Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નીતિવચનો 22-23

22 વિપુલ સંપત્તિ કરતાં સારી પ્રતિષ્ઠા અને સોનારૂપાં કરતાં ઉચ્ચ આદર વધારે ઇચ્છવાજોગ છે.

દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કારણ કે યહોવાએ બંનેને સર્જ્યા છે.

ડાહ્યો વ્યકિત આફતને આવતી જોઇને સંતાઇ જાય છે. મૂર્ખ વ્યકિત આગળ વધતી રહે છે અને દંડાય છે.

ધન, આબરૂ તથા જીવનએ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.

વક્ર વ્યકિતના માર્ગમાં કાંટા અને છટકા હોય છે; પણ જે વ્યકિતને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.

બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ.

ધનવાન ગરીબ ઉપર દોર ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.

જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.

ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

10 ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે.

11 જે વ્યકિતનું હૃદય નિર્મળ છે અને જે મીઠી વાણી બોલે છે, રાજા તેનો મિત્ર થશે.

12 યહોવાની દ્રષ્ટિ જ્ઞાનની રક્ષા કરે છે ને ધોખાબાજ માણસોની વાણીને ઊંધી પાડે છે.

13 આળસુ માણસ બહાનુ કાઢે છે-રસ્તામાં તો સિંહ બેઠો છે, બહાર નીકળું તો ફાડી જ ખાય.

14 પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઇ જેવું છે, જે તેમાં પડે છે તેના ઉપર યહોવાનો કોપ ઉતરે છે.

15 બાળકના હૃદયમાં મૂર્ખાઇ વસે છે પરંતુ શિસ્તનો દંડો તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.

16 જે ધનવાન થવા માટે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને ઇનામ આપે છે તે પોતે તો ગરીબ જ રહે છે.

ત્રીસ બોધવચનો

17 જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ, અને હું તને જે સલાહ આપું છું તેમાં તારું ચિત્ત લગાડ. 18 જો તું તેને ખુશ ગણતો હોય અને તું તેને તારા હૃદયમાં સંઘરી રાખીશ તો તેઓ સદા તારા હોઠ પર રહેશે. 19 હું તને આજે આ બધું એટલા માટે કહું છું કે યહોવા ઉપર તારો વિશ્વાસ બેસે. 20 મેં તારા માટે સુબોધ અને જ્ઞાનની ત્રીસ કહેવતો લખી રાખી છે, 21 આના દ્વારા તું સત્ય જ્ઞાન પામીશ અને તેથી તું ભરોસા પાત્ર અહેવાલ લઇને તને જેણે મોકલ્યો છે તેની પાસે જઇ શકે.

– 1 –

22 ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ. 23 કારણ કે યહોવા તેમનો પક્ષ લેશે અને તેમનું હરી લેનારના પ્રાણ હરી લેશે.

– 2 –

24 ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને ગુસ્સો કરનારનો સંગ ન કર. 25 રખેને તું તેના જેવું વર્તન કરતાં શીખે અને જીવને જોખમમાં નાખે.

– 3 –

26 કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ. 27 જો તારી પાસે દેવું ચૂકવવા માટે કઇં પણ નહિ હોય તો તારી તળેથી તે તારી પથારી લઇ જશે.

– 4 –

28 તારા પિતૃઓએ તોડેલા જૂના સીમાના પથ્થર હઠાવીશ નહિ.

– 5 –

29 પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે.

– 6 –

23 જ્યારે તું કોઇ અધિકારીની સાથે ખાવા બેસે ત્યારે તું કોની સાથે બેઠો છે તે ધ્યાનમાં રાખજે. અને જો તારી ભૂખ પ્રબળ હોય તો તારે ગળે છરી મૂક. સ્વાદિષ્ટ વાનગીઓ માટે ઝૂરીશ નહિ, કારણ કે તે ખોરાક છેતરામણો હોય છે.

– 7 –

ધનવાન થવા માટે તન તોડીને વૈતરું ના કરીશ, હોશિયાર થઇને પડતું મૂકજે. તે (ધન) આંખના પલકારામાં ઊડી જશે. પૈસો પોતાના માટે પાંખો ઉગાડશે. આકાશમાં ઊડતાં ગરૂડની જેમ તે ઉડી જાય છે.

– 8 –

કંજૂસને ત્યાં ભાણું ખાઇશ નહિં, કે તેની સ્વાદિષ્ટ વાનગીની તું ઇચ્છા રાખતો નહિ. કારણકે, એ તારા ગળામાં વાળની જેમ ચોંટી જશે. તે તને “ખાઓ, પીઓ” કહેશે તો ખરો, પણ મનથી નહિં કહે. તેં ખાધેલો કોળિયો પણ તારે ઓકી કાઢવો પડશે, અને તેં કરેલાં વખાણ નકામાં જશે.

– 9 –

મૂર્ખને શિખામણ આપીશ નહિ, તારી સમજુ સલાહનો પણ તે તિરસ્કાર કરશે.

– 10 –

10 અસલની હદના પથ્થરો ખસેડીશ નહિં, અને અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ. 11 કારણ, તેમનું રક્ષણ કરનાર બળવાન છે; તે તારા વિરૂદ્ધ તેમનો પક્ષ લેશે.

– 11 –

12 શિસ્તમાં ચિત્ત પરોવ અને જ્ઞાનને તારા કાને ધર.

– 12 –

13 બાળકને ઠપકો આપતાં વિચલીત થઇશ નહિ. જો તું તેને ફટકારીશ તો તે કંઇ મરી જશે નહિ. 14 તારે તેને ફટકારવું, અને તેને મૃત્યુથી ઉગારવો.

– 13 –

15 બેટા, જો તું ડાહ્યો થઇશ તો મારું હૃદય હરખાશે. 16 તારા મોઢે જ્ઞાનના સારા શબ્દો સાંભળીને હું રાજી થઇશ.

– 14 –

17 તારા મનમાંય પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાથી ડરીને ચાલજે. 18 તો તારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તારી આશા વ્યર્થ નહિ જાય.

– 15 –

19 મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા, અને તારા ચિત્તને સાચા માર્ગે દોરજે. 20 દ્રાક્ષારસ પીનારાઓનો અથવા તો જેઓ છૂટથી માંસ ખાય છે તેનો સંગ કરીશ નહિ. 21 કારણકે, દ્રાક્ષારસ પીનારાઓ અને ખાઉધરાઓ કંગાલ દશાને પામે છે. અને ઊંધ તેમને ચીથરાથી ઢાંકી દેશે.

– 16 –

22 તારા પોતાના પિતાનું કહ્યું સાંભળ, એ તારા જન્મદાતા છે; અને તારી જનેતાનો વૃદ્ધાવસ્થામાં ધિક્કારીશ નહિ. 23 સત્યને ખરીદજે પણ વેચીશ નહિ; હા, જ્ઞાન, શિખામણ અને બુદ્ધિ ખરીદ જે પણ તેને વેચીશ નહિ. 24 નીતિમાન પુત્રના પિતા આનંદથી હરખાય છે, અને જે પુત્ર શાણો છે તે તેના જન્મદાતાને આનંદ આપશે. 25 તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર. અને તારી જનેતાનું હૈયુ હરખાય એવું કર.

– 17 –

26 મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખ. 27 વારાંગના એ ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી એ આફતોથી ભરેલો કૂવો છે. 28 તે લૂંટારાની જેમ સંતાઇને તાકી રહે છે. અને ઘણા પુરુષોને અવિશ્વાસુ બનાવે છે.

– 18 –

29 કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખો લાલ છે? 30 જેઓ દ્રાક્ષારસ જ પીધા કરે છે અને જેઓ દ્રાસારસના નવાં નવાં મિશ્રણોની શોધમાં હોય છે તેઓને.

31 પ્યાલામાં ચળકતા દ્રાક્ષારસ સામે જોઇશ નહિ, કારણકે, એ સહેલાઇથી ગળે ઊતરી જાય છે. 32 અને આખરે તે સર્પની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે.

33 તારી આંખો ચિત્રવિચિત્ર વસ્તુઓ જોશે અને તારે મોઢેથી ઉલટસૂલટ વાણી નીકળશે. 34 તને એવું થશે કે, હું સમુદ્રમાં હાલકડોલક થતાં વહાણમાં સૂતો છું. 35 તું કહેશે કે, “કોઇએ મને માર્યુ પણ મને વાગ્યું નહિ, કોઇએ મને ઝૂડ્યો પણ મને ખબર પડી નહિ, હું ક્યારે જાગીશ? ચાલો ફરી એકવાર પી નાખીએ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International