Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 9-16

નિર્દેશક માટે. રાગ: “મુથ-લાબ્બેન” દાઉદનું ગીત.

હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ;
    અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.
હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ.
    સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.
જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે
    અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.

સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
    તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને,
    અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે.
    અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.
હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે.
    અને સદાકાળ માટે નાશ પામ્યા છે.
    જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.

પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે;
    અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે
    અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.
યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
    તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.

10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
    કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.

11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
    ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
    તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
    લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
    મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
    તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
    અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
    તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
    તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
    પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
    યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
    ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.

19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
    ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
    જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.

હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
    સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
    તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
    અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
    લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
    દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
    અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
    દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
“હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
    સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
    તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
    કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
    માટે તેઓ છુપાઇ જાય છે.
જેમ સિંહ ગુફામાં છુપાઇને
    ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
    તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
    અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
    દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
    સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”

12 હે યહોવા, ઊઠો! હે દેવ,
    તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
    અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
    શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
    તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
    તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
    તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.

15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
    તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
    દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
    વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
    તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
    અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
    પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
    માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”

કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
    તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
    અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
    તો પછી સારા લોકો શું કરી શકે?

યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
    યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
    તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
    પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
    અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
    જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.

નિર્દેશક માટે, શેમીનીથ મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.

હે યહોવા, રક્ષા કરો;
    દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે
    તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?
લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે.
    લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.
પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો
    અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.
તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું;
હોઠ અમારા પોતાના છે,
    અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”

યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ
    અને તમારું રક્ષણ કરવા આવીશ,
કારણ કે ગરીબો લૂટાયા
    તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે.
    તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”

યહોવાના શબ્દો સાત વખત
    ભઠ્ઠીમાં તપાવેલી
    ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

હે યહોવા, તેઓને સંભાળજો;
    આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.
દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે.
    અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
    શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
    જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
    કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?

હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
    જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
    મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.

મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
    તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
    કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
    તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.

યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
    કે કોઇ ડાહ્યાં લોકો છે
    કે જેમને દેવની મદદની જરૂર છે.
પણ ના! ત્યાં કોઇ નથી.
    બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
    દૂર થઇ ગયા છે.

તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
    અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
    તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
    કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
    પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.

ભલે ઇસ્રાએલનું તારણ
    સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
    ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
    અને ઇસ્રાએલ સુખી થશે.

દાઉદનું ગીત.

હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
    તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
જે સાધુશીલતા પાળે છે,
    જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
    તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
    અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
    જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
    પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
    તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
    જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.

દાઉદનું મિખ્તામ.

હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
મે યહોવાને કહ્યુ છે,
    “તમે મારા માલિક છો.
    મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
    “એવાં સ્રી પુરુષના સંગમાંજ
    મને આનંદ મળે છે.”

જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
    હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
    હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
    હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
    વારસાનો ભાગ મને મળ્યો છે.
મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
    રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.

મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
    તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
    ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
    અને મારો આત્મા પણ ખુશ છે;
    તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
    શેઓલને સોંપશો નહિ.
    તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
    તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
    તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International