Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 32-34

યહૂદા ઉપર આશ્શૂરનું આક્રમણ

32 હિઝિક્યા રાજાએ આ સેવાભકિતના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યા પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદા ઉપર ચઢાઇ કરી અને કિલ્લેબંદીવાળાં શહેરો સામે પડાવ નાખ્યો અને તેમને હુમલો કરીને કબજે કરવાનો હુકમ આપ્યો. જ્યારે હિઝિક્યાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે, તે યરૂશાલેમ ઉપર હૂમલો કરવા આવ્યો છે. ત્યારે હિઝિક્યાએ પોતાના સરદારો અને અધિકારીઓને યુદ્ધ અંગે મંત્રણા કરવા બોલાવ્યા. નગરની બહાર આવેલા પાણીના ઝરાઓને બંધ કરી દેવા એવું નક્કી કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને તેમણે બધાં ઝરાને બંધ કરી દીધાં અને એ વિસ્તાર, પ્રદેશમાંથી પસાર થતાં વહેતા ઝરણાને પણ બંધ કરી દીધા. તેમણે વિચાર્યું કે, “આશ્શૂરના રાજા જ્યારે અહીં આવે ત્યારે તેમને મબલખ પાણી શા માટે મળવા દેવું?” હિઝિક્યાએ સંરક્ષણની પાકી વ્યવસ્થા કરી, અને કિલ્લાની દીવાલ જ્યાં જ્યાં તૂટી ગઇ હતી, ત્યાં ત્યાં તેનું સમારકામ કર્યું, બુરજો બાંધીને તથા કિલ્લાની બહાર બીજી દીવાલ ચણીને તેણે નગરને વધુ સુરક્ષિત બનાવ્યું. “દાઉદનું નગર” નામે ઓળખાતા નગરના જૂના ભાગને તેણે ફરીથી બંધાવ્યુઁ. અને મોટી સંખ્યામાં હથિયારો અને ઢાલો બનાવડાવ્યાં. તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂંક કરી અને તેમને શહેરના દરવાજા પાસેના ચોકમાં એકઠા કરી ઉત્તેજન આપતાં આ પ્રમાણે કહ્યું, “તમે બળવાન તથા બહાદુર થાઓ અને આશ્શૂરના રાજાથી કે તેના મોટા સૈન્યથી ડરશો નહિ. કારણકે આપણી સાથે જે એક દેવ છે તે તે બધાં કરતાં અતિ મહાન છે, તેની પાસે મોટું સૈન્ય છે પણ તેઓ માત્ર માણસો છે, જ્યારે આપણાં યુદ્ધો લડવા આપણી સાથે યહોવા આપણા દેવ છે.” હિઝિક્યાના ભાષણથી લોકો ઉત્સાહિત થયા હતા.

તે પછી પોતાના લશ્કર સાથે લાખીશની બહાર પડાવ નાખીને રહેલા આશ્શૂરના રાજા સાન્હેરીબ યહૂદાના રાજા હિઝિક્યાને અને યરૂશાલેમમાં વસતા બધા યહૂદીઓને માણસો મોકલીને સંદેશો પાઠવ્યો કે,

10 “આશ્શૂરના રાજા સાન્હેરીબનો સંદેશો સાંભળો, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરૂશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો? 11 “યહોવા અમારા દેવ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે,” એમ હિઝિક્યા તમને કહે છે, “તે તમને છેતરે છે, તમે દુકાળ અને તરસથી મરી જશો.” 12 શું એ જ હિઝિક્યાએ ટેકરી પરના દેવના પૂજા સ્થળને ખસેડી તથા તેની વેદીઓ તોડીને યહૂદિયાને તથા યરૂશાલેમને સૂચના નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ પૂજા કરવી તથા તેના જ ઉપર તમારે ધૂપ બાળવો? 13 તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? એ દેશોની એક પણ પ્રજાના દેવો તેમને મારાથી કદી બચાવી શક્યા છે? 14 મારા પિતૃઓએ ઉચ્છેદી નાખેલી પ્રજાઓના દેવોમાંથી મને એક નામ તો બતાવો જે પોતાના લોકોને અમારાથી બચાવી શક્યા હોય? તો પછી તમારા દેવ તમને શી રીતે બચાવવાના છે? 15 હિઝિક્યાથી ભોળવાશો નહિ, એનાથી આમ છેતરાશો નહિ, એની વાત માનશો નહિ, કારણ કોઇ પણ પ્રજાનો કે રાજ્યના કોઇ પણ દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી તમારા દેવ શું કરવાના હતા?’”

16 આ મુજબ, સંદેશવાહકે, યહોવા દેવની, અને દેવના સેવક હિઝિક્યાની વિરૂદ્ધ કાંઇક વધારે બોલ્યો. 17 ઉપરાંત સાન્હેરીબ પોતે પણ ઇસ્રાએલના દેવ યહોવાનું અપમાન કરતા પત્રો લખ્યા હતા. તેમાં તેણે લખ્યું હતું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારાથી બચાવી શક્યા નથી તેમ હિઝિક્યાના દેવ પણ એની પ્રજાને મારાથી નહિ બચાવી શકે.” 18 સંદેશવાહકોએ જેમણે પત્ર વાંચ્યા તેમણે નગરની દિવાલ પર એકઠાં થયેલાં લોકોને યહૂદીભાષામાં મોટે અવાજે ધમકીઓ આપીને તેઓને ડરાવીને યરૂશાલેમને કબ્જે કરવા પ્રયત્નો કર્યા. 19 યરૂશાલેમના દેવ પણ જગતના બીજા લોકોના દેવો જેવા માણસે ઘડેલા દેવ હોય એમ તેઓ તેને વિષે બોલતા હતા.

20 આ પરિસ્થિતિમાં રાજા હિઝિક્યાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશમાંના દેવની પ્રાર્થના કરી અને દેવને ઘા નાખી. 21 આથી યહોવાએ એક દેવદૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજાની છાવણીમાંના બધા યોદ્ધાઓને, સેનાપતિઓને અને અમલદારોને કાપી નાંખ્યા, અને સાન્હેરીબને શરમિંદા બનીને પોતાને દેશ પાછું જવું પડ્યું, તે પોતાના દેવના મંદિરમાં ગયો અને ત્યાં તેના પોતાના જ કોઇ પુત્રએ તેને તરવારથી કાપી નાખ્યો. 22 આ રીતે યહોવાએ હિઝિક્યાને તથા યરૂશાલેમના રહેવાસીઓને આશ્શૂરના રાજા સાન્હેરીબના હાથમાંથી તથા સર્વના હાથમાંથી ઉગારી લીધા, ને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ. 23 ઘણાં લોકો યરૂશાલેમમાં યહોવાને માટે અર્પણો લાવ્યા, તથા યહૂદાના રાજા હિઝિક્યાને ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી; આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.

24 પછીથી હિઝિક્યા માંદો પડ્યો, અને મરણપથારીએ હતો, ત્યાંથી તેણે યહોવાને પ્રાર્થના કરી; તેના જવાબમાં તેને એક ચિહ્ન આપવામાં આવ્યું. 25 છતાં પણ હિઝિક્યાએ પોતાના પર થયેલા ઉપકારનો બદલો યોગ્ય રીતે વાળ્યો નહિ; તેથી હિઝિક્યા પર, તેમજ યહૂદિયા તથા યરૂશાલેમ પર દેવ કોપાયમાન થયો. 26 ત્યારે તેનો ગર્વ ગળી ગયો અને તેણે અને યહૂદા અને યરૂશાલેમના વતનીઓએ પણ ભૂલ કબૂલ કરી. આથી હિઝિક્યાના જીવન દરમ્યાન યહોવાનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.

27 હિઝિક્યા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું ચાંદી, રત્નો, અત્તરો, ઢાલ અને બીજી કિંમતી વસ્તુઓ રાખવા ભંડારો 28 તેમજ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, અને બધી જાતનાં ઢોર માટે તબેલા-કોઠાર તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા. 29 વળી તેણે નગરો બંધાવ્યા, અને પુષ્કળ ઘેટાઁબકરાઁના ટોળાં તથા ઢોરઢાંખર પણ ભેગા કર્યા. દેવે તેને સાચે જ પુષ્કળ સંપત્તિ આપી હતી. 30 એ જ હિઝિક્યાએ ગીહોનના ઉપરથી વહેતા ઝરણાંને બંધ કરી તેના પાણીને સીધાં દાઉદનગરની પશ્ચિમે વાળ્યાં, હિઝિક્યાએ જે કઇં હાથમા લીધું તેમાં તે સફળ થયો.

31 બાબિલના સત્તાવાળાઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા મોકલેલા દૂતોની બાબતમાં જ દેવે તેનો ત્યાગ કર્યો હતો, પણ તે ફકત તેની પરીક્ષા કરવા અને તેના મનમાં શું છે તે જાણવા માટે જ.

32 હિઝિક્યાની અન્ય વાતો અને તેણે જે સારા કાર્યો કર્યા હતા તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલી છે. 33 આખરે હિઝિક્યા પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો, તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરૂશાલેમના બધાં વતનીઓએ તેનું સન્માન કર્યુ અને તેના પછી તેનો પુત્ર મનાશ્શા ગાદીએ આવ્યો.

યહૂદાનો રાજા મનાશ્શા

33 મનાશ્શા બાર વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો અને તેણે 55 વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. ઇસ્રાએલીઓને ખાતર યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તે પ્રજાઓના ધૃણાજનક આચારોનું અનુસરણ કરી તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. એના પિતા હિઝિક્યાએ ટેકરી ઉપરનાં જે સ્થાનકો તોડી પાડ્યા હતા તે એણે ફરી બંધાવ્યાં, બઆલ દેવને માટે વેદીઓ ચણાવી, અશેરા દેવીની પ્રતિમાઓ ઊભી કરાવી, અને આકાશના બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરું કર્યું. જે મંદિરને વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે.” તે મંદિરમાં અન્ય દેવોની તેણે વેદીઓ બંધાવી. તે મંદિરના બંને આંગણામાં તેણે તારાઓની પૂજા કરવા વેદીઓ બંધાવી. હિન્નોમની ખીણમાં મનાશ્શાએ પોતાનાં જ બાળકોનો હોમયજ્ઞ કર્યો. તેણે મેલીવિદ્યા જાણનારા ભૂવાઓની સલાહ લીધી. તેણે સર્વ પ્રકારની ભૂંડાઇને ઉત્તેજન આપ્યું. આમ યહોવાને તેણે ઘણા ગુસ્સે કર્યા, અને તેમનો ગુસ્સો વહોરી લીધો. મનાશ્શાએ દેવના એ મંદિરમાં મૂર્તિ સ્થાપન કરી કે જેના માટે દેવે દાઉદ અને તેના પુત્ર સુલેમાને કહ્યું હતું કે, “જે મંદિર, માણસો તથા શહેરને મેં મારું નામ રાખવા માટે પસંદ કર્યુ છે કે, ઇસ્રાએલના બીજા કોઇ પણ શહેરો કરતાં, તે શહેર યરૂશાલેમ છે. અને જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને સૂચનાઓને આધીન રહેશો તો તમારા પિતૃઓને મેં આપેલા આ દેશમાંથી ઇસ્રાએલને હું કદી કાઢી મૂકીશ નહિ.”

પરંતુ મનાશ્શાએ યહૂદાના અને યરૂશાલેમનાં વતનીઓને ગેરમાર્ગે દોર્યા, જેથી તેમણે યહોવાએ ઇસ્રાએલીઓને ખાતર જે પ્રજાઓનું નિકંદન કાઢયું હતું તેમના કરતાં પણ ભૂંડા કાર્યો કર્યા.

10 યહોવાએ મનાશ્શાને અને તેના લોકોને ચેતવણી આપી પરંતુ તેમણે તે તરફ લક્ષ ન આપ્યું. 11 તેથી યહોવાએ આશ્શૂરના રાજાના સેનાપતિઓને તેમની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને આંકડી વતી પકડીને જંજીરથી જકડી બાબિલ લઇ ગયા.

12 મનાશ્શા સંકટમાં ફસાઇ ગયો એટલે તેણે પોતાના દેવ યહોવાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, અને તેની સમક્ષ ખૂબ ખૂબ પશ્ચાતાપ કર્યો. 13 તેણે પ્રાર્થના કરતાં દેવે તેની પ્રાર્થના સાંભળી, તેની અરજ મંજૂર રાખી અને તેને પાછો યરૂશાલેમમાં લાવી ફરી ગાદીએ બેસાડ્યો ત્યારે મનાશ્શાને ખાતરી થઇ કે યહોવાએ જ દેવ છે.

14 આમ બન્યા પછી તેણે દાઉદના નગરની બહારની દિવાલ ફરી બાંધી, અને કિદ્રોન ખીણમાં ગીહોનના ઝરાની પશ્ચિમ બાજુએ મચ્છી દરવાજા સુધી તે દિવાલ બાંધી, આ દિવાલ ઓફેલ પર્વતની બહારની બાજુથી લેવામાં આવી હતી અને ત્યાં ઘણી ઊંચાઇ સુધી બાંધવામાં આવી હતી પછી તેણે યહૂદાના સર્વ કિલ્લાવાળા નગરોમાં તેના સેનાપતિઓને મૂક્યા. 15 તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરૂશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી. 16 તેણે યહોવાની વેદી ફરી બંધાવી. અને ત્યાં શાંત્યર્પણ અને આભારબલિ ચઢાવ્યાં અને યહૂદાના લોકને ઇસ્રાએલના દેવ યહોવાની સેવા કરવા માટે ફરમાવ્યું. 17 તેમ છતાં લોકોએ ટેકરી ઉપરનાં સ્થાનકોને હોમબલિ ચઢાવવાનું ચાલું રાખ્યું, જો કે એ હોમબલિ તેઓ ફકત પોતાના દેવ યહોવાને જ ચઢાવતા હતા.

18 મનાશ્શાના બાકીના કાર્યો, તેણે કરેલી તેમના દેવની પ્રાર્થના, અને ઇસ્રાએલના દેવ યહોવાનો સંદેશો તેને આપનાર પ્રબોધકોનાં વચનો ઇસ્રાએલના રાજાઓના વૃત્તાંતમાં નોંધાયેલા છે. 19 તેણે કરેલી પ્રાર્થના અને દેવે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો, યહોવા પ્રત્યેની તેની બિનવફાદારી અને પસ્તાવો કર્યા પહેલાં તેણે ક્યાં ક્યાં ટેકરી પરનાં સ્થાનકો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભા કર્યા હતા અને મૂર્તિઓની સ્થાપના કરી હતી તે બધું પ્રબોધકના વૃત્તાંતમાં નોંધેલું છે. 20 અંતે મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.

યહૂદાનો રાજા આમોન

21 આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ્ય કર્યુ. 22 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યુ હતું તેમ તેણે યહોવાની ષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યુ. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને હોમબલિ આપ્યાં; ને તેઓની પૂજા કરી. 23 જેમ તેનો પિતા મનાશ્શાહ નમ્ર થઇ ગયો હતો તેમ તે યહોવાની આગળ થયો નહિ; પણ આમોન ઉત્તરોત્તર અધિક પાપો કરતો ગયો. 24 જેમ તેના પાપો વધતાં ગયા, તેના દરબારીઓએ તેની વિરૂદ્ધ કાવતરું કર્યુ. અને તેને મહેલમાં જ મારી નાંખ્યો. 25 પણ દેશના લોકોએ, બધા કાવતરાખોરોને મારી નાંખ્યા અને એના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડ્યો.

યહૂદાનો રાજા યોશિયા

34 જ્યારે યોશિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર આઠ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 31 વર્ષ રાજ્ય કર્યું. યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ તેણે કર્યું, સહેજ પણ આમ કે તેમ ફંટાયા વગર તે પોતાના પિતૃ દાઉદને પગલે ચાલ્યો. તેના શાસનના આઠમે વર્ષે તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વર્ષે તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ. તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં. તેણે તે લોકોના યાજકોના હાડકાં તેમની વેદીઓ ઉપર બાળી નંખાવ્યાં અને એ રીતે યહૂદાની અને યરૂશાલેમની શુદ્ધિ કરી. તેણે આ પ્રમાણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન, અને ઠેઠ નફતાલીના નગરોમાં કર્યું અને આસપાસના ખેદાન-મેદાન થઇ ગયેલા વિસ્તારોમાં પણ તેણે આમ જ કર્યુ. સમગ્ર ઇસ્રાએલમાં તેણે વેદીઓ ભાંગી નંખાવી અને અશેરાદેવીના સ્તંભો તોડી પાડ્યાં અને તેણે મૂર્તિઓ તોડી પડાવી, તેમનો દળીને ભૂકો કરી નંખાવ્યો, ને બધી ધૂપની વેદીઓનો નાશ કરાવ્યો. ત્યાર પછી તે પાછો યરૂશાલેમ આવ્યો.

દેશનું અને મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી તેના શાસનના અઢારમા વર્ષે, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સૂબા માઅસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆહને પોતાના દેવ યહોવાનું મંદિર ફરી બાંધવા, મરામત કરાવવા મોકલ્યા.

તેમણે મુખ્ય યાજક હિલ્કિયા પાસે જઇને દેવના મંદિર માટે ઉઘરાવાયેલી બધી ચાંદી તેને આપી. એ ચાંદી લેવીઓ દ્વારા મનાશ્શા, એફ્રાઇમના દરવાજેથી અને ઇસ્રાએલના બાકીના ભાગમાંથી ઉઘરાવાયેલી હતી, તેમજ યહૂદામાંથી બિન્યામીનના પ્રદેશમાંથી તેમજ યરૂશાલેમના વતનીઓ પાસેથી પણ તેમણે ચાંદી ઉઘરાવી હતી. 10 ત્યારબાદ એ ચાંદી યહોવાના મંદિરમાં ચાલતા કામ ઉપર દેખરેખ રાખનારાઓને સોંપવામા આવી અને તેમણે એ ચાંદી મંદિરની મરામત કરવા માટે 11 સુથારોને અને કડિયાઓને આપી દીધી. જેથી તેઓ યહોબાના યહૂદાના રાજાઓ દ્વારા ભંગાર થઇ જવા દીધેલાં મોભ અને પાટિયા માટે લાકડું તેમજ ઘડેલા પથ્થર ખરીદી શકે. 12 એ માણસો પ્રામાણિકતાથી કામ કરતા હતા. મરારીના કુટુંબના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા અને કહાથના કુટુંબના ઝખાર્યા અને મશુલ્લામ તેમના ઉપર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જે કુશળ સંગીતકાર હતા. 13 ભાર ઊંચકનારાઓના તેમજ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ તેઓ જ નજર રાખતા હતા. કેટલાક લહિયા, કારભારીઓ અને દ્વારપાળો તરીકે કામ કરતા હતા.

નિયમના પુસ્તકની પ્રાપ્તી

14 જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા. તે તેઓ કાઢતા હતા તેવામાં મૂસા મારફતે આપવામાં આવેલુ યહોવાનું નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને મળી આવ્યું. 15 તેણે રાજમંત્રી શાફાનને કહ્યું, “યહોવાના મંદિરમાંનું નિયમનું પુસ્તક મને મળ્યું છે;” અને પુસ્તક તેને આપી દીધું. 16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઇ ગયો અને કહ્યું, “આપના સેવકો તેમને સોંપેલું કામ કરી રહ્યાં છે. 17 તેમણે યહોવાના મંદિર માટે આવેલી ચાંદી બહાર કાઢી લીધી છે, અને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધી છે.” 18 રાજમંત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, “યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે.” અને તેણે તે રાજા સમક્ષ વાંચી સંભળાવ્યું. 19 નિયમશાસ્ત્રનાઁ વચનો સાંભળીને રાજાએ શોકથી પોતાના વસ્ત્રો ફાડી નાખ્યાં 20 અને હિલિક્યાને, શાફાનના પુત્ર અહીકામને, મીખાહના પુત્ર આબ્દોનને, મંત્રી શાફાનને તથા સેવક અસાયાને હુકમ કર્યો કે, 21 “તમે જાઓ, મારી ખાતર, તેમજ ઇસ્રાએલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર, મળી આવેલા પુસ્તકનાં વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો; કેમ કે યહોવાનો રોષ આપણા ઉપર થયો છે તે ભયંકર છે, કારણકે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી.”

22 આ માણસો હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા અને રાજાની મુશ્કેલી જણાવી. હુલ્દાહ પ્રબોધિકા શાલ્લુમની પત્ની હતી. હાસ્રાહના પુત્ર તોકહાથનો પુત્ર શાલ્લુમ રાજાના વસ્ત્રભંડારનો ઉપરી હતો. હુલ્દાહ યરૂશાલેમનાં નવા ભાગમાં રહેતી હતી. 23 પ્રબોધકોએ ઉત્તર આપ્યો, ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “જે માણસે તમને મોકલ્યો છે તેને કહો, 24 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; ‘હું આ જગ્યા પર અને એના વતનીઓ પર આફત ઉતારનાર છું, યહૂદાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં આણનાર છે. 25 કારણ, એ લોકોએ મને છોડી દઇને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યા છે. અને પોતાનાં બધાં કૃત્યોથી મારો રોષ વહોરી લીધો છે. મારો રોષ આ જગ્યા સામે ભડભડી રહ્યો છે અને એ શાંત પડવાનો નથી.’

26 “આ બાબતમાં યહોવાને પૂછવા માટે તમને મોકલનાર રાજાને કહી દો કે, જે વાતો તમે થોડા સમય પહેલા સાંભળી છે તે માટે, ‘ઇસ્રાએલના યહોવા કહે છે, 27 આ જગ્યા અને એના વતનીઓ વિરૂદ્ધ મેં ઉચ્ચારેલી ચેતવણી સાંભળીને તારું હૃદય પીગળી ગયું છે, અને પશ્ચાતાપથી તેં તારા કપડાં ફાડ્યાં છે અને તું મારી સમક્ષ રડી પડીને મને પગે લાગ્યો છે, તેથી મેં પણ તારી અરજ સાંભળી છે, 28 હું આ જગ્યા અને તેના વતનીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તારે નજરે જોવી નહિ પડે, તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઇ જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઇને તેઓ રાજા પાસે ગયા.

29 પછી રાજાએ યહૂદા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. 30 તેણે યાજકો, લેવીઓ અને નાનામોટા સર્વ લોકોને પોતાની સાથે મંદિરમાં એકત્ર કર્યા. રાજાએ મંદિરમાંથી મળી આવેલા કરારનાં પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા. 31 ત્યારબાદ મંચ ઉપર ઊભા રહીને રાજાએ યહોવા સમક્ષ યહોવાને અનુસરવાની, અને તેની બધી આજ્ઞાઓ, સાક્ષ્યો અને વિધિઓ પૂર્ણ હૃદયથી પાલન કરવાની, અને તે રીતે પુસ્તકમાં લખેલી કરારની બધી શરતોનો અમલ કરવાની પ્રતિજ્ઞા લીધી. 32 ત્યારબાદ તેણે બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓ બધા પાસે કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. એ પછી યરૂશાલેમમાં વતનીઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા સાથેનો કરાર પાળ્યો પણ ખરો. 33 યોશિયાએ યહૂદીઓ જે પ્રદેશમાં રહેતા હતા ત્યાંથી સર્વ મૂર્તિઓ દૂર કરી, અને તેમના દેવ યહોવાનું ભજન કરવા આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના દેવ યહોવાની સેવામાં ચાલુ રહ્યાં, યહોવાના માર્ગે ચાલવામાં તેઓ જરા પણ પાછા ન પડ્યાં.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International