Beginning
યરૂશાલેમમાં કરારકોશની સ્થાપના
15 યરૂશાલેમમાં દાઉદે દાઉદનગરમાં પોતાના માટે આવાસ બાંધ્યા અને “દેવના કોશ” માટે નવો મંડપ બંધાવ્યો. 2 ત્યારપછી તેણે કહ્યું, “ફકત લેવીઓએ જ દેવનો કોશ ઊંચકવો. કારણકે તેમનો કોશ ઊંચકવા માટે તથા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને પસંદ કર્યા છે.”
3 તેથી યહોવાના કોશને માટે યરૂશાલેમમાં તૈયાર કરેલી જગ્યાએ તેને લઇ જવા માટે તેણે સર્વ ઇસ્રાએલીઓને ભેગા કર્યા. 4 વળી તેણે હારુનના વંશજોને તથા લેવીઓને પણ ભેગા કર્યા.
5 કહાથના કુલમાંથી ઉરીએલની આગેવાની હેઠળ તેના 120 કુટુંબીઓ,
6 મરારીના કુલસમૂહમાંથી અસાયાની આગેવાની હેઠળ તેના 220 માણસો હતા.
7 ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130;
8 અલીસાફાનના કુલસમૂહમાંથી શમાયાની આગેવાની હેઠળ તેના 200 કુટુંબીઓ.
9 હેબ્રોનના કુલસમૂહમાંથી અલીએલની આગેવાની હેઠળ તેના 80 કુટુંબીઓ;
10 અને ઉઝઝીએલના કુલમાંથી આમ્મીનાદાબની આગેવાની હેઠળ તેના 112 કુટુંબીઓ આવ્યા.
લેવીઓ અને યાજકો સાથે વાત કરતો દાઉદ
11 ત્યારબાદ દાઉદે યાજકો સાદોક અને અબ્યાથારને તથા લેવી આગેવાનો ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, અને આમ્મીનાદાબને તેડાવ્યા. 12 અને કહ્યું, “તમે લેવી વંશના કુલસમૂહોના આગેવાનો છો. તમે અને તમારા કુટુંબીઓ તમારી જાતને પવિત્ર કરીને ઇસ્રાએલના દેવ યહોવાના કોશને મેં તેને માટે તૈયાર કરેલા મંડપમાં લઇ આવજો. 13 તમે પહેલી વખતે ઉપાડ્યો નહિ માટે યહોવા આપણા દેવ આપણા પર ક્રોધે ભરાયા, કારણ આપણે તેની સૂચના પ્રમાણે તેને પકડયો નહોતો.”
14 તેથી યાજકોએ અને લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાના કોશને લઇ આવવા માટે પોતાની જાતને પવિત્ર કરી. 15 યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે લેવીઓએ દેવના કોશના દાંડા પોતાના ખભા પર મૂકીને તેને ઊંચક્યો.
ગાયકો
16 પછી દાઉદે લેવીઓના આગેવાનોને તેમના અમુક કુટુંબીઓની વીણા, સિતાર, અને ઝાંઝ વગાડી આનંદના ગીતો મોટે સ્વરે ગાવા માટે નિમણૂક કરવા કહ્યું.
17 આથી લેવીઓએ નીચેના સંગીતકારોની નિંમણૂક કરી; હેમાન-યોએલનો પૂત્ર, આસાફ-બેરેખ્યાનો પુત્ર અને મરારીના કુટુંબમાંથી કૂશાયાનો પુત્ર એથાન. 18 તથા તેઓના મદદનીશ તરીકે પસંદ થયેલાઓની યાદી: ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, અહીએલ, ઉન્ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા, અને દ્વારપાળો ઓબેદ-અદોમ ને યેઇએલ.
19 આ સંગીતકારોમાંથી હેમાન, આસાફ અને એથાને કાંસાનાં ઝાંઝ વગાડવાના હતા; 20 ઝખાર્યા અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્ની, અલીઆબ, માઅસેયા અને બનાયાએ “આલામોથ”ના સૂર પ્રમાણે વીણા વગાડવાની હતી; 21 અને માત્તિથ્યા, અલીફલેહૂ મિકનેયા, ઓબેદ, અદોમ, યેહિએલ અને અઝાઝયાએ “સેંમીનીથ” ના સૂર પ્રમાણે સિતાર વગાડવાની હતી. 22 લેવીઓનો એક આગેવાન કનાન્યા રાગરાગણીની તાલીમ આપતો હતો અને ગવૈયાનો ઉસ્તાદ હતો; તેથી તેને આ બધાનો ઉપરી નિમવામાં આવ્યો.
23 બેરખ્યા એલ્કાનાહને કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી. 24 અને યાજકો, શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાઇ, ઝખાર્યા, બનાયાર અને અલીએઝેરને દેવના કોશ સમક્ષ ચાંદીના રણશિંગા વગાડવાના હતા અને ઓબેદ-અદોમ અને યહિયાએ પણ કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી.
25 દાઉદ, ઇસ્રાએલના વડીલો અને સૈન્યના ઉચ્ચ અમલદારો ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાના કરાર કોશને બહુ આનંદ અને ઉલ્લાસ સાથે યરૂશાલેમ લઇ આવવા માટે ગયા. 26 યહોવાના કરારકોશ ઊંચકનારા લેવીઓને જ્યારે દેવે સહાય કરી ત્યારે તેઓએ તેને સાત બળદો તથા સાત ઘેટાનું અર્પણ કર્યું. 27 કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકગણના સભ્યો અને ગાયકગણના આગેવાન કનાન્યાએ શણના ઝભ્ભા પહેર્યા હતા. દાઉદે પણ શણનો એફોદ પહેર્યો હતો.
28 આમ સર્વ ઇસ્રાએલી લોકો હર્ષનાદ કરતા, શરણાઇ રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડી મોટી ગર્જના કરતા કરતા યહોવાના કરારકોશ લઇ આવ્યા.
29 જ્યારે કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી જોયું, તો રાજા દાઉદ આનંદમાં આવીને નાચતો હતો. અને એ જોઇને તેના દિલમાં રાજા પ્રત્યે ધૃણા થઇ.
16 દાઉદે બાંધેલા નવા મંડપમાં દેવનો કોશ લાવવામાં આવ્યો અને દેવની સમક્ષ દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યાં. 2 અર્પણોની વિધિ પૂરી થઇ પછી દાઉદે યહોવાના નામે લોકોને આશીર્વાદ આપ્યા. 3 પછી તેણે હાજર રહેલી પ્રત્યેક ઇસ્રાએલી વ્યકિતને, સ્ત્રી તથા પુરુષને સમાન રીતે માંસનો કટકો, સૂકી દ્રાક્ષાનો અકેક ઝૂમખો તથા એક એક ભાખરી વહેંચી આપી.
4 યહોવાના કોશ સમક્ષ સેવા કરવા, યાજક તરીકે ઇસ્રાએલના યહોવા દેવની સેવા કરવા, લોકોને તેના વિષે યાદ દેવડાવવા માટે અને તેની સતત આભારસ્તુતિ કરવા; દાઉદે કેટલાંક લેવીઓને નિમ્યા. 5 આસાફ આગેવાન હતો અને ઝાંઝ વગાડતો હતો. ઝખાર્યા, યઅઝીએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-આદોમ અને યેઇએલ સિતાર અને વીણા વગાડતા હતા. 6 યાજકો બનાયા અને યાહઝીએલને યહોવાના દેવના કોશ સમક્ષ આખો વખત ચાંદીનું રણશિંગુ તે સમયે વગાડવાનુ હતું, 7 જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું.
દાઉદની આભારસ્તુતિ
8 યહોવાના નામની ઘોષણા કરો અને તેઓનો ધન્યવાદ માનો.
પ્રજાઓ માટેના તેના અદભુત કાર્યોની સ્તુતિ ગાઓ.
9 એના ગુણ-ગાન ગાઓ, અને તેની સ્તુતિગાન કરો.
તેના સર્વ અદભૂત કાર્યો વિષે વાતો કરો.
10 તમે તેના પવિત્ર નામથી ગવિર્ષ્ઠ થાઓ,
તમે યહોવાના ભકતો, આનંદો!
11 યહોવાને અને તેના સાર્મથ્યને તમે શોધો.
સદાસર્વદા તેના મુખને શોધો.
12 એનાં અનુપમ કાર્યો,
એના મુખનાં ન્યાયવચનો અને ચમત્કારને યાદ કરો.
13 તમે યહોવાના દાસ, ઇસ્રાએલના વંશજો છો,
તમે યાકૂબના વંશજો છો જેને તેમણે પસંદ કર્યા છે.
14 તે આપણા યહોવા દેવ છે.
તેનો ન્યાય સમગ્ર પૃથ્વી પર છે.
15 જે આજ્ઞા, તેણે હજારો પેઢીઓને આપી હતી,
તે કરારને તમે સદાકાળ યાદ રાખજો.
16 તેણે ઇબ્રાહિમની સાથે જે કરાર કર્યો
અને તેણે ઇસહાકને જે વચન આપ્યું.
17 યાકૂબને માટે એ જ વચન નિયમ તરીકે
અને ઇસ્રાએલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.
18 તેણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ.
તે તારી પોતાની જ માલિકીની ભૂમિ બની રહેનાર છે.”
19 તે સમયે તમે સંખ્યામાં થોડાજ હતા.
છેક થોડાંજ, ને પાછા તમે પારકા હતા.
20 એક દેશથી બીજે, ને એક પ્રજામાંથી બીજી પ્રજામાં
તેઓ ભટક્યા કરતા હતા.
21 છતાઁ યહોવાએ કોઇ અત્યાચાર થવા દીધો નહિ,
એમને માટે તેણે રાજાઓને શિક્ષા કરી.
22 “મારા અભિષિકતોને કોઇ અડશો નહિ,
મારા પ્રબોધકોને કોઇ ઉપદ્રવ કરશો નહિ.”
23 સૌ પૃથ્વીવાસી, યહોવાનાઁ ગુણગાન કરો,
દિનપ્રતિદિન સૌ તેના વિજયગાન ગાઓ.
24 દેશવિદેશમાં લોકો સમક્ષ તેના ગૌરવ અને મહિમાની વાત કરો.
એમની અદ્ભૂત પરાક્રમ-ગાથા સંભળાવો.
25 યહોવા, પરમ સ્તુત્ય ને મહાન છે,
એ સર્વ દેવો કરતાં ભયાવહ છે.
26 સર્વ લોકોના દેવ તો કેવળ મૂર્તિઓ છે!
પરંતુ યહોવાએ તો આકાશો બનાવ્યાઁ છે.
27 યહોવાની આજુબાજુ ઝળહળ પ્રકાશની આભા છે,
તેનો આવાસ આનંદથી ભરેલો છે.
28 તમે બધી પ્રજાઓ, યહોવાના ગૌરવ
અને સાર્મથ્ય વિષે બોલો.
29 યહોવાના નામનું ગૌરવ કરો;
તમે તેની સમક્ષ અર્પણ લઇ આવો,
તમે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને તેના ચરણોમાં તમારું માથુ નમાવો.
30 સમગ્ર પૃથ્વી તેની સમક્ષ થથરે છે,
અને એણે સ્થાપિત કરેલું જગ સદા અચલ રહે છે.
31 ભલે આકાશો આનંદ કરે,
ને પૃથ્વી હરખાય. “યહોવા રાજા છે” એવી ઘોષણા ભલે પ્રજાઓમાં થાય.
32 સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે,
ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.
33 અરણ્યાનાં વૃક્ષો યહોવા સમક્ષ હર્ષનાદ કરશે,
કારણકે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.
34 યહોવાનો આભાર માનો કારણ કે તે ભલા છે,
તેની કૃપા હંમેશ માટે રહે છે.
35 બોલો, “હે દેવ અમને તારણ કરનાર,
તમે અમારો ઉદ્ધાર કરો,
બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો
અને અમને એકત્રિત કરો.
અમે સહુ તમારા પવિત્ર નામનો આભાર માનીશું;
અમે તમારી સ્તુતિ ગાવા માટે ગૌરવ લઇશું.”
36 હે યહોવા, ઇસ્રાએલના દેવ,
અનાદિકાળથી તે અનંતકાળ પર્યંત તમે સ્તુત્ય થાઓ.
સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાની સ્તુતિ કરી.
37 ત્યાર પછી દાઉદે યહોવાની સામે કોશની સેવા કરવા માટે આસાફની અને તેના કુટુંબીઓની કાયમ માટે નિમણૂંક કરી. 38 ઓબેદ-અદોમ જે યદૂથૂનનો પુત્ર હતો તે અને હોસાહને તેઓના અડસઠ સબંધીઓને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યાં.
39 યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા. 40 તેમણે યહોવાએ ઇસ્રાએલ માટે ફરમાવેલી સંહિતામાં કહ્યા પ્રમાણે દરરોજ સવારે અને સાંજે યજ્ઞવેદી પર યહોવાને દહનાર્પણ ચઢાવવાનું હતું. 41 તેમની સાથે તેણે હેમાન અને યદૂથૂનને તેમ જ યહોવાની શાશ્વત કરુણા બદલ તેનાં સ્તવનગાન કરવા માટે ખાસ પસંદ કરેલા બીજા માણસોને મૂક્યા. 42 એમણે અને યદૂથૂને ચાંદીના રણશિંગડાં, ઝાંઝ અને ભજન સાથે વગાડવાનાં અન્ય વાજિંત્રો દેવ સમક્ષ વગાડવાના હતા. યદૂથૂનના પુત્રોને દ્વારપાળનું કામ સોંપવામા આવ્યું હતું.
43 પછી બધા સૌ સૌને ઘેર ચાલ્યા ગયા અને દાઉદ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા પાછો આવ્યો.
દેવનું દાઉદને વચન
17 પોતાના નવા મહેલમાં થોડો સમય રહ્યા પછી દાઉદે પ્રબોધક નાથાનને કહ્યું, “જો હું દેવદારના કાષ્ટના મહેલમાં રહું છું. પરંતુ યહોવાનો કરારકોશ મંડપમાં છે!”
2 નાથાને દાઉદને કહ્યું, “આપના મનમાં જે હોય તે કહો, કારણ, દેવ આપની પડખે છે.”
3 પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઇ.
4 “જા, અને મારા સેવક દાઉદને આ સંદેશો આપ, ‘તું મારે માટે રહેવાનું મંદિર બાંધવાનો નથી. 5 હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો ત્યારથી આજપર્યંત હું કદી કોઇ મકાનમાં રહ્યો નથી. હું એક મંડપમાંથી બીજા મંડપમાં ફરતો રહું છું. 6 ઇસ્રાએલીઓ સાથેના મારા પ્રવાસ દરમ્યાન મેં કદી મારી પ્રજાના ભરવાડ તરીકે નિમેલા નેતાઓમાંના કોઇને કદી એમ પૂછયું છે કે, તેમણે મારા માટે દેવદારનું મકાન કેમ બાંધ્યુ નથી?’
7 “મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું ચરાણમાં ઘેટાં ચરાવતો હતો. ત્યાંથી લઇને મેં તને મારા લોકો ઇસ્રાએલીઓનો આગેવાન બનાવ્યો હતો. 8 તું જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરૂષો જેવો વિખ્યાત બનાવીશ. 9 હું મારા લોકો ઇસ્રાએલીઓને માટે એક સ્થાન મુકરર કરીશ અને તેઓને તેમાં સ્થિર કરીને વસાવીશ; ત્યાં તેઓ વસશે અને કોઇ તેમને રંજાડશે નહિ અગાઉ, બનતું હતું તેવું થશે નહિ. 10 જ્યારે મે મારા લોકો ઇસ્રાએલીઓ પર ન્યાયાધીશો નિયુકત કર્યા હતા. પરંતુ તારા સર્વ શત્રુઓને તારે શરણે લાવીશ, અને હું હવે જાહેર કરું છું, હું તારા વંશજોને રાજા બનાવીશ.
11 “‘અને જ્યારે તારો સમય પૂરો થશે અને જઇને તું તારા પિતૃઓની સાથે જોડાઇશ, ત્યારે હું તારા સગા પુત્રને ગાદીએ બેસાડીશ અને તેના રાજ્યને સુરક્ષિત કરીશ. 12 તે જ મારે માટે મંદિર બંધાવશે. અને હું તેની રાજગાદીને કાયમ કરીશ. 13 હું તેનો પિતા થઇશ અને તે મારો પુત્ર થશે. મેં તારા પુરોગામી ઉપરથી મારી કૃપાષ્ટિ પાછી ખેંચી લીધી હતી તેમ હું એના પ્રત્યે કદીય દયાળુ થવાનું બંધ નહિ કરું. 14 હું એના હાથમાં મારા લોકો અને મારું રાજ્ય સોંપીશ. અને તેની ગાદી હંમેશા સુરક્ષિત રહેશે.’”
15 પછી નાથાન દાઉદ રાજા પાસે ગયો અને યહોવાએ દર્શનમાં જે કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.
દાઉદની પ્રાર્થના
16 ત્યારબાદ રાજા દાઉદ યહોવા સમક્ષ ગયો અને તેની સામે બેસીને બોલ્યો,
“હે યહોવા દેવ, હું કોણ અને મારું કુટુંબ કોણ? કે તેં મને આટલે ઊંચે સુધી ઊઠાવ્યો છે. 17 અને તેમ છતાં, હે દેવ, એટલું પૂરતું ન હોય તેમ તેઁ તારા સેવકના દૂરના ભવિષ્યના વંશજો માટે પણ વચન આપ્યું છે અને તું તો મને અત્યારથી જ એક મહાપુરૂષ ગણીને ચાલે છે. 18 તેં તારા સેવકને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તું તારા સેવકને બરાબર ઓળખે છે; 19 હે યહોવા, મારા પ્રત્યે તમારું માયાળુપણું અને તમારી ઉદારતા અતિઘણાં થયા છે અને તમે આ અદભૂત વચનો મને આપ્યાં છે, એ સર્વ તમારી મહાન ઉદારતાને કારણે છે. 20 હે યહોવા, અમે તમારા સમાન અન્ય કોઇ દેવ વિષે સાંભળ્યું નથી. તમારા સિવાય અન્ય કોઇ દેવ નથી. 21 પૃથ્વીના પટ પર તમારા ઇસ્રાએલી લોકો જેવા કોઇ લોકો છે ખરા, જેમનો ગુલામીમાંથી ઉધ્ધાર કરી, પોતાના કરી લેવા માટે દેવ જાતે ગયા હોય, જેમને માટે તમે મહાન અને ભીષણ કાર્યો કર્યા હોય, જેમને મિસરમાંથી છોડાવી લાવી તેમના માર્ગમાંથી અનેક પ્રજાઓને હાંકી કાઢી હોય? 22 તમે તમારા લોકો ઇસ્રાએલીઓને સદાને માટે અપનાવી લીધા છે અને, હે યહોવા, તમે તેમના દેવ બન્યા છો.
23 “અને હવે, હે યહોવા, તમે તમારા સેવક અને તેમના વંશ માટે જે વચન આપ્યું છે તેનું કાયમ માટે પાલન કરજો અને તમે જે કહ્યું છે તે પ્રમાણે કરજો. 24 જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય, અને લોકો કહે કે, ‘સર્વસમર્થ યહોવા ઇસ્રાએલના દેવ છે.’ અને એ રીતે તમારા સેવક દાઉદનો વંશ તમારી નજર નીચે અવિચળ રહેશે.
25 “હે મારા દેવ, તમારા આ સેવકના વંશને રાજગાદી પર સ્થાપવાનો તમારો ઇરાદો તમે મારી આગળ પ્રગટ કર્યો છે તેથી હું તમારી આગળ આવી પ્રાર્થના કરવાની હિંમત કરું છું. 26 હે યહોવા, તમે જ દેવ છો, અને તમે જ તમારા સેવકને આ શુભ વચન આપ્યુ છે. 27 આ સેવકના વંશને આશીર્વાદ આપવાની કૃપા કરશો, જેથી તે સદાસર્વદા તમારી નજર નીચે રહે. જ્યારે તમે તમારા આશીર્વાદ આપ્યા છે, તો એ આશીર્વાદ હંમેશા માટે રહો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International