Beginning
1 યરૂશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
2 જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે. 3 મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું?
4 એક પેઢી જાય છે, અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે. એનાથી કોઇ ફેર પડતો નથી. 5 સૂર્યોદય થાય છે, અને સૂર્યાસ્ત પણ થાય છે અને ફરી તે ઊગવા માટે સત્વરે ઊગવાની જગાએ જાય છે.
6 પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ વળે છે આમ તે મૂળ માર્ગ ઉપર પાછો ફરે છે અને પોતાની ગતિમાં આમથી તેમ ફર્યા કરે છે.
7 સર્વ નદીઓ વહેતી જઇને સમુદ્રમાં મળે છે તો પણ સમુદ્ર ભરાઇ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.
8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે; તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને કાન પૂરેપૂરું સાંભળતા નથી.
કશુંજ નવું નથી
9 ઇતિહાસનું કેવળ પુનરાવર્તન થાય છે, જે થઇ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; ખરેખર દુનિયા પર કશું જ નવું નથી.
10 એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે.
11 ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ વિષે તેના પછી આવનારી પેઢીને પણ તેનું સ્મરણ નહિ હોય.
શું જ્ઞાનથી આનંદ પ્રાપ્ત થાય છે?
12 હું સભાશિક્ષક, યરૂશાલેમમાં રહેનાર ઇસ્રાએલનો રાજા હતો. 13 વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે. 14 પણ દુનિયા પર લોકો જે કરે છે તે સર્વ બાબતો મેં જોઇ છે. એ સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાની કોશિષ કરવા જેવું છે. 15 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી; અને જે કાંઇ અનુપસ્થિત છે તે લક્ષમાં લઇ શકાતું નથી.
16 મેં મારી જાતને કહ્યું કે, “જુઓ, યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયેલા અન્ય રાજાઓ કરતાં વધારે જ્ઞાની છું. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ખૂબ અનુભવ મળ્યો છે.”
17 પછીં મેં જ્ઞાન તથા ગાંડપણ અને મૂર્ખતા સમજવા માટે સંપૂર્ણ રીતે પ્રયત્નો કર્યાં પણ ત્યારે મને સમજાયું કે આ પણ પવનને પકડવા જેવું હતું. 18 કારણ કે અધિક જ્ઞાનથી આપત્તિમાં અધિક વૃદ્ધિ થાય છે. અને વિદ્યા-ડહાપણ વધે તેમ શોક વધે છે, દુ:ખ પણ વધે છે.
આનંદ પ્રમોદની નિરર્થકતા
2 તેથી મેં મારી જાતને કહ્યું કે, “ચાલ ત્યારે, હવે ભરપૂર આનંદ કર, હવે હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે; પણ મને સમજાયું કે આ પણ નકામું કામ છે. 2 મેં વિનોદ વિષે જણાવ્યું કે, હંમેશા હસતા રહેવું તે પણ મૂર્ખાઇ છે; તેનાથી શું ભલું થાય?”
3 પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી તરબોળ કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ દુનિયા ઉપર પોતાના સઘળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઇ ગ્રહણ કરું.
શું સખત પરિશ્રમથી આનંદ પ્રાપ્ત થાય છે?
4 પછી મેં મારે પોતાને માટે મોટાં કામો ઉપાડ્યાં. મે પોતાને માટે મહેલો બંધાવ્યાં અને દ્રાક્ષાવાડીઓ રોપાવી. 5 મેં મારા પોતાને માટે બગીચા બનાવડાવ્યા અને સર્વ પ્રકારનાં ફળો આપે તેવી વાડીઓ રોપાવી. 6 મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય. 7 મેં પુરુષ નોકરો અને સ્ત્રી નોકરો ખરીદ્યાઁ. મારા ઘરમાંજ જન્મેલાં ગુલામો પણ મારી પાસે હતા. અગાઉ થઇ ગયેલા રાજાઓ પાસે હોય તેનાથીય ઘણાં વધારે ઢોરઢાંખરાં મારી પાસે હતાં.
8 મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.
9 આ રીતે હું બળવાન અને શકિતશાળી થયો. અને જેઓ યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયા હતાં તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો; મારા જ્ઞાને મને આ બાબતો કરવા માટે શકિતમાન કર્યો. 10 મને જે પસંદ હતું તે મેં પ્રાપ્ત કર્યું. અને કોઇ પણ પ્રકારનાં આનંદથી મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં ઘણો આનંદ મેળવ્યો. આ આનંદ મારા સઘળા પરિશ્રમનો કેવળ બદલો હતો.
11 ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા તે પર, અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સઘળું વ્યર્થ તથા હવામાં બાચકાં ભરવા જેવું દેખાયું અને દુનિયા ઉપર મને કઇં લાભ દેખાયો નહિ.
જ્ઞાન આનો જવાબ હોઇ શકે
12 હવે મેં જ્ઞાની, ગાંડપણ અને મૂર્ખતાના લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ શરું કર્યો. જ્યારે એક રાજાની જગ્યાએ બીજો રાજા આવે છે તો નવા રાજાએ કાંઇ નવું કરવાનું નથી. દરેક વસ્તુ બધી પહેલેથીજ કરી લીધેલી હોય છે. 13 પછી મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રે છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઇ થી શ્રે છે. 14 કારણ કે જ્ઞાની માણસ જોઇ શકે છે જ્યારે મૂર્ખ દ્રષ્ટિહીન છે, તો પણ મેં જોયું કે જ્ઞાની અને મૂર્ખ, બંનેના પરિણામ સરખાજ આવે છે.
15 ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ, ત્યારે મને તેનાં કરતાં વધારે બુદ્ધિમાન હોવામા શો લાભ? ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, એ પણ નિરર્થક છે. 16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; જ્ઞાની અને મૂર્ખ બંન્ને મૃત્યુ પામશે અને આવનાર દિવસોમાં બન્ને ભૂલાઇ જશે.
શું ખરેખર આનંદ સત્યજીવનમાં છે?
17 તેથી હવે હું જીવનને ધિક્કારું છું. દુનિયા પર થતાં કાર્યો મને કષ્ટદાયક લાગ્યાં, તે સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાં જેવું છે.
18 જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે. 19 કોઇ કહી શકશે ખરું કે મારો વારસ જ્ઞાની થશે કે મૂર્ખ? છતાં જેના માટે મેં આ દુનિયામાં પરિશ્રમ કર્યો અને મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો તેનો ધણી તે બનશે. પરંતુ આ પણ વ્યર્થતા છે.
20 તેથી મેં દુનિયા પર જે સર્વ કામો માટે પરિશ્રમ કર્યો હતો તે પ્રત્યે હું નિરાશ થઇ ગયો. 21 મનુષ્ય પોતાના જીવનમાં ડાહપણ, જ્ઞાન તથા કુશળતાથી પોતાના કામ કરે, પણ એ સર્વ એક દિવસ એવી વ્યકિતના હાથમાં જશે જેણે તેના માટે કઇ કામ કર્યું નથી. કોઇ પણ જાતની કિંમત ચૂકવ્યાં વિના તે વારસ બને છે.આ વ્યર્થતા છે અને સાથે અન્યાય છે.
22 પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું પ્રાપ્ત થાય છે? 23 કારણ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે; રાત્રે પણ તેનું મન ચિંતાગ્રસ્ત હોવાથી વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.
24 તેથી આખરે હું આ નિર્ણય પર આવ્યો છું કે માણસે સંતોષથી ખાવું, પીવું અને પોતાના દૈનિક કામમાં આનંદ માણવો, તેનાં કરતાં વધારે સારું બીજું કશું નથી. પછી મને ખ્યાલ આવ્યો કે આ પ્રમાણે વસ્તુઓ દેવ જ બનાવે. 25 પરંતુ દેવની કૃપા વિના કોણ ખાઇ શકે અથવા સુખ ભોગવી શકે? 26 જે લોકો દેવને પ્રસન્ન કરે છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે અતિ ભારે પરિશ્રમ આપે છે તેથી તે સંગ્રહ કરે અને ધનવાન બને, અને જેઓ દેવને પ્રસન્ન કરે છે તેઓને માટે તે ધન મૂકીને જાય, અહીં પણ આપણે વ્યર્થ તથા નિરર્થક હવામાં બાચકાં ભરવા જેવું કરીએ છીએ.
પ્રત્યેક વસ્તુ માટે યોગ્ય સમય
3 પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે:
2 જન્મ લેવાનો સમય,
મૃત્યુ પામવાનો સમય,
છોડ રોપવાનો સમય
અને રોપેલાને ઉખેડી નાંખવાનો સમય;
3 મારી નાખવાનો સમય
અને જીવાડવાનો સમય;
તોડી પાડવાનો સમય
અને બાંધવાનો સમય;
4 રડવાનો સમય
અને હસવાનો સમય;
શોક કરવાનો સમય
અને નૃત્ય કરવાનો સમય;
5 પત્થરો ફેંકી દેવાનો સમય
અને પત્થરો એકઠાં કરવાનો સમય;
આલિંગન કરવાનો સમય;
તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;
6 શોધવાનો સમય;
ગુમાવવાનો સમય;
રાખવાનો સમય;
ફેંકી દેવાનો સમય;
7 ફાડવાનો સમય;
સીવવા કરવાનો સમય;
શાંત રહેવાનો સમય;
બોલવાનો સમય;
8 પ્રેમ કરવાનો સમય;
ધિક્કારવાનો સમય;
યુદ્ધનો સમય
સલાહ શાંતિનો સમય.
દેવ પોતાની દુનિયાનું નિયંત્રણ કરે છે
9 આટલો બધો સખત પરિશ્રમ કરવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે? 10 દેવે જે ધંધો મનુષ્યોને તેઓને કાર્યરત રાખવા આપ્યો છે તે મેં જોયો છે. 11 યહોવાએ પ્રત્યેક વસ્તુ ને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે.જો કે દેવે મનુષ્યનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી અંત સુધીનાં દેવનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.
12 હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવું ને ભલું કરવું, તે કરતાં તેના માટે બીજું કંઇ શ્રેષ્ઠ નથી. 13 તેણે ખાવું, પીવું અને પરિશ્રમથી જે સિદ્ધ કર્યુ છે તેનાથી સંતોષ અનુભવવો, કારણ કે આ દેવ તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.
14 મને ખબર છે કે દેવ જે કંઈ કરે છે તે ભવિષ્યમાં સદાને માટે રહેશે; તેમાં કશો વધારો કે ઘટાડો કરી શકાય નહિ, આમા દેવનો મુખ્ય હેતુ એ છે કે માણસ દેવનો ડર રાખે. 15 જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને દેવ પાછું શોધી કાઢે છે.
16 વળી મેં આ દુનિયામાં જોયું કે સદાચારની જગાએ અનિષ્ટ હતું; અને ન્યાયની જગ્યાએ અનિષ્ટ હતું. 17 મેં મારી જાતને કહ્યું કે, “યહોવા ન્યાયીનો અને દુષ્ટનો ન્યાય કરશે, કારણ કે પ્રત્યેક પ્રવૃતિ માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે.”
શું મનુષ્યો પશૂવત્ છે?
18 પછીં મે મારા મનમાં વિચાર્યુ કે, “યહોવા મનુષ્યની કસોટી કરે છે. જેથી તેઓ જાણે કે તેઓ પશુ સમાન છે. અને પશુઓથી વધારે સારા નથી. 19 કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા! 20 એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે. 21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે?”
22 તેથી મેં જાણ્યુ કે, માણસ પોતાના કામમાં આનંદ માણે, તેથી વધારે સારું કાંઇ નથી. એ જ તેનો ભાગ છે; ભવિષ્યમાં શું બનવાનું છે તે તેને કોઇ દેખાડી શકે તેમ નથી.
સર્વત્ર ત્રાસ અને દુ:ખ
4 ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો, અને દુનિયા પર થતાં ત્રાસ અને દુ:ખ નિહાળ્યાં. ત્રાસ સહન કરનારાઓનાં આંસુ લૂછનાર અને તેમને સાંત્વના આપનાર કોઇ નહોતું; તેઓના પર ત્રાસ કરનારાઓ શકિતશાળી હતાં. 2 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે; 3 વળી તે બંને કરતાંય જેઓ હજી જન્મ્યાં જ નથી અને જેઓની આંખોએ ત્રાસ અને દુનિયા પર થતાં ભૂંડા કૃત્યો જોયા નથી તે વધારે સુખી છે.
શા માટે આટલો સખત પરિશ્રમ?
4 વળી મેં જોયું કે કાર્ય કરવામાં આવડત અને પરિશ્રમને લીધે માણસ અને તેના પડોશી વચ્ચે ઇર્ષા ઉત્પન્ન થાય છે. એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.
5 મૂર્ખ કામ કરતા નથી અને પોતાની જાત પર બરબાદી લાવે છે. 6 અતિ પરિશ્રમ કરી અને પવનને પણ પકડવાના પ્રયત્નો કરી પુષ્કળ કમાવું તે કરતાં શાંતિસહિત થોડું કમાવું વધારે સારું છે.
7 ત્યારબાદ હું પાછો ફર્યો, અને મેં દુનિયા ઉપર વ્યર્થતા જોઇ. 8 જો માણસ એકલું હોય, અને તેને એક પુત્ર કે એક ભાઇ પણ ન હોય; છતાંય તે વધુ ધન પ્રાપ્ત કરવાં ખૂબ પરિશ્રમ કર્યા કરે છે “તેને સંતોષ નથી પણ આ પરિશ્રમ તે કોના માટે કરે છે? શા માટે તે પોતાને આનંદથી દૂર રાખે છે?” આ સર્વ પરિશ્રમ ફકત અક્કલહીન છે! અને તે ખોટનો ધંધો છે.
મિત્રો અને પરિવારથી શકિત મળે છે
9 એક કરતાં બે ભલા; કારણ કે બંનેએ સાથે મળીને કરેલી મહેનતનું ઘણું વધારે સારું ફળ તેઓને મળે છે.
10 જો બેમાંથી એક પડે તો બીજો તેને મદદ કરે છે; પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઇજ મળે નહિ અને ત્યારે તેની સ્થિતિ દયાજનક થાય છે.
11 જો બે જણા સાથે સૂઇ જાય તો તેઓને એક બીજાથી હૂંફ વળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
12 એકલા માણસને હરકોઇ હરાવે, પણ બે જણ મળીને જીતી શકે છે; ત્રેવડી વણેલી દોરી સહેલાઇથી તૂટતી નથી.
રાજનીતિ અને પ્રસિદ્ધિ
13 કોઇપણ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઇની સલાહ સાંભળતો ન હોય, તેનાં કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે. 14 આ યુવાન જેલમાંથી મુકત થઇને રાજા બની શકે છે. અથવા તે દરિદ્રી પરિવારમાં જન્મ્યો હોય તો પણ રાજા થઇ શકે છે. 15 દુનિયા પરનાં સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા રાજાના વારસ બનેલા આ યુવાનની સાથે હતાં. 16 અસંખ્ય લોકો તેની સન્મુખ ઊભા હતાં, તો પણ તેના પછીની પેઢીનાં લોકો તેનાથી ખુશ નહોતા. તેથી ખરેખર એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International