Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 1-8

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
    શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
    યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
    ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
    મારો માલિક તેમની મજાક કરે છે.
અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
    દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
    મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
    આજે હું તારો પિતા થયો છુ.”
તું મારી પાસે માગ,
    એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
    જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.

10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
    સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
    જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
    જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
    ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.

પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
    તમે મારું ગૌરવ છો;
    શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
    ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.

પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
    સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.

જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
    તેઓથી હું જરાય ડરીશ નહિ.

હે યહોવા, ઉઠો;
    મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
    કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.

યહોવાની પાસે તારણ છે,
    લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
    મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
    મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.

હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
    ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
    તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.

તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
    ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
    અને યહોવા પર ભરોસો રાખો.

એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
    હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
    પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
    હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

સંગીત નિર્દેશક માટે, બંસરી વાદ્ય માટે. દાઉદનું ગીત.

હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને
    જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ,
    હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો,
    જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું.
અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.

હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી;
    તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો,
    અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ
    અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.

પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ.
    હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો.
    કારણ કે મારા દુશ્મનો મારા દરેક
પગલાં પર નજર રાખે છે;
    મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી,
    તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે.
તેઓ મધુરભાષી છે!
    તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે.
    તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો,
    અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો,
તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા
    દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો-તેમને હંમેશ માટે આનંદિત કરો,
    તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
12 હે યહોવા, જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો
    ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.

નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
    અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
    હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
    કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
    હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
    ક્યાં સુધી વિલંબ કરશો?
હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
    કરી દયા દાખવી મને મરણથી બચાવો.
લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
    મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
    રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
    કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.

ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
    યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
    યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
    ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
    મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
    મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
    તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
    અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
    અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
    અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
    અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

હે યહોવા, કોપ કરીને ઉઠો,
    મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
    હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
    તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
    મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
    અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
    ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
    અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
    અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
    તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
    તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
    તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
    અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
    તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
    અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
    અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
    તે પોતાની ઉગ્રતાથી
    પોતેજ ત્રાસ સહન કરશે.

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
    કારણ, તે ન્યાયી છે.
    હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.

હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International