Beginning
મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.
1 મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
તમે મારા આત્માને બચાવો.
3 હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
અને કેદારનાં તંબુઓમાં વસું છું.
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
હું ધરાઇ ગયો છું.
7 જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
મંદિર તરફ ચઢવા માટેનું ગીત.
1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
મને સહાય ક્યાંથી મળે?
2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
યહોવા પાસેથી મને સહાય મળે છે.
3 તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
4 જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
અને નિદ્રાવશ થતો નથી.
5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
યહોવા તમારા રક્ષક છે.
6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
8 તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
મંદિરે ચઢવાનું ગીત.
1 યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
2 અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
3 ફરી એક વખત યરૂશાલેમ
એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
4 ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
5 જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
6 યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
7 ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.
8 મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
તારામાં શાંતિ થાઓ.
9 યહોવા અમારા દેવના મંદિરને માટે
હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.
મંદિરે ચઢવાનું ગીત.
1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
2 જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
3 અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
4 પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
પૂરતું અપમાન અને દોષારોપણ થયું.
મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને
પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
યહોવા જ અમારા મદદગાર છે.
મંદિર ચઢવાનું ગીત.
1 જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
તેઓને કદી હલાવામાં આવશે નહિ
તેઓ સદાકાળ ટકી રહેશે.
2 જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
3 કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.
4 હે યહોવા, જેઓ સારાઁ છે;
અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
5 દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.
ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
ત્યારે વિદેશીઓએ કહ્યું,
“યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.
સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.
1 જો યહોવા ઘર ન બાંધે તો;
બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
2 જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
પ્રત્યેકને આરામ આપે છે.
3 બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
4 યુવાવસ્થામાંના પુત્રો તો;
બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
મંદિર ચઢવા માટેનું ગીત.
1 ઇસ્રાએલને કહેવા દો,
“મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
2 મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
પણ તેઓ મને હરાવી ન શક્યા!
3 પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
4 પરંતુ યહોવા તો ન્યાયી છે,
દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
અને હારીને ભાગી જાય.
6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
7 જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી,
હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી.
હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ”
સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
2 મેં મારી જાતને શાંત કરી છે.
મારો આત્મા સ્વસ્થ અને શાંત છે.
મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.
3 હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા
અને સદાય ભરોસો રાખ.
મંદિર પરના ચઢાણ માટેનું ગીત.
1 હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
2 યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી;
હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
3 “જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું;
અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
4 ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ;
ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
5 વળી મારી આંખોને ઊંઘ
અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”
6 દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું,
અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
7 પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ;
ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
8 હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે
તમારા વિશ્રામસ્થાનમાં આવો.
9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
અને તારા ભકતો હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદને માટે દેવ,
તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી:
“હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે;
તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.
13 હે યહોવા, તમે સિયોનને
તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે.
હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ.
અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
16 હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ;
મારા પરમ ભકતો આનંદથી ગાશે.
17 દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે.
“મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ;
પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International