Beginning
પ્રબોધક મીખાયાની ચેતવણી
18 યહૂદાના રાજા યહોશાફાટે પુષ્કળ સંપત્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેણે તેના પુત્રનું સગપણ ઇસ્રાએલના રાજા આહાબની પુત્રી સાથે કર્યુ. 2 થોડાં વરસો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબ તેને અને તેના રસાલાને માટે મોટી સંખ્યામાં બકરીઓ અને બળદનું બલિદાન આપ્યું અને તેને રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવા ભોળવ્યો. 3 આહાબે યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ-ગિલયાદ આવશો?” યહોશાફાટે કહ્યું, “આપણે બે કાઇં જુદા નથી. મારા સૈનિકો એ તમારા જ સૈનિકો છે. આપણે સાથે મળીને આપણી લડાઇ લડીશું.” 4 પણ પહેલાં યહોવાને પશ્ર્ન કરો કે, “તમારી શી ઇચ્છા છે તે કૃપા કરીને કહો.”
5 તેથી ઇસ્રાએલના રાજાએ આશરે 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા, અને તેમને પૂછયું, “અમારે રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવો કે, રોકાઇ જવું?”
તેમણે કહ્યું, “હુમલો કરો. દેવ તેને તમારા હાથમાં સોંપી દેશે.”
6 યહોશાફાટે પૂછયું, “અહીં યહોવાનો બીજો કોઇ પ્રબોધક નથી, જેને આપણે પ્રશ્ર્ન કરી શકીએ?”
7 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “બીજો એક છે જેની મારફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ, પણ મને તેનો તિરસ્કાર છે, કારણ, તે કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી, હંમેશા માઠું ભવિષ્ય જ ભાખે છે, તે તો યિમ્લાનો પુત્ર મીખાયા છે.”
યહોશાફાટ બોલી ઉઠયો, “નામદાર, એવું ન બોલશો.”
8 આથી ઇસ્રાએલના રાજાએ એક અમલદારને બોલાવીને કહ્યું, “મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.”
9 ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા બાદશાહી પોશાક પહેરીને સમરૂનના દરવાજાની આગળ બે સિંહાસન પર બેઠેલા હતા. બધા પ્રબોધકો પોત પોતાનો સંદેશો, એક મોટી ખુલ્લી જગ્યામાં તેમની સામે આપી રહ્યાં હતા. 10 એમાંનો એક સિદકિયા કે જે કનાઅનાહનો પુત્ર હતો જેણે પોતાના માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બોલ્યો, “આ, યહોવાનાં વચનો છે; આવાં શિંગડાઓ વડે આપ અરામીઓને મારીને પૂરા કરી નાખશો.” 11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો છે કે, “રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીને વિજયી થા; કારણકે યહોવા તે તારા હાથમાં સોંપી દેશે.”
12 મીખાયાને તેડવા મોકલેલ માણસોએ મીખાયાને કહ્યું, “ખ્યાલ રાખજો કે બધા પ્રબોધકોએ એક અવાજે રાજાને માટે સારું ભવિષ્ય ભાખ્યું છે. તમે પણ તેમના જેવું જ ભવિષ્ય ભાખજો અને વિજયની આગાહી કરજો.”
13 પણ મીખાયાએ કહ્યું, “યહોવાના સોગંદ, હું તો મારા દેવ જે કહેશે તે જ ભાખીશ.”
14 મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?”
મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. એ તમારા હાથમાં આવશે.”
15 પરંતુ રાજાએ કહ્યું, “યહોવાને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવાં?”
16 એટલે મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને ભરવાડ વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વેરવિખેર થઇ ગયેલા જોયા છે, અને મેં યહોવાને બોલતા સાંભળ્યાં છે કે, ‘એ લોકોનો કોઇ ધણીધોરી નથી. તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જતા.’”
17 આ સાંભળીને ઇસ્રાએલના રાજા આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો જ નથી. માઠું જ ભવિષ્ય ભાખે છે.”
18 મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો; મેં યહોવાને તેના સિંહાસન ઉપર બિરાજેલા જોયા છે, તેને ડાબે અને જમણે હાથે બધા દેવદૂતો તેની તહેનાતમાં ઊભા હતા. 19 યહોવાએ કહ્યું કે, ‘કોણ ઇસ્રાએલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલયાદ લઇ જાય કે, ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાએ તેમ કહ્યું. 20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઊભા રહ્યીને કહ્યું કે, ‘હું તેને ફોસલાવીશ’- યહોવાએ તેને પૂછયું કે, ‘શી રીતે?’ 21 તેણે કહ્યું, ‘હું જઇને તેના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ યહોવા બોલ્યા, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થશે. જા અને એ પ્રમાણે કર.’
22 “તેથી આપ જોઇ શકો છો કે, યહોવાએ આપના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવી છે. કારણ, તેણે આપને માથે આફત ઉતારવાનું નક્કી કર્યુ છે.”
23 ત્યારે કનાનનો પુત્ર સિદકિયા મીખાયા પાસે ગયો અને તેના ગાલ પર તમાચો મારીને બોલ્યો, “તું જૂઠો છે, યહોવાનો આત્મા મને તજીને તારામાં ક્યારે આવ્યો?”
24 મીખાયાએ જવાબ આપ્યો, “એ તો તું જે દિવસે ભાગી જઇને અંદરના ખંડમાં છુપાઇ જશે ત્યારે તને ખબર પડશે.”
25 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને પકડો. અને તેને આમોન શહેરના પ્રશાસક અને રાજકુંવર યોઆશને સોંપી દો, અને કહો, 26 ‘રાજાનો એવો હુકમ છે કે, આને કેદમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી જીવતો રહે એટલા જ રોટલા ને પાણી સિવાય કશું આપશો નહિ.’”
27 મીખાયાએ જણાવ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો યહોવા મારા દ્વારા બોલ્યા નથી એમ માનજે.” પછી આસપાસ ઊભા રહેલા લોકો તરફ ફરીને તેણે કહ્યું, “મેં જે કહ્યું તેની નોંધ લો.”
રામોથ-ગિલયાદ પર આદાબનું મૃત્યુ
28 પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સૈન્યો સાથે રામોથ-ગિલયાદ ઉપર ચઢાઇ કરવા ગયો. 29 ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “યુદ્ધમાં જતી વખતે હું વેશપલટો કરીશ પણ તમે તમારો બાદશાહી પોશાક પહેરી રાખજો.” આમ ઇસ્રાએલના રાજાએ વેશપલટો કર્યો અને યુદ્ધમાં ગયો.
30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવો હુકમ આપ્યો હતો કે, “તમારે ઇસ્રાએલના રાજા સિવાય બીજા ગમે તેના ઉપર હુમલો કરવો નહિ.” 31 રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં. 32 રથાધિપતિઓએ જોયું કે, એ તો ઇસ્રાએલનો રાજા નથી, ત્યારે તેને પકડવાની કોશિષ મૂકી દીધી.
33 પરંતુ એક યોદ્ધાએ અમસ્તુ જ બાણ છોડ્યું અને તેણે ઇસ્રાએલના રાજાને બખતરના સાંધા આગળથી વીંધી નાખ્યો. આહાબે પોતાના સારથીને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઇ જા. હું ઘવાયો છું.”
34 તે દિવસે યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું. સાંજ થતાં સુધી આહાબ, અરામીઓ તરફ મોં રાખીને રથમાં ટટ્ટાર બેઠો હતો. પછી તે મરી ગયો.
19 યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો. 2 ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે; 3 જો કે તેં કેટલાંક સારાં કામો પણ કર્યા છે; તમે દેશમાંથી પૂજા-સ્તંભોનો નાશ કર્યો છે અને દેવની ઉપાસના કરવાનું મનથી ચાલુ રાખ્યું છે.”
યહોશાફાટ ન્યાયાધીશોને નીમ્યા
4 તેથી યહોશાફાટ ફરીથી ઇસ્રાએલ ગયો નહિ, પણ યરૂશાલેમમાં રહ્યો. પછીથી તેણે બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી મુસાફરી કરી અને તેઓના પિતૃઓનાં દેવનું ભજન કરવા ઉત્તેજન આપ્યું. 5 તેણે દેશમાં, એટલે યહૂદાના સર્વ કિલ્લેબંદી નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા. 6 અને તેમને કહ્યું, “પૂર્ણ વિચાર કરીને તમારી ફરજ બજાવજો, કારણ, તમે માણસને નામે નહિ પણ યહોવાને નામે ન્યાય કરો છો. તમે જ્યારે ચૂકાદો આપો છો ત્યારે યહોવા તમારી સાથે હોય છે. 7 માટે યહોવાથી ડરીને ચાલજો, જે કંઇ કરો તે સાવચેતીપૂર્વક કરજો, કારણ, યહોવા આપણો દેવ અન્યાય, પક્ષપાત અને લાંચ સહન કરતા નથી.”
8 ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા. 9 અને તેમને આ પ્રમાણે આદેશ આપ્યો, “તમારે યહોવાને માથે રાખીને વફાદારીથી અને પ્રામણિકપણે ફરજ બજાવવી. 10 બીજાં શહેરોમાં રહેતા બંધુઓમાંથી જે કોઇ ફરિયાદ, ઝઘડો આવે, પછી તે ખૂનમરકીને લગતો હોય કે નિયમો અને આજ્ઞાઓના ઉલ્લંધનનો હોય; તમારે લોકોને ચેતવણી આપવી કે, ખોટું કામ ન કરે અને તેઓને ન્યાયી નિર્ણય લેવા માટે સહાય કરવી; નહિ તો રખેને દેવનો કોપ તમારા ઉપર અને તેઓ પર ઉતરે. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમારી જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી શકશો અને તમે ગુનેગાર ઠરશો નહિ.
11 “બધી ધામિર્ક બાબતોમાં મુખ્ય યાજક અમાર્યા તમારા પ્રમુખ રહેશે અને રાજ્યને લગતી તમામ બાબતોમાં યહૂદાના વંશના વડા ઇશ્માએલના પુત્ર ઝબાદ્યા તમારા પ્રમુખ રહેશે. લેવીઓ તમારા ચિટનીસ તરીકે કામ કરશે, હિંમતપૂર્વક કામ લેજો; સત્ય અને પ્રામાણિકતાને વળગી રહો, નિર્દોષનું રક્ષણ કરવામાં દેવ તમારા પક્ષે રહેશે.”
યહોશાફાટે યુદ્ધનો સામનો કર્યો
20 કેટલાક સમય પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓએ કેટલાંક મેઉનીઓ સાથે મળીને યહૂદા પર આક્રમણ કર્યુ. 2 યહોશાફાટને ખબર મોકલાવી કે, “તમારી તરફ એક લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી આગળ વધી રહ્યું છે,” અને તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદી સુધી આવી પહોંચ્યા છે. 3 યહોશાફાટ ગભરાઇ ગયો અને તેણે યહોવાને પ્રાર્થના કરવાનો નિશ્ચય કર્યો. અને આખા યહૂદામાં ઉપવાસ જાહેર કર્યો. 4 બધા યહૂદાવાસીઓ યહોવાની મદદ માંગવા ભેગા થયા. 5 યરૂશાલેમમાં મળેલી યહૂદાના લોકોની સભામાં યહોશાફાટ યહોવાના મંદિરના નવા ચોક સામે ઊભો થયો. 6 અને બોલ્યો,
“હે યહોવા, અમારા પિતૃઓના દેવ, તું સ્વર્ગાધીપતિ છે અને બધી પ્રજાઓના રાજ્યો ઉપર તારી જ આણ પ્રવતેર્ છે. તારું બળ અને સાર્મથ્ય એવું છે કે કોઇ તારી સામે થઇ શકે તેમ નથી. 7 હે દેવ, તેં જ આ દેશના મૂળ વતનીઓને આ ભૂમિમાંથી હાંકી કાઢી, તારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને, તારા પોતાના લોકો ઇસ્રાએલીઓને એ આપી હતી. 8 તેઓ તેમાં વસ્યા અને તેમણે તારા નામ માટે એક મંદિર બાંધ્યું. 9 અને કહ્યું કે, ‘આ મંદિરમાં તારો વાસ છે. એટલે જો અમારા પર કોઇ આફત આવે- યુદ્ધ આવે કે પૂર આવે, રોગચાળો આવે કે દુકાળ આવે તો અમે આ મંદિરમાં તારી સમક્ષ ઊભા રહીને, એ સંકટ સમયે તને યાદ કરીશું અને તું અમારી પ્રાર્થના સાંભળી અમને બચાવી લેશે.’
10 “અને હવે જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ આવ્યા છે. અમે ઇસ્રાએલીઓ મિસરમાંથી આવતા હતા ત્યારે તમે અમને એ લોકોના દેશમાં દાખલ થવા દીધા નહોતા એટલે અમે એક તરફ વળી ગયા, અને એ લોકોનો નાશ ન કર્યો. 11 અને હવે જો, એ લોકોનો નાશ ન કર્યો, જો, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો, તેઓ અમને કેવો બદલો આપે છે! 12 હે અમારા દેવ યહોવા, તું તેમને સજા નહિ કરે? કારણ, અમે અમારા ઉપર આક્રમણ કરતા એ મોટા સૈન્ય આગળ લાચાર છીએ, શું કરવું એની અમને સમજ પડતી નથી, અમે તો તારા ઉપર આધાર રાખીએ છીએ.”
13 યહૂદાના બધા લોકો, નાનામોટાં બાળકો અને સ્રીઓ સુદ્ધા યહોવા સમક્ષ ઊભાં હતા. 14 પછી એ સભાની વચ્ચે યહોવાનો આત્મા યાહઝીએલ ઉપર આવ્યો, યાહઝીએલ લેવી આસાફના વંશજ માત્તાન્યાના પુત્ર, યેઇએલના પુત્ર બનાયાના પુત્ર, ઝર્ખાયાનો પુત્ર હતો. 15 તેણે કહ્યું, “હે યહૂદાના બધા પ્રજાજનો, યરૂશાલેમના બધા વતનીઓ અને રાજા યહોશાફાટ ધ્યાનથી સાંભળો, યહોવા તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી ગભરાઇ જશો નહિ, આ યુદ્ધ પણ દેવનું છે. 16 આવતીકાલે તમે જાઓ, અને તેમના પર હુમલો કરો. તેઓ “સીસના ઢોળાવ” થઇને આવે છે, યરૂએલના રણની સામે ખીણને છેડે તમારો તેમની સાથે ભેટો થશે. 17 તમારે લડવાની જરુર નહિ પડે. તમે મક્કમપણે ઊભા રહેજો અને જોયા કરજો કે યહોવા તમને શી રીતે બચાવી લે છે. હે યહૂદા અને યરૂશાલેમ, ગભરાશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જાઓ, યહોવા તમારે પક્ષે છે.’”
18 ત્યારબાદ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ દંડવત પ્રણામ કરીને યહોવાનું ભજન કર્યુ. 19 ત્યાર પછી કહાથ અને કોરાહના કુળસમૂહોના લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાની ઊંચા સ્વરે સ્તુતિ કરવા લાગ્યા.
20 બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને “તકોઆના વગડા” તરફ જવા નીકળી પડ્યા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઇને કહ્યું, “યહૂદા-વાસીઓ અને યરૂશાલેમના વતનીઓ, મને ધ્યાનથી સાંભળો: જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે કોઇથી ડરવાનું રહેશે નહિ, જો તમે તેમના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખશો, તો તમારો વિજય થશે.”
21 પછી લોકોના આગેવાનો સાથે મંત્રણા કર્યા પછી, તેણે જેઓ યહોવાના માટે ગાય છે અને એની મહાન પવિત્રતાની સ્તુતિ કરે છે તેવાઓને સૌથી આગળ કર્યા અને તેઓ ગાવા લાગ્યા,
“યહોવાની સ્તુતિ કરો, કારણ,
તેની કરૂણા શાશ્વત છે.”
22 જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો. 23 આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઇર પર્વતના સૈન્યની વિરૂદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓ માંહેમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કરવા લાગ્યાં.
24 તેથી યહૂદાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલાં જોયા. એક પણ જીવતો નહોતો. 25 યહોશાફાટ રાજા અને તેના લોકો લૂંટ એકત્ર કરવા લાગ્યા. તેઓને નાણાં, પોશાક, અલંકારો અને રોજીંદા જીવનની વસ્તુસંગ્રહ કરી અને લઇ લીધી. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઇ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા. 26 ચોથે દિવસે તેઓ બરાખાહની ખીણમાં ભેગા થયા, અને ત્યાં તેમણે યહોવાની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ “બરાખાહ પાડવામાં” આવ્યું અને આજે પણ એ ખીણ એ જ નામે ઓળખાય છે.
27 યારબાદ યહૂદા અને યરૂશાલેમના બધા માણસો યહોશાફાટને મોખરે રાખી આનંદપૂર્વક પાછા નગરમાં ગયા, કારણ યહોવાએ તેમને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યાનો આનંદ માણવાનો અવસર આપ્યો હતો. 28 તેઓ સિતાર વીણા અને રણશિંગડાંના સરોદો સાથે યરૂશાલેમમાં પ્રવેશ કરીને યહોવાના મંદિરમાં દાખલ થયા.
29 અગાઉ બન્યુ હતું તે જ રીતે આજુબાજુના રાજ્યોએ સાંભળ્યું કે યહોવાએ પોતે જ ઇસ્રાએલના દુશ્મનો સાથે યુદ્ધ કર્યુ હતું, ત્યારે તેઓ દેવથી ભયભીત થઇ ગયા. 30 આમ, યહોશાફાટના રાજ્યમાં શાંતિ હતી, કારણકે દેવે તેને સર્વ બાજુએથી સર્વ પ્રકારની શાંતિ આપી હતી.
યહોશાફાટના રાજ્યકાળનો અંત
31 આમ, યહોશાફાટે યહૂદા ઉપર રાજ્ય કર્યુ. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજ કર્યુ. શિલ્હીની પુત્રી અઝુબાહ તેની મા થતી હતી. 32 તે પોતાના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માર્ગેથી ચલિત થયો નહિ. તેણે યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 33 પણ ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતાં અને લોકોનાં હૃદય હજી પોતાના પિતૃઓનાં દેવ પ્રત્યે પૂરેપૂરાં વળ્યાં નહોતા.
34 યહોશાફાટના શાસનના બાકીના બનાવો શરૂઆતથી તે અંત સુધી હનાનીના પુત્ર યેહૂના વૃત્તાંતમાં નોંધાયેલા છે. આ બનાવોની નોંધ કરી અને તેની નકલ કરીને તેનો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
35 તેના જીવનના અંતકાળમાં યહૂદાના રાજા યહોશાફાટે ઇસ્રાએલના રાજા અહાઝયા સાથે કરાર કર્યો. અહાઝયા ઘણો દુષ્ટ હતો. 36 તેની સાથે મળીને યહોશાફાટે એસ્યોન-ગેબેરમાં બનાવેલ વહાણને તાશીર્શ મોકલ્યા. 37 પણ મારેશ્શાહના વતની દોદાવાહૂના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરૂદ્ધ ભવિષ્યવાણી ભાખી કે, “તેં અહાઝયા સાથે મૈત્રી કરી છે તેથી યહોવા તારા વહાણોને ભાંગી નાખશે.” તેથી એ વહાણો નાશ પામ્યાં અને તેઓે કદી તાશીર્શ પહોંચી શક્યાં નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International