Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 42-44

યહોવાનો સેવક

42 યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે,
    જેનો મેં હાથ જાલ્યો છે,
એ મારો પસંદ કરેલો છે,
    જેના પર હું પ્રસન્ન છું,
એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે,
    અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.
તે પોતાનો સાદ ઊંચો કરશે નહિ,
    અને શેરીઓમાં ચોરેચૌટે ઝઘડા કરી
    બૂમરાણ મચાવશે નહિ.
તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ
    કે મંદ પડેલી વાટને હોલાવી નાખે નહિ,
    તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે.
તે નબળો નહિ પડે કે હારશે નહિ,
    જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ
    અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”

યહોવા સૃષ્ટિનો શાસનકર્તા અને સર્જનહાર છે

જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.

“હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ,
    હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ,
કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે.
    લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.
તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે.
    અને અંધકારમાં સબડતાં કેદીઓને
    કારાગારમાંથી બહાર કાઢવાના છે.

“હું યહોવા છું,
    એ જ મારું નામ છે,
હું મારો મહિમા બીજા જૂઠા
    દેવોને નહિ લેવા દઉં,
તેમ મારી સ્તુતિ હું કંડારેલી
    મૂર્તિઓને નહિ લેવા દઉં.
મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે
    અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું.
તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલાં
    હું તે તમને જણાવું છું.”

દેવની સ્તુતિ

10 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ:
    સમગ્ર પૃથ્વી તેના સ્તુતિગાનથી ગાજી ઊઠો!
હે સાગરખેડુઓ અને સાગરના સૌ જીવો,
    હે દરિયા કિનારાના પ્રદેશના રહેવાસીઓ,
    તેની સ્તુતિ ગાઓ!
11 અરણ્યના નગરો, હે કેદારવંશી રણવાસીઓ
    અને સેલાના રહેવાસીઓ,
આનંદથી પોકારી ઊઠો!
    પર્વતો પરથી હર્ષનાદ કરો!
12 પશ્ચિમના દરિયાકાંઠે રહેનારા લોકો, તમે યહોવાનો મહિમા કરો.
    સૌ તેમના પરાક્રમી સાર્મથ્યનાં ગીત ગાઓ.
13 યહોવા શૂરવીરની જેમ યુદ્ધને ઝનૂને ચડીને ધસી જાય છે;
    તે ગર્જના કરે છે,
યુદ્ધનાદ જગાવે છે
    અને પોતાના દુશ્મનોને પોતાનું પરાક્રમ બતાવશે.

દેવ સહનશીલતા રાખે છે

14 યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું,
    મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઇ ગયો છું,
હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્રીની જેમ બૂમો પાડી ઊઠીશ;
    હું ઊંડા શ્વાસ લઇશ.
15 હું પર્વતો અને ડુંગરોને ભોંયભેગા કરી નાખીશ,
    તેમની બધી લીલોતરીને ચિમળાવી દઇશ;
હું નદીઓનાં ભાઠાં બનાવી દઇશ
    અને તળાવોને સૂકવી નાખીશ.
16 પછી હું આંધળાઓને દોરીશ,
    એવા રસ્તે ચલાવીશ જેની તમને ખબર નથી.
તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ.
    અને ખરબચડા રસ્તાને સીધા બનાવી દઇશ.
આ બધું હું કરીશ.
    અને કશું બાકી નહિ રાખું.
17 પરંતુ જેઓ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે
    અને તેઓને દેવ તરીકે માને છે,
તેઓ મોટી નિરાશામાં આવી પડશે.
    તેઓને હાંકી કાઢવામાં આવશે.”

ઇસ્રાએલે દેવનું ના સાંભળ્યું

18 યહોવા કહે છે, “હે બહેરા માણસો,
    સાંભળો! હે આંધળા માણસો, જુઓ!
19 મારા સેવક જેવું આંધળું કોણ છે?
    મારા સંદેશવાહક જેવું બહેરું કોણ છે?
મારા નક્કી કરેલા
    એક યહોવાના સેવક જેવું આંધળું કોણ છે?
20 તે જુએ છે ઘણું પણ,
    કંઇ યાદ રાખતો નથી;
તેના કાન ખુલ્લા છે,
    પણ તે કંઇ સાંભળતો નથી.”
21 યહોવાએ પોતાના નિયમ શાસ્ત્રને મહાન અને સાચે જ મહિમાવંત બનાવ્યા છે.
    પોતે ન્યાયી છે તે આખા જગતને દર્શાવવા તેમણે તેનું આયોજન કર્યુ છે.
22 તેમ છતાં એ પ્રજા
    એવી નીકળી કે લૂંટાઇ ગઇ,
એનું બધું હરાઇ ગયું;
    એ બધા ફસાઇ ગયા છે
અને કારાગારમાં પૂરાયા છે,
    તેમને છોડાવનાર કોઇ નથી,
તેઓ લૂંટાઇ ગયા છે
    “છતાં પાછું આપો” કહેનાર પણ કોઇ નથી.

23 તમારામાંથી કોઇ મારી વાત ધ્યાનથી સાંભળે એમ છે? કોણે ઇસ્રાએલીઓને લૂંટારાઓને સોંપી દીધા! શું એ યહોવા નહોતા? તેમણે યહોવાનો ગુનો કર્યો હતો, તેઓ તેમના માર્ગે જવા માગતા નહોતા, તેના નિયમોનું પાલન કરવાની ના પાડતા હતા. 24 કોણે યાકૂબને લૂંટારાઓને સુપ્રત કર્યો છે, તથા ઇસ્રાએલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાની વિરુદ્ધ આપણે પાપ કર્યુ છે તેમણે શું એમ કર્યુ નથી? તે લોકો તેમના માર્ગે ચાલવા રાજી નહોતા. તેથી તેમણે તેમના નિયમશાસ્ત્રને પણ ધ્યાનમાં લીધા નહિ, 25 માટે તેમણે એમના ઉપર પોતાનો ક્રોધાગ્નિ વરસાવ્યો અને યુદ્ધની આફત ઉતારી, તેઓ અગ્નિની જવાળાઓથી ઘેરાઇ ગયા હતા છતાં સમજ્યા નહિ, દાઝયા હતા છતાં ચેત્યા નહીઁ અને બળી મર્યા.

યહોવાનું અભયદાન

43 પણ હવે, હે યાકૂબ તારો સર્જનહાર અને ઇસ્રાએલના ઘડવૈયા યહોવા તને કહે છે, “ડરીશ નહિ, હું તારો ઉદ્ધાર કરીશ, મેં તને તારું નામ દઇને બોલાવ્યો છે અને તું મારો પોતાનો છે. જ્યારે તું અગાધ જળમાં થઇને પસાર થતો હશે, ત્યારે હું તારી સાથે રહીશ, તું નદીમાં થઇને જતો હશે, ત્યારે તેના વહેણ તને તાણી નહિ લઇ જાય, અગ્નિમાં થઇને તું ચાલશે તો તું દાઝી નહિ જાય; જવાળાઓ તને બાળશે નહિ. કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. મેં તારે માટે થઇને બીજા બધાં લોકોને વિનિયોગ કર્યો છે, કારણ કે મારી ષ્ટિમાં તું મૂલ્યવાન અને સન્માનપાત્ર છે, મેં તારા પર પ્રીતિ કરી છે.

“તું ડરીશ નહિ, હું તારી સાથે છું. હું તારા લોકોને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી લઇ આવી ઘરભેગા કરીશ. હું ઉત્તરને કહીશ, તેમને જવા દે અને દક્ષિણને કહીશ, તેમને રોકતો નહિ. મારા પુત્ર-પુત્રીઓને દૂર દૂરથી ઠેઠ ધરતીને છેડેથી પાછા લાવો. એ બધાં મારે નામે ઓળખાય છે, એમને બધાંને મેં મારો મહિમા ગાવા માટે સર્જ્યા છે, ઘડ્યા છે, નિર્માણ કર્યા છે.”

યહોવા કહે છે, “આ પ્રજા, જે આંખો હોવા છતાં દેખતી નથી, કાનો હોવા છતાં સાંભળતી નથી, તેને સામે લાવો. બધી પ્રજાઓ ભેગી થઇ જાઓ. તેમના દેવોમાંથી આ બધું પહેલેથી કહ્યું હતું, અથવા જે ઘટનાઓ બની ચૂકી છે તેની આગાહી કરી હતી! તેઓ પોતાનો દાવો પૂરવાર કરવા સાક્ષીઓ રજૂ કરે છે, જેઓ એમની વાત સાંભળીને કહે કે, આ સત્ય છે.”

10 યહોવા કહે છે, “તું મારો સાક્ષી છે, તું મારો સેવક છે, હું જેને મેં પસંદ કર્યો છે, જેથી તું જાણી શકે અને મારા પર વિશ્વાસ મૂકી શકે અને સમજી શકે કે ફકત હું જ દેવ છું. 11 હું, હું જ યહોવા છું; અને મારા સિવાય કોઇ તમારો ઉદ્ધાર કરી શકે તેમ નથી; 12 આગાહી કરનાર હું જ છું, ઉદ્ધારક હું જ છું, નહિ કે તમારામાંનો કોઇ વિધર્મી દેવ, તમે મારા સાક્ષી છો અને હું જ દેવ છું” યહોવા કહે છે, 13 “હું જ દેવ છું, છેક સૃષ્ટિના સર્જન પહેલાના કાળથી હું જ દેવ છું. મારા હાથમાંથી કોઇ છોડાવી શકે તેમ નથી; હું જે કાઇઁ કરું છું તેને કોઇ રોકી શકતું નથી.”

14 યહોવા, તમારો તારક, ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે: “તમારી માટે હું બાબિલ સામે લશ્કર મોકલીશ, તેના કારાવાસના સળિયાઓને હું ભોય પર ઢાળી દઇશ અને તેમનો વિજયનાદ આક્રંદમાં ફેરવાઇ જશે. 15 હું યહોવા છું, તમારો પરમપવિત્ર દેવ છું, ઇસ્રાએલનો સર્જનહાર અને તમારો રાજા છું.”

યહોવા ફરી પોતાના લોકોને બચાવશે

16 ભૂતકાળમાં યહોવાએ સમુદ્રમાં થઇને માર્ગ કર્યો હતો, ધસમસતા જળમાં રસ્તો કર્યો હતો; 17 “તે રથને અને ઘોડાને, અને સમગ્ર યોદ્ધાઓના સૈન્યને બહાર દોરી ગયો. બધાજ ઢળી પડ્યા, પાછા બેઠા થવા પામ્યા નહિ, તેઓ સૌ ઓલવાઇ ગયા, તેઓ વાટની જેમ ઓલવાઇ ગયા. 18 પરંતુ હવે તે સર્વ ભૂતકાળનું સ્મરણ કરવાની જરૂર નથી. પહેલાં મેં જે કર્યુ હતું તેનો વિચાર ન કરો. 19 કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ! 20 જંગલી પ્રાણીઓ, વરુઓ અને શાહમૃગો સુદ્ધાં મને માન આપશે, કારણ, હું મરુભૂમિમાં પાણી પૂરું પાડીશ. સૂકા રણમાં નદીઓ વહેવડાવીશ, જેથી મારા પસંદ કરેલા લોકો પાણી પીવા પામે. 21 એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”

22 યહોવા કહે છે, “હે ઇસ્રાએલીઓ, તમે મને વિનંતી કરતાં નથી, તમે તો મારાથી કંટાળી ગયા છો! 23 તમે મને દહનાર્પણ તરીકે ઘેટાંને અર્પણ કર્યા નથી; તમે યજ્ઞોથી મારો આદર કર્યો નથી. મેં કંઇ બહુ ભારરુંપ યજ્ઞો માગ્યા નહોતા કે તમને મારા માટે ધૂપ પેટાવવા માટે દબાણ કર્યું નહોતું. 24 તમે કઇં મારે માટે ધૂપસળી પાછળ પૈસા ર્ખચ્યા નથી કે મને બલિદાનોની ચરબીથી તૃપ્ત કર્યો, તમે તો કેવળ પાપ અર્પણ કર્યા છે, અને તમારા એ અન્યાયોથી હું થાકી ગયો છું.

25 “હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી. 26 ઓ ઇસ્રાએલીઓ, આપણે સાથે ન્યાયાલયમાં જઇએ, મારા પરનો તમારો આરોપ રજૂ કરો, તમારી દલીલો રજૂ કરીને તમારી નિર્દોષતા સાબિત કરો. 27 તમારા આદી પુરુષે મારી વિરુદ્ધ પાપ કર્યુ હતું. તમારા પ્રબોધકો અને યાજકોએ મારી સામે બળવો કર્યો હતો, 28 આ કારણે જ મેં તમારા અભિષિકત સરદારોને ષ્ટ કર્યા છે, ને યાકૂબ શાપરૂપ તથા ઇસ્રાએલને નિંદાપાત્ર કર્યા છે, અને તેમને વિનાશને માર્ગે મોકલ્યા છે.”

મૂર્તિપૂજા પર પ્રહાર – દેવ માત્ર એક

44 યહોવા કહે છે, “હે યાકૂબ, મારા સેવક, ઇસ્રાએલ, મારા પસંદ કરેલા, મને સાંભળ. હું જ તારો સર્જનહાર છું, જ્યારથી તું જનમ્યો હતો ત્યારથી હું તને મદદ કરી રહ્યો છું. હે યાકૂબ, મારા સેવક, મારા પસંદ કરાયેલા યશુરૂન, હું તને આ કહું છું તું ભયભીત થઇશ નહિ.

“હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ. તેઓ વહેતાં ઝરણાંની ધારે પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નદી કાંઠે ઊગી નીકળતા નેતરના ઝાડોની જેમ વૃદ્ધિ પામશે,

“તેથી તેઓ બધા પોતાને યહોવાના સેવક અને યાકૂબના વંશજો તરીકે ઓળખાવવામાં ગૌરવ લેશે. તેઓ કહેશે કે તેઓ યહોવાની માલિકીના છે અને ‘ઇસ્રાએલીઓ’ તરીકે ઓળખાય.”

ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી. આવનાર ભવિષ્યમાં શું બનશે તે વિષે તમને મારા સિવાય કોણ કહી શકે છે? જો કોઇ કહી શકે તેમ હોય તો તેઓને કહેવા દો અને તેઓનું પરાક્રમ સાબિત કરવા દો. પ્રાચીનકાળથી જે પ્રમાણે મેં કર્યુ છે તેમ તેઓને કરવા દો.

“ઓ મારા લોકો, ગભરાશો નહિ, ડરશો નહિ, પ્રાચીનકાળથી મેં એ બધું કહ્યું નથી? મેં જાહેર નથી કર્યુ? તમે મારા સાક્ષી છો. મારા સિવાય અન્ય કોઇ દેવ છે? મારા સિવાય બીજો કોઇ ખડક નથી.”

ખોટાં દેવો નકામાં છે

જેઓ મૂર્તિ બનાવે છે તે બધા કેવા તુચ્છ છે? તેઓ જેને મોંધીમૂલી ગણે છે તે મૂર્તિઓ કશા કામની નથી, તેમના સાક્ષીઓ કંઇ દેખતા નથી અને જાણતાં કંઇ નથી કે સાક્ષી આપી શકે. એટલે આખરે એમની ફજેતી થાય છે.

10 કોણ દેવની મૂર્તિ બનાવશે જે તેને સહેજ પણ સહાય કરી શકતી નથી? 11 જરા થોભો અને જુઓ આ સર્વ મૂર્તિઓની પૂજા કરનારા ભેગા થશે અને તેમની ફજેતી થશે. અને મૂર્તિઓને ઘડનારા સર્વ કારીગરો પણ માણસો જ છે. તેમને ભેગા થઇને મારી સામે ઊભા તો રહેવા દો; બધા ધ્રુજી ઊઠશે અને ફજેત થશે.

12 લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે.

13 સુથાર લાકડા પર દોરી છાંટે છે, ચાકથી રૂપરેખા દોરે છે, ફરસીથી કોતરી કાઢે છે, કંપાસથી માપ લે છે, તેને માણસોનો આકાર આપે છે, પછી સુંદર મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપે છે.

14 માણસ જઇને એરેજવૃક્ષને કાપે છે, અથવા જંગલમાંથી બીજું કોઇ વૃક્ષ પસંદ કરે છે, અથવા દેવદારનો રોપો રોપે છે જે વરસાદ પડતાં મોટો થાય છે.

15 પછી તે લાકડાનો કેટલોક ભાગ બળતણ તરીકે પોતાને હૂંફાળા બનાવવા માટે વાપરે છે અને તેના પર રોટલી શેકે છે. બાકી રહેલા લાકડામાંથી તે પોતાને માટે દેવ બનાવે છે-લોકો ભકિત કરી શકે માટે દેવ બનાવે છે! પગે લાગવા માટે તે મૂર્તિઓ ઘડે છે. 16 અડધાં લાકડાને તે ઇંધણ તરીકે વાપરે છે, તેના પર તે માંસ શેકે છે અને તૃપ્ત થાય ત્યાં સુધી ખાય છે, પોતાની જાતને તપાવે છે અને કહે છે, “વાહ! કેવું સરસ તાપણું છે! હવે હૂંફ વળી.” 17 બાકીના ભાગમાંથી તે કોઇ દેવની મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે, તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મારો ઉદ્ધાર કરો, કારણ તમે મારા દેવ છો!”

18 એ લોકો કશું જાણતા નથી કે સમજતા નથી. એમની આંખો પર અને ચિત્ત પર અજ્ઞાનના પડ જામ્યા છે એટલે એ લોકો નથી કશું જોઇ શકતા કે, નથી કશું સમજી શકતા. 19 એવો માણસ કદી વિચાર કરતો નથી, “આ તો લાકડાંનો ટુકડો છે! મેં તેને અગ્નિમાં બાળીને તાપણી કરી છે. અને રોટલી તથા માંસ શેકવા તેનો ઉપયોગ કર્યો છે, તો પછી બાકી રહેલું લાકડું તેનો દેવ કેવી રીતે બની શકે? તો શું મારે ફકત આ લાકડાના ટુકડા આગળ નમવું જોઇએ?”

20 પોતાને મૂર્ખ બનાવનાર મનુષ્ય રાખ ખાવાનું ચાલુ રાખે છે; તેના મિત ચિત્તે તેને ભમાવ્યો છે; તેનો ઉદ્ધાર થાય એમ નથી, કારણ, તે એટલું પણ સમજતો નથી કે, “મારા જમણા હાથમાં છે એ તો જૂઠી વસ્તુ છે.”

સાચા યહોવા દેવ ઇસ્રાએલના મદદગાર છે

21 યહોવા કહે છે, “હે યાકૂબ, આટલી વાતનું ધ્યાન રાખજે,
    હે ઇસ્રાએલ, તું મારો સેવક છે.
મેં તને ઉત્પન્ન કર્યો છે,
    અને હું તને મદદ કરવાનું ક્યારેય ભૂલી જઇશ નહિ.
22 મેં તારા અપરાધોને વાદળની
    જેમ હઠાવી દીધા છે.
તારા પાપોને ધુમ્મસની
    જેમ વિખેરી નાખ્યાં છે.
તું મારી પાસે પાછો આવ,
    કારણ હું તારો ઉપાસક છું.”

23 ઓ આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, આ કાર્ય યહોવાનું છે!
    આનંદના લલકાર કરો, ઓ પૃથ્વીના ઊંડાણો!
આનંદના ગીત ગાઓ, હે પર્વતો,
    જંગલો અને જંગલના વૃક્ષો!
કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને
    ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!
24 તને ઘડનારા, તારા મુકિતદાતા યહોવા એમ કહે છે,
    “સર્વનો સર્જનહાર હું યહોવા છું;
મેં એકલાએ આકાશોને વિસ્તાર્યા છે.
    મેં જ્યારે આ પૃથ્વીને પાથરી
    ત્યારે મારી મદદમાં કોણ હતું?”

25 હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું. 26 પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું.

યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,”
    યહૂદાના શહેરોને હું કહું છું,
    “તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.”
27 સાગરને હું કહું છું, “તું સુકાઇ જા,
    તારી નદીઓને હું સૂકવી નાખીશ.”
28 હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે,
    અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે;
અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો
    અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International