Beginning
દેવનો આદર
5 દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારાં પગલાં સંભાળો. ભૂંડુ આચરણ કરે છતાં તે બાબતમાં સભાન ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાર્પણો લાવવા કરતાં દેવનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે. 2 તારા મુખે અવિચારી વાત કરીશ નહિ, દેવની સન્મુખ કંઇપણ બોલવા માટે તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કારણ કે દેવ આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે; અને તારા શબ્દો તો થોડા જ હોય.
3 કારણ કે અતિશય શ્રમની ચિંતાથી રાત્રે સ્વપ્નો આવે છે
અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે.
4 જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કારણ કે દેવ મૂર્ખાઓ પર રાજી નથી હોતા; તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો. 5 તમે પ્રતિજ્ઞા લો અને પાળો નહિ તેના કરતાં તમે પ્રતિજ્ઞા ના લો તે વધારે ઉચિત છે. 6 તમે તમારી જાત પાસે પાપ કરાવવા દેતા નહિ, દેવના દૂતને તમે એમ કહેતા નહિ કે તમારાથી ભૂલમાં વચન અપાઇ ગયું હતું, કારણ કે એ દેવને હજી વધારે ગુસ્સે કરાવશે. અને કદાચ તમારી સમૃદ્ધિ નષ્ટ કરશે. 7 કારણ કે અતિશય સ્વપ્નોમાં રાચવાથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી આવું બને છે માટે તું યહોવાનો ડર રાખ.
પ્રત્યેક અધિકારીની ઉપર એક અધિકારી છે
8 જો તમે ગરીબો પર થતાં અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊઁધા વાળતા અતિશય ત્રાસને જુઓ, તો તે વાતથી આશ્ચર્ય પામશો નહિ, કારણ કે પ્રત્યેક અધિકારી તેનાથી ઊંચા અધિકારીના હાથની નીચે છે અને ઊંચો અધિકારી તેના પર દેખરેખ રાખનારની નજર હેઠળ છે. 9 પૃથ્વીની ઊપજ તો તે બધાંને મળે છે. અને રાજા પણ તેના ખેતરોનો ગુલામ છે.
10 પૈસાનો લોભી પોતાની પાસે જે છે તેનાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો પ્રેમી લોભી પોતાની આવકથી કદી સંતોષ પામશે નહિ; આ બધું પણ વ્યર્થ છે.
11 જેમ તમારી પાસે શ્રીમંતાઇ વધતી જાય છે તેમ તેનો ઉપભોગ કરનારા પણ વધે છે; અને તેથી તેનાં માલિકને તો તે વપરાતી નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય?
12 શ્રમ કરનાર મનુષ્ય ઓછું ખાય કે વધારે, પણ તે શાંતિથી ઊંઘી જાય છે. ધનવાન ચિંતા કર્યા કરે છે અને તેની સમૃદ્ધિ તેને શાંતિથી ઊંઘવા દેતી નથી.
13 મેં ત્યારબાદ દુનિયામાં સર્વત્ર એક ગંભીર બાબત જોઇ, એટલે સંપત્તિનો ધણી પોતાની હાનિને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી સંપત્તિ વધારે છે. 14 પરંતુ ખોટા સાહસને કારણે સંપત્તિ ચાલી જાય છે અને તેના પોતાના પુત્રોના હાથમાં પણ કઇં આવતું નથી.
15 માતાના ગર્ભાશયમાંથી મનુષ્ય નગ્નસ્થિતિમાં બહાર આવે છે અને જાય છે ત્યારે એ જ સ્થિતિમાં વિદાય લે છે. સખત પરિશ્રમ કરીને જે કાંઇ પ્રાપ્ત કર્યુ છે તેમાંથી તે કઇં પણ સાથે લઇ જતો નથી. 16 આ પણ એક ભારે દુ:ખ છે કે, જેવો તે આવ્યો હતો તે જ સ્થિતિમાં તેને પાછા જવું પડે છે; તે પવનને માટે પરિશ્રમ કરે છે અને અંતે સર્વ ઢસડાઇ જાય છે. 17 વળી તેનું સમગ્ર આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.
પોતાના જીવનના કર્મોમાં મોજમઝા કરો
18 જુઓ, મને મનુષ્યનાં માટે જે બાબત સારી લાગી તે એ છે કે, દેવે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું પીવું, અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી; કારણ કે એ જ તેનો ભાગ છે.
19 અને જો મનુષ્યને દેવ તરફથી સંપત્તિ પ્રાપ્ત થાય અને તેના ઉપભોગ માટે સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય તે વધારે સારું છે. તેથી તેને પોતાના કામમાં આનંદ માણવો અને તેને મળતો ભાગ સ્વીકારવો-ખરેખર આ જ સાચી દેવ તરફથી મળતી ભેટ છે. 20 તેનાં જીવનનાં દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કારણ કે તેના અંત:કરણનો આનંદ તો તેને દેવે આપેલો ઉત્તર છે.
અર્થવિહિન જીવનનો અનુભવ
6 મેં આ દુનિયામાં બીજી જાતનું દુ:ખ નિહાળ્યું છે, જે ઘણા લોકોને અસર કરે છે. 2 દેવે કેટલાંક મનુષ્યોને ધન-સંપત્તિ અને સન્માન પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે પરંતુ તેઓને તે સર્વનો ઉપભોગ કરવાં તંદુરસ્તી આપી નથી. તેઓના મૃત્યુ પછી બીજાઓ તે બધું ભોગવે છે! આ પણ વ્યર્થતા છે, ભારે દુ:ખ છે!
3 જો કોઇ મનુષ્યને 100 સંતાનો હોય અને તે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેના મૃત્યુ પછી તેને કોઇ યાદ ન કરે; તો હું કહું છું કે, એના કરતાં તો તે મરેલો જ જન્મ્યો હોત તો વધારે સારું હતું. 4 આવા બાળકનો જન્મ વ્યર્થ અને અંત અંધકારમય હોય છે; તેને નામ પણ અપાતું નથી. 5 વળી તેણે સૂર્યના દર્શન પણ કર્યા નથી, અને તેણે કશું જાણ્યું પણ નથી; છતાં પણ તેની દશા પેલા વૃદ્ધ અને દુ:ખી માણસ કરતાં સારી છે. 6 જો તેનું આયુષ્ય હજાર વર્ષ કરતાં બમણું હોય, અને છતાંય તે કઇં સુખ ભોગવે નહિ; તો તેનો અર્થ શો? શું છેવટે બધાં એક જ ઠેકાણે નથી જતાઁ?
7 ડાહ્યાં અને વિશેષમાં મૂર્ખા, સર્વ કોઇ પોતાના પેટ માટે શ્રમ કરે છે. છતાં પેટનો ખાડો કદી પૂરાતો નથી. 8 વળી મૂર્ખ કરતાં જ્ઞાનીને શું વધારે લાભ મળે છે? છતાં એક ગરીબ માણસ જીવનની મુશ્કેલીઓ સામે કેમ ચાલવું તે કેવી રીતે જાણે? 9 આ ભટકતી ઇચ્છાઓ કરતાં આપણી પાસે જે હોય તેમાં સંતોષ માનવો તે વધારે ઇષ્ટ છે; એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.
10 જે કાંઇ બની રહ્યું છે તેનું પહેલેથી ભૂતકાળમાં વર્ણન થઇ ગયું એ જાણીતું છે કે લોકો, તેઓ કરતા કોઇ વધારે બળવાન હોય તો જીરવી શકતા નથી. 11 વધારે બોલવાથી બોલેલું અર્થહીન થઇ જાય છે, તો બોલવું જ શા માટે?
12 કારણ કે મનુષ્ય છાંયડાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનનાં સર્વ દિવસોમાં તેને માટે શું ઇષ્ટ છે તે કોણ જાણે છે? કારણ કે કોઇ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?
સંપત્તિ કરતાં શ્રેષ્ઠ જ્ઞાન છે
7 મૂલ્યવાન અત્તર કરતાં મનુષ્યની સારી શાખ અતિ મૂલ્યવાન છે.
મનુષ્યનાં જન્મદિન કરતાં તેનો મૃત્યુદિન વધારે સારો છે.
2 ઉત્સવોની ઉજવણીમાં સમય બગાડવો તેનાં કરતાં દફનવિધીમાં પસાર કરવો તે વધુ સારું છે.
કારણ કે પ્રત્યેક વ્યકિતએ એક દિવસ મરવાનું છે.
સમય છે તો તે વિષે વિચારવું વધારે સારું છે.
3 દુ:ખ એ હાસ્ય કરતા વધારે સારું છે.
મોઢા પરનું દુ:ખ અંત:કરણને શુદ્ધ બનાવે છે.
4 જ્ઞાની મનુષ્ય પોતાના મૃત્યુ વિષે વધારે વિચારે છે.
મૂર્ખ પોતાના વર્તમાનને સારી રીતે માણવામાં મગ્ન રહે છે.
5 મૂર્ખ મનુષ્ય આપણી પ્રશંસા કરે તેનાં કરતાં જ્ઞાની
માણસ આપણને ઠપકો આપે તે વધારે સારું છે!
6 કારણ કે જેમ અગ્નિમાં કાંટા ઝડપથી સળગી જાય છે
તેમ મૂર્ખનું હાસ્ય લાંબો સમય ટકતું નથી, એ વ્યર્થ પણ છે.
7 ખરેખર લાંચથી ડાહ્યો મનુષ્ય મૂર્ખ બને છે;
તે તેની સમજશકિતનો નાશ કરે છે.
8 કોઇ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે;
અને અભિમાની મનુષ્ય કરતાં મનનો ધૈર્યવાન મનુષ્ય સારો છે.
9 ક્રોધ કરવામાં કદી ઉતાવળા ન થવું – તે તો મૂર્ખતાની નિશાની છે.
ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે.
10 “ભૂતકાળનાં દિવસો હાલનાં કરતાં વધારે સારા શા માટે હતા,”
એમ નહિ કહો કારણ કે આ વિશે પૂછવા માટે તમને પ્રેરે છે
તે ડહાપણ ભરેલું નથી.
11 બુદ્ધિ વારસા જેવી છે; અને જીવવા માટે તે વધુ ઉત્તમ છે. 12 દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનની રક્ષા કરે છે.
13 દેવનાં કામનો વિચાર કરો; જે તેણે વાંકુ કર્યુ છે, તેને સીધું કોણ કરી શકશે? 14 ઉન્નતિનાં સમયે આબાદીનો આનંદ માણો. વિપત્તિકાળે વિચાર કરો; દેવ આપણને સુખ-દુ:ખ બંને આપે છે. જેથી દરેકને અનુભૂતિ થાય કે ભવિષ્યમાં શું થશે તે માણસ શોધી શકતો નથી.
લોકો ખરેખર સારા નથી થઇ શકતા
15 આ બધું મેં મારા જીવનનાં વ્યર્થપણામાં જોયું છે. કેટલાક સારા માણસો નેક પણું હોવા છતાં યુવાનવયે જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાંક દુષ્ટ લોકો દુષ્ટતામાં રાચીને પણ લાંબુ આયુષ્ય ભોગવે છે. 16 તેથી તમે વધુ પડતાં નેક ન થાઓ કે વધુ પડતાં ડાહ્યાં ન થાઓ! શા માટે પોતાનો વિનાશ નોતરવો? 17 અતિશય દુષ્ટ ન થાઓ તેમજ મૂર્ખ પણ ન થાઓ! શા માટે અકાળે મોત નોતરવું?
18 તમારે જે કરવાના જ છે તે સર્વ કાર્યો તમે કરો; એવું ન થવું જોઇએ કે તમે એક કાર્ય કરો અને બીજું પડતું મૂકો અને જો તમે દેવનો ડર રાખો, તો તમે બંને કરવામાં સફળ થશો. 19 દશ અમલદારો નગરમાં હોય તેનાં કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શકિતશાળી બનાવે છે. 20 સમગ્ર વિશ્વમાં એક પણ માણસ એવો નથી જે હંમેશા સારું જ કરતો હોય અને કદીય તેણે પાપ ના કર્યુ હોય.
21 કોઇ લોકો જે કહે તે દરેક વાત સાંભળવી નહિ, અથવા તો તમારે તમારા નોકરને તમારી વિષે બૂરું બોલતાં સાંભળવો જોઇએ! 22 કારણ કે તમારું અંત:કરણ જાણે છે કે તમે કેટલીય વાર બીજાની વિરૂદ્ધ બોલો છો!
23 મેં હોશિયાર થવા મારાથી શક્ય સર્વ પ્રયત્નો કર્યા છે; મેં જાહેર કર્યુ કે, હું બુદ્ધિમાન થઇશ; પણ તે વાત મારાથી દૂર રહી. 24 ડહાપણ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે, તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેનો પાર કોણ પામી શકે? 25 મેં જ્ઞાનની શોધમાં મારું મન લગાડ્યું અને સર્વ સ્થળોએ તેને શોધ્યું તેમજ તેનાં કારણો તપાસ્યાં.
જેથી દુષ્ટતા મૂર્ખાઇ છે, અને મૂર્ખામી ગાંડપણ છે તે હું પૂરવાર કરી શકું. 26 તેથી મે જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટ દાયક છે, તે છે એક સ્ત્રી, જે એક ફાંસલા અને એક જાળ જેવી છે તથા જેના હાથ સાંકળ સમાન છે તે દેવતુલ્ય વ્યકિતને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પરંતુ પાપી તેની જાળમાંથી છટકી શકતાં નથી.
27 સભાશિક્ષક કહે છે: “સત્ય શોધી કાઢવા માટે બધી વસ્તુઓને સાથે મેળવીને હું આ નિર્ણય પર આવ્યો છું.” 28 હું જે મેળવી શકતો નથી તે હું શોધ્યાજ કરું છું. માણસોમાં, હજારોમાં એક મને મળ્યો છે, પણ સ્ત્રીઓમાં એક પણ એવી મળી નથી.
29 “અંતે મને ફકત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, દેવે માનવજાતને પ્રામાણિક અને દયાળુ બનાવી છે, પરંતુ તેઓએ ઘણી યુકિતઓ શોધી કાઢી છે.”
દેવની શ્રેષ્ઠ આધીનતા
8 બુદ્ધિમાન પુરુષના જેવો કોણ છે? પ્રત્યેક વાતનો અર્થ કોણ જાણે છે? જ્ઞાનથી માણસોનો ચહેરો ચમકે છે અને તેના ચહેરાની કઠોરતા બદલાઇ જાય છે.
2 રાજાની આજ્ઞાનું પાલન કર કારણ કે તે માટે તેં દેવ સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે. 3 ફરજપાલનના માર્ગમાંથી નાસી જવાનો પ્રયત્ન ન કરતો, તને તે ગમતું ન હોય, તો પણ તેમ કરજે, કારણ કે રાજા બધું જ પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. 4 કારણ કે રાજાનો હુકમ સવોર્પરી છે, તેના નિર્ણયને કોઇ પ્રશ્ર્ન કરી શકે તેમ નથી? 5 જે કોઇ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઇ પણ પ્રકારની શિક્ષા થશે નહિ, તેનું કહ્યું ક્યારે કરવું અને કેવી રીતે કરવું તે બુદ્ધિમાન માણસ શોધી કાઢે છે.
6 જો કે મનુષ્યનાં જીવનમાં ભારે મુશ્કેલીઓ આવે છે; તો પણ દરેક બાબત માટે યોગ્ય સમય અને યોગ્ય રીત હોય છે. 7 એટલા માટે ભવિષ્યમાં શું થવાનું છે તેની તેને ખબર નથી. કારણ કે કોઇ પણ તેને કહી શકે તેમ નથી.
8 તેનો પોતાના આત્માને રોકવાની શકિત કોઇ માણસમાં હોતી નથી; અને મૃત્યુકાળ ઉપર કોઇ પણ ને સત્તા નથી; કોઇ પોતાના માટે બીજા કોઇને તે યુદ્ધમાં મોકલી શકે નહિ. અને જે તે કરે છે તેને દુષ્ટ બચાવી શકતો નથી.
9 આ બધું મે જોયું છે, અને આ દુનિયામાં માણસો એકબીજાને નુકશાન પહોંચાડે છે, દુનિયામાં જે દરેક કામ થાય છે તેમાં મેં મારું અંત:કરણ લગાડ્યું છે, ને ઊંડો વિચાર કર્યો છે.
10 મેં દુનિયામાં એવું પણ જોયું છે કે દુષ્ટ માણસને દફનાવી પાછા ફરતાં તેનાં મિત્રો તેના ભૂંડા કાર્યોને ભૂલી જાય છે અને જે નગરમાં તેણે પાપ કર્યા હોય ત્યાં જ તેનાં વખાણ કરે છે, એ પણ વ્યર્થતા છે!
ન્યાય ઇનામ અને દંડ
11 દુષ્કમીર્ને દંડ આપવાની આજ્ઞા ત્વરાથી અમલમાં મૂકાતી નથી. અને તેથી લોકોનું હૃદય દુષ્ટકાર્ય કરવામાં નિશ્ચિંત રહે છે.
12 જો દુષ્ટ પાપી મનુષ્ય સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું સારી રીતે જાણું છું કે યહોવાનો ભય રાખનારાઓનું ભલું થશે. 13 સારું જીવન નહિ જીવનારા દુષ્ટ લોકો સાંજના પડછાયાની જેમ તેઓનું જીવન લંબાવી શકતા નથી, કારણ કે તેઓ દેવનો ડર રાખતા નથી.
14 દુનિયા પર એક એવી વ્યર્થતા છે કે, સારા માણસોને જાણે તેઓ ખરાબ હોય તેમ શિક્ષા પામે છે અને દુષ્ટ જાણે કે તેઓ સારા હોય તેમ સારા ફળ પામે છે. આ પણ વ્યર્થતા છે! 15 તેથી મેં તેઓને વિનોદ કરવાની ભલામણ કરી, કારણ કે ખાવું-પીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે દુનિયા પર કોઇ શ્રે નથી; કારણ કે દેવે તેને દુનિયા ઉપર જે આયુષ્ય આપ્યું છે તેનાં બધાં દિવસોની મહેનતનાં ફળોમાંથી તેને એટલું જ મળશે.
દેવ બધું કરે છે તે આપણે સમજી નથી સકતા
16 તેથી હું જાતે બુદ્ધિ સંપાદન કરવામાં, તથા દુનિયામાં થતાં કામો જોવામાં પ્રવૃત રહ્યો, કારણ કે એવા મનુષ્યો પણ હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘ મળતી નથી. 17 પરંતુ દેવ જે કાંઇ કરે છે એનો અર્થ તે પામી શકે તેમ નથી. કદાચ કોઇ જ્ઞાની માણસ એમ માને કે એ સર્વ જાણે છે, પણ હકીકતમાં તે કશું જાણતો નથી, તેનો પત્તો મેળવવા માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને તે મળશે નહિ; અરે! તે કોઇ બુદ્ધિમાન વ્યકિત હોય, તો પણ તે તેની શોધ કરી શકશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International