Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નીતિવચનો 24-26

– 19 –

24 દુર્જનોની ઇર્ષ્યા કરીશ નહિ કે તેમની સાથે રહેવાની ઇચ્છા સેવીશ નહિ. કારણ, તેમનાં મન હિંસાના વિચારો કરે છે અને તેમના મોઢેથી ઉપદ્રવની વાણી નીકળે છે.

– 20 –

જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિથી તે સ્થિર થાય છે. અને વિદ્યા વડે તેના ઓરડા બધી જ જાતની મૂલ્યવાન અને સુખદાયક વસ્તુઓથી ભરાય છે.

– 21 –

શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે. કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે, અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે.

– 22 –

ડહાપણ મૂરખના ગજા બહારની વસ્તુ છે, તેથી તે જાહેર સભામાં પોતાનું મોં ખોલી શકતો નથી.

– 23 –

જે ભૂંડુ કરવા માટે યુકિતઓ રચે છે, તે લોકોમાં ઉપદ્રવી માણસ તરીકે ઓળખાય છે. મૂર્ખ પાપ ભરેલી યોજનાઓ ઘડ્યા કરે છે, લોકો જે વ્યકિત બડાઇ હાંકે છે તેને ધિક્કારે છે.

– 24 –

10 જો તમે સંકટ આવતાં તમારી હિંમત હારી બેસશો તો તમે નબળા છો.

– 25 –

11 જેઓને મોત માટે ઘસડી જવામાં આવતા હોય તેમને છોડાવ, જેઓ લથડતે પગે હત્યા માટે જઇ રહ્યા હોય તેમને ઉગારી લે. 12 જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા,” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું જાણતો નહોત? અને જે તારા જીવનનો રક્ષક છે તે શું જાણતો ન હોત? અને તે પ્રત્યેક વ્યકિતને તેમનાં કર્મ પ્રમાણે પાછું નહિ આપશે?

– 26 –

13 મારા દીકરા, મધ ખા; તે ગુણકારી છે, એનો સ્વાદ મીઠો છે. 14 જાણો કે જ્ઞાન તમારા જીવન માટે સારૂં છે; જો તું તેને પ્રાપ્ત કરે તો તારું ભાવિ ઉજ્જવળ છે, તારી આશા વ્યર્થ નહિ જાય.

– 27 –

15 હે દુષ્ટ માણસ, સજ્જનનાં ઘર આગળ લાગ જોઇ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ. 16 કારણકે, સજ્જન સાત વાર પડશે તોયે પાછો ઊભો થશે, પણ દુર્જન વિપત્તિ આવતાં ભાંગી પડે છે, પાયમાલ થઇ જાય છે.

– 28 –

17 તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ; 18 નહિ તો યહોવા એ જોશે અને નારાજ થશે, અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.

– 29 –

19 જેઓ દુષ્કર્મો કરે છે તેની ઉપર ગુસ્સે થતો નહિ કે દુર્જનની ઇર્ષ્યા કરતો નહિ. 20 કારણકે, દુર્જનને કોઇ ભાવિ નથી, તેનો દીવો હોલવાઇ જશે,

– 30 –

21 મારા દીકરા, યહોવાથી અને રાજાથી ડરીને ચાલજે, બળવાખોરો સાથે કશો સંબંધ રાખીશ નહિ; 22 કારણ, તેમના પર અચાનક આફત આવી પડશે, અને કોને ખબર છે કે બંને કેવી પાયમાલી મોકલશે?

અસંખ્ય બોધ વચનો

23 આ જ્ઞાનીઓના વચન છે, ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી. 24 ગુનેગારને નિર્દોષ ઠરાવનારને બધા લોકો શાપ દેશે, પ્રજાઓ તેને ઠપકો આપશે. 25 પણ જેઓ દોષીને ઠપકો આપશે તેમનું ભલું થશે. તેમના પર આશીર્વાદ ઊતરશે.

26 સાચો જવાબ મૈત્રીભર્યા ચુંબન જેવો છે.

27 તારું બહારનું કામ કર, જમીન ખેડ, અને તારું ઘર બાંધ.

28 કારણ વગર તારા પડોશી વિરૂદ્ધ સાક્ષી પૂરીશ નહિ, તારે મોઢે તેની વિરૂદ્ધ ખોટું બોલીશ નહિ.

29 એવું ના કહીશ કે, “એણે મારી સાથે વર્તાવ રાખ્યો છે તેવો જ હું એની સાથે રાખીશ, એણે જે કર્યુ છે તેને હું પાછું વાળી દઇશ.”

30 હું આળસુ વ્યકિતના ખેતરમાંથી જઇને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાડી પાસેથી પસાર થતો હતો. 31 ત્યારે મેં જોયું તો બધે ઝાંખરા ઊગી નીકળ્યાં હતાં. જમીન કાંટાથી છવાઇ ગઇ હતી. અને પથ્થરની વાડ તૂટી પડી હતી. 32 એ જોઇને મેં વિચાર કર્યો, એ ઉપરથી હું શીખ્યો કે, 33 થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો. 34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ તથા હથિયારધારી યોદ્ધાની જેમ કંગાલાવસ્થા આવી પહોંચશે.

સુલેમાનના નીતિવચનો ગુચ્છ બીજો

25 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે. જે યહૂદિયાના રાજા હિઝિક્યાના માણસોએ ઉતારી લીધાં હતાં.

કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.

જેમ આકાશની ઊંચાઇ તથા પૃથ્વીની ઊંડાઇની જેમ રાજાનું મન પણ અગાધ છે.

ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો એટલે રૂપાનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે. તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો એટલે તેનું સિંહાસન ન્યાયવડે સ્થિર થશે.

રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું. ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં “આમ આવો” કરીને ઉપર બેસાડે એ વધું સારું છે.

તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?

તારા પડોશી સાથેના વિવાદનું જરૂર તું નિરાકરણ કર, પણ બીજા કોઇની ગુપ્ત વાત ખુલ્લી ન કરતો. 10 રખેને એ સાંભળી જનાર તારી નિંદા કરે અને તારી કાયમની બદનામી થાય.

11 પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે. 12 જ્ઞાની વ્યકિતનો ઠપકો કાને ધરનારને માટે સોનાની કડી અને સોનાના ઘરેણાં જેવા છે.

13 વફાદાર સંદેશાવાહક તેના મોકલનાર માટે ઉનાળામાં બરફ જેવો શીતલ હોય તેના જેવો લાગે છે, તે પોતાના ધણીના આત્માને ફરીથી તાજો કરે છે.

14 જે એમ કહે છે કે તે ભેટ આપશે, પણ કોડીય આપતો નથી, તે વરસાદ વગરના વાદળ અને વાયુ જેવો છે.

15 લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.

16 જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ. 17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.

18 પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે. 19 સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.

20 ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.

21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ. 22 એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે.

23 ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીખોર જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.

24 કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં અંદર રહેવાં કરતાં ધાબાના ખૂણામાં વાસ કરવો સારો છે.

25 દૂર દેશથી આવતા શુભ સમાચાર તરસ્યા ગળા માટે શીતલ પાણી જેવા લાગે છે.

26 જે સજ્જન માણસ દુષ્ટ માણસની સામે પડે છે તે ડહોળાયેલા ઝરણા કે ઝેર ભરેલા કૂવા જેવો છે.

27 વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી.

28 જે વ્યકિત પોતાની જાત પર કાબૂ ધરાવતો નથી તે માણસ કોટ વગરના નગર જેવો છે.

મૂર્ખ વિષે બોધ વચન

26 જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી.

જેમ ભટકતી ચકલી, અને જેમ ઊડતું અબાબીલ પક્ષી છે. તેમ વિનાકારણે આપેલો શાપ કોઇને માથે ઊતરતો નથી.

ઘોડાને માટે ચાબૂક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે દંડો છે.

મૂર્ખને તેની મૂર્ખાઇ પ્રમાણે જવાબ ન આપવો, રખેને તું પણ તેના જેવો થઇ જાય.

મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ. જેથી તે જાણી શકે કે તે પોતાને માને છે તેટલો બુદ્ધિશાળી નથી.

તે વ્યકિત પોતાનો પગ કાપી નાખે છે તે પોતાની જાત સાથે હિંસા કરે છે. તેવીજ રીતે જે કોઇ મૂર્ખ મારફત સંદેશો મોકલાવે છે.

મુશ્કેલીઓ માગવા બરાબર છે. મૂર્ખના મોઢામાં શાણી વાત એ લંગડાના પગ જેવું નકામું છે.

જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે.[a]

જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખના મોઢામાં સારી વાત.

10 મૂર્ખને કે એક દારૂડિયાને કામે રાખનાર કોઇને પણ વીંધનાર બાણાવાળીની જેમ સૌને નુકસાન કરે છે.

11 જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ કરેલી ભૂલ ફરી ફરીને કરે છે.

12 પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસ કરતાં મૂર્ખ સારો, એને સુધરવાની વધારે આશા છે.

13 આળસુ બહાના કાઢે છે, “રસ્તામાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે.”

14 જેમ બારણું તેનાઁ મિજાગરાઁ પર ફરે છે, તેમ આળસુ પથારીમાં ફર્યા કરે છે.

15 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો; પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં થાક લાગે છે.

16 હોંશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.

17 જે વ્યકિત, તેનો પોતાનો ન હોય તેવા કજિયામાં દખલ કરે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે.

18 જેઓ ખોયણાં, તીર તથા પ્રાણઘાતક વસ્તુઓ ફેંકે છે તે ઘેલો માણસ છે.

19 તેવી જ વ્યકિત પોતાના પડોશીને છેતરીને, “એ તો હું ગમત કરતો હતો.” એમ કહેનાર છે.

20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઇ જાય છે; અને કુથલી ખોર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.

21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાઁને સળગાવે છે; તેમ કંકાસખોર માણસ કજિયા સળગાવે છે.

22 નિંદા કરનાર વ્યકિતના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરતમ ભાગમા ઊતરી જાય છે.

23 કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીનો ઢોળ ચઢાવેલાં માટીના વાસણ જેવો છે. 24 ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે. પણ પોતાની વાણીથી તેને છુપાવે છે. 25 જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે. 26 વ્યકિત દંભથી તિરસ્કારને છુપાવે છે, પણ તેની દુષ્ટતા જાહેર સભા સામે ઉઘાડી પડી જશે.

27 જે ખાડો ખોદે તે પડે, ને જો કોઇ વ્યકિત પથ્થર ગબડાવે તો તે પથ્થર ગબડીને તેના પર જ પાછો આવીને પડે.

28 જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યકિતને લોકો નકારે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International