Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 66-69

નિર્દેશક માટે. સ્તુતિગીત.

હે સર્વ પૃથ્વીવાસી લોકો,
    તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
    સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
    શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
    અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
    કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
    તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
    ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
    પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
    બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
    હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
    મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
    ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.

16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
    તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
    અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
    રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
    અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
    તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
    કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.

હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
    ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
    ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
    કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
    અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
    હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
દેવ આપણને આશીર્વાદ આપશે,
    પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.

હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
    તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
    જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
    હા, સૌ અતિ આનંદ કરો.
દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
    જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
    જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
દેવ એકાકી લોકોને ઘર આપે છે.
    કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
    પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.

હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
    અને તમે વેરાન રણમાં કૂચ કરી.
દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
    અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
    અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
    હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
    લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
    અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
    અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”

14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
    તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
    બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
    કે જેને યહોવા પોતાને રહેવા
    માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
    અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
    તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
    તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
    યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
    કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
    અને તેઓજ સૌનું તારણ કરે છે.

20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
    યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
    તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
    પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
    અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”

24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
    તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
    તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
    ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
    કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
    યહૂદાના સરદારો, ઝબુલોન,
    નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.

28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
    તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
    રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
    રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
    અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
    કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
    અને યહોવાનું સ્તવન કરો.

33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
    એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
    તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
    તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
    ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.

તેમને ધન્ય હો!

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નીમ.” દાઉદનું ગીત.

હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે,
    મારી રક્ષા કરો.
કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું,
    જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી,
હું ઊઁડા જળમાં આવી પડ્યો છું,
    જળપ્રલયે મને ડૂબાડી દીધો છે.
હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે.
    મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે,
    તેઓ મારા માથાના વાળથી વધારે છે;
    હું નિર્દોષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે.
તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે.
    કહે છે મેં વસ્તુઓ ચોરી હતી.
    તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
હે દેવ, તમે મારી મૂર્ખાઇ જાણો છો,
    અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી.
હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય.
    હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
મેં તમારા માટે શરમ સહન કરી છે,
    ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.
મારા ભાઇઓને મન હું પારકા જેવો છું,
    અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
કારણ, મારું હૃદય દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે.
    જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યાં છે.
10 જ્યારે હું યહોવા સમક્ષ રૂદન અને ઉપવાસ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરીને નિંદા કરે છે.
11 જ્યારે હું મારા પાપનું દુ:ખ પ્રગટ કરવા અને આત્માનું રાંકપણું દર્શાવવાં ટાટનાં વસ્ર ધારણ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે.
    અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે,
    તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.
14 મને કીચડમાંથી કાઢો,
    મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ
અને દ્વેષીઓથી
    મારી રક્ષા કરો.
15 રેલ સંકટ મારા પર ફરી ન વળે,
    સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય;
    અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે;
    તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
    હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
18 હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો!
    મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.
19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા
    સહન કરવાં પડે છે.
    મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઇ છે.
20 નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે,
    અને હું લાંબુ જીવવા
માટે ખૂબ દુર્બળ બની ગયો છું.
    દિલાસો અને આરામ
બતાવનારની રાહ જોઇ
    પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.
21 ખોરાકને બદલે મને પિત્ત ખાવા મળ્યું,
    ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો.
22 ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને,
    અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.
23 ભલે તેઓની આંખો કઇપણ જોવા માટે ઝાંખી બને,
    અને ભલે તેઓ અંધ બની જાય.
અને ભલે તેમની કમરો નબળી બને.
24 ભલે તમે તમારો કોપ તેઓ પર વરસાવો,
    તમારો ક્રોધાજ્ઞિ તેઓને પકડી પાડો.
25 તેમનાં ઘરો ઉજ્જડ થાઓ,
    ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ.
26 કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે,
    અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.
27 તેઓને શિક્ષા કરો જેને તેઓ પાત્ર છે.
    તમે કેટલાં સારા છો તે તેમને ન બતાવો.
28 જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂઁસી નાખો,
    સારા લોકોનાં નામોની યાદીના પુસ્તકમાં તેમનાં નામો સાથે ન મૂકો.
29 પણ હે દેવ હું તો નિ:સહાય અને ઉદાસ છું;
    હે દેવ, મારી રક્ષા કરો અને મને ઉપર ઊઠાઓ.
30 પછી હું ગીત ગાઇને દેવના નામનું સ્તવન કરીશ,
    અને આભાર માનીને તેમનાં નામની હું સ્તુતિ કરીશ.
31 અને તે બળદનાં અથવા વાછરડાંનાં બલિદાન કરતાં
    તેમને વધુ આનંદ આપશે.
32 નમ્ર જનો તે જોઇને આનંદ પામશે,
    દેવને શોધનારાઓ તમારા હૃદયો નવું જીવન પામો.
33 કારણ યહોવા દરિદ્રીઓની અરજ સાંભળે છે,
    અને તેમનાં જે લોકો બંદીવાન આપે છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આડું ફેરવતાં નથી.
34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો;
    સમુદ્રો તથાં તેમાનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35 કારણ, દેવ સિયોનને તારશે
    અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે;
તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.
36     વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે,
    તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International