Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 10-12

તીડો

10 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જા. કારણ મેં તેને અને તેના અમલદારોને એટલા માંટે હઠાગ્રહી બનાવ્યા છે કે જેથી હું તેમને માંરા શક્તિશાળી ચમત્કાર બતાવી શકું. અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં આ મિસરના લોકોને કેવી સખત સજા આપી હતી, અને મેં તેમને શું ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું જ યહોવા છું.”

એટલા માંટે મૂસા અને હારુન ફારુન પાસે ગયા અને કહ્યું, “હિબ્રૂઓના દેવ યહોવા આ કહે છે; ‘તું કયાં સુધી માંરી આજ્ઞાનું પાલન કરવા ના કરીશ? માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે. ધ્યાન રાખ, જો તું માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો યાદ રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડો લાવીશ. અને તે લોકો જમીનને એવી ઢાંકી દેશે કે કોઈ જમીન જોવા જ પામશે નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ વધ્યું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંનું એકેએક વૃક્ષ ખાઈ જશે. તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમાંમ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં રહેવાનું શરુ કર્યુ ત્યારથી કદી ન જોયા હોય તેના કરતા વધારે તીડો હશે.’” ત્યારબાદ મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.

ફારુનના અમલદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકોની જાળમાં ફસાએલા રહીશું? એ લોકોને એમના દેવ યહોવાની ઉપાસના કરવા જવા દો. તમે એમને જવા નહિ દો તો, તમને ખબર પડે તે પહેલા, મિસરનો વિનાશ થઈ જશે!”

એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે પાછા બોલાવવામાં આવ્યા. પછી ફારુને તેમને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમાંરા દેવ યહોવાની ઉપાસના કરો, પણ તમે કોણ કોણ જશો?”

મૂસાએ જવાબ આપ્યો, “અમાંરા યુવાન અને વૃદ્ધ બધાંજ જશે; અને અમે અમાંરા પુત્રપુત્રીઓ તથા ઘેટાંબકરાં અને ઢોરને પણ લઈ જઈશું. અમે બધાં જ જઈશું, કારણ એ અમાંરા માંટે અમાંરા યહોવાનો ઉત્સવ છે.”

10 ફારુને તેમને કહ્યું, “હું તમને અને તમાંરાં સર્વ બાળબચ્ચાંને મિસરમાંથી જવા દઉ તે પહેલા દેવ ખરેખર તમાંરી સાથે હોવા જોઈયે. મને લાગે છે કે તમે કઈ ખરાબ વિચારી રહ્યાં છો. 11 ના ભાઈ ના, જાઓ, એકલા પુરુષો જાઓ અને યહોવાની ઉપાસના કરો. એટલી જ તમાંરી માંગણી હતી. હવે તમાંરા બધાજ લોકો જઈ શકે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને જવા દીધાં.

12 પછી યહોવાએ મૂસાને કહ્યું, “મિસરની ભૂમિ પર તારો હાથ ફેલાવ એટલે મિસર ઉપર તીડો આવશે. તીડો મિસરની તમાંમ ભૂમિ પર પ્રસરી જશે અને કરાથી બચી ગયેલાં તમાંમ વૃક્ષો અને છોડોને ખાઈ જશે.”

13 મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઉઠાવી અને યહોવાએ તે આખો દિવસ અને આખી રાત પૂર્વ તરફથી પવન ફૂંકાવ્યો, અને સવાર થતાં સુધીમાં તો એ તોફાની પૂર્વનો પવન તીડોના ટોળાં લઈ આવ્યો. 14 સમગ્ર મિસર પર તીડો ચડી આવ્યાં અને દેશભરમાં પ્રવેશી અને ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે નહિ. 15 તીડોનાં ટોળે ટોળાં સમગ્ર ભૂમિ પર છવાઈ ગયા અને ધરતી કાળી કાળી થઈ ગઈ. કરામાંથી બચી ગયેલા મિસર દેશના તમાંમ છોડો અને વૃક્ષો ઉપરનાં બધાંજ ફળ તેઓ ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને છોડો નામશેષ થઈ ગયા. કોઈ પણ છોડ પર એકે પાંદડું રહ્યું નહિ.

16 ફારુને મૂસા અને હારુનને વહેલા બોલાવડાવ્યા, અને તેણે કહ્યું, “મેં તમાંરા દેવ અને તમાંરી વિરુધ્ધ પાપ કર્યુ છે. 17 આ વાર માંરો ગુનો માંફ કરો, અને તમાંરા દેવ યહોવાને પ્રાર્થના કરો અને તેમને અરજ કરો કે તે મને આ ‘મોત’ ના તીડો માંરામાંથી બહાર કાઢે.”

18 મૂસા ફારુનની પાસેથી વિદાય થયો અને તેણે યહોવાને પ્રાર્થના કરી. 19 એટલે યહોવાએ પવનની દિશા બદલી નાંખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફૂંકાવા લાગ્યો. અને તેણે તીડોને ઉપાડીને રાતા સમુદ્રમાં હાંકી કાઢયાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ. 20 પરંતુ યહોવાએ ફારુનને વળી પાછો હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇસ્રાએલીઓને જવા ન દીધા.

સર્વત્ર અંધકાર

21 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથોને આકાશ તરફ ફેલાવ. એટલે ગાઢ અંધકાર મિસર દેશને ઢાંકી દેશે, એ અંધકાર એટલો બધો ગાઢ હશે કે તમે તેને સ્પર્શ કરીને અનુભવી શકશો.”

22 એટલે મૂસાએ હવામાં આકાશ તરફ હાથ ઉગામ્યો અને પ્રગાઢ અંધકારે મિસર દેશને ઢાંકી દીધો. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર રહ્યો. 23 કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શક્તી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊભું થઈ શક્યું નહિ, પરંતુ તે બધી જ જગ્યાઓ પર જ્યાં ઇસ્રાએલના લોકો રહેતા હતા ત્યાં પ્રકાશ હતો.

24 ફારુને મૂસાને ફરી બોલાવ્યો અને કહ્યું, “જાઓ, અને યહોવાની ઉપાસના કરો. તમે તમાંરી સાથે તમાંરા બાળકોને પણ લઈ જઈ શકો છો. ફકત તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરને પાછળ મૂક્તા જજો.”

25 મૂસા એ કહ્યું, “અમે અમાંરા ઘેટાંબકરાં અને ઢોર અમાંરી સાથે લઈ જઈશું એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તમે અમને યજ્ઞ માંટેના અર્પણો પણ આપશો અને અમે લોકો એ અર્પણોનો દેવ યહોવાની ઉપાસના માંટે ઉપયોગ કરીશું. 26 અમે લોકો અમાંરાં ઢોર અમાંરી સાથે અમાંરા દેવ યહોવાની ઉપાસના માંટે લઈ જઈશું. એક પણ ઢોરના પગની ખરી પાછળ રહેવી જોઈએ નહિ. અમાંરા ઢોરોમાંથી અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ ચઢાવવાના છીએ, અને જ્યાં સુધી અમે તે જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમાંરે યહોવાને શું અર્પણ કરવાનું છે? તેથી આ બધી જ વસ્તુઓ તો જરૂર અમે અમાંરી સાથે લઈ જઈશું.”

27 યહોવાએ ફારુનને પાછો હઠાગ્રહી બનાવ્યો, તેથી ફારુને તેમને જવા દેવા માંટે ના પાડી. 28 પછી ફારુને મૂસાને કહ્યું, “માંરી પાસેથી દૂર હઠ, હું નથી ઈચ્છતો કે તું ફરીવાર અહીં આવે. એમ છતાં જો તું મને મળવા આવીશ તો માંર્યો જઈશ, ખબરદાર! મને ફરી મોઢું બતાવ્યું તો! અને જો બતાવ્યું તો તે જ દિવસે મૂઓ જાણજે.”

29 પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી તમને મળવા કદાપી આવીશ નહિ.”

પ્રથમ જનિત બાળકોનાં અવસાન

11 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હજી ફારુન અને મિસરની વિરુદ્ધ હું એક વધારે આફત લાવીશ. ત્યાર પછી તે તમને લોકોને અહીંથી જવા દેશે; નિશ્ચે તે તમને બધાંને અહીંથી જવા માંટે અરજ કરશે. તમે ઇસ્રાએલના લોકોને આ સંદેશો અવશ્ય આપજો; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસે અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસે સોનાચાંદીના અલંકારો માંગી લે. અને યહોવા મિસરવાસીઓના હૃદયમાં ઇસ્રાએલી લોકો માંટે સદભાવ પેદા કરશે. મિસરના અમલદારો અને લોકો મૂસાને બહુ મોટો માંનવ માંનવા લાગ્યા.’”

મૂસાએ લોકોને કહ્યું, “યહોવા એમ કહે છે કે, ‘આજે મધરાત્રે હું મિસરમાંથી પસાર થઈશ. અને મિસરમાં પહેલા ખોળાનાં બધાંજ બાળકોનાં મૃત્યુ થશે. રાજગાદી ઉપર બેસનાર ફારુનના પ્રથમજનિત રાજકુમાંરથી માંડીને ઘંટીએ દળણાં દળનારી દાસીના પ્રથમજનિત સુધીનાં તમાંમ ઉપરાંત પશુઓનાં પણ બધાંજ પ્રથમજનિત બચ્ચાં પણ મૃત્યુ પામશે. અને સમગ્ર મિસર દેશમાં ભારે રડારોળ થશે, તે પહેલાં કદી ન હતો એના કરતા વધારે ખરાબ હશે અને ભવિષ્યમાં કદી થશે નહિ. પરંતુ ઇસ્રાએલના કોઈ પણ મનુષ્યને કશી પણ ઈજા થશે નહિ. કૂતરું પણ તેમની સામે ભસશે નહિ, ઇસ્રાએલના કોઈ પણ માંણસ અથવા તેમના કોઈ પણ જાનવરોને ઈજા થશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવા મિસરીઓ તથા ઇસ્રાએલ પુત્રો વચ્ચે ભેદ રાખે છે. અને પછી તમાંરા આ બધાજ ચાકરો, મિસરવાસીઓ માંથા નમાંવીને માંરી પૂજા કરશે. તેઓ કહેશે કે, “ચાલ્યા જાઓ! તમાંરા બધાં લોકોને તમાંરી સાથે લઈ જાવ” અને પછી હું ક્રોધથી ફારુન પાસેથી નીકળી જઈશ.’”

પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુને તમાંરી વાત સાંભળી નથી, કેમ? તેથી હું મિસર દેશમાં વધુ મહાન પરચા બતાવી શકું.” 10 અને એ જ કારણે મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાએ ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇસ્રાએલી લોકોને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ.

મુક્તિ પર્વનો નિર્દેશ

12 મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાએ તેમને કહ્યું, “તમાંરા લોકો માંટે આ મહિનો વર્ષનો પહેલો મહિનો ગણાશે. ઇસ્રાએલના આખા સમાંજને આદેશ છે કે: આ મહિનાના દશમાં દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવારના માંટે એક ઘેટાનુ બચ્ચું પ્રાપ્ત કરશે. અને જો પૂરતાં પ્રમાંણમાં પરિવારમાં એક હલવાનને ખાઈ શકે તેટલા માંણસો ના હોય તો પોતાના કેટલાક પડોશીઓને નિમંત્રણ આપવું. પ્રત્યેક વ્યક્તિને પુરતું ખાવા મળી રહે તેટલું હલવાનનું માંસ હોવું જોઈએ. તમે પસંદ કરેલ હલવાન ખોડ-ખાંપણ વગરનું એક વર્ષનું નરજાતિનું અને તે ઘેટા અથવા બકરામાંથી જ પસંદ કરવું જોઈએ. તમાંરે આ હલવાનને મહીનાના ચૌદમાં દિવસ સુધી સંભાળપૂર્વક રાખવું જોઈએ. તે દિવસે ઇસ્રાએલી સમાંજના તમાંમ લોકો સંધ્યાકાળે તેમનાં હલવાનનો વધ કરશે. તમાંરે તે હલવાનોનું લોહી ભેગું કરવું જોઈએ. જે જે ઘરમાં એ ખાવાનું હોય તે તે ઘરની બંને બારસાખ ઉપર અને ઓતરંગ ઉપર છાંટવું જોઈએ.

“તે જ રાત્રે તમાંરે હલવાનના માંસને શેકી લેવું અને પછી બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું. અને એ માંસ કાચુ કે પાણીમાં બાફીને ન ખાવું. પણ પગ, માંથું, અને આંતરડા સાથે શેકીને ખાવું. 10 તે જ રાત્રે બધું જ માંસ ખાઈ લેવું જોઈએ. અને જો એમાંનું કંઈ સવાર સુધી રહે તો તે માંસને તમાંરે આગમાં બાળી મૂકવું.

11 “અને તે તમાંરે આ રીતે જ ખાવું જોઈએ; તમાંરે યાત્રામાં જતા હોય તેવા કપડા પહેરવા, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું, કેમકે આ દેવનુ દુર્લક્ષ છે-એ સમય જ્યારે દેવે પોતાનાં લોકોનું રક્ષણ કર્યુ અને તેમને વહેલા મિસરની બહાર લઈ ગયા.

12 “આજે રાત્રે હું મિસરમાં થઈને જઈશ, અને આખા મિસર દેશનાં બધાં પ્રથમજનિત બાળકોને માંરી નાખીશ. પછી તે માંણસ હોય કે પશુ: મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેમને બતાવીશ કે હું યહોવા છું. 13 પરંતુ તમાંરા ઘર ઉપર લાગેલું એ લોહી એ તમે ત્યાં રહ્યાં છો તેની નિશાની બની રહેશે અને જ્યારે હું લોહી જોઈશ એટલે તમને છોડીને આગળ ચાલ્યો જઈશ. હું મિસરના લોકો માંટે વિનાશક કાર્યો કરીશ પણ તેમાંના કોઈ પણ ખરાબ રોગો તમાંરો નાશ નહિ કરે.

14 “તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરશો, અને તમાંરે એને યહોવાના ઉત્સવ તરીકે ઊજવવો. અને નિત્ય નિયમાંનુસાર તમાંરા વંશજોએ યહોવાના માંનમાં તેની ઊજવણી કરવી. 15 આ પવિત્ર પર્વના સાત દિવસો સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. આ પવિત્ર પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર હઠાવી દેવું. અને જો કોઈ વ્યક્તિ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇસ્રાએલથી જુદો કરવામાં આવશે. 16 આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને સાતમાં અંતિમ દિવસે પવિત્ર ધર્મસભાઓ ભરવી. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માંત્ર પ્રત્યેકને જમવા માંટે રસોઈ તૈયાર કરવી. 17 તમાંરે બેખમીર રોટલીનું પર્વ ઉજવવું, કારણ કે એ જ દિવસે મેં તમાંરા લોકોને ટુકડીવાર મિસર દેશમાંથી બહાર કાઢયાં હતાં, તેથી એ દિવસે તમાંરા વંશજોએ કાનૂન પાળવો. 18 પ્રથમ મહિનાના ચૌદમાં દિવસની સાંજથી માંડીને તે માંસના એકવીસમાં દિવસની સાંજ સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. 19 સાત દિવસ સુધી તમાંરા ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ વ્યક્તિ ખમીરવાળી વસ્તુ ખાશે તો તેનો ઇસ્રાએલી સમાંજમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે વિદેશનો હોય. 20 ખમીરવાળી કોઈ પણ વસ્તુ તમાંરે ખાવી નહિ અને તમાંરાં બધાં જ ઘરોમાં તમાંરે બેખમીર રોટલી જ ખાવાની છે.”

21 તેથી મૂસાએ બધા જ વડીલોને એક જગ્યાએ બોલાવ્યા અને તેમને કહ્યું, “જાઓ, તમાંરા પરિવાર પ્રમાંણે હલવાન લઈ આવો અને એ પાસ્ખાના બલિને કાપો. 22 પછી પાંદડાનો ઝુફો લઈને રકતના કૂંડામાં બોળી ઓતરંગને અને બન્ને બારસાખ પર તે રકત લગાડજો, અને સવાર સુધી તમાંરામાંથી કોઈએ ઘરમાંથી બહાર નીકળવું નહિ. 23 કારણ કે મિસરવાસીઓના બધાં પ્રથમ જનિતોનો સંહાર કરવા યહોવા દેશમાંથી પસાર થશે. અને તે સમયે તેઓ તમાંરા ઘરની બે બારસાખ પર અને ઓતરંગ પર રકત જોશે એટલે તે તમાંરું બારણું ટાળીને આગળ જશે અને મોતના દેવદૂતને તમાંરા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ. 24 તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. આ નિયમ તમાંરા પોતાને માંટે અને તમાંરા વંશજોને માંટે કાયમી નિયમ તરીકે સમજીને પાળજો. 25 અને યહોવાએ તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમાંરે આ નિયમનું પાલન કરવું. 26 જ્યારે તમને લોકોને તમાંરાં બાળકો પૂછશે, ‘આપણે આ ઉત્સવ શા માંટે ઉજવીએ છીએ?’ 27 ત્યારે તમે લોકો કહેશો, ‘એ તો યહોવાના માંનમાં પાસ્ખા યજ્ઞ છે, કારણ કે જ્યારે યહોવાએ મિસર વાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને ટાળીને આગળ ચાલ્યા જઈને તેમણે આપણાં ઘરોને ઉગારી લીધાં હતા.’”

ત્યારે ઇસ્રાએલીઓએ મસ્તક નમાંવી પ્રણામ કર્યા. 28 યહોવાએ આ આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો. તેથી ઇસ્રાએલના લોકોએ યહોવાના આદેશ પ્રમાંણે કર્યુ.

29 અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો. 30 ફારુન અને તેના બધાં જ અમલદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠયા. સમગ્ર મિસરમાં ભયંકર આકંદ હતો. કારણ કે જેના ઘરમાં કોઈ પ્રથમજનિત પુત્રનું મરણ ન થયું હોય, એવું કોઈ ઘર મિસરમાં નહોતું.

ઇસ્રાએલીઓની મિસરમાંથી મુક્તિ

31 એટલે તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને બંનેને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “તૈયાર થઈ જાઓ, અને માંરી પ્રજામાંથી ચાલ્યા જાઓ! તમે અને ઇસ્રાએલીઓ બંન્ને જાઓ, અને તમે જે કહ્યું હતું તે પ્રમાંણે યહોવાની ઉપાસના કરો. 32 અને તમાંરા કહ્યાં પ્રમાંણે તમે તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરઢાંખર પણ લઈ જાઓ, માંરી વિદાય લો, અને મને આશિષ આપો.” 33 મિસરવાસીઓ, એ લોકોને જેમ બને તેમ વહેલા દેશ છોડી જવા દબાણ કરીને કહેવા લાગ્યા, “જો તમે લોકો નહિ જાઓ તો અમે બધા મરી જઈશું.”

34 ઇસ્રાએલના લોકો પાસે રોટલીના લોટમાં ખમીર નાખવા જેટલો પણ સમય ન હતો, તેથી તે લોકોએ આથો ચડયા વગરનો જ લોટ અને કથરોટ ચાદરમાં બાંધીને ખભે લઈ લીધું. 35 પછી ઇસ્રાએલના લોકોએ મૂસાના કહ્યા પ્રમાંણે કર્યુ, તેમણે પોતાના પડોશીઓ પાસેથી સોનાચાંદીના ઘરેણાં અને વસ્ત્રો માંગી લીધાં હતાં. 36 યહોવાએ મિસરવાસીઓના હૃદયમાં એ લોકોના માંટે સદભાવ પેદા કર્યો હતો, તેથી તેઓએ ઇસ્રાએલીઓએ જે જે માંગ્યું તે તેમણે આપ્યું. આમ ઇસ્રાએલી લોકોને મિસરવાસીઓનું ધન પ્રાપ્ત થયું.

37 ઇસ્રાએલના લોકો પગપાળા રામસેસથી સુક્કોથ જવા નીકળ્યા. લગભગ 6,00,000 પુરુષો અને સ્ત્રી બાળકો તો જુદાં હતાં. 38 જુદી જુદી જાતના લોકો મોટી સંખ્યામાં તેમની સાથે આવ્યા. અને પુષ્કળ ઘેટાંબકરાં અને ઢોરઢાંખર પણ હતાં. 39 પરંતુ લોકો પાસે લોટમાં ખમીર નાખવાનો સમય ન હતો, તેથી મિસરથી જે લોટ લાવ્યા હતા તેની બેખમીર રોટલી બનાવી. આથો ચડયો નહોતો, કારણ કે તેમને મિસરમાંથી એકદમ હાંકી કાઢવામાં આવ્યા હતા; તેમને ભાથું તૈયાર કરવાનો પણ સમય મળ્યો નહોતો.

40 ઇસ્રાએલના લોકો મિસરમાં 430 વર્ષ રહ્યાં હતા. 41 અને 430 વર્ષ પૂરાં થતાં જ તે જ દિવસે યહોવાના લોકોની બધી ટુકડીઓ મિસર દેશમાંથી ચાલી નીકળી. 42 તે આ એક બહુ જ ખાસ રાતે લોકોએ યાદ રાખવું કે દેવે શું કર્યું હતું. ઇસ્રાએલનાં સર્વ લોકો તે રાતને હમેશા યાદ રાખશે.

43 પછી યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ વિદેશી પાસ્ખાનું ખાઈ શકે નહિ. 44 પરંતુ જો કોઈ વ્યક્તિ પૈસા આપીને ચાકર ખરીદશે અને જો તેની સુન્નત કરશે તો તે ચાકર તેમાંથી ખાઈ શકશે. 45 કોઈ પરદેશી બહારથી આવીને તમાંરા દેશમાં વસ્યો હોય અથવા કોઈ માંણસ પગારથી કામ કરતો હોય તો તે માંણસ કે મજૂર પણ એ ખાઈ શકે નહિ.

46 “દરેક પરિવારે પસાર થયેલું જમણ ઘરમાં ખાવું, જરાપણ માંસ તમાંરે બહાર લઈ જવાનું નથી. તમાંરે બલિનું એક હાડકુ સુધ્ધાં ભાગવું નહિ. 47 સમગ્ર ઇસ્રાએલી સમુદાય આ ઉત્સવને અવશ્ય પાળે અને ઉજવે. 48 પણ કોઈ વિદેશી તમાંરી સાથે રહેતો હોય અને તે જો તમાંરી પાસે યહોવાના માંનમાં પાસ્ખાપર્વ પાળવા માંગતો હોય તો તે તેના પરિવારના બધા પુરુષોની સુન્નત કરાવ્યા પછી તે પર્વમાં જોડાઈ શકે; તેને દેશનો જ વતની માંનવો. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માંણસે તે ખાવું નહિ. 49 દેશમાં જન્મ ધારણ કરનાર વતનીઓ માંટે અને તમાંરી સાથે રહેતા વિદેશીઓ માંટે પણ નિયમો તો એક જ રહેશે.”

50 ઇસ્રાએલના બધા લોકોએ એમ જ કર્યુ, યહોવાએ મૂસાને અને હારુનને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે તેમણે કર્યુ, 51 અને તે જ દિવસે યહોવા ઇસ્રાએલી લોકોને જૂથોમાં મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International