Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રકટીકરણ 4-8

યોહાનને આકાશી દર્શન

પછી મેં જોયું ત્યાં મારી આગળ આકાશમાં એક દ્ધાર ઉઘડેલું હતું. અને અગાઉ મને કહી હતી તે જ વાણી મેં સાંભળી. તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. તે વાણી એ કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવું જ જોઈએે તે હું તને બતાવીશ.” પછી તે આત્માએ મારા પર કાબુ કરી લીધો. ત્યાં મારી આગળ આકાશમા એક રાજ્યાસન હતું. રાજ્યાસન પર કોઈ એક માણસ બેઠેલો હતો. તે રાજ્યાસન પર જે બેઠો હતો તે યાસપિસ લાલ કિમતી પથ્થર જેવો દેખાતો હતો. અને રાજ્યાસનની ચારે બાજુ લીલમ જેવું સ્વચ્છ રંગીન પ્રકાશનું એક મેઘધનુષ્ય હતું.

રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં. તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં. તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા. અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં. રાજ્યાસનમાંથી વીજળીઓ અને ગર્જનાઓ અને વાણીઓ આવી. રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવાઓ સળગતા હતા. આ દીવાઓ દેવના સાત આત્મા છે. ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું.

રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી. પહેલું જીવતું પ્રાણી સિંહ જેવું હતું. બીજું એક વાછરડાના જેવું હતું. ત્રીજાને મનુષ્ય જેવું મુખ હતું. ચોથું ઊડતા ગરુંડના જેવું હતું. આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી,

“પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન
જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.”

જે રાજ્યાસન પર બેઠેલો છે તેને આ જીવતા પ્રાણીઓ મહિમા આપશે અને સ્તુતિ ગાશે. તે એક છે જે સદાસર્વકાળ જીવંત છે. અને જ્યારે તે જીવતા પ્રાણીઓ આ કરે છે. 10 ત્યારે 24 વડીલો[a] જે રાજ્યાસન પર બેસે છે તેને પગે પડશે. જે સદાસર્વકાળ જીવંત છે તેની વડીલો આરાધના કરે છે. તે વડીલો રાજ્યાસન આગળ પોતાના મુગટો મૂકી દઇને કહેશે કે:

11 “અમારા પ્રભુ અને દેવ!
તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે.
    કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા,
અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”

હલવાનની મહત્તા

પછી રાજ્યાસન પર જે બેઠા હતા તે એકના જમણા હાથમાં મે એક ઓળિયું[b] જોયું, ઓળિયાની બંને બાજુએ લખાણ હતું. ઓળિયું સાત મુદ્રાઓથી મુદ્રિત રાખવામાં આવ્યું હતું. અને મેં એક શક્તિશાળી દૂતને જોયો. તે દૂતે મોટા સાદે કહ્યું કે, “આ ઓળિયું ઉઘાડવાને અને તેની મુદ્રાઓ તોડવાને કોણ સમર્થ છે?” પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય. હું ખૂબ ખૂબ રડ્યો કારણ કે તે ઓળિયું ઉઘાડવાને કે તેમાં જોવાને કોઈ યોગ્ય હતું નહિ. પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”

પછી રાજ્યાસનની સમક્ષ ચાર જીવતાં પ્રૅંણીઓની વચમાં મેં એક હલવાનને ઊભું રહેલું જોયું. જેની આજુબાજુ વડીલો પણ હતા. તે હલવાન મારી નંખાયેલા જેવું હલવાન લાગતું હતું. તેને સાત શિંગડા તથા સાત આંખો હતી. આ દેવના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. તે હલવાન આવ્યું અને રાજ્યાસન પર બેઠેલા એકના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું. હલવાને ઓળિયું લીધા પછી તે ચાર જીવતાં પ્રાણીઓ અને 24 વડીલો હલવાનની આગળ પગે પડ્યાં. તેમાંના દરેકની પાસે વીણા હતી. તેઓએ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા પણ પકડ્યા હતા. આ ધૂપના પ્યાલા દેવના પવિત્ર લોકોની પ્રાર્થનાઓ છે. અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું:

“તું ઓળિયું લેવાને
    તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે,
કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો.
    અને તેં તારા લોહીથી દેવને માટે
    સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.
10 અમારા દેવ માટે તેં લોકોને રાજ્ય બનાવ્યા છે, અને આ લોકોને અમારા દેવને સારું યાજકો બનાવ્યા છે.
    અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”

11 પછી મેં જોયું અને મેં ઘણા દૂતોને વાણી સાંભળી. તે દૂતો રાજ્યાસનની, તે જીવતાં ચાર પ્રાણીઓની, અને વડીલોની આજુબાજુ હતા. ત્યાં હજારો દૂતો હતા-અને તે લાખો અને હજારોહજારની સંખ્યામાં હતા. 12 તે દૂતોએ મોટા સાદે કહ્યું કે:

“જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, શાણપણ અને શક્તિ,
    માન, મહિમા મેળવવા તથા સ્તુતિને યોગ્ય છે!”

13 પછી મેં પ્રત્યેક જીવતાં પ્રાણી કે જે આકાશમાં, અને પૃથ્વી પર અને પૃથ્વીની નીચે અને સમુદ્રમાં છે તેમને સાંભળ્યાં. મે આ બધી જગ્યાઓએ દરેક વાતો સાંભળી. મેં તમને બધાને કહેતાં સાંભળ્યા કે:

“જે રાજ્યાસન પર બેઠેલો છે
    તેને તથા હલવાનને સ્તુતિ, માન અને મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો!”

14 તે ચારે જીવતા પ્રાણીઓએ કહ્યું, “આમીન!” અને વડીલોએ પગે પડીને આરાધના કરી.

મુદ્રાઓ તોડવામાં આવી

જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની પહેલી ઉઘાડી ત્યારે મેં જોયું. મેં ચાર જીવંત પ્રાણીઓમાંના એકને ગર્જના જેવા અવાજથી બોલતા સાંભળ્યું. તેણે કહ્યું કે, “આવ!” મેં જોયું તો ત્યાં મારી આગળ એક સફેદ ઘોડો હતો. ઘોડા પરના સવાર પાસે એક ધનુષ્ય હતું; તે સવારને એક મુગટ આપવામા આવ્યો હતો. તે ફરીથી વિજય મેળવવા જતો હોય તે રીતે સવાર થઈને નીકળ્યો.

હલવાને બીજી મુદ્રા ઉઘાડી. પછી મેં બીજા જીવતા પ્રાણીને કહેતાં સાંભળ્યું કે. “આવ!” પછી બીજો એક ઘોડો બહાર આવ્યો. આ એક લાલ ઘોડો હતો. તે ઘોડા પર જે સવાર હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી લોકો એકબીજાને મારી નાખે તેવી તેને સત્તા આપવામાં આવી હતી. આ સવારને એક મોટી તલવાર આપવામાં આવી હતી.

હલવાને ત્રીજી મુદ્રા ઉઘાડી. પછી મેં ત્રીજા જીવતા પ્રાણીને કહેતા સાંભળ્યું કે, “આવ!” મે જોયું, અને ત્યાં મારી આગળ એક કાળો ઘોડો હતો. ઘોડા પર બેઠેલા સવાર પાસે તેના હાથમાં ત્રાજવાંની જોડ હતી. પછી મેં કંઈક વાણીના જેવો અવાજ સાંભળ્યો. જ્યાં ચાર જીવતા પ્રાણીઓ હતાં ત્યાંથી તે વાણી આવી. તે વાણીએ કહ્યું કે, “એક દિવસના વેતનમાં અડધો કિલો ઘઉં, અને એક દિવસના વેતનમાં દોઢ કિલો જવ, પણ તેલ કે દ્રાક્ષારસને તું વેડફીશ નહિ!”

હલવાને ચોથી મુદ્રા ઉઘાડી. પછી મેં ચોથા જીવતા પ્રાણીની વાણી સાંભળી કે, “આવ!” મેં જોયું, તો ત્યાં મારી આગળ એક ફીક્કા રંગનો ઘોડો હતો. ઘોડા પરના સવારનું નામ મરણ હતું. હાદેસ તેની પાછળ પાછળ આવતું હતું. તેઓને પૃથ્વીના ચોથા હિસ્સા પર અધિકાર આપવામા આવ્યો હતો. તેઓને તલવારથી, દુકાળથી, રોગચાળાથી, અને પૃથ્વીના જંગલી પશુઓથી લોકોને મારી નાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

તે હલવાને પાંચમી મુદ્રા ઉઘાડી. પછી મેં કેટલાક આત્માઓને વેદી નીચે જોયા. તે એ લોકોના આત્માઓ હતા જેઓ દેવના સંદેશને વફાદાર હતા. તથા જે સત્ય તેઓને પ્રાપ્ત થયુ હતું, તેમાં તેઓ વિશ્વાસુ હતા તેથી તેઓને મારી નાખવામાં આવ્યા હતા. 10 આ આત્માઓએ મોટા સાદે પોકાર કર્યો કે, “ઓ, પવિત્ર અને સત્ય પ્રભુ. તું ક્યાં સુધી ઈન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું મુલવ્વી રાખીશ?” 11 તેઓમાંના દરેક આત્માને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. તે આત્માઓને જ્યાં સુધી આ બધા લોકોને મારી નાખવાનું પૂરું ન થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી પેઠે માર્યા જવાના છે. તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ વિસામો લો.

12 જ્યારે તે હલવાને છઠી મુદ્રા તોડી પછી મેં જોયું. તો ત્યાં મોટો ધરતીકંપ થયો હતો. વાળમાંથી બનાવેલા કાળા કામળા જેવો સૂર્ય કાળો બની ગયો. આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો. 13 જેમ ભારે તોફાન પવનથી અંજીરના કોમળ ફળો તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. 14 આકાશના ભાગલા પડ્યા હતા. તે ઓળિયાની પેઠે વીંટાઇ ગયું અને દરેક પહાડ અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામા આવ્યાં.

15 પછી બધાં લોકો ગુફાઓમાં અને ખડકોની પાછળ છુપાઇ ગયા. ત્યાં જગતના રાજાઓ, શાસકો, સેનાપતિઓ, ધનવાન લોકો તથા પરાક્રમી લોકો હતાં. દરેક વ્યક્તિ ગુલામ કે સ્વતંત્ર સંતાઇ ગયા. 16 તે લોકોએ પહાડો અને ખડકોને કહ્યું કે; “અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો! 17 કારણ કે તેઓના મહાન કોપનો દિવસ આવ્યો છે. તેની સામે કોઈ વ્યક્તિ ઊભો રહી શકશે નહિ.”

ઈસ્રાએલના 1,44,000 લોકો મુદ્રિત

આ બન્યા પછી મેં ચાર દૂતોને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. તે દૂતોએ પૃથ્વી પર કે સમુદ્ર પર કે કોઈ વૃક્ષ પર પવન ન વાય માટે ચાર વાયુઓને અટકાવી રાખ્યા હતા. પછી મેં બીજા એક દૂતને પૂર્વમાંથી આવતા જોયો. તે દૂત પાસે જીવતા દેવની મુંદ્રા હતી. તે દૂતે મોટા સાદે બીજા ચાર દૂતોને બોલાવ્યા. આ તે ચાર દૂતો હતા જેમને દેવે પૃથ્વી અને સમુદ્રને ઉપદ્ધવ કરવાની સત્તા આપી હતી. તે દૂતે ચાર દૂતોને કહ્યું કે, “જ્યાં સુધી આપણા દેવના સેવકોને અમે મુદ્રિત ન કરી રહીએ. ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને નુકસાન કરશો નહી. આપણે તેઓના કપાળ પર મુદ્રા અંકિત કરવાની છે.”

કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી; ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 1,44,000 મુદ્રિત થયા.

યહુદાના કુળમાંથી12,000
રુંબેનના કુળમાંથી12,000
ગાદના કુળમાંથી12,000
આશેરના કુળમાંના12,000
નફતાલીના કુળમાંથી12,000
મનાશ્શાના કુળમાંથી12,000
શિમયોનના કુળમાંથી12,000
લેવીનાં કુળમાંથી12,000
ઇસ્સાખારના કુળમાંથી12,000
ઝબુલોનના કુળમાંથી12,000
યૂસફના કુળમાંથી12,000
અને બિન્યામીનના કુળમાથી12,000

પછી મેં જોયું, તો ત્યાં ઘણા, ઘણા લોકો હતા. ત્યાં એટલા બઘા લોકો હતા કે કોઈ વ્યક્તિ તે બધાને ગણી શકે નહિ. તેઓ પૃથ્વી પરના સર્વ દેશોમાંથી લોકોની જાતિમાંથી અને ભાષાના હતા આ લોકો રાજ્યાસન તથા હલવાનની આગળ ઊભા હતા. તે બધાએ શ્વેત ઝભ્ભા પહેર્યા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. 10 તેઓએ મોટે સાદે પોકાર કર્યો કે, “આપણો દેવ જે રાજ્યાસન પર બેસે છે, તેનો અને હલવાનનો વિજય થાઓ.”

11 ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા. બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા, તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી. 12 તેઓએ કહ્યું કે, “આમીન! અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સાર્મથ્ય સદાસર્વકાળ હો. આમીન!”

13 પછી વડીલોમાંના એકે મને પૂછયું કે, “આ શ્વેત ઝભ્ભાવાળા લોકો કોણ છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”

14 મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”

અને તે વડીલે કહ્યું કે, “જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે. 15 તે માટે આ લોકો દેવના રાજ્યાસન આગળ છે. તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે. 16 તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ. 17 રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે. તે તેઓને જીવનજળનાં ઝરંણાંઓ પાસે દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંનાં બધાજ આંસુ લૂછી નાખશે.”

સાતમી મુદ્રા

જ્યારે હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે ત્યાં આકાશમાં લગભગ અડધા કલાક સુધી શાંતિ હતી. અને મેં દેવ આગળ ઊભા રહેનારા તે સાત દૂતોને જોયા. તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યા હતાં.

ત્યાર પછી બીજો એક દૂત વેદી પાસે આવ્યો અને ઊભો રહ્યો, આ દૂત પાસે સોનાની ધૂપદાની હતી. તે દૂત પાસે દેવના સર્વ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે પૂરતું ધૂપદ્રવ્ય હતું. તે દૂતે રાજ્યાસનની આગળ સોનાની વેદી પર તે ધૂપદાની અર્પણ કરી. દૂતના હાથમાંથી ધૂપની ધૂણી દેવના સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ઊંચે ચડી. પછી દૂતે ધૂપદાનીને વેદીના અગ્નિથી ભરી. તે દૂતે ધૂપદાની જમીન પર ફેંકી દીધી. પછી ત્યાં વીજળીઓના ચમકારા, ગર્જનાઓઅને વાણીઓ સાથે ધરતીકંપ થવાં લાગ્યાં.

તે સાત દૂતો તેમનાં રણશિંગડા ફૂંકે છે

પછી જેમની પાસે સાત રણશિંગડાં હતાં. તે સાત દૂતો તેમના રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા.

પ્રથમ દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી રક્તમિશ્રિત કરા તથા અગ્નિ પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં; અને પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું જ લીલું ઘાસ બળી ગયું.

બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રમાંના જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મૃત્યુ પામ્યો; અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.

10 તે પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી એક મોટો તારો સળગતા દીવાની જેમ આકાશમાંથી પડયો. તે તારો ત્રીજા ભાગની નદીઓ પર અને પાણીનાં ઝરણાંઓ પર પડ્યો. 11 તે તારાનું નામ કડવાદૌના[c] છે; અને સમગ્ર પાણીનો ત્રીજો ભાગ કડવો બન્યો. ઘણાં લોકો તે કડવું પાણી પીવાથી મૃત્યુ પામ્યાં.

12 તે ચોથા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી સૂર્યના ત્રીજા ભાગ પર અને ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, તેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરુંપ થાય. દિવસ અને રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થાય.

13 જ્યારે મેં જોયું તો અંતરિક્ષમાં ઊંચે ઊડતાં એક ગરુંડને સાંભળ્યું, તે ગરુંડે મોટે સાદે કહ્યું કે, “અફસોસ! અફસોસ! પૃથ્વી પર રહેનારાં લોકોને માટે અફસોસ! બીજા ત્રણ દૂતો વગાડશે અને તેઓનાં રણશિંગડાના અવાજ પછી આફતો આવશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International