Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રકટીકરણ 17-19

પ્રાણી પરની સ્રી

17 સાત દૂતોમાંનો એક આવ્યો અને મારી સાથે વાત કરી. આ દૂતોમાંનો એક હતો જેની પાસે સાત પ્યાલા હતા. તે દૂતે કહ્યું, “આવ, અને હું તમને વિખ્યાત વેશ્યાને જે શિક્ષા કરવામાં આવશે તે બતાવીશ. તે એક કે જે ઘણી નદીઓના પાણી પર બેસે છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચારનું પાપ કર્યું છે. પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારના પાપના દ્રાક્ષારસથી છાકટા થયા છે.”

પછી તે દૂત મને આત્મામાં રણમાં લઈ ગયો. ત્યાં મેં એક સ્ત્રીને લાલ પ્રાણી પર બેઠેલી જોઈ. તે પ્રાણી તેના પર લખાયેલા ઈશ્વરનિંદક નામોથી ઢંકાયેલું હતું. તે પ્રાણીને સાત માથાં અને દસ શિંગડા હતા. તે સ્ત્રીએ જાંબલી અને લાલ રંગના વસ્ત્રો પહેર્યાં હતા. તે સોનાનાં અલંકારો અને કિંમતી પથ્થરોથી શણગારેલી હતી. તેના હાથમાં સોનાનું પ્યાલું હતું. આ પ્યાલું ભયંકર વસ્તુઓ અને તેનાં અશુદ્ધ વ્યભિચારનાં પાપોથી ભરાયેલું હતું. તેના કપાળ પર એક શીર્ષક (નામ) લખાયેલું હતું, આ શીર્ષકનો ગુપ્ત અર્થ છે. જેનું લખાણ આ પ્રમાણે હતું:

હે મહાન બાબિલોન

વેશ્યાઓની માતા

અને પૃથ્વી પરની દુષ્ટ બાબતોની માતા

મેં જોયું કે તે સ્ત્રી પીધેલી હતી. તેણે સંતોનું લોહી પીધેલું હતું જે લોકો ઈસુમાંના તેઓના વિશ્વાસ વિષે કહેતા હતા તે લોકોનું લોહી તેણે પીધું હતું.

જ્યારે મેં તે સ્ત્રીને જોઈ ત્યારે હું અતિશય આશ્ચર્ય પામ્યો. પછી તે દૂતે મને કહ્યું કે, “તું શા માટે આશ્ચર્ય પામે છે? હું તને આ સ્ત્રીનો અને જે પ્રાણી પર તે સવારી કરે છે, તે સાત માથા અને દસ શિંગડાંવાળા પ્રાણી નો મર્મ કહીશ. તું જે પ્રાણી જુએ છે તે એક વખત જીવતું હતું પણ તે પ્રાણી હમણા જીવતું નથી. પણ તે પ્રાણી જીવતુ થશે તે અસીમ ઊંડાણમાંથી બહાર નીકળશે અને વિનાશના માર્ગે જશે. પૃથ્વી પર જે લોકો રહે છે. તે આશ્ચર્ય પામશે. કારણ કે તે એક વખત જીવતું હતું, હમણા તે જીવતું નથી. પણ ફરીથી આવશે. પણ આ તે લોકો છે કે જેમના નામો દુનિયાના આરંભથી જીવનનાં પુસ્તકમાં લખેલા નથી.

“તને આ વાત સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે, તે પ્રાણી પરના સાત માથાં તે સ્ત્રી જ્યાં બેસે છે તે સાત ટેકરીઓ છે. તેઓ સાત રાજાઓ પણ છે. 10 રાજાઓમાંના પાંચ તો મરી ગયા છે. રાજાઓમાંનો એક હમણાં જીવે છે. અને તે એક જે હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે, તે ફક્ત થોડો સમય જ રહેશે. 11 તે પ્રાણી એક વખત જીવતું હતું પણ તે હાલમાં જીવતું નથી. તે જ આઠમો રાજા છે. આ આઠમો રાજા પણ તે પહેલાના સાત રાજાઓમાનો એક છે. અને તેનો વિનાશ થશે.

12 “તે દસ શિંગડાંઓ જે તમે જોયાં તે આ દસ રાજાઓ છે. જેઓને હજુ તેઓનું રાજ્ય મળ્યું નથી. પણ તેઓ એક કલાક માટે તે પ્રાણી સાથે શાસન કરવા અધિકાર મેળવશે. 13 આ રાજાઓમાંના બધા દસ નો હેતુ એક જ છે અને તેઓ તેઓની સત્તા અને અધિકાર તે પ્રાણીને આપશે. 14 તેઓ હલવાનની સાથે યુદ્ધ કરશે. પરંતુ હલવાન તેઓને હરાવશે. કારણ કે તે પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. તે તમને પોતે પસંદ કરેલા અને વિશ્વાસી જેઓને તેણે બોલાવ્યા છે તેઓના વડે તેને હરાવશે.”

15 પછી તે દૂતે મને કહ્યું કે, “જે પ્રાણી તેં જોયું છે તેના પર તે વેશ્યા બેસે છે. આ પ્રાણી તે ઘણા લોકો, જુદી જુદી જાતિઓ, રાષ્ટ્રો અને દુનિયાની ભાષાઓ છે. 16 તે જે દસ શિંગડાંઓ અને પ્રાણી જોયાં તેઓ તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેની પાસેથી બધું જ લઈ લેશે અને તેને નગ્ર છોડી દેશે. તેઓ તેના શરીરને ખાશે અને તેને અગ્નિ વડે બાળી નાખશે. 17 દેવે તેનો હેતુ પૂરો કરવાની ઈચ્છાથી દસ શિંગડાંઓ બનાવ્યાં: તેઓ તેની શાસન કરવાની સત્તા પ્રાણીને આપવા સમંત થયાં. દેવે કહેલાં વચન પૂર્ણ થશે ત્યાં સુધી તેઓ શાસન કરશે. 18 તમે જે સ્ત્રીને જોઈ તે એક મોટું શહેર છે. જે પૃથ્વીના રાજાઓ પર શાસન કરે છે.”

બાબિલોનનો વિનાશ

18 પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે:

“તેનો વિનાશ થયો છે!
    તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે!
તે ભૂતોનું ઘર બન્યું.
    તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે.
    તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે.
    તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.
પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે.
પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે
    અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.”

પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:

“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો,
    જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ.
પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.
તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે.
    તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.
તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે.
    તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો;
તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.
બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા,
    તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો;
તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું.
    હું વિધવા નથી,
    હું કદી ઉદાસ થનાર નથી.’
તેથી એક દિવસમાં આ બધી
    ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે.
તેનો અગ્નિથી નાશ થશે,
    કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.”

પૃથ્વીના રાજાઓ, જેમણે તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા અને તેની સંપત્તિમાં ભાગ પડાવ્યો તેઓ તેની આગનો ધૂમાડો જોશે. પછી તે રાજાઓ તેના મૃત્યુને કારણે રડશે અને દુ:ખી થશે. 10 તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:

“અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર,
    બાબિલોનનું બળવાન નગર!
તારી શિક્ષા એક કલાકમાં થઈ!”

11 અને પૃથ્વી પરના વેપારીઓ તેના માટે શોક કરશે અને તેને માટે દુ:ખી થશે. તેઓ દિલગીર થશે કારણ કે હવે તેઓ જે વેચે છે તેને ખરીદનારા ત્યાં કોઈ નથી. 12 તેઓ સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, સુંદર બારીક શણના કપડાં, જાંબુડી કાપડ, રેશમી તથા કિરમજી કાપડ સર્વ જાતના સુગંધીદાર કાષ્ટ, હાથીદાંતની મૂલ્યવાન કાષ્ટની, પિતળની, લોઢાની તથા સંગેમરમરની, સર્વ જાતની વસ્તુઓ વેચતાં. 13 તે વેપારીઓ, તજ, તેજાનાં, ધૂપદ્ધવ્યો, અત્તર, લોબાન, દ્ધાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંકર, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, પણ તેઓ વેચતા. તે વેપારી માણસો રડશે અને કહેશે કે:

14 “ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે.
તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે.
    તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.”

15 તે વેપારી માણસો તેની વેદનાથી ભયભીત થશે અને તેનાથી દૂર ઊભા રહેશે. આ તે માણસો છે જે વસ્તુંઓ વેચીને તેમાંથી ધનવાન થયા. તે માણસો રડશે અને શોક કરશે. 16 તેઓ કહેશે કે:

“અરેરે! ભયંકર! કેવું ભયંકર!
    બારીક શણનાં, જાંબુડી તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત
    અને સોનાથી, કિંમતી પથ્થરો અને મોતીઓથી અલંકૃત
    મહાન નગરને હાય હાય!
17 આ બધી સંપતિ એક કલાકમાં નષ્ટ થઈ!”

સર્વ નાખુદા, બધા લોકો જે વહાણોમાં સફર કરનારા છે, બધા જ ખલાસીઓ અને તે બધા લોકો જે સમુદ્ર માર્ગે પૈસા કમાનારા છે તેઓ બાબિલોનથી દૂર ઊભા રહ્યા. 18 તેઓએ તેના બળવાનો ધૂમાડો જોયો. તેઓએ મોટે સાદે કહ્યું કે: “ત્યાં આના જેવું મહાન નગર કદાપિ હતું નહિ!” 19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ ફેંકી. તેઓ રડ્યા અને વિલાપ કરવા લાગ્યાં. તેઓએ મોટા સાદે કહ્યું કે:

“અરેરે! ભયંકર! કેવું ભયંકર તે મહાન નગર!
તે બધા લોકો જેમની પાસે સમુદ્ર પર વહાણો છે, તેઓ તથા તેની સંપતિને કારણે તેઓ ધનવાન થયા.
    પરંતુ તેનો વિનાશ એક કલાકમાં થયો!
20 ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ.
સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો.
તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”

21 પછી એક શક્તિશાળી દૂતે એક મોટો પથ્થર ઉઠાવ્યો. આ પથ્થર ઘંટીના પડ જેવો મોટો હતો. તે દૂતે તે પથ્થરને દરિયામાં નાખી દીધો અને કહ્યું કે:

“તે મહાન નગર બાબિલોનને એટલી જ નિર્દયતાપૂર્વક નીચે ફેંકી દેવામાં આવશે.
    તે શહેર ફરીથી કદી જોવામાં નહિ આવે.
22 વીણા વગાડનારા, ગાનારા, બીજા વાજીંત્રો વાંસળી અને રણશિગડું વગાડનારા લોકોનું સંગીત તારામાં ફરી કદી સંભળાશે નહિ.
પ્રત્યેક કસબી જે કાંઇ કામ કરતો હોય.
ફરીથી કદી તારામાં જોવામાં આવશે નહિ.
ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ.
23 તારામાં દીવાનો પ્રકાશ ફરી કદી પ્રકાશશે નહિ.
તારામાં વર કન્યાનો અને વરરાજાનો અવાજ ફરી કદી સંભળાશે નહિ
કારણ કે તારા વેપારીઓ દુનિયાના મહાન માણસો હતા.
તારી જાદુઈ યુક્તિઓથી બધા દેશો ભ્રમમાં પડ્યા.
24 બધા લોકો જેઓને પૃથ્વી પર મારી નાખવામાં આવ્યા હતા,
    બધા પ્રબોધકો અને સંતોનું લોહી વહાવવા માટે તે (બાબિલોન) દોષિત છે.”

આકાશમાં લોકો દેવની સ્તુતિ કરે છે

19 આ પછી મેં આકાશમાં ઘણા લોકોના સમૂહના જેવો મોટો અવાજ સાંભળ્યો. તે લોકો કહેતા હતા કે:

“હાલેલુયા![a]
આપણા દેવને તારણ, મહિમા અને પરાક્રમ છે.
તેના ન્યાય ચૂકાદા સત્ય તથા બરાબર છે.
આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે.
    તેણે દુનિયાને તેનાં વ્યભિચારનાં પાપથી ભ્રષ્ટ કરી.
આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે અને તેના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”

આકાશમાં તે લોકોએ પણ કહ્યું કે:

“હાલેલુયા!
તે સળગે છે અને તેનો ધુમાડો સદા-સર્વકાળ ઊચે ચડે છે.”

પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે:

“આમીન, હાલેલુયા!”

પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે:

“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો.
તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”

પછી મેં જનસમૂહના અવાજના જેવું કંઈક સાંભળ્યું. તે પાણીના પૂરના જેવી અને ભારે ગર્જનાઓ જેવી વાણી હતી. લોકો કહેતા હતા કે:

“હાલેલુયા!
    આપણો પ્રભુ દેવ સર્વશક્તિમાન
    રાજ કરે છે.
આપણે આનંદ કરીએ અને ખુશ થઈએ અને દેવનો મહિમા ગાઇએ!
દેવને મહિમા આપીએ, કારણ કે હલવાન (ઈસુ) ના લગ્નનો દિવસ આવ્યો છે,
    હલવાનની કન્યા (મંડળી) તેની જાતે તૈયાર થઈ છે.
સુંદર શણનું વસ્ત્ર વધૂને તેણે પહેરવા માટે આપ્યું છે.
    તે શણનું વસ્ત્ર તેજસ્વી અને સ્વચ્છ છે.”

(તે સુંદર શણનું વસ્ત્ર સંતોના સત્કર્મો રૂપ છે. જે સારી વસ્તુઓ કરી છે તે.)

પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”

10 પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”

શ્વેત ઘોડા પરનો સવાર

11 પછી મેં ઊઘડેલું આકાશ જોયું. ત્યાં મારી આગળ એક શ્વેત ઘોડો હતો. ઘોડા પરનો સવાર વિશ્વાસુ તથા સાચો કહેવાય છે. તે તેના ન્યાયમાં તથા લડાઇ કરવામાં ન્યાયી છે. 12 તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે. 13 તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે. 14 આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં. તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા. તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા. 15 એક અણીદાર બેધારી તલવાર સવારના મોંમાંથી બહાર આવી. તે આ તલવારનો ઉપયોગ રાષ્ટ્રોને હરાવવા માટે કરશે. તે લોઢાના દંડથી રાષ્ટ્રો પર શાસન કરશે. તે સર્વશક્તિમાન દેવના ભયંકર કોપનો દ્રાક્ષકુંડ ખૂંદે છે. 16 તેના ઝભ્ભા પર તથા તેની જાંધ પર આ નામ લખેલું હતું:

રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ

17 પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તે દૂતે આકાશમાં ઊંચે ઊડતાં બધાં પક્ષીઓને મોટા સાદે કહ્યું કે, “દેવના સાંજના મહાન જમણ માટે સાથે મળીને આવો. 18 જેથી તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”

19 પછી મેં શ્વાપદ અને પૃથ્વીના રાજાઓને જોયા. તેઓના સૈન્યોના ઘોડેસવારો અને તેઓનાં લશ્કરો ભેગાં થયા હતાં અને લડવા તૈયાર હતા. તે જોયું. 20 પણ તે શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકો ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તે જૂઠા પ્રબોધક અને તે પ્રાણીને ગંધકથી બળનારા અગ્નિના સરોવરમાં જીવતા ફેંકી દેવામાં આવ્યાં. 21 તેમનાં સૈન્યોને ઘોડા પરના સવારના મોંઢામાથી બહાર નીકળેલી તલવાર વડે મારી નંખાયા. બધાં પક્ષીઓએ તૃપ્ત થતાં સુધી આ મૃત શરીરોને ખાધાં.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International