Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 13-17

યહૂદાનો રાજા અબિયા

13 રાજા યરોબઆમના અમલના અઢારમા વર્ષે અબિયા યહૂદિયાનો રાજા થયો. તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ મીખાયા હતું. તે ગિબયાહના ઉરીએલની પુત્રી હતી. અબિયા અને યરોબઆમ વચ્ચે યુદ્ધ ફાટી નીકવ્યું. અબિયા 4,00,000 ચુનંદા શૂરવીર યોદ્ધાઓની સાથે આવ્યો અને યરોબઆમ 8,00,000 ચુનંદા શૂરવીર લડવૈયાઓને લઇને સામે આવ્યો.

જ્યારે ઇસ્રાએલનું સૈન્ય એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં આવેલા સમારાઇમ આવી પહોંચ્યું, ત્યારે રાજા અબિયાએ રાજા યરોબઆમ અને ઇસ્રાએલના સૈન્યને મોટા સાદે કહ્યું, “સાંભળો! યરોબઆમ અને સર્વ ઇસ્રાએલીઓ, શું તમે નથી જાણતા કે ઇસ્રાએલના યહોવા દેવે વચન આપ્યું છે કે, દાઉદના સંતાનો જ ઇસ્રાએલ ઉપર સદાકાળ રાજ કરશે? તેમ છતાં દાઉદના પુત્ર સુલેમાનના નોકર નબાટના પુત્ર યરોબઆમે પોતાના માલિક સામે બળવો કર્યો છે, અને કેટલાક નકામા અને અનિષ્ટ માણસો તેની સાથે મળી ગયા છે. અને સુલેમાનનો પુત્ર રહોબઆમ નાદાન અને મૂર્ખ હતો, અને તેમનો સામનો ન કરી શકે એવો હતો. તેઓ રહોબઆમ કરતા શકિતશાળી હતા.

“અને હવે તમે દાઉદના વંશજોના રાજ્યને હરાવવાની વાત કરો છો, જેને યહોવાએ શાસન કરવાની શકિત આપી હતી. અને તમે વિશાળ સમૂહ છો અને યરોબઆમે બનાવડાવેલી સોનાના વાછરડાની મૂર્તિઓને તમારા દેવ તરીકે સાથે લઇને તમે આવ્યા છો! તમે હારુનના વંશજોને – યહોવાના યાજકોને અને લેવીઓને હાંકી કાઢયા છે અને વિદેશી લોકોની જેમ તમે મનગમતા યાજકો નીમ્યા છે! જે કોઇ એક વાછરડો અને સાત ઘેટાં લઇને યાજક બનવા આવે તેને તમે જેઓ દેવ નથી તેમની સેવા કરવા માટે યાજક બનાવી દો છો.

10 “પરંતુ અમારા માટે તો યહોવા જ અમારા દેવ છે; અને અમે તેમને તજી દીધા નથી. ફકત હારુનના વંશજો અમારા યાજકો છે અને માત્ર લેવીઓ જ યાજકોને તેઓના કામમાં મદદ કરે છે. 11 તેઓ રોજ સવારે તથા સાંજે દહનાર્પણો અને સુવાસિત ધૂપનું દહન કરે છે અને પવિત્ર મેજ ઉપર પ્રદશિર્ત કરવા માટેની રોટલી મૂકે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવાઓ પ્રગટાવે છે. કારણકે યહોવા અમારા દેવની આજ્ઞાઓને અનુસરવા અમે કાળજી રાખીએ છીએ; પણ તમે તો તેમને તજી દીધા છે. 12 જુઓ, અમારા દેવ અમારી આગળ અને અમારી સાથે છે, અને તેના યાજકો રણશિંગા લઇને તમારી સામે યુદ્ધનાદ કરે છે, ‘હે ઇસ્રાએલ પુત્રો, તમારા પિતૃઓના યહોવા દેવની સામે ન લડો; તેમાં તમે જીતી શકશો નહિ.’”

13 પણ યરોબઆમે પોતાના લશ્કરની એક ટૂકડીને યહૂદાવાસીઓની પાછળ જઇ છુપાઇ રહેવા મોકલી આપી, એટલે મુખ્ય લશ્કર યહૂદાવાસીઓની સામે રહ્યું અને છુપાયેલા માણસો તેમની પાછળ રહ્યા. 14 યહૂદાએ પાછળ જોયું; તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી; ત્યારે તેઓએ યહોવાને આજીજી કરી, ને યાજકોએ રણશિંગડા વગાડ્યાં. 15 યહૂદિયાના સૈનિકોએ મોટા સાદે પોકાર કર્યો. જ્યારે તેઓએ પોકાર કર્યો, ત્યારે દેવે અબિયા રાજા અને યહૂદિયા સૈન્યનો એવો ઉપયોગ કર્યો કે યરોબઆમ રાજા અને ઇસ્રાએલનું સૈન્ય હારવા લાગ્યું. 16 તેથી ઇસ્રાએલીઓ યહૂદાવાસીઓથી ભાગવા લાગ્યા, પણ દેવે તેમને યહૂદાવાસીઓના હાથમાં સોંપી દીધા. 17 અબિયાએ અને તેની સેનાએ તેમનો સખત પરાજય કર્યો, ઇસ્રાએલના શ્રેષ્ઠ યોદ્ધાઓમાંથી 5,00,000 સૈનિકો માર્યા ગયા. 18 આમ, તે સમયે ઇસ્રાએલીઓ હારી ગયા, ને યહૂદાના સૈન્યનો વિજય થયો, કારણકે તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા પર ભરોસો રાખ્યો હતો,

19 અબિયાએ યરોબઆમનો પીછો પકડી, તેના કબજામાંથી આસપાસના કસબા સહિત બેથેલ, યશાનાહ, અને એક્રોન નગરો લઇ લીધો.

20 અબિયા જીવતો હતો ત્યાં સુધી યરોબઆમ ફરી શકિતશાળી બની શક્યો નહિ અને આખરે યહોવાએ તેને સજા કરી અને તે મરી ગયો. 21 પરંતુ અબિયાનું બળ વધતું ગયું; તે 14 સ્રીઓ સાથે પરણ્યો, તેને 22 પુત્રો તથા 16 પુત્રીઓ થયાં.અબિયાનો બાકીનો ઇતિહાસ, તેનાં કાર્યો તેનાં આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાઁ નોંધેલા છે.

14 એ પછી અબિયા પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આસા યહૂદિયાનો રાજા બન્યો. તેના શાસનકાળના પ્રથમ દશ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.

આસા રાજા યહોવાને આધીન

આસાએ એના દેવ યહોવાની નજરમાં સારું અને યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. તેણે પારકી મૂર્તિઓની વેદીઓ અને પર્વતો પરનાં ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં. તેણે પૂજાસ્તંભો ભાંગી નાખ્યા, અને અશેરા દેવીના લાકડાના થાંભલા કાપી નાખ્યા. અને યહૂદાના લોકોને તેમના પિતૃઓના દેવ યહોવાની સેવાપૂજા કરવાનો અને તેના કાનૂનો અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો. તેણે યહૂદાના પ્રત્યેક શહેરમાંના ટેકરી ઉપરના થાનકોનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો. તેના અમલ દરમિયાન રાજ્યમાં શાંતિ રહી. તેને લીધે સમગ્ર યહૂદિયામાં તે કિલ્લાવાળા નગરો બાંધી શક્યો. તે ભૂમિને યહોવાએ શાંતિ આપી.

તેણે યહૂદાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ શહેરો નવેસરથી બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ અને તેના બુરજો અને ભૂંગળોવાળા દરવાજા મૂકીએ, આ ભૂમિ હજી આપણી છે, કારણ, આપણે આપણા દેવ યહોવાની સેવાપૂજા કરીએ છીએ અને તેણે આપણા ઉપર દયા કરી, આપણને બધી બાજુએથી શાંતિ અને સલામતી આપી છે.” આથી તેમણે નગરો બાંધવા માંડ્યાં અને એ કામ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ.

આસા પાસે ઢાલ અને ભાલાથી સજ્જ 3,00,000 યહૂદાવંશીઓ, અને 2,80,000 ઢાલ ધનુષ્યથી સજ્જ બિન્યામીન વંશીઓનું સૈન્ય હતું. એ બધા જ શૂરવીર યોદ્ધાઓ હતા.

કૂશ દેશનો સેનાપતિ ઝેરાહ 10,00,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઇને આસા સામે યુદ્ધ કરવા આવ્યો અને તે મારેશાહ સુધી આવી પહોંચ્યો. 10 આસા તેનો સામનો કરવા બહાર પડ્યો અને તેણે મારેશાહ આગળ સફાથાહના મેદાનમાં સેનાને યુદ્ધ માટે ગોઠવી.

11 આસાએ પોતાના દેવ યહોવાને અરજ કરી, “હે યહોવા, બળવાનની વિરૂદ્ધ નિર્બળને સહાય કરનાર, તારા સિવાય બીજો કોઇ નથી; હે યહોવા, અમારા દેવ, અમને સહાય કર; અમને માત્ર તારો જ આધાર છે. અને તારું નામ લઇને જ અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ, હે યહોવા, તું અમારો દેવ છે. લોકો તારી પર વિજયી ન થાય, એ જોજે.”

12 યહોવાએ આસા અને યહૂદાવાસીઓને હાથે કુશીઓને હરાવી દીધા અને તેઓ ભાગવા લાગ્યા. 13 આસા અને તેના માણસોએ ગરાર સુધી તેમનો પીછો કર્યો. યહોવા અને તેની સેના આગળ કુશીઓ છિન્નભિન્ન થઇ ગયા; તેથી ઘણા કુશીઓ મરી ગયા કે તેઓ બીજુ લશ્કર ઊભુ કરી શક્યા નહિ. યહૂદાવાસીઓએ મોટા જથ્થામાં લૂંટ ભેગી કરી. 14 તેમણે ગરારની આસપાસના બધાં શહેરોનો નાશ કર્યો, કારણ, યહોવાએ લોકોને ભયભીત બનાવી દીધાં હતા, તેમણે બધા શહેરો લૂંટી લીધા, અને તેમને એ શહેરોમાંથી પુષ્કળ લૂંટ મળી, 15 તેઓએ નગરોને લૂંટી લીધા અને ઘેટાંપાળકોનાં ઢોર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઇને અંતે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા.

આસામા પરિવર્તન

15 ત્યારબાદ ઓદેદના પુત્ર અઝાર્યામાં યહોવાનો આત્મા પ્રવેશ્યો. તેથી તે આસાને મળવા ગયો, ને કહ્યું, “આસા તથા યહૂદા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો, જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે, તમે જો તેને શોધશો, તો તે તમને મળશે. જો તમે તેનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે. ઘણા લાંબા સમયથી ઇસ્રાએલી લોકોએ સાચા દેવની પ્રાર્થના કરી ન હતી, અને તેઓને તે વિષેનું શિક્ષણ આપવા માટે ત્યાં કોઇ યાજક ન હતો. દેવના નિયમશાસ્ત્ર અનુસર્યા વિના તેઓ જીવન પસાર કરતા હતા. પરંતુ જ્યારે પોતાના સંકટના સમયે તેમણે ઇસ્રાએલના દેવ યહોવા તરફ વળી તેની શોધ આદરી ત્યારે તે તેમને પ્રાપ્ત થયા. તેઓએ દેવ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો, તેથી તે સમયે કોઇને શાંતિ નહોતી, દેશ દરેક રીતે મુશ્કેલીમાં આવી પડ્યો હતો અને સર્વત્ર ગુનાઓ વધી રહ્યા હતા. પ્રજાઓ અને નગરો એકબીજા સાથે લડીને પાયમાલ થતાં હતા. કારણકે દેવ તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા. પણ હવે તમે બળવાન બનજો અને હિંમત હારશો નહિ. તમને તમારા કાર્યોના ફળ મળશે.”

જ્યારે આસાએ દિવ્યવાણીના વચનો ઓદેદની ભવિષ્યવાણીમાં સાંભળ્યા, ત્યારે તેણે હિંમત રાખીને યહૂદા તથા બિન્યામીનના દેશમાંથી તથા જે શહેરો તેણે એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં જીતી લીધાં હતા, તે બધામાંથી ઘૃણાસ્પદ મૂર્તિઓને હઠાવી દીધી. અને યહોવાના મંદિરની સામેની વેદી તેણે ફરી બંધાવી.

ત્યારબાદ તેણે યહૂદા અને બિન્યામીનના બધા લોકોને પોતાની સામે આવવા હુકમ કર્યો, યહોવા દેવ રાજા આસાની સાથે છે, તે જાણીને એફ્રાઇમ, મનાશ્શા અને શિમયોન પ્રદેશોમાંથી ઇસ્રાએલમાં વસવા આવેલાં લોકોને ભેગા કરવાનો હુકમ કર્યોં.

10 આસાના અમલ દરમ્યાન પંદરમા વર્ષના ત્રીજા મહિનામાં તેઓ યરૂશાલેમમાં ભેગા થયા. 11 અને તેમણે તે દિવસે પોતે જે લૂંટ સાથે લાવ્યા હતા, તેમાંથી 700 બળદો અને 7,000 ઘેટાંનાં હોમબલિ તેઓએ યહોવાને ચઢાવી. 12 તેમણે પોતાના પિતૃઓના દેવ યહોવાની સાચા હૃદયથી ઉપાસના કરવાનો કરાર કર્યો; 13 નાનો હોય કે મોટો, સ્રી હોય કે પુરુષ, જે કોઇ ઇસ્રાએલનાં દેવ યહોવાની ઉપાસના ન કરે તેને મૃત્યુદંડ દેવાનું ઠરાવવામાં આવ્યું. 14 ત્યારબાદ તેમણે શરણાઇ અને રણશિંગડા ને તુરાઇઓ વગાડીને મોટા સાદે યહોવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી. 15 તે બધા ખૂબ આનંદમાં હતા; કારણકે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી અને સંપૂર્ણ ઇચ્છાથી દેવ સાથે આ કરાર કર્યો હતો. અને દેવને સર્વશ્રેષ્ઠ સ્થાન આપીને યહોવાને શોધ્યા. તે તેઓને મળ્યા; અને તેમણે તેઓને ચોતરફ શાંતિ આપી અને સલામતી બક્ષી.

16 આસાએ પોતાની દાદી માઅખાહને પણ રાજમાતા પદેથી ષ્ટ કરી, કારણકે તેણે અશેરાહની પૂજા માટે અશ્લીલ મૂર્તિ કરાવી હતી. આસાએ તે મૂર્તિને તોડી, તેના ભૂક્કેભૂક્કા કરી નાખ્યા અને કિદ્રોનની ખીણમાં સળગાવી દીધી. 17 જો કે ઇસ્રાએલમાંથી ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતા. તેમ છતાં આસા જીવનભર યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો.

18 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને ધરાવેલી બધી ભેટો સોનુંરૂપું, અને વાસણો બધું યહોવાના મંદિરમાં જમા કરાવી દીધું. 19 આસા રાજાની કારકિદીર્ના પાંત્રીસ વર્ષ સુધી ત્યાં બીજું કોઇ યુદ્ધ કે લડાઇ થયા નહિ.

આસાના રાજ્યકાળનો અંત

16 રાજા આસાના અમલના છત્રીસમા વર્ષમાં ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદા ઉપર ચઢાઇ કરી, તેના રાજા આસા પાસે આવતાં લોકોની નાકાબંધી કરવા માટે રામાની કિલ્લેબંદી કરી. એટલે આસાએ યહોવાના મંદિરના અને રાજમહેલના ભંડારોમાંથી સોનુચાંદી બહાર કાઢી દમસ્કમાં રહેતા અરામના રાજા બેનહદાદને સંદેશો મોકલાવ્યો કે, “તારા પિતા અને મારા પિતા વચ્ચે સલામતીનો કરાર કરેલો હતો, તે આપણે તાજો કરીએ, જો, આ ચાંદી અને સોનું મેં મોકલ્યું છે. ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો તારો કરાર તોડી નાખ, જેથી તે પાછો ચાલ્યો જાય.”

બેનહદાદ સંમત થયો અને તેણે પોતાના સેનાપતિઓને ઇસ્રાએલનાં શહેરો ઉપર ચઢાઇ કરવા મોકલી આપ્યા; તેમણે ઇયોન, દાન, આબેલ-માઇમ અને નફતાલીનાં સંગ્રહાલય શહેરો જીતી લીધાં. જ્યારે બાઅશાને આની જાણ થઇ, ત્યારે તેણે રામાની કિલ્લેબંદી કરવાનું છોડી દીધું, અને બધું કામ બંધ કરાવી દીધું. ત્યારબાદ રાજા આસાએ યહૂદાના બધા માણસોને સાથે લીધા અને તેઓ જે પથ્થર અને લાકડાં વડે બાઅશા રામામાં કિલ્લેબંદી કરતો હતો તે ઉઠાવી ગયા, અને તેના વડે તેમણે ગેબા અને મિસ્પાહ બાંધ્યાં.

તે જ સમયે હનાની પ્રબોધક આસા રાજા પાસે ગયો અને તેને કહ્યું, “તમે દેવ યહોવાને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, તેથી ઇસ્રાએલના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે. કૂશીઓ અને લૂબીઓનું લશ્કર પણ ઘણું મોટું હતું અને તેમની પાસે અસંખ્ય રથો અને ઘોડેસવારો હતા. તેમ તું યહોવાના ભરોસે રહ્યો હતો એટલે તેણે તેમને તારા હાથમાં સોંપી દીધા હતા. યહોવાની ષ્ટિ સમગ્ર પૃથ્વી પર ફરતી હોય છે. અને જેઓનું અંત:કરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને તે શોધે છે, જેથી તેઓને મદદ કરીને તે પોતાનું મહાન સાર્મથ્ય પ્રગટ કરે છે. તેઁ કેવી મૂર્ખાઇ કરી છે! હવેથી તારે યુદ્ધો ખેલવા પડશે.”

10 પ્રબોધકના આ શબ્દોથી આસાને હનાની પર ખૂબ ગુસ્સો આવ્યો; ને તેણે તેને કેદમાં પૂરી દીધો. એ જ વખતે તેણે ઘણાં પ્રજાજનો પર પણ કેર વર્તાવ્યો.

11 આસાના રાજ્યના બધા બનાવો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના વૃતાંતમાં નોંધાયેલા છે. 12 તેના રાજ્યના 39મા વર્ષે તેને પગનો રોગ પડ્યો. અને તે વધતો જ ગયો. તેણે યહોવાને શરણે જવાને બદલે વૈદોની સલાહ લીધી. 13 તે એના અમલના 41મા વર્ષે તો પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં તેણે પોતાના માટે ખોદાવેલી કબરમાં દફનાવવામાં આવ્યો. 14 તેમણે તેના શરીરને સુગંધી દ્રવ્યોથી ભરેલી કબરમાં સુવડાવ્યો, કફનમાં મૂક્યા બાદ તેની દફનવિધિ વખતે તેના લોકોએ બહુ મોટા પ્રમાણમાં ધૂપ બાળ્યા.

યહોશાફાટના શાસનનો પ્રારંભ

17 ત્યારબાદ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. અને ઇસ્રાએલથી સુરક્ષિત રહેવા તેણે યહૂદાને શકિતશાળી બનાવ્યું. તેણે યહૂદાના બધાં કિલ્લેબંદીવાળા નગરોમાં લશ્કર ગોઠવ્યું, અને આખા યહૂદાના તેમજ તેના પિતાએ કબજે કરેલાં એફ્રાઇમનાં શહેરોમાં સૂબાઓ મૂક્યા,

યહોવા તેની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા તે માર્ગ પર જ યહોશાફાટ ચાલ્યો. તેણે મૂર્તિઓની પૂજા કરી નહિ. ઇસ્રાએલના પ્રદેશમાં વસતા લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તે તેના પિતૃઓના દેવની આજ્ઞાઓને આધીન રહીને જીવન ગુજારતો હતો. આથી યહોવાએ તેના હાથમાં યહૂદા પરની સત્તા કાયમ રાખી, આખું યહૂદા તેને ભેટસોગાદ આપતું હતું. અને તે પુષ્કળ કીર્તિ અને સંપત્તિ પામ્યો. તે યહોવાની સેવામાં ગૌરવ લેતો હતો અને તેણે યહૂદામાંની ટેકરીઓ ઉપરના સ્થાનકોનો તેમજ પૂજાસ્તંભોનો પણ નાશ કર્યો.

તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અમલદારો બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મીખાયાને, લેવીઓ શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબીયા, અને ટોબઅદોનિયા તેમજ યાજકો અલીશામા અને યહોરામ સાથે યહૂદાના ગામેગામ ઉપદેશ કરવા મોકલ્યા. દેવના નિયમશાસ્ત્રના પુસ્તકની નકલો તેઓ પોતાની સાથે લઇ ગયા. અને યહૂદિયાનાં સર્વ ગામોમાં જઇને લોકોને નિયમશાસ્ત્રનું શિક્ષણ આપ્યું.

10 આથી યહૂદાની આસપાસના બધા પ્રદેશોમાં રાજાઓ યહોવાથી ડરવા લાગ્યા, અને તેમણે યહોશાફાટ સાથે લડાઇ કરી નહિ. 11 કેટલાક પલિસ્તી લોકો ખંડણી તરીકે તેની પાસે ઉપહાર તરીકે ચાંદી લઇને આવ્યા. રણના રહેવાસીઓ પણ 7,700 બકરીઓ અને 7,700 ઘેંટાની ભેટ લઇને આવ્યા.

12 યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા 13 અને તેણે યહૂદાના શહેરોમાં ઘણું કામ કર્યુ. તેણે રાજધાની યરૂશાલેમમાં મોટું સૈન્ય રાખ્યું. 14 યરૂશાલેમમાં તેણે શૂરવીર યોદ્ધાઓનું થાણું ઉભું કર્યું હતું અને તેની કુળસમૂહવાર યાદી નીચે પ્રમાણે છે:

યહૂદાના સેનાનાયકો- યહૂદાના મુખ્ય સેનાપતિ આદનાહના

અને તેના હાથ નીચે 3,00,000 સૈનિકો;

15 તેના પછી યહોહાનાન અને તેના હાથ નીચે 2,80,000 સૈનિકો;

16 તેના પછી યહોવાને સ્વેચ્છાએ આત્મસમર્પણ કરનાર અમાસ્યા જે ઝિખ્રીનો પુત્ર હતો; તેના હાથ નીચે 2,00,000 સૈનિકો.

17 બિન્યામીનના કુળસમૂહના સેનાનાયકો:

શૂરવીર એલ્યાદાહ અને તેના હાથ નીચે 2,00,000 ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો;

18 તેના પછી યહોઝાબાદ અને તેના હાથ નીચે 1,80,000 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ.

19 આ સર્વ સૈન્યો હતા. અને તે પાટનગરના રાજાની પાસે હતા. સમગ્ર યહૂદા રાજ્યના કિલ્લેબંદીવાળાં નગરોમાં રાજાએ જેમને નિયુકત કર્યા હતા તે સૈન્યો તો જુદા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International