Beginning
યોશિયા પાસ્ખાપર્વની ઉજવણી
35 ત્યારબાદ યોશિયાએ જાહેર કર્યુ કે એપ્રિલ મહિનાના ચૌદમા દિવસે યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઉજવવામાં આવશે. તે સાંજે પાસ્ખાના હલવાનો વધ કરવામાં આવ્યો. 2 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નીમ્યા અને તેમને યહોવાના મંદિરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું. 3 પછી તેણે લેવીઓ, જેઓ યહોવાને સમર્પિત ઇસ્રાએલના બોધ કરનાર હતા તેમને કહ્યું કે, “ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા મંદિરમાં પવિત્ર કોશ મૂકો. હવે એને તમારે ખભે ઉપાડવાની જરૂર નથી, હવે તમે યહોવા તમારા દેવની અને તેના લોકો, ઇસ્રાએલીઓની સેવા કરો; 4 ઇસ્રાએલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે કુટુંબવાર ટૂકડીઓમાં ગોઠવાઇ જાઓ. જેથી 5 સામાન્ય પ્રજાજનોના પ્રત્યેક કુળ સમૂહ દીઠ લેવીઓની એક ટૂકડી સેવામાં હોય. 6 પાસ્ખાનો બલિ વધેરો, તમારી દેહશુદ્ધિ કરો અને તમારા ભાઇઓ માટે બધી તૈયારી કરો, જેથી તેઓ મૂસા મારફતે અપાયેલી યહોવાની આજ્ઞાનું પાલન કરી શકે.”
7 પાસ્ખાનાં અર્પણો માટે રાજાએ લોકોને 30,000 હલવાનો અને લવારાં આપ્યો. વળી 3,000 જવાન બળદો પણ આપ્યાં. 8 રાજાના અધિકારીઓએ રાજીખુશીથી યાજકોને અને લેવીઓને અને બાકીના લોકોને દાન આપ્યાં. મંદિરના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલે યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે 2,600 ઘેટાં અને બકરા તથા 300 બળદો આપ્યા. 9 લેવીઓના આગેવાનો, કોનાન્યા, શમાયા, નથાનએલ, અને તેના ભાઇઓ હશાબ્યા, યેઇએલ, અને યોઝાબાદે પાસ્ખાનાં અર્પણો માટે લેવીઓને 5,000 ઘેટાંબકરા અને 500 બળદો આપ્યાં.
10 સેવાની વ્યવસ્થા કરતાં યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પોતપોતાની ટૂકડીઓમાં રાજાના હુકમ મુજબ ગોઠવાઇ ગયા. તેમણે પાસ્ખાના બલિનો વધ કરવા માંડ્યો; 11 તેઓએ પાસ્ખાના પશુઓની બલિ ચઢાવી લેવીઓ બલિ ચઢાવેલા પશુઓની ચામડી ઊતારતા હતા. પછી યાજકોએ લેવીઓએ આપેલું લોહી વેદી ઉપર છાંટયું. 12 અને દહનાર્પણમાં હોમવાના ભાગ જુદા પાડી સામાન્ય પ્રજાજનોના કુટુંબોને મૂસાનાં નિયમોમાં જણાવ્યા મુજબ યહોવાને ચઢાવવા માટે, વહેંચી આપતા હતા. એવું જ બળદોનું પણ કરવામાં આવ્યું. 13 મૂસાના નિયમોમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઇઓ અને તાવડાઓમાં ઉકાળી ઝટપટ પ્રજાને પીરસી દીધાં. 14 ત્યારબાદ તેમણે પોતાને માટે અને યાજકોને માટે ખાવાનું બનાવ્યું. યાજકો જે હારુનના વંશજો હતા તેઓ ખૂબ વ્યસ્ત હતા તેથી પોતાનું ખાવાનું બનાવવા અસમર્થ હતાં, તેઓ અંધારુ થાય ત્યાં સુધી દહનાર્પણો તથા મેંદાર્પણ ચઢાવતા હતા. 15 આસાફના કુળના ગાયકો, આસાફ, હેમાન, અને રાજાના ષ્ટા, યદૂથૂન દાઉદે ઠરાવેલા નિયમ મુજબ પોતાને સ્થાને ઊભા રહ્યાં, દ્વારપાળો પણ પોતપોતાને દરવાજે ઊભા રહ્યાં. તેમને પોતાનું સ્થાન છોડાવાની જરૂર નહોતી કારણ, તેમના ભાઇઓ લેવીઓએ તેમને માટે બધી તૈયારી કરી હતી.
16 આ રીતે, તે દિવસે રાજા યોશિયાની આજ્ઞા પ્રમાણે યહોવાની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી, પાસ્ખાની ઉજવણી થઇ અને યહોવાની વેદી ઉપર દહનાર્પણ ચઢાવવામાં આવ્યું. 17 ત્યાં હાજર રહેલા ઇસ્રાએલીઓએ એ વખતે પાસ્ખાનું પર્વ અને બેખમીર રોટલીનો ઉત્સવ સાત દિવસ સુધી ઉજવ્યાં. 18 પ્રબોધક શમુએલના વખતથી ઇસ્રાએલમાં કદી પાસ્ખાનું પર્વ આ રીતે ઊજવાયું નહોતું. ઇસ્રાએલના કોઇ પણ રાજાએ યોશિયાની પેઠે પાસ્ખાનું પર્વ યાજકો, લેવીઓ, હાજર રહેલા બધા યહૂદાવાસીઓ તથા ઇસ્રાએલવાસીઓ અને યરૂશાલેમના વતનીઓ સાથે કદી ઊજવ્યું નહોતું. 19 યોશિયાના રાજ્યને અઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
યોશિયાનું મૃત્યુ
20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયાએ મંદિર બાંધવાનું પૂરુ કરી નાખ્યું હતું ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો. 21 પરંતુ નખોએ એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે,
“ઓ યહૂદાના રાજા, તારે ને મારે શો ઝઘડો છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારે દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું, અને યહોવાએ મને ઉતાવળ કરવા કહ્યું છે. દેવ મારા પક્ષે છે, તેની આડે આવીશ નહિ, નહિ તો તે તારો નાશ કરશે.”
22 પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તેની સાથે લડવા માટે પોતે વેશપલટો કર્યો. દેવની આજ્ઞાથી ઉચ્ચારાયેલાં નખોના વચન તેણે કાન પર લીધાં નહિ, અને મગિદોના મેદાનમાં તે યુદ્ધે ચડ્યો. 23 બાણાવળીઓએ તેના ઉપર મારો ચલાવ્યો અને તેણે પોતાના અંગરક્ષકોને કહ્યું, “મને લઇ જાઓ, હું સખત ઘવાયો છું.”
24 તેઓ તેને તેના રથમાંથી ઉપાડી બીજા રથમાં મૂકી પાછો યરૂશાલેમ લઇ ગયા, ત્યાં તે મૃત્યુ પામ્યો અને તેને પિતૃઓની કબરોમાં દફનાવવામાં આવ્યો, સમગ્ર યહૂદાએ અને યરૂશાલેમે તેનો શોક પાળ્યો. 25 યર્મિયા પ્રબોધકે તથા મંદિરના ગાયકવૃંદે પણ તેના માટે વિલાપ કર્યો. આજ દિવસ સુધી તેના મૃત્યુ વિષે વિલાપના ગીતો ગવાય છે, અને આ ગીતો વિલાપના અધિકૃત પુસ્તકમાં નોંધેલા છે.
26 યોશિયાનાં બાકીનાં કૃત્યો, તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે કરેલાં તેના સુકૃત્યો, 27 તથા તેના બીજાં કામો, પહેલેથી તે છેલ્લે સુધી, ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલા છે.
યહોઆહાઝનો અમલ
36 દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને નવા રાજા તરીકે પસંદ કર્યો. 2 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ્ય કર્યુ. 3 ત્યારબાદ મિસરના રાજા નખોએ તેને જેલમાં નાખ્યો અને યહૂદાના દેશ ઉપર 3,400 કિલોગ્રામ ચાંદીની અન 34 કિલોગ્રામ વજનદાર સોનાની વાર્ષિક ખંડણી નાખી અને યહોઆહાઝનો એ રીતે દંડ કર્યો. 4 તથા તેની જગ્યાએ તેના ભાઇ એલ્યાકીમને યહૂદાનો અને યરૂશાલેમનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો તેના ભાઇ યહોઆહાઝ ને મિસર ઉપાડી ગયો.
યહૂદાનો રાજા યહોયાકીમ
5 યહોયાકીમ ગાદીએ આવ્યો ત્યારે તેની ઊંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યુ.
6 તેણે દેવ યહોવાની ષ્ટિએ ખોટું ગણાય એવું આચરણ કર્યુ. આથી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળ બાંધી બાબિલ લઇ ગયો. 7 વળી તે યહોવાના મંદિરની કેટલીક સામગ્રી પણ બાબિલ લઇ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી. 8 યહોયાકીમનાઁ રાજ્યમાં બીજા બનાવો, તેણે ઘૃણાજનક કાર્યો કર્યા હતા અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો તે બધું ઇસ્રાએલના અને યહૂદાના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધાયેલું છે, તેના પછી તેનો પુત્ર યહોયાખીન ગાદીએ આવ્યો.
યહૂદાનો રાજા યહોયાકીન
9 યહોયાખીન જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 8 વર્ષની હતી. તેણે માત્ર ત્રણ માસ અને ત્રણ દિવસ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. દેવની ષ્ટિમાં તે ભૂંડાઇનું રાજ્ય હતું. 10 ત્યારબાદ વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ તેને બાબિલ બોલાવ્યો. તે વખતે મંદિરમાંથી ઘણો ખજાનો બાબિલ લઇ જવામાં આવ્યો. નબૂખાદનેસ્સાર રાજાએ યહોયાખીનના ભાઇ સિદકિયાને યહૂદા અને યરૂશાલેમમાં નવા રાજા તરીકે નીમ્યો.
યહૂદાનો રાજા સિદકિયા
11 સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યુ. 12 તેણે તે દેવ યહોવા વિરૂદ્ધ પાપ કર્યુ, અને યહોવાના મુખ્ય પાત્ર પ્રબોધક યર્મિયાનું કહ્યું તેણે માથે ચડાવ્યું નહિ.
યરૂશાલેમનો વિનાશ
13 વળી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો કર્યો. જેને વફાદાર રહેવાને તેણે દેવને નામે સમ ખાધા હતા. તે જક્કી હતો અને તેણે ઇસ્રાએલના દેવ યહોવાને શરણે પાછા વળવાની હઠપૂર્વક ના પાડી. 14 ઉપરાંત યહૂદાના બધા આગેવાનો, યાજકો અને લોકો વધુ બગડતા અને બગડતા ગયા. તેઓ આજુબાજુની પ્રજાઓના દેવોની મૂર્તિઓને પૂજતા હતા, આમ તેઓએ યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરને ષ્ટ કર્યુ જે તેણે પાવન કર્યુ હતું. 15 તેઓના પિતૃઓના દેવ યહોવાએ વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓને ચેતવણી આપી, કારણકે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી. 16 પણ તેમણે દેવના સંદેશવાહકોની ઠેકડી ઉડાવી, દેવના વચનોની ઉપેક્ષા કરી, અને પ્રબોધકોને હસી કાઢયા, એટલે સુધી કે આખરે તેમના ઉપર યહોવાનો રોષ એવો તો ઊતર્યો કે, કોઇ ઉપાય ન રહ્યો. 17 ત્યારે યહોવાએ બાબિલના રાજાને તેમના ઉપર ચઢાઇ કરવા મોકલ્યો. બાબિલના રાજાએ તેમના યુવાન માણસોને જ્યારે તેઓ મંદિરની અંદર જ હતાં ત્યારે મારી નાખ્યાં. તેણે સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ કે યુવાન, સાજાં કે માંદા કોઇનેય છોડ્યાં નહિ. દેવે તેમને બધાંને તેના હાથમાં સુપ્રત કર્યા હતાં. 18 તે યહોવાના મંદિરની નાનીમોટી બધી જ સામગ્રી તેમજ મંદિરમાંના, રાજાના અને તેના અમલદારોના ખજાના, બધું જ બાબિલ લઇ ગયો. 19 તેણે મંદિર બાળી મૂક્યું. યરૂશાલેમની દિવાલ ભોંયભેગી કરી નાખવામાં આવી હતી. તેના મહેલોને આગ ચાંપી અને બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો. 20 હત્યાઓમાંથી બચી જવા પામેલાઓને તે બાબિલ બાન પકડી ગયો, અને ઇરાનીઓ સત્તા પર આવ્યા ત્યાં સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ રહ્યાં. 21 આ રીતે યર્મિયા મારફતે ઉચ્ચારાયેલું યહોવાનું વચન સાચું પડ્યું ભૂમિ 70 વર્ષો સુધી વેરાન થઇ જશે. લોકો દ્વારા વિશ્રામવર્ષની વિશ્રાંતિ[a] ન પાળવા માટેની આ ભરપાઈ હશે.
22 યર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાનું વચન પૂર્ણ થાય માટે ઇરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં યહોવાએ કોરેશને પ્રેરણા કરી કે, તે તેના સમગ્ર રાજ્યમાં એક લેખિત ઢંઢેરો પ્રગટ કરે:
23 આકાશના યહોવા દેવે મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે;
તેણે મને તેને માટે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં મંદિર બાંધવા કહ્યું છે, તેના લોકોમાંથી તમારામાં જે કોઇ હોય; તે ભલે જાય. તેના દેવ યહોવા તેને સાથ આપો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International