Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 54-58

ઇસ્રાએલ પ્રત્યે યહોવાનો પ્રેમ

54 “હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી,
    તું મુકત કંઠે ગીત ગા,
    આનંદના પોકાર કર;

“કારણ, યહોવાના આશીર્વચન છે કે,
    સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”

“તારો તંબુ વિશાળ બનાવ,
    તારા તંબુના પડદા પહોળા કર,
    તેની દોરી ઠેઠ સુધી લંબાવ
અને ખીલા બરાબર ઠોકી દે;
    કારણ કે તું તારી સરહદો ચારે બાજુએ વિસ્તારીશ.
તારા વંશજો બીજી પ્રજાઓના તાબા હેઠળના પ્રદેશો કબજો કરશે
    અને વેરાન નગરોને વસતાં કરશે.
ગભરાઇશ નહિ;
    તારે ફરી શરમાવું નહિ પડે,
તારે શરમાવાનું હવે કોઇ કારણ નહિ રહે.
    તારી યુવાવસ્થાની શરમ
અને તારા વૈધવ્યનાં દુ:ખને હવેથી
    સંભારવામાં આવશે નહિ.
કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે.
    ‘સૈન્યોના દેવ યહોવા’ તેમનું નામ છે;
ઇસ્રાએલના પવિત્ર દેવ
    અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.

“તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે.
    તારા દેવ, યહોવા,
    તને પાછી બોલાવીને કહે છે કે,
જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો
    તેને શી રીતે તજી શકાય?”
યહોવા કહે છે, “મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો.
    પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ.
ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું.
    પણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઇને હું તારા પર દયા કરીશ.”
    એમ તારો ઉદ્ધાર કરનાર યહોવા કહે છે.

દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે,
    જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે,
હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું.
    તેમ આજે હું તને વચન આપું છું કે,
ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં,
    કે તને ઠપકો દઇશ નહિ.”

10 યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય
    અને ડુંગરોનું અસ્તિત્વ નાશ પામે,
પણ મારી ભલાઇ હંમેશા તમારી સાથે રહેશે.
    તમારી સાથે કરેલો મારો શાંતિનો કરાર
    કદી ખંડિત થશે નહિ.”
એમ તમારા પર દયા કરનાર યહોવા કહે છે.

11 “હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી
    દિલાસા વિહોણી નગરી!
હું તને નીલમના પાયા ઉપર ફરીથી ચણી લઇશ
    અને મૂલ્યવાન પથ્થરોમાંથી
    તમારા ઘરની ભીંતો બનાવીશ.
12 તારા બુરજો માણેકના બંધાવીશ, તારા દરવાજા લાલ પથ્થરના
    અને તારો આખો કોટ રત્નોનો બનાવીશ.
13 તારાં બધાં સંતાનો મારા પોતાના શિષ્યો બનશે,
    અને તેઓ સુખશાંતિ અનુભવશે;
14 પ્રામાણિકતાથી તારી પ્રતિષ્ઠા થશે.
    ત્રાસ તારાથી દૂર રહેશે
અને તને કશાનો ડર રહેશે નહિ.
    તું ત્રાસથી સદંતર મુકત રહેશે.
15 જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ.
    જો તેઓ યુદ્ધ કરશે, તો પણ તેઓનો નાશ કરવામાં આવશે કેમ કે હું તારા પક્ષમાં છું.

16 “ભઠ્ઠીમાં અંગારાને વીંઝણા નાખનાર અને જુદાંજુદાં કામ માટે હથિયારો ઘડનારા લુહારનો સર્જનહાર હું છું, બધું નાશ કરનારા ‘સંહારકને’ પેદા કરનાર પણ હું જ છું.

17 “પરંતુ હવે તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઇ પણ હથિયાર કામ આવશે નહિ, અને ન્યાયલયમાં તારી સામેના એકેએક આરોપને હું ખોટા પાડીશ, તને ન્યાય મળશે.

“મારા સેવકોનો આ વારસો છે, હું તેમને વિજય અપાવીશ,” આ યહોવાના વચન છે.

યહોવાને શોધનારાને આશીર્વાદ

55 યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે?
    તમારી પાસે પૈસા ન હોય તો
પણ આવો અને પીઓ!
    આવો, વગર પૈસે અનાજ લઇ જાઓ અને ખાઓ,
અને દૂધ અને દ્રાક્ષારસ વિના
    મૂલ્યે લઇ જાઓ.
જે ખવાય એવું નથી તેની પાછળ શા માટે પૈસા ખર્યો છો?
    જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મજૂરી શા માટે ખચીર્ નાખો છો?
મારું કહ્યું ધ્યાનથી સાંભળો,
    અને ઉત્તમ ખોરાક ખાવ.
મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો.
    મારું સાંભળશો તો જીવન પામશો.
હું તમારી સાથે કાયમનો કરાર કરીશ.
    મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું
    તે તમારા ઉપર કરીશ.
મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો.
    તેને મેં પ્રજાઓનો નેતા અને શાસક બનાવ્યો હતો.”

“તેમે પણ અજાણી પ્રજાઓ પર અધિકાર ચલાવશો.
    અને તે પ્રજાઓ તમારી પાસે દોડી આવશે.
કારણ કે ઇસ્રાએલના પરમ પવિત્ર યહોવાએ
    તમારું સન્માન કર્યું છે.”
યહોવા મળે એમ છે
    ત્યાં સુધીમાં તેને શોધી કાઢો,
તે નજીક છે
    ત્યાં સુધીમાં તેને બોલાવો.
દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે;
    અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે;
તેઓ યહોવા પાસે પાછા ફરે;
    તે તેમના પર દયા કરશે;
આપણા દેવને ચરણે પાછા વળો;
    તે પૂરી માફી આપશે.

દેવને લોકો સમજી શકવાના નથી

યહોવા કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી
    અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી.
કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે,
    તેમ મારા માર્ગો તમારા માર્ગોથી
    અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”

10 “જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે,
    અને ધરતીને જળથી સીંચ્યા વગર પાછા વળતા નથી;
તેથી જ ધરતી ફૂલેફાલે છે
    અને વાવવા માટે બીજ અને ખાવા માટે અનાજ આપે છે.
11 તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે
    અને હંમેશ ફળ આપે છે.
મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર
    અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”

12 “તમે બાબિલમાંથી આનંદપૂર્વક નીકળી પડશો
    અને સુરક્ષિત રીતે તમને દોરી લઇ જવામાં આવશે.
તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદના પોકારો કરીને
    અને જંગલના વૃક્ષો તાળીઓ પાડીને તમને આવકારશે.
13 એક વખતે જ્યાં કાંટા-ઝાંખરા હતા,
    ત્યાં દેવદાર અને મેંદી ઊગી નીકળશે.
આ પરાક્રમને કારણે યહોવાના નામનો મહિમા અમર થશે.
    તે શાશ્વત સ્મારકરૂપ પરાક્રમ અને ક્યારેય ન ભૂંસાય તેવી નિશાની થશે.”

વિદેશીઓનો સમાવેશ અને આશીર્વાદ

56 યહોવા કહે છે કે, “સર્વની સાથે ન્યાય અને પ્રામાણિકતાથી વતોર્. ન્યાયને અનુસરો, કારણ હું મુકિત આપવાની તૈયારીમાં છું, અને ન્યાયને વિજયી બનાવનારો છું.” જે માણસ વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે અને બધાં દુષ્કર્મોથી દૂર રહે, તે માણસ પરમસુખી છે! જે માણસ ભૂંડું કરવાથી પોતાને પાછો રાખે છે તે આશીર્વાદિત છે.

યહોવાને શરણે આવેલા વિદેશીએ એમ ન કહેવું કે, “યહોવા મને પોતાના લોકોથી ખરેખર જુદો રાખશે,” અને કોઇ ખોજાએ એમ ન કહેવું કે, “હું તો સુકાઇ ગયેલું ઝાડ છું.”

કારણ યહોવાના વચન છે, “જે ખોજાઓ વિશ્રામવારનું પાલન કરશે અને મારા કરારને દ્રઢતાથી વળગી રહેશે. તેના માટે, હું મારા મંદિરમાં, એની ભીંતો વચ્ચે, મારા પુત્રો અને પુત્રીઓંથી પણ ચડિયાતું સ્મારક અને નામ આપીશ. હું તેને એવું અમર નામ આપીશ જે કદી નાશ ન પામે.”

વળી જે વિદેશીઓ મારે શરણે આવ્યા છે, જેઓ મારી સેવા કરે છે, મારા નામ પર પ્રેમ કરે છે, મારા સેવકો છે, અને જે કોઇ મારા વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે છે, અને મારા કરારને દ્રઢતાપૂર્વક વળગી રહે છે. યહોવા કહે છે કે, “તેમને હું મારા પવિત્ર પર્વત પર લઇ આવી મારા પ્રાર્થનાગૃહમાં આનંદનો અનુભવ કરાવીશ. તેણે યજ્ઞવેદી પર ચઢાવેલાં દહનાર્પણો અને યજ્ઞોનો હું પ્રસન્નતા પૂર્વક સ્વીકાર કરીશ. મારું મંદિર બધા લોકો માટે, પ્રાર્થના કરવા માટેનું સ્થળ બની રહેશે.”

ઇસ્રાએલના વેરવિખેર થયેલાંઓને એકઠા કરનાર પોતે યહોવા દેવના મુખના આ વચનો છે, “જેઓને ભેગા કર્યા છે તેમની ભેગા બીજાઓને પણ હું ભેગા કરતો રહીશ.”

આવો, વનવગડાંના પશુઓ, જંગલનાં પશુઓ,
    આવો અને ખાઓ;
10 કારણ કે ઇસ્રાએલના બધાં ચોકીદારો સર્વ આંધળા છે
    અને કંઇ જાણતા નથી;
તેઓ મૂંગા કૂતરા છે કે જે ભસતા નથી, તેના જેવા છે.
    તેઓ જમીન પર લાંબા થઇને સૂઇ રહેવાનું,
    આરામ કરવાનું તથા સ્વપ્નો જોવાનું પસંદ કરે છે.
11 તેઓ બધા ખાઉધરા કૂતરા છે,
    જે કદી ધરાતા નથી,
તેઓ એવા ઘેટાંપાળકો છે કશું સમજતા નથી.
    તેઓ ફકત પોતાના જ હિતનો વિચાર કરે છે,
ને શક્ય હોય તેટલું પોતાના
    માટે મેળવવાનો પ્રયત્ન કરે છે.
12 પ્રત્યેક વ્યકિત કહે છે,
    “ચાલો, હું દ્રાક્ષારસ લઇ આવું
    અને આપણે ધરાઇને પીએ અને ઉજાણી કરીએ;
અને આવતીકાલ આજના કરતાં
    પણ વધારે સરસ થશે!”

દેવનો ડર અને ઉદ્ધારનું વચન

57 સારા માણસો મરી જાય છે,
    પણ કોઇ વિચાર કરતું નથી;
ધમિર્ષ્ઠ માણસો પોતાના સમય અગાઉ મૃત્યુ પામે છે.
    શા માટે આવું બને છે તે કોઇ સમજતું નથી.

ભૂંડા દિવસો અને આફતમાંથી ઉગારવા માટે દેવ તેઓને ઉપાડી લે છે
    તે તેઓ સમજતા નથી.
દેવનો ડર રાખીને સત્યને માર્ગે ચાલનારાઓ મૃત્યુમાં શાંતિ
    અને આરામ પામે છે.

“પરંતુ તમે જાદુગરના પુત્રો,
    વ્યભિચારી અને વારાંગનાના સંતાનો!
    અહીં પાસે આવો.
તમે કોની મશ્કરી કરો છો?
    તમે કોની સમક્ષ મોં પહોળું કરી,
જીભ કાઢી ચાળા પાડો છો?
    શું તમે પાપીઓનાં અને જૂઠાઓના સંતાનો નથી?
તમે એકેએક દેવદાર વૃક્ષ
    નીચે વિષયભોગ કરો છો,
ખાડીમાં અને ખડકોની ફાટોમાં
    બાળકોનો ભોગ આપો છો.
ખાડીમાંના સુંવાળા પથ્થરો તમારો વારસો છે,
    તમે તેને જ લાયક છો,
તમે તેમને પેયાપર્ણ અને ખાદ્યાર્પણ ચઢાવો છો.
    યહોવા કહે છે કે, શું આ બધાને હું નજર અંદાજ કરીશ?
તમે ઊંચા ઊંચા પર્વતો પર બલિદાનો અર્પણ કરવા જાઓ છો
    અને વિજાતિય વ્યવહાર કરો છો.
તમારા ઘરના મુખ્ય બારણા
    અને બારસાખ પાછળ
તમે તમારી મૂર્તિઓ ગોઠવી છે.
    તમે મારો ત્યાગ કર્યો છે.
હે મારી પ્રજા, તું તો વારાંગના જેવી છે!
    મને છોડીને તારી પહોળી પથારી પર નવસ્ત્રી થઇને સૂતી છે,
અને તું મનપસંદ માણસો સાથે સોદા કરી
    તારી કામવાસના સંતોષે છે.
તેં સુગંધીદાર ધૂપ તથા અત્તર મોલેખ
    દેવને ભેટ તરીકે અર્પણ કર્યા છે.
સંદેશવાહકોને દૂર દૂરના
    શેઓલમાં મોકલે છે.
10 લાંબી યાત્રાથી તું થાકી જાય છે;
    પણ તું અટકતી નથી.
તેં તારી ઇચ્છાઓને બળવત્તર કરી
    અને તારી શોધમાં તું આગળ વધતી ગઇ.
11 તું કોનાથી આટલી બધી ગભરાય છે?
    કે તું અસત્ય બોલી?
તું મને કેવી રીતે ભૂલી ગઇ
    અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ?
શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે
    તું મારો ડર રાખતી નથી?
12 પરંતુ હવે હું તારાં એ પુણ્ય કૃત્યો
    અને ‘ન્યાયીપણું’ જાહેર કરીશ;
એ બંનેમાંથી એક
    પણ તારો બચાવ કરી નહિ શકે.
13 તું તારા બચાવ માટે ધા નાખીશ
    ત્યારે આ તારી ભેગી કરેલી મૂર્તિઓ
    તારી મદદે આવવાનાં નથી.
પવન તેમને તાણી જશે,
    અરે એક ફૂંક પણ તેમને ઉડાડી મૂકશે,
પણ જે મારું શરણું સ્વીકારશે,
    તે ધરતીનો ધણી થશે
    અને મારા પવિત્ર પર્વતનો માલિક બનશે.”

યહોવા પોતાના ભકતોને મદદ કરશે

14 વળી તે વખતે હું કહીશ: સડક બાંધો,
    રસ્તાઓ ફરીથી તૈયાર કરો.
મારા લોકોના રસ્તાઓમાંથી ખડકો અને પથ્થરો દૂર કરો.
    અને મારા લોકો માટે સરળ માર્ગ તૈયાર કરો.

15 જે અનંતકાળથી ઉચ્ચ
    અને ઉન્નત છે,
    તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે,
“હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું,
    પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે
પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું
    અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.
16 કારણ કે હું સદાકાળ તમારી પર ગુસ્સો કરીશ નહિ,
    અને આખો વખત તમને ઠપકો આપ્યા કરીશ નહિ.
કારણ, બધામાં પ્રાણ પૂરનાર, હું જ છું.
    જો એમ ન હોય તો મારા જ સજેર્લા બધાં લોકો મારી સામે મૂછિર્ત થઇ જશે.
17 તેમનાં લોભ અને પાપને કારણે ગુસ્સે થઇને મેં
    તેમને ફટકાર્યાં હતાં
અને મેં તેમનાથી મારી
    જાતને છુંપાવી દીધી હતી.
છતાં તેમણે હઠપૂર્વક મનમાન્યા
    માર્ગે જવાનું ચાલુ રાખ્યું.
18 તેઓ કયા માર્ગે ગયા છે એ મેં જોયું છે,
    તેમ છતાં હું તેઓને સાજા કરીને ઘા રૂઝવીશ.
હું તેઓને સાચો માર્ગ દેખાડીશ,
    હિંમત અને દિલાસો આપીશ;
19 હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ;
    જેઓ દૂર છે તેમજ પાસે છે
તેઓને શાંતિ થાઓ,
    કારણ કે હું તે બધાને સાજા કરીશ.”

20 પણ દુષ્ટ માણસો તો તોફાની સાગર જેવા છે,
    જે કદી શાંત રહેતા નથી,
જેના જળ ડહોળાઇને કાદવ
    અને કચરો ઉપર લાવે છે.
21 “દુષ્ટોને કદી શાંતિ હોતી નથી,
    એવું મારા દેવ કહે છે.”

સાચો ઉપવાસ

58 યહોવા કહે છે, “કોઇ પણ સંકોચ વિના મોટે સાદે પોકાર કર કઇ પણ બાકી ન રાખ.
    રણશિંગા જેવો તારો સાદ ઊંચો કર.
મારા લોકો યાકૂબના વંશજોને
    તેઓના પાપ વિષે જણાવી દે.
રોજ રોજ તેઓ મારી ઉપાસના કરવા આવે છે,
    તેઓ કહે છે કે, તેમને મારા માર્ગો જાણવાનું ગમે છે,
જો કે તેઓ ન્યાયનું આચરણ કરનારી પ્રજા છે
    અને જેમણે પોતાના દેવના શાસનનો અંત લાવ્યો નથી.
તેઓએ મારી પાસે ન્યાયની અને સત્યની માગણી કરી
    અને તેઓ દેવની નજીક રહેવા માગે છે.”

લોકો પૂછે છે કે, “યહોવા, તમે જો જોતા જ ન હોય તો પછી અમે ઉપવાસ શા માટે કરીએ? તું જો ધ્યાન જ ન આપતો હોય તો અમે શા માટે અમારી જાતને નમાવીએ?”

પરંતુ યહોવા તેમને કહે છે, “તમે ઉપવાસ કરો છો ત્યારે પણ તમે તમારી મરજી મુજબ કરો છો અને તમારા મજૂરો ને ત્રાસ આપો છો. જુઓ, તમે ઉપવાસ કરો છો અને તે જ સમયે તમે લડો-ઝગડો અને એકબીજા સાથે હિંસક મારામારી કરો છો, પછી ઉપવાસ કરવાનો અર્થ શો? આ પ્રકારના ઉપવાસથી તમારો સાદ સ્વગેર્ નહિ પહોંચે. શું હું તમારી પાસેથી આ પ્રકારના ઉપવાસ સ્વીકારું છું? જેમાં આ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું અને હવામાં બરૂની જેમ માથું નમાવવું અને શોકના વસ્ત્રો પહેરીને પોતાના શરીર ઉપર રાખ ચોપડવી? શું તમને લાગે છે કે યહોવા આ પ્રકારના ઉપવાસને સ્વીકારે છે?

“ના, હું એવા પ્રકારના ઉપવાસ સ્વીકારીશ જેમાં તમે ન્યાયથી વતોર્ અને કચડાયેલાને મુકત કરો. તમારે ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉઘાડાને જોતાં તેને વસ્ત્ર પહેરાવવાં. અને માનવબંધુઓને ભીડમાં જોઇને આંખ આડા કાન કરવાં નહિ.”

જો તમે આ બાબતોનો અમલ કરશો, તો દેવ પોતાનો મહિમાવંત પ્રકાશ તમારા પર પાડશે; અને તમારા ઘા જલદી રૂઝાઇ જશે; તમારો સદાચાર તમને આગળ દોરી જશે અને યહોવાનો મહિમા તમને અનુસરશે. અને તમારી પાછળ યહોવાનો મહિમા પણ આવતો હશે. ત્યારબાદ તમે યહોવાને વિનંતી કરશો, તો તે તમને અવશ્ય પ્રત્યુત્તર આપશે, તે ઝડપથી પ્રત્યુત્તર આપતાં કહેશે; “હા હું આ રહ્યો.”

તમારે કેવળ આટલું કરવાનું છે: નિર્બળ પર ત્રાસ આપવાનું બંધ કરો. કોઇના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો; 10 જો ભૂખ્યાઓને તમે તમારો રોટલો આપો અને દીન દુ:ખીજનની આંતરડી ઠારો, તો પ્રકાશ અંધકારમાં પ્રકાશી ઊઠશે અને સંધ્યાકાળ તમારે માટે બપોરની જેમ ઝળાંહળાં થશે.

11 હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.

12 ઘણા સમયથી ખંડેર પડેલા તમારા નગરોને તમારાં સંતાનો ફરીથી બાંધશે, અને “ભીતો અને ધોરી માર્ગોને બાંધનારા લોકો” એવા નામથી તમે ઓળખાશો.

13 જો તમે પવિત્ર વિશ્રામવારને પાળશો અને તે દિવસે તમારો પોતાનો ધંધો તથા મોજમજા કરશો નહિ, પણ તમે વિશ્રામવારને આનંદોત્સવનો યહોવાનો પવિત્ર દિવસ જાણીને, તે વિષે આનંદથી બોલશો અને તમારાં કાર્યો બંધ રાખીને યહોવાનો આદર કરશો, તેમ જ તમારી પોતાની ઇચ્છાઓને અને આનંદપ્રમોદને અનુસરસો નહિ અને કૂથલી નહિ કરતાં, તેને માન આપશો. 14 તો પછી તમે યહોવામાં ઉત્સવ કરશો અને યહોવા તમને ધરતીનાં ઊંચા શિખરો પર સ્થાપિત કરશે, અને તમને તમારા પૂર્વજ યાકૂબનો વારસો ભોગવવા મળે એવું કરશે. આ યહોવાના પોતાના વચન છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International