Beginning
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.
1 દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
2 ઢોલક અને સિતાર
અને મધુર વીણા સાથે
તેમના સ્તુતિ-ગાન ગાઓ.
3 રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો,
નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો.
4 એમ કરવુંએ ઇસ્રાએલનાં લોકો માટે તે વિધિ છે,
દેવે યાકૂબને તે હુકમ આપ્યો છે.
5 જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં
ત્યારે દેવે યૂસફ[a] સાથે કરાર કર્યો;
જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી.
6 દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા,
મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા.
7 સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યાં;
ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુતર આપ્યો;
મરીબાહનાં પાણી આગળ મેં તમારી પરીક્ષા કરી.
8 “હે મારા લોકો, સાંભળો; હે ઇસ્રાએલ માત્ર મારું સાંભળો;
હું તમને કડક ચેતવણી આપું છું.
9 અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ,
અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.
10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
હું તમને ખવડાવીશ.
11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”
આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 દેવની સભામાં ઇશ્વર
ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.
2 દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો?
ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”
3 “તમે અબળ અને અનાથને ન્યાય કરો,
દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
4 અબળ અને દરિદ્રી ને છોડી મૂકો
તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.
5 “તેઓ જાણતા નથી કે સમજતા નથી;
તેઓ અંધકારમાં ચાલે છે.
જ્યારે દુનિયા તેમની આજુબાજુ
નીચે ઉતરી રહી છે.”
6 મેં કહ્યું કે “તમે દેવો છો,
અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
7 તો પણ માણસની જેમ મૃત્યુ પામશો
અને અન્ય સરદારની મ પડશો.”
8 હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ,
સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.
આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, તમે છાના ન રહો;
હે દેવ, તમે ચૂપ ન રહો;
અને શાંત ન રહો.
2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
4 તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
5 તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7 ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
અને લોતના વંશજોને સહાય કરી છે.
9 તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
“યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.
નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.
1 હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
2 તમારા આંગણામાં આવવા માટે
મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
4 તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.
5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[b]
7 તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
9 હે દેવ, અમારી ઢાલને જુઓ;
તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
જે રાખે છે ભરોસો તમારા ઉપર.
નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત
1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3 તેથી હવે તમારા કોપનો ભસ્મ
કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
અને અમને તમારું તારણ પમાડો.
8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International