Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 86-89

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.

તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
    યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.

જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
    મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
વળી સિયોન વિષે કહેવાશે કે:
    “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
    દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
    જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.

વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
    “મારું સર્વસ્વ તારામાં છે.”

કોરાહના કુટુંબનું એક સ્તુતિગીત. નિર્દેશકને – દર્દનાક બિમારી વિષે, હેમાન એઝાહીનું માસ્કીલ.

હે યહોવા, મારા તારણના દેવ,
    મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
હવે તમે મારી પ્રાર્થના સાંભળો,
    મારા પોકાર તમારે કાને ધરો.
કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે,
    અને હું જલદીથી મૃત્યુ પામીશ.
હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું,
    અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું.
    જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં.
અને હવે તમે તેઓને યાદ કરતાં નથી.
    તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.
તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં,
    તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.
મારા પર તમારો કોપ અતિ ભારે છે,
    તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;

તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે,
    મારાથી તેઓ દૂર નાસે છે;
હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
    દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
હે યહોવા, મેં તને સદા અરજ કરી છે
    અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો?
    શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?

11 શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં
    તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
12 શું અંધકારમાં તારાં કૃત્યો જે આશ્ચર્યકારક છો, તે વિષે,
    અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જણાવવામાં આવે છે?
13 પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું,
    દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 હે યહોવા, તમે મને તજો છો શા માટે?
    શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે.
    હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.
16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે,
    તમારા તરફથી મને ત્રાસ થાય છે;
    અને તેથી હું ભાંગી પડ્યો છું.
17 મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે,
    અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે.
    ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.

એથાન એઝાહીનું માસ્કીલ.

યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
    સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
    અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
    અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
    અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”

પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
    અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
    જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
    જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
    દેવ ભયાવહ અને સન્માનનીય છે.
હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
    તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
    તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
    તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
    તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
    તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
    તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
    મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
    તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
    તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
    અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
    અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
    અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
    અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
    મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
    અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
    અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
    અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
    ને હું નિરંતર પ્રેમ રાખીશ;
    મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
    અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
    તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
    અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
    અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
    સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
    તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
    અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
    અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
    અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
    અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
    મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
    હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
    અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
    સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
    તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
    તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
    અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
    અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
    અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
    અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
    અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
    અને તમે તેને શરમાવ્યો છે.

46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
    શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
    શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
    શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
    શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
    જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
    અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!

52 યહોવાની સદાય સ્તુતિ કરો.
    આમીન તથા આમીન!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International