Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 12-14

યોઆશ શાસન કરે છે

12 યેહૂના ઇસ્રાએલના રાજા તરીકેના શાસનના સાતમે વર્ષે યોઆશ રાજા બન્યો હતો, અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ હતું. તેની માનું નામ સિબ્યા હતું અને તે બેરશેબાની હતી. યહોયાદા યાજકના ઉપદેશાનુસાર તેણે જીવન પર્યત યહોવાની નજરમાં સાચાં ગણાય એવાં કાર્યો કર્યા હતાં. તેમ છતાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતાં, અને લોકોએ ત્યાં ધૂપ ચડાવવાનું અને દહનાર્પણો ચાલુ રાખ્યા હતા.

યહોઆશનો મંદિર જીણોર્દ્ધારનો હુકમ

યોઆશે યાજકોને કહ્યું હતું કે, “મંદિરમાં અર્પણ તરીકે આવેલી રકમ, માથાદીઠ ઉઘરાવેલી જકાત, તથા લોકોએ સ્વેચ્છાએ મંદિરમાં આપેલી રકમ યાજકોએ સ્વીકારવી જોઇએ. અને જયાં જયાં મંદિરમાં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરાવે.”

પરંતુ યાજકોએ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી મંદિરમાં જરૂરી કોઈ પણ પ્રકારનું સમારકામ કરાવ્યું નહોતું. તેથી રાજાએ બીજા યાજકોને બોલાવડાવ્યા, અને તેમને પૂછયું, “તમે મંદિરનું સમારકામ કેમ કરાવતા નથી? હવેથી તમારે તમારા ભંડારમાંથી કોઇ પૈસા લેવાના નથી, કારણ કે તે પૈસા તમને મંદિરના સમારકામ માટે આપવામાં આવ્યા હતાં.”

યાજકો લોકો પાસેથી કોઇ પૈસા ન લેવા તેમજ મંદિરનું સમારકામ બંધ કરાવવા માટે કબૂલ થયાં. પછી યહોયાદા યાજકે એક મોટી પેટી બનાવડાવી, તેના ઢાંકણામાં કાણું પડાવ્યું અને તેણે એ પેટીને મંદિરના પ્રવેશદ્વાર પાસે બલિદાનની વેદીની જમણી બાજુએ મૂકાવી. મંદિરના દરવાજે કામ કરતા યાજકો લોકો મંદિરમાં જે કોઈ પૈસા લાવતા તે બધાં તે પેટીમાં નાખતા.

10 તેમાં મૂકેલાં નાણાંથી પેટી જયારે ભરાઈ જતી ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક એ નાણાં ગણીને થેલીઓમાં મૂકતાં હતાં. 11 પછી એ તોળેલાં-ગણેલાં નાણાં તેઓ સમારકામ પર દેખરેખ રાખનારાઓને આપતા હતા. તેઓ આ નાણાં સુથાર, કડિયા, 12 લાકડાના વેપારીઓ, પથ્થર અને ઇટના વેપારીઓ, અને જેઓએ યહોવાના મંદિરના બાંધકામ માટે સામગ્રી આપી હોય તેમને અને યહોવાના મંદિરના સમારકામ માટેની સામગ્રી લેવા માટે આપતા હતા.

13 આ નાણાં યાજકો યહોવાના મંદિર માટે વાપરતા હતાં પણ ચાંદીનાં પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઇપણ જાતના સોના-ચાંદીના વાસણો આ પૈસામાંથી નહોતા લેતાં. 14 પણ તેઓ આ નાણાંમાંથી કારીગરોને મજૂરી ચૂકવતા અને સમારકામનું ખર્ચ કરતા. 15 જે દેખરેખ રાખનારા મુકાદૃમોને એ નાણાં કારીગરોને ચૂકવવા માટે આપવામાં આવતાં હતાં તેમની પાસે કશો હિસાબ માગવામાં આવતો નહોતો, કારણ કે તેઓ પ્રામાણિક અને વિશ્વાસુ હતા.

16 દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાના મંદિરમાં લાવવામાં આવતાં નહિ; એ સીધાં યાજકોને તેમના પોતાના ઉપયોગ માટે આપવામાં આવતાં હતાં. આ નાણાં પેલી પેટીમાં મૂકવામાં આવતાં નહિ.

યરૂશાલેમને ઇસ્રાએલથી બચાવતો હઝાએલ

17 આ અરસામાં અરામનો રાજા હઝાએલ ગાથની સામે યુદ્ધે ચડયો અને તેને કબજે કરી યરૂશાલેમ પર હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો.

18 તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમજ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યાં; એટલે તે યરૂશાલેમથી જતો રહ્યો.

યહોઆશનું મૃત્યુ

19 યોઆશના બીજાં કાર્યો અને તેના શાસન દરમ્યાન બનેલા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખાયેલાઁ છે.

20 તેના પોતાના નોકરો તેની વિરૂદ્ધ થઇ ગયાં. અને સિલ્લાના માર્ગ પર આવેલા મિલ્લો મુકામે તેના પોતાના ઘરમાં તે માર્યો ગયો. 21 તેને ઇજા કરીને મારનાર લોકો શિમઆથનો પુત્ર યોઝાખાર અને શોમેરનો પુત્ર યહોઝાબાદ હતા.

તેમણે તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવી દીધો અને તેના પુત્ર અમાસ્યાને તેની પછી રાજા બનાવવામાં આવ્યો.

યહોઆહાઝનું શાસન

13 જ્યારે યહૂદાના રાજા યોઆશ રાજયકાળના ત્રેવીસમા વર્ષમાં હતો ત્યાંરે યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇસ્રાએલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું.

તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપકર્મો કર્યા હતા તે ચાલુ રાખ્યાં, તેણે તે છોડ્યા નહિ. તેથી યહોવા ઇસ્રાએલીઓ પર ગુસ્સે થયા. અને તેણે તેમને વર્ષો સુધી અરામના રાજા હઝાએલને અને તેના પુત્ર બેન-હદાદને ગુલામ તરીકે સોંપી દીધાં.

ઇસ્રાએલીઓ પર દયાળુ દેવ

પરંતુ યહોઆહાઝે યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના સાંભળી, કારણ અરામના રાજાએ ઇસ્રાએલના લોકોને કેવો ત્રાસ આપ્યો હતો, તે તેણે જોયું હતું.

યહોવાએ ઇસ્રાએલને એક છોડાવનાર આપ્યો અને તેણે ઇસ્રાએલીઓને અરામના પંજામાંથી મુકત કર્યા અને તેઓ ફરી પોતાનાં ઘરમાં પહેલાંની જેમ સુખશાંતિમાં રહેવા લાગ્યા.

છતાં યરોબઆમે તેમની પાસે જે પાપકર્મો કરાવ્યાં હતાં તે તેમણે છોડયાં નહિ. સમરૂનમાં અશેરા દેવીની એક પ્રતિમા પણ હતી.

યહોઆહાઝ પાસે કોઇ સૈન્ય નહોતું સિવાય કે 50 ઘોડેસવાર, 10 રથ અને 10,000 સૈનિકો કારણ કે અરામના રાજાએ તેના બાકીના સૈન્યનો નાશ કરી નાખ્યો હતો.

યહોઆહાઝના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. પછી યહોઆહાઝ મરી ગયો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, પછી તેનો પુત્ર યોઆશ ગાદી પર બેઠો.

યોઆશનું ઇસ્રાએલ પર શાસન

10 જ્યારે યહૂદાના રાજા યોઆશના શાસનના સાડત્રીસ વર્ષમાં હતો, ત્યારે યહોઆહાઝનો પુત્ર યોઆશ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે સોળ વર્ષ રાજ કર્યું, 11 તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપ કર્મો કર્યા હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ. 12 રાજાનું શાસન, તેમાં બનેલા અને તેણે કરેલાં મહાન કાર્યો તેણે યહૂદાના અમાસ્યા સામે લડેલી લડાઇ સહિત, બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલું છે. 13 અને, યોઆશ મરી ગયો અને તેને સમરૂનમાં ઇસ્રાએલના બધા રાજાઓ ભેગો દફનાવવામાં આવ્યો પછી, તેની જગ્યાએ, યરોબઆમ રાજા બન્યો.

એલિશાની મુલાકાતે યહોઆશ

14 જયારે એલિશા ભયંકર માંદગીમાં પથારીવશ થઈ ગયો ત્યારે ઇસ્રાએલનો રાજા યોઆશ તેની પાસે જઈને રડવા લાગ્યો અને બોલ્યો, “હે મારા પિતા! મારા પિતા! તમે તો ઇસ્રાએલના રથ અને ઘોડેસવાર છો!”

15 એલિશાએ કહ્યું, “ધનુષબાણ લઈ આવ.”

અને તેણે ધનુષબાણ મંગાવ્યાં. 16 પછી એલિશાએ રાજાને કહ્યું, “ધનુષ્ય પર બાણ ચડાવ.” અને તેણે ચડાવ્યું, એલિશાએ પોતાના હાથ તેના હાથ પર મૂકયા અને કહ્યું, 17 “પૂર્વ તરફની બારી ઉઘાડી નાખ.” અને યોઆશે તેમ કર્યુ, પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે છોડયું,

એટલે એલિશા બોલ્યો, “એ અરામ પરના યહોવાના વિજયનું બાણ હતું. તું અરામને એફક પાસે પૂરેપૂરી હાર આપીશ!”

18 “હવે બીજા બાણ ઉપાડી લે.” એલિશાએ કહ્યું, રાજાએ બાણ ઉપાડી લીધાં એટલે એલિશાએ કહ્યું, “જમીન પર પછાડ.”

રાજાએ ત્રણ વાર પછાડયાં અને પછી તે અટકી ગયો. 19 તેથી દેવના માણસ એલિશા તેના પર ગુસ્સે થયા અને રાજાને કહ્યું, “તારે જમીનમાં પાંચ કે છ બાણ મારવા જોઈતા હતાં. જો એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેં તેઓને પરાજય આપ્યો હોત, હવે તું અરામને ફકત ત્રણ જ વાર હરાવી શકીશ.”

એલિશાની સમાધિ પાસે અદ્ભૂત

20 ત્યારબાદ એલિશાનું મૃત્યુ થયું અને તેને દફનાવવામાં આવ્યો.

વરસોવરસ મોઆબી દરોડાખોરોની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી. 21 એક વખત થોડાં લોકો (ઇસ્રાએલીઓ) એક માણસને દફનાવતા હતા. જેવા ઇસ્રાએલીઓએ મોઆબી સૈનિકોને જોયા, લોકો મૃતદેહને એલિશાની કબરની અંદર ફેંકી દઈને ભાગી ગયા. જેવો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડ્યો કે મૃત માણસ જીવતો થઈ ગયો અને ઊઠીને ઊભો થઈ ગયો.

ઇસ્રાએલી શહેરો ફરી જીતતો યહોઆશ

22 યહોઆહાઝના સમગ્ર રાજયશાસન દરમ્યાન અરામના રાજા હઝાએલે ઇસ્રાએલીઓ પર ત્રાસ ગુજાર્યો હતો. 23 પણ યહોવાએ કૃપા કરીને તેમની દયા ખાધી. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને કારણે તેની તેમના પ્રત્યે કૃપાદૃષ્ટિ હતી અને તેમનો નાશ કરવાની તેની ઇચ્છા નહોતી, તેમ અત્યાર સુધી તેણે તેમને પોતાની નજરથી દૂર પણ કર્યા નથી.

24 અરામનો રાજા હઝાએલ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર બેનહદાદ તેની ગાદીએ આવ્યો. 25 ત્યાર પછી યોઆશે તેમને ત્રણ વખત પરાજય આપ્યો, અને જે શહેરો હઝાએલના પિતા બેનહદાદે તેના પિતા યહોઆહાઝ પાસેથી લઇ લીધાં હતાં તે પાછાં કબજે કર્યાં.

યહૂદામાં અમાસ્યાનું રાજ

14 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશને બીજે વર્ષે યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા રાજ કરવા લાગ્યો. તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું અને તે યરૂશાલેમની હતી. અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે છેક પિતૃ દાઉદના જેવું તો નહિ જ, તે બધી બાબતમાં પોતાના પિતા યોઆશને પગલે ચાલ્યો. પણ તેણે મહત્વના સ્થાનકોનો, મહત્વની જગ્યાઓનો નાશ નહોતો કર્યો. અને લોકોએ ત્યાં બલિદાનો અર્પણ કરવાનું અને ધૂપ પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.

તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા, પણ તેમના બાળકોને જીવતા રહેવા દીધા, કારણ, મૂસાની સંહિતામાં યહોવાએ જણાવેલું છે કે, “સંતાનોના ગુના માટે મા-બાપને કે મા-બાપના ગુના માટે સંતાનોને દેહાંતદંડ ન દેવો, પ્રત્યેકને તેના પોતાના પાપ માટે જ દેહાંતદંડ દેવો.”

અમાસ્યાએ 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં હરાવ્યા અને તેણે સેલા નગરને કબજે પણ કરી લીધું, તેણે તેનું નામ “યોકતએલ” પાડયું અને આજે એ જ નામે ઓળખાય છે.

યહોઆશ વિરૂદ્ધ યુદ્ધ ઇચ્છતો અમાસ્યા

પછી અમાસ્યાએ ઇસ્રાએલના રાજા યોઆશને સંદેશો મોકલીને પડકાર કર્યો, “તારું સૈન્ય લઈને યુદ્ધ માટે આવી જા.”

રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી. 10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”

11 છતાં અમાસ્યાએ સાંભળવાની ચિંતા કરી નહિ, તેથી ઇસ્રાએલનાં રાજા યોઆશ યુદ્ધે ચડયો, તે અને અમાસ્યા યહૂદામાં આવેલા બેથશેમશ આગળ બળનું પારખું કરવા ભેગા થયા. 12 ઇસ્રાએલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને તેઓ પોતાને ઘેર ભાગી ગયા. યહૂદાના રાજા અમાસ્યાને પકડયો અને યરૂશાલેમ ગયા. 13 ત્યાં તેણે એફ્રાઈમ દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધીનો 400 હાથની યરૂશાલેમની ભીત તોડી પાડી. 14 તેણે બધું સોનું, ચાંદી, મંદિરમા મળી શકે તે બધાં વાસણો, અને રાજમહેલનો ખજાનો લઇ લીધો અને બંધકોને પણ લઇને તે સમરૂન પાછો ગયો.

15 યોઆશના શાસનનાં બીજાં બનાવો, તેનો વિજય અને યહૂદાના રાજા અમાસ્યા સાથેનાં તેનાં યુદ્ધો તે બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 16 આમ યોઆશ પિતૃલોકને પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યરોબઆમ રાજગાદી પર આવ્યો.

અમાસ્યાનું મૃત્યુ

17 ઇસ્રાએલના રાજા યોઆશના મૃત્યુ પછી યહૂદાનો રાજા અમાસ્યા 15 વર્ષ જીવ્યો. 18 અમાસ્યાના શાસન દરમ્યાનના બીજા બનાવો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 19 તેની સામે યરૂશાલેમમાં કાવતરું રચવામાં આવ્યું, તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેના દુશ્મનોએ હત્યારા મોકલીને તેનો પીછો કર્યો અને ત્યાં જ તેને મારી નાખવામાં આવ્યો. 20 ઘોડસવારો મારફતે તેના મૃતદેહને યરૂશાલેમ લાવવામાં આવ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.

યહૂદા પર રાજ શરૂ કરતો અઝાર્યા

21 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો. 22 અમાસ્યાના અવસાન પછી અઝાર્યાએ એલાથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.

યરોબઆમ બીજાનું ઇસ્રાએલ પર રાજ

23 યહૂદાના રાજા યોઆશના પુત્ર અમાસ્યાના શાસનના 15મા વર્ષે યોઆશનો પુત્ર યરોબઆમ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 41 વર્ષ રાજ કર્યું. 24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓને પાપકર્મો કરવા પ્રેર્યા હતાં તે એણે છોડયાં નહિ, 25 ઇસ્રાએલના દેવ યહોવાએ પોતાના સેવક ગાથ-હેફેરના પ્રબોધક આમિત્તાયના પુત્ર યૂના મારફતે ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબઆમે હમાથના ઘાટથી તે મૃતસરોવર સુધીની ઇસ્રાએલની સરહદ પાછી મેળવી લીધી, 26 કારણ, યહોવાએ જોઈ લીધું હતું કે ઇસ્રાએલને કેવાં આકરાં કષ્ટો સહન કરવાં પડે છે અને ઇસ્રાએલની સાથે ચડે એવું કોઈ રહ્યું નહોતું. 27 પણ યહોવાએ ઇસ્રાએલના નામને ધરતીના પડ પરથી ભૂંસી ન નાખવાનો નિશ્ચય કર્યો હતો, આથી તેમણે યોઆશના પુત્ર યરોબઆમ મારફત તેમણે તેઓને વિજય અપાવ્યા.

28 યરોબઆમના શાસનના બીજા બનાવો, તેણે મેળવેલા વિજયો અને તેના પરાક્રમો અને તેણે દમસ્ક અને હમાથ પર ઇસ્રાએલનો કબજો પાછો મેળવી આપ્યો એ બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલું છે. 29 પછી યરોબઆમ બીજો મૃત્યુ પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજગાદી પર આવ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International