Beginning
દુશ્મનો પર દાઉદનો વિજય
18 એ પછી દાઉદે પલિસ્તીઓને હરાવી તેમને તાબે કર્યા અને તેમના હાથમાંથી ગાથ અને તેની આસપાસના ગામો કબ્જે કરી લીધાં.
2 તેણે મોઆબીઓને પણ હરાવ્યાં, તેઓ તેના તાબેદાર બન્યા અને તેને ખંડણી ભરવા લાગ્યા.
3 એ પછી દાઉદે ફ્રાત નદીની આસપાસના પ્રદેશ પર કબજો જમાવવા જતા સોબાહના રાજા હદારએઝેરને હમાથ આગળ હરાવ્યો. 4 દાઉદે તેની પાસેથી તેના 1,000 રથ, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાની પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથોને માટે પૂરતાં ઘોડાઓને બચાવી રાખ્યા.
5 દમસ્કના અરામીઓ સોબાહના રાજા હદારએઝેરની વહારે આવ્યાં તો દાઉદે 22,000 અરામી સૈનિકોને મારી નાખ્યા. 6 અને તેમના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ દાઉદના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યાં.આમ દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવવામાં મદદ કરી.
7 દાઉદ, હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઇ આવ્યો. 8 વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં.
9 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદારએઝેરના સૈન્યનો નાશ કર્યો છે, 10 તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદને સત્કાર કરવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા માટે ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ, હદારએઝેરને તોઉ સાથે વિગ્રહ ચાલ્યાં કરતો હતો. હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને કાંસાના વાસણો લઇ ગયો હતો. 11 તે બધાં દાઉદે યહોવાના મંદિરની સેવા માટે અપીર્ દીધાં. એ જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબી, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી કબજે કરેલું સોનું ચાંદી તેણે યહોવાને અર્પણ કરી દીધું.
12 સરૂયાના પુત્ર અબીશાયે મીઠાની ખાણમાં 18,000 અદોમીઓને મારી નાંખ્યા. 13 સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી થાણાં ગોઠવ્યાં. બધા અદોમીઓ હવે દાઉદના તાબેદાર બની ગયા. આમ, દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.
દાઉદના મહત્વના કામદારો
14 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજ્ય સ્થાપ્યું, અને સમગ્ર રાષ્ટમાં નીતિમત્તા અને ન્યાયને સ્થાપિત કર્યાં. 15 સરૂયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 16 અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા રાજાનો લહિયો હતો. 17 યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કથેરીઓ અને પલેથીઓનો ઉપરી હતો.અને દાઉદના પુત્રો રાજાની તહેનાતમાં રહેતા માણસોમાં મુખ્ય હતા.
દાઉદનું આમ્મોનીઓ સાથે યુદ્ધ
19 થોડા સમય પછી આમ્મોનીઓના રાજાનું અવસાન થયું. એટલે તેના પછી તેના પુત્રને રાજા બનાવાયો. 2 દાઉદે વિચાર્યું, “નાહાશે મારા પ્રત્યે દાખવ્યો હતો તેવો સદૃભાવ મારે તેના પુત્ર હાનૂન પ્રત્યે રાખવો જોઇએ.” તેથી દાઉદે હાનૂનના પિતાના મૃત્યુનું આશ્વાસન આપવા માણસો મોકલી આપ્યા. પણ જ્યારે દાઉદના માણસો હાનૂન પાસે આશ્વાસન આપવા આમ્મોન પહોંચ્યા.
3 ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તમે શું એમ માનો છો કે, તમારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.” 4 આથી રાજા હાનૂને રાજા દાઉદનાં રાજદૂતોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી અને તેઓનો પોષાક મધ્યમાંથી કાપી નાખ્યો જેના કારણે તેઓના શરીર ઉઘાડાં દેખાય. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.
5 જ્યારે કેટલાક લોકોએ દાઉદને ખબર આપી કે તેમના માણસોના શા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેમને મળવા માણસો મોકલ્યા, કારણ, તેઓ ખૂબ શરમાતા હતા, દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”
6 જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા હતા, હાનૂન અને આમ્મોનીઓએ, અરામ નાહરાઇમમાંથી, અરામ-માઅખાહમાંથી અને સોબાહમાંથી રથો તેમજ અશ્વદળો ભાડેથી મેળવવા માટે 34,000 કિલો ચાંદી મોકલી આપી. 7 તેણે 32,000 રથો ભાડે રાખ્યા અને માઅખાહના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. આ સર્વ સૈન્યે મેદૃબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાના શહેરમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં તેમની સાથે જોડાયા.
8 દાઉદને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેણે યોઆબને પોતાના શૂરવીરો અને આખી સૈના સાથે મોકલી આપ્યો. 9 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ ગોઠવાઇ ગયા અને તેમની મદદે આવેલા રાજાઓ ખુલ્લા મેદાનમાં ચાલ્યા ગયા.
10 જ્યારે યોઆબે જોયું કે, પોતાના પર આગળપાછળથી બંને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇસ્રાએલના ચુનંદા લડવૈયાઓને પસંદ કરીને અરામીઓની સામે ગોઠવી દીધા. 11 બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઇ અબીશાયની સરદારી હેઠળ મૂકી દીધું. અને તેમણે આમ્મોનીઓની સામે મોરચો માંડ્યો. 12 યોઆબે તેના ભાઇને કહ્યું, “જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ. 13 હિમ્મતવાન થા અને પુરુષાતન દેખાડ કે, આપણે દેવનાં નગરો અને આપણા લોકોનો બચાવ કરીએ. યહોવાને જે શ્રેષ્ઠ લાગે તે કરે.”
14 જ્યારે યોઆબ અને તેના માણસો અરામીઓ સામે યુદ્ધ કરવા આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યા. 15 અને આમ્મોનીઓએ તેમને ભાગતા જોયા એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને શહેરમાં ભરાઇ ગયા. પછી યોઆબ પાછો યરૂશાલેમ આવી ગયો.
16 અરામીઓ સમજી ગયા કે પોતે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદારએઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.
17 આ સમાચાર મળતાં જ દાઉદે ઇસ્રાએલની આખી સૈના ભેગી કરી યર્દન નદી ઓળંગીને તેમની સામે મોરચો માંડ્યો. યુદ્ધ શરૂ થયું અને ઇસ્રાએલીઓએ અરામીઓને ભગાડી મૂક્યાં. 18 અરામીઓ ફરીથી ઇસ્રાએલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના 7,000 સૈનિકો અને 40,000 બીજા સૈનિકોને મારી નાખ્યા. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો.
19 જ્યારે હદારએઝેરના માણસોએ જોયું કે, તેમણે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. ત્યારે તેમણે દાઉદ સાથે સુલેહ કરી અને તેની શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી નહતા.
યોઆનું આમ્મોનીઓ સાથે યુદ્ધ
20 વસંત ઋતું બેસતાં સામાન્ય રીતે રાજાઓ યુદ્ધે ચઢે છે ત્યારે યોઆબે સૈનાનું માર્ગદર્શન કરી આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ વિનાશ કરી નાખ્યો અને પછી તે રાબ્બાહ આવ્યો અને તેને ઘેરો ઘાલ્યો. પણ દાઉદ યરૂશાલેમમાં જ રહ્યો, યોઆબે શહેર પર હુમલો કર્યો અને તે જીતી લીધું.
2 દાઉદે રાબ્બાહના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઇ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમાં રત્નો જડેલાં હતા. તેનું વજન 75 પૌન્ડ હતું. દાઉદે નગરમાંથી પુષ્કળ લૂંટનો માલ ભેગો કર્યો હતો. 3 તેણે નગરનાં લોકોને બહાર લાવીને કરવતો, તીકમો અને કુહાડીઓથી કરવાનું કામ સોંપ્યુ. આમ્મોનીઓ રાજા સાથેના વ્યવહારમાં દાઉદની આ રીત હતી. પછી દાઉદ અને તેનું સૈન્ય યરૂશાલેમ પાછું ફર્યુ.
પલિસ્તીના મહારથીઓ હણાયા
4 કેટલાંક સમય પછી ગેઝરમાં પલિસ્તીઓ સાથેનું યુદ્ધ ફરી ફાટી નીકળ્યું. એ વખતે હુશાના સિબ્બખાયે રફાઇમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓ હારી ગયા.
5 પલિસ્તીઓ સામે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું. અને યાઇરના પુત્ર એલ્હાનાને હમીને મારી નાખ્યો, જે ગાથના ગોલ્યાથનો ભાઇ હતો અને તેના ભાલાનો દાંડો વણકરની તોર જેટલો જાડો હતો.
6 ગાથ પાસે ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર સૈનિકને હાથે અને પગે છ છ આંગળા હતા. તે પણ એક રફાઇઓમાંનો હતો. 7 અને જ્યારે તેણે ઇસ્રાએલને પડકાર્યુ, ત્યારે દાઉદનાં ભાઇ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.
8 આ બધા રફાઇઓ દાઉદ અને તેના માણસોને હાથે માર્યા ગયા હતા.
અમંગળ વસ્તીગણતરી
21 પછી શેતાન ઇસ્રાએલીઓ સામે લડવા તૈયાર થયો. તેણે દાઉદને વસ્તી ગણતરી કરવા ભડકાવ્યો. 2 આથી દાઉદે યોઆબને અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ અને બેર-શેબાથી દાન સુધી સમગ્ર ઇસ્રાએલની વસ્તી ગણતરી કરો. અને પછી આવીને જણાવો કે, મારી પ્રજાની વસ્તી કેટલી છે.”
3 પરંતુ યોઆબે વાંધો લેતા જણાવ્યું, “યહોવા પ્રજાની વસ્તીને બમણી કરે તોયે, એ બધા આપ નામદારના સેવકો જ નથી? આપ શા માટે ઇસ્રાએલને દોષી ઠરાવવા ચાહો છો? અને તમે ઇસ્રાએલને અપરાધી શા માટે ઠેરવો છો?”
4 પરંતુ રાજાની આજ્ઞા આગળ યોઆબનું કાંઇ ચાલ્યુ નહિ. સમગ્ર ઇસ્રાએલ દેશમાં ફરીને તે યરૂશાલેમ પાછો ફર્યો. 5 યોઓબે વસતી ગણતરીના આંકડા દાઉદને આપ્યા; લશ્કરમાં જોડાઇ શકે, ને શસ્ત્ર ચલાવી શકે તેવા પુખ્ત માણસો ઇસ્રાએલમાં 11,00,000 અને યહૂદિયામાં તે 4,70,000 હતા. 6 યોઆબને રાજાની આજ્ઞા એટલી અણગમતી લાગી હતી કે તેણે લેવીની અને બિન્યામીનની ગણતરી જ કરી ન હતી. 7 આ બધી કાર્યવાહીથી દેવ નારાજ થયા અને તેથી તેણે ઇસ્રાયેલને શિક્ષા કરી.
ઇસ્રાએલને સજા કરતા દેવ
8 એટલે દાઉદે દેવને કહ્યું, “આમ કરવામાં મેં ઘોર પાપ કર્યું છે, પણ હવે આ સેવકનો દોષ કૃપા કરીને માફ કરો. આ કામ માટે મેં ઘોર અપરાધ કર્યો છે.”
9 તેથી યહોવાએ દાઉદના પ્રબોધક ગાદને કહ્યું, 10 “જા, અને દાઉદને કહે, ‘યહોવા આ મુજબ જણાવે છે: હું તારી સમક્ષ ત્રણ વસ્તુ રજૂ કરું છું. તું ગમે તે એક પસંદ કર, અને જે તું પસંદ કરે તે પ્રમાણે હું કરીશ.’”
11 ગાદ દાઉદ પાસે ગયો અને યહોવાએ જે કહ્યું, “તે જણાવ્યું. અને પૂછયું, ‘તું શું પસંદ કરે છે? 12 ત્રણ વરસનો દુકાળ પડે. અથવા ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઇને તારો પીછો પકડી તને હેરાન કરે, અથવા ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર કામે લાગે, સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળે અને યહોવાનો દૂત આખા ઇસ્રાએલમાં વિનાશ કરતો ફરે.’ હવે તું વિચાર કરીને કહે, કે મને મોકલનાર માટે શો જવાબ આપવો.”
13 એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”
14 આથી યહોવાએ ઇસ્રાએલમાં રોગચાળો મોકલ્યો અને 70,000 ઇસ્રાએલીઓ મૃત્યુ પામ્યા. 15 પછી દેવે યરૂશાલેમનો નાશ કરવા એક દેવદૂતને મોકલ્યો, પણ તે નાશ કરવાની અણી પર હતો ત્યારે યહોવાને દયા આવી અને તેણે કહ્યું, “બસ કર, બહુ થયું, હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાનો દૂત યબૂસીની ઓર્નાનની ખળી પાસે ઉભો હતો.
16 દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા. 17 અને દાઉદે દેવને પ્રાર્થના કરી, “વસતી ગણતરીનો હુકમ આપીને મેં પાપ કર્યુ છે. આ ઘેટાઁઓએ શું કર્યું છે? હે યહોવા મારા દેવ, મારો અને મારા કુટુંબનો નાશ કરો, પણ તમારા લોકોનો નાશ ન કરો.”
18 ત્યારબાદ યહોવાના દૂતે ગાદને કહ્યું કે, “તું દાઉદને જઇને કહે કે, યબૂસી ઓર્નાનના ખળામાં યહોવાને પધ્રૂજવા એક વેદી બાંધે.” 19 યહોવાને નામે ગાદે જે કહ્યું હતું તે મુજબ દાઉદ ચાલી નીકળ્યો.
20 ઓર્નાને પાછું વળીને જોતાં દેવદૂતને જોયો. તેના પુત્રો નાસી ગયા અને છુપાઇ ગયા, પણ ઓર્નાન ઘઉં ઝૂડતો રહ્યો. 21 જ્યારે ઓર્નાને દાઉદને આવતો જોયો, ત્યારે તે ખળીમાંથી બહાર આવ્યો અને તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
22 દાઉદે તેને કહ્યું, “તું મને તારી ખળીની જગ્યા આપ જેથી હું યહોવાને માટે યજ્ઞવેદી બાંધુ. તો જ લોકોમાં ફેલાયેલો રોગચાળો બંધ થશે. હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ.”
23 ઓર્નાને કહ્યું, “લઇ લો, અને આપ મુરબ્બીને જેમ ઠીક લાગે તેમ તેનું કરો. આ બળદોનું પણ દહનાર્પણ કરજો, આ ઝૂડવાના પાટિયા ઇંધણ તરીકે વાપરજો અને આ ઘઉંને ખાદ્યાર્પણ તરીકે ચઢાવજો. હું બધું જ આપને સોંપી દઉં છું.”
24 પણ રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના પૂરી કિંમતે હું તે ખરીદીશ. યહોવાને અર્પણ કરવા માટે તારું જે છે તે હું મફત લઇ શકું નહિ. જેની કિંમત મેં ચૂકવી નથી તેનું અર્પણ હું તેમને નહિ ચઢાવું.”
25 પછી દાઉદે ઓર્નાનને એ જમીનના માટે 15 પૌન્ડ સોનું આપ્યું. 26 અને ત્યાં યહોવાને માટે તેણે વેદી બાંધી અને તેના પર તેણે દહનાર્પણ કર્યુ. તેણે તેની પર શાઁત્યર્પણ કર્યુ અને યહોવાનું આવાહન કર્યું. વેદી પર અગ્નિ ઉતારીને યહોવાએ તેને જવાબ આપ્યો. 27 યહોવાએ દૂતને તરવાર મ્યાન કરવા કહ્યું અને દૂતે તે પ્રમાણે કર્યું.
28 જ્યારે દાઉદે જોયું કે ઓર્નાનના ખળીમાં યહોવાએ તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે, ત્યારે તેણે ત્યાં યજ્ઞ અર્પ્યા. 29 એ વખતે મૂસાએ વગડામાં બનાવેલો યહોવાનો પવિત્ર મંડપ અને દહનાર્પણની વેદી હજી ગિબયોનના ઉચ્ચસ્થાન પર હતા. 30 પરંતુ યહોવાના દૂતની તરવારનો દાઉદને એટલો બધો ડર લાગતો હતો કે યહોવાને દર્શને પણ જઇ શકતો નહોતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International