણ શાઉલ વધારે ને વધારે બળવાન થયો. તેણે સાબિત કર્યુ કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. તેની સાબિતીઓ એટલી મજબૂત હતી કે દમસ્કમાં રહેતા યહૂદિઓ તેની સામે દલીલો કરી શક્યા નહિ.
શાઉલનું યહૂદિઓ પાસેથી ભાગી જવું
23 ઘણા દિવસો પછી, યહૂદિઓએ શાઉલને મારી નાખવાની યોજના કરી. 24 યહૂદિઓ રાતદિવસ શહેરના દરવાજાએ ચોકી કરતા અને શાઉલની રાહ જોતા. તેઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. પરંતુ શાઉલે તેઓની આ યોજનાના સંદર્ભમાં જાણ્યું. 25 એક રાત્રે શાઉલે જે કેટલાક શિષ્યોને શીખવ્યું હતું તેઓએ તેને શહેર છોડવા માટે મદદ કરી. શિષ્યોએ શાઉલને ટોપલામાં મૂક્યો. તેઓએ શહેરની દીવાલના બાકોરામાંથી ટોપલાને ઉપરથી નીચે ઉતાર્યો.
યરૂશાલેમમાં શાઉલ
26 પછી શાઉલ યરૂશાલેમમાં ગયો. તેણે શિષ્યોના સમૂહમાં જોડાઇ જવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓ બધા તેનાથી ડરતા હતા. શાઉલ ખરેખર ઈસુનો શિષ્યો છે તે તેઓ માનતા ન હતા. 27 બાર્નાબાસે શાઉલને સ્વીકાર્યો અને તેને પ્રેરિતો પાસે લઈ ગયો. બાર્નાબાસે પ્રેરિતોને કહ્યું, શાઉલે દમસ્કના રસ્તા પર પ્રભુને જોયો છે. બાર્નાબાસે પ્રેરિતોને સમજાવ્યું કે પ્રભુએ શાઉલ ને કેવી રીતે કહ્યું. પછી તેણે પ્રેરિતોને કહ્યું કે શાઉલે દમસ્કના લોકોને કોઇ પણ જાતના ભય વિના પ્રભુનો બોધ આપ્યો.
28 અને તેથી શાઉલ શિષ્યોની સાથે રહ્યો, તેણે સમગ્ર યરૂશાલેમમાં મુસાફરી કરી અને જરા પણ ભય વિના પ્રભુ વિષે બોધ આપ્યો. 29 શાઉલ વારંવાર યહૂદિઓ કે જે ગ્રીક બોલતા હતા તેમની સાથે બોલતો, તે તેઓની સાથે દલીલો પણ કરતો. પરંતુ તેઓ તેને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. 30 જ્યારે વિશ્વાસીઓએ આ સંદર્ભમાં સાંભળ્યું, તેઓ શાઉલને કૈસરિયાના શહેરમાં લઈ ગયા. કૈસરિયાથી તેઓએ શાઉલને તાર્સસના શહેરમાં મોકલ્યો.
31 ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.
લોદ અને યાફામાં પિતર
32 પિતરે યરૂશાલેમની આજુબાજુના બધા ગામોમાં યાત્રા કરી. તેણે વિશ્વાસીઓની મુલાકાત લીધી. જે લોદમાં રહેતા હતા. 33 લોદમાં તેને એક એનિયાસ નામનો પક્ષઘાતી માણસ મળ્યો. છેલ્લા આઠ વર્ષથી એનિયાસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો. 34 પિતરે તેને કહ્યું, “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊભો થા અને તારી પથારી પાથર! હવે તું તારી જાત માટે આ બધું કરી શકીશ!” એનિયાસ તરત જ ઊભો થયો. 35 લોદ તથા શારોનના મેદાનોના બધા જ લોકોએ તેને જોયો. આ લોકો પ્રભુ ઈસુ તરફ વળ્યા.
36 યાફા શહેરમાં ટબીથા નામની ઈસુની શિષ્યા હતી. (તેનું ગ્રીક નામ, દોરકસ, અર્થાત “હરણ.”) તે હંમેશા લોકો માટે શુભ કાર્યો કરતી. જે લોકોને પૈસાની જરુંર હોય તે લોકોને તે હંમેશા પૈસા આપતી. 37 જ્યારે પિતર લોદમાં હતો. ત્યારે ટબીથા માંદી પડી અને મૃત્યુ પામી. તેઓએ તેને નહવડાવી અને મેડી પરના ઓરડામાં સુવડાવી. 38 યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદમાં હતો. (લોદ યાફા નજીક છે.) તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા. તેઓએ તેને વિનંતી કરી. મહેરબાની કરીને ઝડપથી આવ.
39 પિતર તૈયાર થઈ ગયો અને તેઓની સાથે ગયો. જ્યારે તે આવી પહોંચ્યો, તેઓ તેને મેડી પરના ઓરડામાં લઈ ગયા. બધી જ વિધવાઓ પિતરની આજુબાજુ ઊભી રહી. તેઓ રુંદન કરતાં હતાં. ટબીથા જ્યારે જીવતી હતી ત્યારે જે વસ્ત્રો બનાવ્યા હતા તે તેઓએ પિતરને દેખાડ્યા. 40 પિતરે બધાજ લોકોને ઓરડાની બહાર કાઢ્યા. તેણે ધૂંટણીએ પડીને પ્રાર્થના કરી. પછી તેણે ટબીથાના મુડદા તરફ ફરીને કહ્યું, “ટબીથા, ઊભી થા!” તેણે તેની આંખો ઉઘાડી. જ્યારે તેણે પિતરને જોયો, તે ત્યાં બેઠી થઈ. 41 પિતરે તેનો હાથ લંબાવ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને અંદર ઓરડામાં બોલાવ્યા. તેણે તેઓને ટબીથા બતાવી; તે જીવતી હતી!
42 યાફામાં દરેક સ્થળે લોકોએ આ સંદર્ભમાં સાંભળ્યું હતું. આ લોકોમાંના ઘણાએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. 43 પિતર યાફામાં ઘણા દિવસો રહ્યો. તે યાફામાં સિમોન નામના એક ચમારને ત્યાં રહ્યો.
પિતર અને કર્નેલિયસ
10 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો. 2 કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો. 3 એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”
4 કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?”
તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. 5 હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે. 6 સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.” 7 જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો. 8 કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.
9 બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો. 10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું. 11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું. 12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં. 13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”
14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”
15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!” 16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું. 17 પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો?
કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં. 18 તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?”
19 પિતર હજુ પણ દર્શન વિષે વિચારતો હતો. પરંતુ આત્માએ તેને કહ્યું, “જો! ત્રણ માણસો તારી આતુરતાથી રાહ જુએ છે. 20 ઊભો થા અને નીચે ઊતર. આ માણસો સાથે જા અને પ્રશ્રો પૂછીશ નહિ. મેં તેઓને તારી પાસે મોકલ્યા છે.” 21 તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?”
22 તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.” 23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.
બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા. 24 બીજે દિવસે તેઓ કૈસરિયા શહેરમાં આવ્યા. કર્નેલિયસ તેઓની રાહ જોતો હતો. તેણે તેનાં સંબંધીઓ અને ગાઢ મિત્રોને તેના ઘરે લગભગ ભેગા કર્યા હતા.
25 જ્યારે પિતર ઘરમાં પ્રવેશ્યો, કર્નેલિયસ તેને મળ્યો. કર્નેલિયસ પિતરના ચરણોમાં નમી પડ્યો અને તેણે દંડવત પ્રણામ કર્યા. 26 પરતું પિતરે તેને ઊભો થવા કહ્યું. પિતરે કહ્યું, “ઊભો થા! હું ફક્ત એક તારા જેવો જ માણસ છું.” 27 પિતરે કર્નેલિયસ સાથે વાતો કરવાનું ચાલું રાખ્યું, પછી પિતર અંદરની બાજુએ ગયો અને ત્યાં એક મોટું લોકોનું ટોળું એકઠું થયેલું જોયું.
28 પિતરે લોકોને કહ્યું, “તમે લોકો પોતે જાણો છો કે જે માણસ યહૂદિ નથી, તેની સાથે સંબંધ રાખવો અથવા અને ત્યાં જવું, એ યહૂદિ માણસને ઉચિત નથી; પણ દેવે મને દર્શાવ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ. 29 તેથી જ જ્યારે મને અહી આવવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં કોઇ દલીલ કરી નથી. હવે, કૃપા કરીને મને કહો, મને શા માટે બોલાવવામાં આવ્યો છે.”
30 કર્નેલિયસે કહ્યું, “ચાર દિવસ પહેલા, હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. તે વખતે બપોરના ત્રણ વાગ્યા હતા. અચાનક, મારી સામે એક માણસ (દૂત) ઊભો હતો. તેણે ચળકતો પોશાક પહેરેલો હતો. 31 તે માણસે કહ્યું, ‘કર્નેલિયસ! દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે દેવે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. 32 તેથી યાફા શહેરમાં કેટલાક માણસોને મોકલ. સિમોન પિતરને આવવાનું કહે. પિતર પણ સિમોન નામના માણસના ઘરમાં રહે છે. જે તે એક ચમાર છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે.’ 33 તેથી મેં તાત્કાલિક તને તેડાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યુ. હવે પ્રભુએ જે વાતો તને કહેવા જણાવ્યું છે તે બધું સાંભળવા માટે અમે સઘળા દેવ સમક્ષ હાજર છીએ.”
પિતરનું કર્નેલિયસના ઘરમાં ભાષણ
34 પિતરે બોલવાનું શરું કર્યુ, “હવે હું ખરેખર સમજું છું કે દેવ સમક્ષ પ્રત્યેક વ્યક્તિ એક સમાન છે. 35 અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી. 36 દેવે યહૂદિ લોકોને કહ્યું છે. દેવે તેમને સુવાર્તા મોકલી છે કે ઈસુ ખ્રિસ્ત દ્ધારા શાંતિ આવી છે. ઈસુ તે સર્વનો પ્રભુ છે!
37 “યહૂદિયામાં સર્વત્ર શું બન્યું છે તે તું જાણે છે. યોહાને લોકોને બાપ્તિસ્માના સંદર્ભમાં બોધ આપ્યો પછી તે ગાલીલમાં શરું થઈ. 38 તમે નાસરેથના ઈસુ વિષે જાણો છો. દેવે તેને પવિત્ર આત્મા અને સાર્મથ્યથી અભિષિક્ત કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોનું સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો.
39 “ઈસુએ યહૂદિયા અને યરૂશાલેમમાં જે બધું કર્યુ તે અમે જોયું. અમે સાક્ષી છીએ. વળી ઈસુની હત્યા થઈ હતી. તેઓએ તેને લાકડાના વધસ્તંભ પર લટકાવ્યો. 40 પરંતુ, તેના મૃત્યુ પછીના ત્રીજા દિવસે દેવે ઈસુને મૂએલામાંથી ઉઠાડ્યો. દેવે લોકોને સ્પષ્ટ રીતે ઈસુના દર્શન કરાવ્યા. 41 પરંતુ બધા જ લોકો ઈસુને જોઈ શક્યા નહિ. ફક્ત સાક્ષીઓ કે જેમને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓએ તેને જોયો. અમે તે સાક્ષીઓ છીએ. ઈસુ જ્યારે મૃત્યુમાંથી ઉઠ્યો પછી, અમે તેની સાથે ખાધું છે અને પીધું છે.
42 “ઈસુએ અમને લોકોને બોધ આપવાનું કહ્યું અને સાક્ષી આપો કે દેને એને જ જીવતાંનો તથા મૂએલાંનો ન્યાયાધીશ તરીકે પસંદ કરેલ છે. 43 પ્રત્યેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેને પાપની માફી મળશે. દેવ ઈસુના નામે તે લોકોના પાપ માફ કરશે. બધા જ પ્રબોધકો કહે, આ સાચું છે.”
બિનયહૂદિઓમાં પવિત્ર આત્મા આવ્યો
44 જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. 45 યહૂદિ વિશ્વાસીઓ જેઓ ત્યાં પિતર સાથે આવ્યા હતા તેઓ નવાઇ પામ્યા. તેઓને નવાઇ લાગી હતી કે પવિત્ર આત્મા બિનયહૂદિ લોકો પર પણ રેડાયો છે. 46 આ યહૂદિ વિશ્વાસીઓએ તેઓને વિવિધ ભાષામાં બોલતા અને દેવની સ્તુતિ કરતા સાંભળ્યા. પછી પિતરે કહ્યું, 47 “અમે તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાની મનાઇ કરી શકીએ નહિ. તેઓને આપણી માફક જ પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે!” 48 તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International