Beginning
નિર્દેશક માટે. યહોવાના સેવક દાઉદનું ગીત.
1 દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે.
અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે;
તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતાં અટકાવે.
2 તે પોતાના મનમાં અભિમાન કરે છે કે,
મારો અન્યાય પ્રગટ થશે નહિ.
અને મારો તિરસ્કાર થશે નહિ.
3 તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને છેતરપિંડીવાળા છે.
તેણે ડાહ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે.
4 તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે;
તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે.
અને તે દુષ્ટતાથી કંટાળતો નથી.
5 હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે,
અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
6 તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી[a] પણ ઉંચી છે.
અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે.
તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
7 હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
8 તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે,
તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે,
અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
10 હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો
અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ,
દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો.
12 “જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે!
તેઓ એવા ફેંકી દેવાયા છે
કે પાછા ઊઠી શકશે નહિ.”
દાઉદનું ગીત.
1 દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ.
અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.
2 કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે
જે ચીમળાઇને મરી જશે.
3 યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ
અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ.
4 યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ;
ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.
5 તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર,
તું એના પર ભરોસો રાખ, અને તે તારા સર્વ કામ ફળીભૂત કરશે.
6 તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે,
અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે.
અને તારી નિર્દોષતાની સર્વ માણસોને જાણ થશે.
7 યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો,
જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
8 ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે,
આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.
9 કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે.
અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.
10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે.
તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.
11 નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે;
તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે.
તેઓને મનની અદ્ભૂત શાંતિ મળશે અને સુખી થશે.
12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે
અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.
13 પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે;
તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.
14 દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે,
અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.
15 તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે;
અને તેઓનાઁ ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16 નીતિમાન લોકો પાસે જે અલ્પ છે,
તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
17 કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે
પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
18 યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે,
તેની દ્રૃષ્ટિમાં તેઓ નિર્દોષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે
19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં
પણ કાળજી રાખે છે,
દુકાળનાં સમયે
પણ તે સવેર્ તૃપ્ત થશે.
20 પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ,
ઘાસની જેમ ચીમળાઇ જશે,
અને ધુમાડા ની
જેમ અદ્રશ્ય થઇ જશે.
21 દુષ્ટો ઉછીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી,
ન્યાયી જે આપવામાં ઉદાર છે તે કરુણાથી વતેર્ છે.
22 જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે,
પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.
23 યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે.
યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.
24 તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ,
કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
25 હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું.
છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે
તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
26 તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે.
તેઓના સવેર્ સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે.
27 ભૂંડાથી દૂર થા, અને ભલું કર;
અને દેશમાં સદાકાળ રહે.
28 કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે
તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી;
તે તેમનું સદા રક્ષણ કરશે
અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.
29 ન્યાયીઓ વતનનો વારસો પામશે,
અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.
30 ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે,
તેની જીભ સદા ન્યાયની વાત કરે છે.
31 તેમનાં પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે,
અને તેમાંથી તે કદાપિ ચલિત થતાં નથી.
32 દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.
33 પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહિ.
ભલે તેઓને ન્યાયાલયોમાં લઇ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહિ.
34 ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે
અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે,
અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.
35 અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ,
મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.
36 હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો;
મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો મળ્યો નહિ.
37 હવે જે નિર્દોષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો.
કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
38 પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે,
અંતે તેઓના વંશજોનો અંત આવશે.
39 યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે.
સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
40 જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે;
તેઓની આવીને સહાય કરે છે; કારણ, તેમણે તેનો આશરો લીધો છે.
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
નિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત.
1 મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ;
મારી જીભે હું પાપ કરીશ નહિ.
જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે
હું મારા મોઢા પર લગામ રાખીશ.”
2 સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ,
છાનોમાનો મૂંગો ઊભો રહ્યો;
ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.
3 મારા હૃદયમાં આગ ભભૂકતી હતી,
અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો;
અને અંતે હું મારી જીભે બોલ્યો કે,
4 હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે?
મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.
5 તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે!
મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી.
પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.
6 મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે,
તે જે કરે છે તે મૂલ્યહીન છે.
તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?
7 હે પ્રભુ, મારે શું આશા હોય?
તમે જ મારી આશા છો.
8 હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો,
દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
9 હે યહોવા, હું મૂગો રહ્યો છું,
હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ;
કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો,
તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.
11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે
તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો.
જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે.
હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે.
જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.
12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો.
મારા આંસુઓની અવગણના ન કરશો,
આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું,
મારા પિતૃઓની જેમ
હું અહી એક કામચલાઉ વતની છું.
13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો;
જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International