Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રકટીકરણ 9-12

પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું

તે પાંચમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી મેં આકાશમાંથી એક તારાને પૃથ્વી પર પડેલો જોયો. તે તારાને અતિ ઊંડા ખાડાની કૂંચી આપવામા આવી હતી. જે નીચે અસીમ ઊંડાઈ તરફ દોરે છે. પછી તે તારાએ અસીમ ઊંડાઈ તરફ દોરતા ખાડાને ઉઘાડ્યો. તે ખાડામાંથી મોટી ભઠ્ઠીનાના ધૂમાડા જેવો ધુમાડો નીકળ્યો; ખાડામાથી નીકળતા ધુમાડાને કારણે સૂયૅ અને આકાશમાં અંધારાં થયાં.

પછી ધુમાડામાથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં. તેઓને વીંછુઓ જેવી ડંખ મારવાની શક્તિ આપવામાં આવી હતી. તીડોને પૃથ્વી પરના ઘાસને કે કોઈ છોડને કે વૃક્ષને નુકસાન નહિ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફક્ત જે લોકોની પાસે તેમના કપાળ પર દેવની મુદ્રા ન હોય એ લોકોને જ ઈજા કરવાની હતી. આ તીડોને લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાની શક્તિ આપવામા આવી હતી. પરંતુ તીડોને લોકોને મારી નાખવાની શક્તિ આપવામાં આવી નહોતી. અને પીડા જે લોકોએ અનુભવી તે વીંછુ વ્યક્તિને કરડે અને જે પીડા થાય તેવી હતી. તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.

તે તીડો યુધ્ધ માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવા હતા. તેઓના માથાં પર તેઓએ સોનાના મુગટો જેવી વસ્તુઓ પહેરી હતી. તેઓના મુખ માણસોના મુખ જેવા હતાં. તેઓના કેશ સ્ત્રીઓના કેશ જેવા દેખાતા હતા. તેઓના દાંતો સિંહના દાંતો જેવા હતા. તેઓની છાતીઓ લોખડનાં બખતર જેવી દેખાતી. તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડા અને રથોના ગડગડાટ જેવો હતો. 10 તીડોને વીંછુઓના ડંખ જેવી, ડંખવાળી પૂંછડીઓ હતી, તેઓની પૂંછડીઓમાં પાંચ મહિના સુધી લોકોને પીડા આપવાની શકિત હતી. 11 તીડોને તેઓનો એક રાજા છે તે રાજા અસીમ ઊંડાણની ખાઈનો દૂત છે. હિબ્રૂ ભાષામાં તેનુ નામ અબદ્દોન[a] છે, ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન છે.

12 પ્રથમ મહાન મુસીબત પૂરી થઈ ગઈ છે. હજુ પણ બે મહાન મુસીબતો છે જે આવનાર છે.

છઠ્ઠા દૂતે રણશિંગડું વગાડ્યું

13 તે છઠ્ઠા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી દેવની આગળની સોનાની વેદીનાં રણશિંગડાંમાંથી મેં એક વાણી સાંભળી. 14 તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, “મહાનદી યુફ્રેટિસ પર જે ચાર દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક.” 15 આ ચાર દૂતોને આ વર્ષના આ મહિનાના આ દિવસના અને આ કલાક માટે તૈયાર રાખેલા હતા. આ દૂતોને પૃથ્વી પરના ત્રીજા ભાગના લોકોને મારી નાખવા મુક્ત કરવામાં આવ્યાં. 16 મેં સાંભળ્યું હતું તેઓના લશ્કરમાં ઘોડેસવારોની કેટલીક ટુકડીઓ હતી. તેઓ 20,00,00,000 (વીસ કરોડ) હતા.

17 મેં મારા દર્શનમાં ધોડાઓને તથા તેઓ પર બેઠેલા સવારોને જોયા. તેઓ આવા દેખાતા હતા: તેઓના બખતર અગ્નિ જેવાં રાતાં તથા જાંબુડા તથા ગંધક જેવા પીળા હતાં. તે ઘોડાઓના માથાં સિહોંના માથાંઓ જેવા દેખાતાં હતાં. તે ઘોડાઓનાં મોંમાથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળતા હતા. 18 આ ઘોડાઓના મુખમાથી બહાર નીકળતી ત્રણ ખરાબ વસ્તુઓ અગ્નિ, ધુમાડો તથા ગંધકથી પૃથ્વી પરના બધા લોકોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યા હતા. 19 કારણ કે ઘોડાઓનું સાર્મથ્ય તેના મોંઢાંમા અને પૂંછડીઓમાં છે. લોકોને ઇજા કરવા અને કરડવા માટે તેઓને સાપના જેવી પૂંછડીઓ અને પૂંછડીઓને માંથાં હોય છે.

20 પૃથ્વી પરના બીજા લોકોને આ ખરાબ વસ્તુઓથી મારી નાખવામાં આવ્યાં નહિ. છતાં આ લોકોએ હજુ પણ પસ્તાવો કર્યો નથી. અને તેઓ પોતાના હાથની બનાવેલી કૃતિઓ તરફથી પાછા ફર્યા નહિ. તેઓએ ભૂતોની તથા સોનાચાંદી, પિત્તળ, પથ્થરની મૂર્તિઓ અને લાકડાની વસ્તુઓ જે જોવા કે સાંભળવા કે ચાલવા શક્તિમાન નથી, તેઓની પૂજા કરવાનું બંધ કર્યુ નથી. 21 આ લોકોએ પસ્તાવો કર્યો નહિ. તેઓએ બીજા લોકોને મારી નાખવાનું બંધ કર્યુ નથી. તેઓએ તેમની દુષ્ટ જાદુક્રિયા, પોતાના વ્યભિચારનાં પાપો અને પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.

દૂત અને નાનું ઓળિયું

10 પછી મેં બીજા એક શક્તિશાળી દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથાં પર મેઘધનુષ્ય હતું. તે દૂતનું મોં સૂર્યના જેવું હતું. અને તેના પગો અગ્નિના સ્તંભો જેવા હતા. દૂતે એક નાનું ઓળિયું રાખ્યું હતું. તે ઓળિયું તેના હાથમાં ખુલ્લું હતું. તે દૂતે તેનો જમણો પગ દરિયા પર અને તેનો ડાબો પગ ભૂમિ પર મૂક્યો; તે દૂતે મોટા સાદે સિંહની ગર્જનાની જેમ પોકાર કર્યો; દૂતના પોકાર પછી સાત ગજૅના બોલી.

તે સાત ગજૅના જે બોલી તે લખવાનું મેં શરું કર્યું, પણ પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “તે સાત ગજૅનાએ જે કહ્યું તે લખીશ નહિ. તે વસ્તુઓ ને ગુપ્ત રાખ.”

પછી મે જે દૂતને જોયો તેણે સમુદ્ર પર અને જમીન પર ઊભા રહીને તેનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો. તે જે સદાસવૅકાળ જીવંત છે તેના અધિકારથી તે દૂતે પ્રતિજ્ઞા કરી. તે દેવ એક છે જેણે પૃથ્વી અને પૃથ્વી પર જે બધું છે તે અને આકાશ તથા તેમાં જે કંઈ છે તે, સમુદ્રો, તથા તેમાં જે બધું છે તેનું સર્જન કર્યું. તે દૂતે કહ્યું કે, “હવે વધારે વિલંબ થશે નહિ! તે દિવસોમાં જ્યારે તે સાતમો દૂત તેનુ રણશિંગડું વગાડવા માંડશે, ત્યારે દેવની ગુપ્ત યોજના પૂર્ણ થશે. આ યોજના એક તે સુવાર્તા છે જે દેવે તેના સેવકો એટલે પ્રબોધકોને કહી હતી.”

પછી મેં ફરીથી આકાશમાંથી તે જ વાણી સાંભળી. તે વાણીએ મને કહ્યું કે, “જા અને દૂતના હાથમાંથી જે ખુલ્લું ઓળિયું છે તે લે. આ તે દૂત છે જે સમુદ્ર પર તથા જમીન પર ઊભેલો છે.”

તેથી હું તે દૂત પાસે ગયો અને મને તે નાનું ઓળિયું આપવા કહ્યું. તે દૂતે મને કહ્યું કે, “આ ઓળિયું લે અને તેને ખા. તે તારા પેટમાં કડવું બનશે પણ તે તારા મોંમાં મધ જેવું મીઠું લાગશે.” 10 તેથી મેં તે નાનું ઓળિયું દૂતના હાથમાંથી લીધું. મેં તે ઓળિયું ખાધું. મુખમાં તેનો સ્વાદ મધ જેવો મીઠો લાગ્યો પણ મારા ખાધા પછી તે મારા પેટમાં કડવું લાગ્યું. 11 પછી મને કહેવામા આવ્યું હતું કે, “તારે ફરીથી ઘણી જાતિના લોકો, ઘણાં દેશો, ભાષાઓ અને રાજાઓ વિષે પ્રબોધ કરવો જોઈએ.”

બે સાક્ષીઓ

11 પછી મને ચાલવા માટેની લાકડી જેટલો લાબો એક માપદંડ આપવામાં આવ્યો. મને કહેવામાં આવ્યું કે, “જા અને દેવના મંદિરનું અને વેદીનું માપ લે, અને ત્યાં ઉપાસના કરનારા લોકોની ગણતરી કર. પણ મંદિરની બહારના આંગણાનું માપ લઈશ નહિ. તે એકલું છોડી દે. તે જે લોકો યહૂદી નથી તેઓને આપવામાં આવેલ છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદી વળશે. અનેં હું મારા બે સાક્ષીઓને આધિકાર આપીશ અને તેઓ 1,260 દિવસ માટે પ્રબોધ કરશે. તેઓ શણના કપડાં પહેરશે.”

આ બે સાક્ષીઓ, જૈતુનનાં જે બે વૃક્ષ, તથા બે દીવીઓ જે પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહે છે તે છે. જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે. તેઓના પ્રબોધ કરવાના સમય દરમિયાન આ સાક્ષીઓને વરસાદને આકાશમાંથી વરસતો રોકવાની સત્તા છે. આ સાક્ષીઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. તેઓને પૃથ્વી પર દરેક પ્રકારની વિપતિ મોકલવાની સત્તા છે. તેઓ જેટલી વખત ઈચ્છે તેટલી વખત આ કરી શકે છે.

જ્યારે તે બે સાક્ષીઓ પોતાનો સંદેશ કહેવાનું પૂર્ણ કરશે, ત્યારે શ્વાપદ તેઓની વિરુંદ્ધ લડશે. આ તે પ્રાણી છે જે અસીમ ઊંડી ખાઈમાંથી બહાર આવે છે. તે પ્રાણી તેઓને હરાવશે, અને તેઓને મારી નાખશે. તે બે સાક્ષીઓના મૃતદેહો મોટા શહેરની શેરીમાં પડ્યાં રહેશે. આ શહેર સદોમ અને મિસર કહેવાય છે. તે શહેરના આ નામો હોવાનો વિશિષ્ટ અર્થ છે. આ તે શહેર છે જ્યાં તેઓના પ્રભુને મારી નાખવામાં આવ્યો હતો. દરેક જાતિઓ, કુળો, ભાષાઓ અને દેશોમાથી આવેલા લોકો બે સાક્ષીઓના મૃતદેહોને સાડા ત્રણ દિવસો સુધી જોશે. લોકો તેઓને દફનાવવાની ના પાડશે. 10 જે લોકો પૃથ્વી પર રહે છે, તેઓ ખુશ થશે. કારણકે આ બે મૃત્યુ પામેલ છે. તેઓ મિજબાનીઓ કરશે અને અકબાજાને ભેટ મોં કલશે. તેઓ આ બધું કરશે કારણ કે આ બે પ્રબોધકોએ જે લોકો પૃથ્વી પર રહે છે તેઓને ખૂબ દુ:ખ દીધું છે.

11 પરંતુ સાડા ત્રણ દિવસ પછી આ બંને પ્રબોધકોના શરીરમાં દેવ તરફથી જીવનનો શ્વાસ આવ્યો. તેઓ પોતાના પગો પર ઊભા થયા. જે બધા લોકોએ તેઓને જોયા તેઓ ભયભીત થયા. 12 પછી તે બે પ્રબોધકોએ આકાશમાંથી મોટા સાદે વાણીને પોતાને કહેતા સાંભળી કે; “અહી ઉપર આવ!” અને તે બે પ્રબોધકો આકાશમાં ઊંચે એક વાદળામાં ગયા. તેઓનાં શત્રુંઓએ તેઓને ચઢતાં જોયા.

13 તે જ સમયે ત્યાં એક મોટો ધરતીકંપ થયો. શહેરનો દશમો ભાગ નાશ પામ્યો. અને 7,000 લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. જે લોકો મૃત્યુ પામ્યા નહોતા તે ઘણા ગભરાયા હતા. તેઓએ આકાશના દેવને મહિમા આપ્યો.

14 (બીજી મોટી આપત્તિ પૂરી થઈ છે. હવે ત્રીજી મોટી આપત્તિ જલદીથી આવી રહી છે.)

સાતમું રણશિંગડું

15 સાતમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી આકાશમાં મોટે સાદે વાણીઓ થઈ. વાણીઓએ કહ્યું કે:

“આ જગતનું રાજ્ય હવે આપણા પ્રભુ, અને તેના ખ્રિસ્તનું છે;
    તે સદાસર્વકાળ રાજ કરશે.”

16 પછી 24 વડીલોએ દેવની સમક્ષ નીચે નમીને દેવની આરાધના કરી. આ તે વડીલો છે જે દેવ સમક્ષ તેનાં રાજ્યાસન પર બેઠા છે. 17 તે વડીલોએ કહ્યું કે:

“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ.
    તું તે એક છે, જે છે અને જે હતો.
હવે તેં મહાસાર્મથ્ય ધારણ કર્યુ છે.
    હવે તારું રાજ્ય સ્થાપન થયું છે!
18 જગતના લોકો ગુસ્સે થયા હતા;
    પરંતુ હવે તારા ગુસ્સાનો સમય છે.
હવે મૂએલાંનો ઈનસાફ કરવાનો સમય છે.
    તારા સેવકોને, તે પ્રબોધકોને
તારા સંતો તથા નાના મોટા લોકોને
    જે તારા નામથી ડરનારા છે, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે,
જેઓ પૃથ્વીનો વિનાશ કરે છે તે લોકોનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”

19 ત્યાર પછી આકાશમાં દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોશ જોવામા આવ્યો, પછી ત્યાં વીજળીઓના ચમકારા, વાણીઓ, ગજૅનાઓ તથા ધરતીકંપ થયો, તથા પુષ્કળ કરા પડ્યા.

સ્ત્રી અને અજગર

12 અને પછી આકાશમાં એક મોટું આશ્ચર્ય દેખાયું ત્યાં એક સ્ત્રી હતી, જે સૂર્યથી વેષ્ટિત હતી. ચંદ્ર તેના પગ નીચે હતો. તેના માથા પર બાર તારાવાળો મુગટ હતો. તે સ્ત્રી ગર્ભવતી હતી. તેણે પીડા સાથે બૂમ પાડી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.

પછી આકાશમાં બીજુ એક ચિન્હ દેખાયું: ત્યા એક મોટો લાલ અજગર હતો. તે અજગરને સાત માથાં પર સાત મુગટ, દરેક માથાં પર એક મુગટ હતો. તે અજગરને દસ શિંગડા પણ હતાં. તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો. તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી.

તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, તે તમામ દેશો પર લોઢાનાં દંડથી રાજ કરશે. અને તેના બાળકને દેવ પાસે અને તે ના રાજ્યાસન પાસે લઈ જવામા આવ્યો હતો. તે સ્ત્રી અરણ્યમાં એક જગ્યા જે દેવે તેના માટે તૈયાર કરી હતી, ત્યાં નાસી ગઈ. ત્યાં અરણ્ય માં 1,260 દિવસો સુધી તેની સંભાળ રાખવામાં આવશે.

પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા. પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું. તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.

10 પછી મેં આકાશમાં મોટા સાદે વાણીને કહેતા સાંભળી કે, “હવે તારણ અને પરાક્રમ અને અમારા દેવનું રાજ્ય અને તેના ખ્રિસ્તની સત્તા આવ્યાં છે; આ વસ્તુઓ આવી છે કારણ કે અમારા ભાઇઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકી દેવામાં આવ્યો છે. 11 અમારા ભાઈઓએ તેને હલવાનના રક્તથી અને સાક્ષીઓના વચનથી હરાવ્યો છે. તેઓ પોતાના જીવનને વધારે વહાલું ગણતા નહિ. તેઓ મૃત્યુથી ડરતા નહોતા. 12 તેથી તે બધા જે ત્યાં રહે છે તે સુખી થાઓ. પરંતુ પૃથ્વી અને સમુદ્ર માટે તે ખરાબ થશે કારણ કે શેતાન તમારી પાસે નીચે ઉતરી આવ્યો છે. તે શેતાન ક્રોધથી ભરેલો છે. તે જાણે છે તેની પાસે હવે વધારે સમય રહ્યો નથી.”

13 તે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. તેથી તે, સ્ત્રીની પાછળ ગયો જેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. 14 પરંતુ તે સ્ત્રીને મોટા ગરૂડની બે પાંખો આપવામાં આવી હતી જેથી તે તે સ્થળેથી ઊડીને અરણ્યમાં જઇ શકે જ્યાં તેના માટે જગા તૈયાર કરવામાં આવી હતી. તે સ્થળેથી તેની સંભાળ સાડા ત્રણ વર્ષ સુધી રાખવામાં આવે છે. અજગર તેની પાસે પહોંચી શકે નહિં. 15 પછી તે અજગરે તેના મોંઢામાથી નદીની જેમ પાણી બહાર કાઢ્યું તે અજગરે તે સ્ત્રીના તરફ પાણી કાઢ્યું તેથી પૂર તેને દૂર તાણી જાય. 16 પરંતુ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી. પૃથ્વીએ તેનું મોં ખોલ્યું અને નદીને ગળી ગઈ જે અજગરના મુખમાંથી નીકળતી હતી. 17 પછી અજગર તે સ્ત્રી પર ઘણો ગુસ્સે થયો હતો. તે અજગર તેનાં બીજા બાળકો સામે યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યો. (જે દેવની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઈસુએ જે ઉપદેશ આપ્યો છે તેના સત્યને વળગી રહે છે, તે લોકો તેનાં બાળકો છે.)

18 તે મોટો અજગર સમુદ્રકિનારે ઊભો રહ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International