Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 યોહાન

દેવની પસંદગી પામેલ બાઈ[a] તથા તેનાં છોકરાં જોગ લખિતંગ વડીલ:

હું તમને બધાને સત્યમાં પ્રેમ કરું છું. અને એ બધા લોકો જે સત્યને જાણે છે તે બધા પણ તમને પ્રેમ કરે છે. સત્યના કારણે અમે તમને પ્રેમ કરીએ છીએ-તે સત્ય જે આપણામા રહે છે. આ સત્ય આપણી સાથે સદાકાળ રહેશે.

આપણા પર દેવ પિતા અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની કૃપા, દયા અને શાંતિ રહેશે. આપણે આ આશીર્વાદો સત્ય અને પ્રેમ દ્વારા પ્રાપ્ત કરીશું.

તમારા કેટલાંએક બાળકો વિશે જાણીને હું ઘણો ખુશ હતો. હું ખુશ છું કે પિતાએ આપણને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ સત્યના માર્ગ ચાલે છે. અને હવે, વહાલી બાઈ, હું તને કહું છું: આપણે બધાએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આ નવી આજ્ઞા નથી. તે એ જ આજ્ઞા છે જે આરંભથીજ આપણને મળી છે. અને પ્રેમનો અર્થ એ છે કે જે રીતે જીવન જીવવાની આપણને આજ્ઞા કરી છે તે પ્રમાણે જીવવું. અને આ દેવની આજ્ઞા છે તમે પ્રેમનું જીવન જીવો. આ આજ્ઞા તમે આરંભથી સાંભળી છે.

હમણા જગતમાં ઘણા જૂઠા ઉપદેશકો છે. આ જૂઠા ઉપદેશકો ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો અને માણસ થયો તે સ્વીકારવાની ના પાડે છે. જે વ્યક્તિ આ સત્ય સ્વીકારવાની ના પાડે છે તે જૂઠો ઉપદેશક અને ખ્રિસ્તનો દુશ્મન છે. સાવધ રહો! તમે જે કામ કર્યું છે તે બધાનો બદલો ગુમાવશો નહિ. સાવધ રહો, જેથી તમે તમારા બધાં પ્રતિફળ પામશો.

પ્રત્યેક વ્યક્તિએ ફક્ત ખ્રિસ્તે આપેલા ઉપદેશનેજ અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ઈસુએ આપેલા બોધને બદલે છે, તો પછી તે વ્યક્તિ પાસે દેવ નથી. પણ જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તના બોધને અનુસરવાનું ચાલુ રાખે છે, તો તે વ્યક્તિને પિતા (દેવ) અને પુત્ર બંને મળે છે. 10 જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, પરંતુ આ બોધ લાવતો નથી, તો તમારા ઘરમાં તેનો સ્વીકાર કરો નહિ. તેને આવકારો નહિ. 11 જો તમે તેને સ્વીકારો છો તો, તમે તેના દુષ્ટ કામોમાં મદદ કરો છો.

12 મારી પાસે તમને કહેવાનું ઘણુ છે. પરંતુ મારી ઈચ્છા કાગળ અને શાહીનો ઉપયોગ કરવાની નથી. તેને બદલે, તમારી મુલાકાત કરવાની હું આશા રાખું છું. પછી આપણે ભેગા મળીને વાતો કરી શકીશું, જે આપણને વધારે આનંદિત બનાવશે. 13 તારી બહેનનાં બાળકો જે દેવની પસંદગી પામેલ છે તે તમને તેઓનો પ્રેમ મોકલે છે.

3 યોહાન

જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું,

તે પ્રિય ગાયસ જોગ લખિતંગ વડીલ તરફથી કુશળતા:

મારા પ્રિય મિત્ર, હું જાણું છું તારો આત્મા કુશળ છે. તેથી હું પ્રાર્થના કરું છું કે તું બધી રીતે કુશળ રહે. અને હુ પ્રાર્થના કરું છું કે તું તંદુરસ્ત રહે. કેટલાએક ખ્રિસ્તમાં ભાઈઓ આવ્યા અને તારા જીવનના સત્ય વિષે મને કહ્યું. તેઓએ મને કહ્યુ કે તું સત્યના માર્ગને અનુસરી રહ્યો છે. તેથી હું ઘણો ખુશ થયો. જ્યારે હું સાંભળું છું કે મારાં બાળકો સત્યના માર્ગને અનુસરે છે ત્યારે મને હંમેશા સૌથી વધુ આનંદ થાય છે.

મારા પ્રિય મિત્ર, તું ખ્રિસ્તમાં ભાઈઓને માટે હા, પારકા ભાઈઓને માટે પણ, તું જે કંઈ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે. તુ જેને જાણતો નથી એવા ભાઈઓને પણ તું મદદ કરે છે. આ ભાઈઓએ મંડળીને તારા પ્રેમ વિશે વાત કરી છે. કૃપા કરીને તેઓનો પ્રવાસ ચાલુ રાખવામાં તેઓને મદદ કર. દેવ પ્રસન્ન થાય તે રીતે તેઓને મદદ કર. આ ભાઈઓ ખ્રિસ્તની સેવા કરવા માટે આજુબાજુ પ્રવાસ કરી રહ્યા છે. તેઓ જે લોકો વિશ્વાસીઓ નથી તેઓની કોઈ પણ પ્રકારની મદદનો સ્વીકાર કરતા નથી. તેથી આપણે આ ભાઈઓને મદદ કરવી જોઈએ. જ્યારે આપણે તેઓને મદદ કરીએ છીએ, ત્યારે આપણે તેઓના સત્ય માટેના કાર્યમાં સહભાગી થઈએ છીએ.

મેં મંડળીને પત્ર લખ્યો છે. પણ દિયોત્રફેસ અમે જે કહીએ છીએ તે ધ્યાનપૂર્વક સાંભળતો નથી. તે હંમેશા તેઓનો આગેવાન થવા ઈચ્છે છે. 10 જયારે હું આવીશ, ત્યારે હું દિયોત્રફેસ શું કરે છે તે વિશે કહીશ. તે જૂઠુ બોલે છે અને અમારા વિષે ભૂંડું બોલે છે. પરંતુ તે જે બધું કરે છે તે એટલું જ નથી! તે જે ભાઈઓ ખ્રિસ્તની સેવાનાં કામો કરે છે તેઓને મદદ કરવાની પણ ના પાડે છે. દિયોત્રફેસ પેલા લોકો જે ભાઈઓને મદદ કરવા ઈચ્છે છે તેઓને પણ અટકાવે છે. અને તે લોકોને મંડળીમાંથી બહિષ્કૃત કરે છે.

11 મારા પ્રિય મિત્ર, જે ખરાબ છે તેને અનુસરો નહિ; જે સારું છે તેને અનુસરો. જે વ્યક્તિ સારું છે તે કરે છે તે દેવથી છે. પણ જે વ્યક્તિ દુષ્ટ કાર્ય કરે છે તેણે કદી દેવને ઓળખ્યો નથી.

12 બધા લોકો દેમેત્રિયસ વિષે સારું બોલે છે. અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે. આપણે પણ તેના માટે સારું કહીએ છીએ. અને તમે જાણો છો કે આપણે જે કહીએ છીએ તે સાચું છે.

13 મારી પાસે ઘણું છે જે મારે તમને કહેવું છે. પણ હું શાહી અને કલમનો ઉપયોગ કરવા ઈચ્છતો નથી. 14 હું જલ્દીથી તારી મુલાકાત લેવાની આશા રાખું છું. પછી આપણે સાથે મળીને વાતો કરી શકીશું. 15 તને શાંતિ થાઓ. જે મિત્રો અહીં મારી સાથે છે તેઓ તને ક્ષેમકુશળ કહે છે. મહેરબાની કરીને ત્યાંના દરેક મિત્રોને વ્યક્તિગત રીતે અમારો પ્રેમ અને ક્ષેમકુશળ કહેજે.

યહુદા

દેવનું નિમંત્રણ પામેલા જે કોઇ ઈસુ ખ્રિસ્તની સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોય તે સર્વ વિશ્વાસીઓ અને તેડવામાં આવેલાઓ જોગ લખિતંગ, ઈસુ ખ્રિસ્તનો સેવક. યાકૂબનો ભાઈ યહૂદા.

તમારા પર કૃપા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ.

ખોટુ કરનારા લોકોને દેવ શિક્ષા કરશે

વહાલા મિત્રો, હું આપણાં તારણ વિષે તમારા પર લખવા માટે ઘણો આતુર હતો. પરંતુ બીજું કશુંક તમને લખવાની મને જરુંર લાગી: દેવે તેના સંતોને વિશ્વાસ આપ્યો છે તે માટે તથા તે વિશ્વાસ ચાલુ રાખવા સખત સંઘર્ષ કરવા પ્રોત્સાહિત કરવાની મારી ઈચ્છા છે. દેવે આ વિશ્વાસ એક વખત આપ્યો છે, તે બધા સમય માટે સારોછે. કેટલાએક લોકો ગુપ્ત રીતે તમારા સમૂહમાં પ્રવેશ્યા છે. તેઓ જે કામ કરી રહ્યા છે તે માટે તે લોકોનો ન્યાય હમણા જ થયો છે ને તેઓને દોષિત ઠરાવેલ છે. ઘણા લાંબા સમય પહેલાં પ્રબોધકોએ આ લોકો વિષે લખ્યું હતું. આ લોકો દેવની વિરુંદ્ધ છે. તેઓએ આપણાં દેવની કૃપાનો ઉપયોગ ખોટી રીતે પાપ કરવા માટે કર્યો છે. આ લોકો ઈસુ ખ્રિસ્તને, આપણો એકલો સ્વામી અને પ્રભુ તરીકે સ્વીકારવા ના પાડે છે.

મારી તમને મદદ કરવાની ઈચ્છા છે. કેટલીક બાબતો યાદ રાખો જે તમે બધીજ રીતે જાણો છો: યાદ રાખો પ્રભુએ તેના લોકોને ઈજીપ્તની (મિસરની) ભૂમિમાંથી બહાર લાવીને તેઓનો બચાવ કર્યો. પરંતુ પાછળથી પ્રભુએ જે લોકો અવિશ્વાસીઓ હતા, તે બધાનો નાશ કર્યો. અને દૂતોને પણ યાદ રાખો જેઓની પાસે અધિકાર હતો પણ તેઓએ તે રાખ્યો નહિ. તેઓએ તેઓનાં પોતાનાં રહેવાનાં સ્થાન છોડ્યાં. તેથી પ્રભુએ આ દૂતોને અંધકારમાં રાખ્યા છે. તેઓએ સનાતન બંધનની સાંકળે બાંધ્યા. તેણે તેઓને મોટા દિવસના ન્યાયીકરણ સુધી રાખ્યા છે. સદોમ અને ગમોરા અને તેઓની આજુબાજુનાં બીજા શહેરોને પણ યાદ રાખો. તેઓ પણ પેલા દૂતો જેવાં જ છે. આ શહેરો એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને નિરંતર અગ્નિદંડની શિક્ષા સહન કરે છે. તેઓની શિક્ષા આપણા માટે ઉદાહરણરુંપ છે.

એ લોકો સાથે બન્યું છે એ જ રીતે તમારા સમૂહમાં પ્રવેશ્યા છે તેઓ સ્વપ્નોથી દોરાયા છે. તેઓ પાપ વડે તેઓની જાતને ગંદી બનાવી રહ્યા છે. તેઓ દેવના નિયમની અવગણના કરે છે. અધિકાર અને દૂતોના ગૌરવની નિંદા કરે છે. પ્રમુખ દૂત મિખાયેલે જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ. પણ મિખાયેલે કહ્યું કે; “પ્રભુ તને શિક્ષા કરે.”

10 પરંતુ આ લોકો જે વિષે સમજતા નથી તેની ટીકા કરે છે. તેઓ કેટલીક બાબતો સમજ્યા. પણ તેઓ આ વિષે વિચાર કરીને સમજ્યા નહોતા, પરંતુ લાગણીથી, જે રીતે મુંગા પ્રાણીઓ વસ્તુઓ સમજે તેમ સમજ્યા હતા. અને આ બાબતો જ તેઓને તેઓના વિનાશ તરફ દોરી જાયછે. 11 તેઓને અફસોસ! આ લોકો કાઈન જે માર્ગે ગયો તેને અનુસર્યા. પૈસા બનાવવાની ઈચ્છાથી તેઓ પોતે બલામ જે ખોટા માર્ગે ગયો તેની પાછળ ગયા. કોરાહની જેમ આ લોકો દેવની વિરૂદ્ધમાં લડ્યા છે. અને કોરાહની માફક જ, તેઓનો નાશ થશે.

12 આ લોકો તમે જે વિશિષ્ટ ભોજનમાં સાથે સહભાગી બનો છો તેમા ગંદા ડાઘ જેવા છે. તેઓ ભય વિના તમારી સાથે ખાય છે. તેઓ ફક્ત પોતાની જાતની જ સંભાળ રાખે છે. તેઓ વરસાદ વિનાનાં વાદળાં છે. પવન તેઓને આજુબાજુ ઘસડે છે. તેઓ ફળ વિનાનાં વૃક્ષો જેવાં છે. જ્યારે ફળનો સમય આવે ત્યાંરે તેઓને ફળ આવતાં નથી તેથી જમીનમાંથી ઉખેડી કાઢવામાં આવે છે. તેથી તેઓ બે વખત મરણ પામે છે. 13 તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.

14 આદમથી સાતમા પુરુંષ હનોખે આ લોકો વિષે ભવિષ્યકથન કર્યું છે કે: “જુઓ, પ્રભુ હજારોની સંખ્યામાં તેના પવિત્ર દૂતો સાથે આવે છે. 15 પ્રભુ પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે. પ્રભુ બધા લોકોનો ન્યાય કરવા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓને શિક્ષા કરવા આવે છે. તે આ લોકોને દેવની વિરુંદ્ધ તેઓએ કરેલાં દુષ્ટ કાર્યો માટે શિક્ષા કરશે. અને દેવ આ પાપીઓ જે દેવની વિરુંદ્ધ છે તેઓને શિક્ષા કરશે. તે તેઓને તેમણે દેવની વિરૂદ્ધ કહેલાં બધાં સખત ટીકાત્મક વચનો માટે શિક્ષા કરશે.”

16 આ લોકો હંમેશા બીજા લોકોમાં ભૂલો શોધે છે અને ફરિયાદ કરે છે. તેઓ હંમેશા તેઓની ઈચ્છા મુજબ દુષ્ટ કૃત્યો કરે છે. તેઓ પોતાની જાત વિશે દંભ કરે છે. તેઓ ફક્ત પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરવા, સ્વાર્થ સાધવા માટે બીજા લોકો માટે સારું બોલે છે.

ચેતવણી અને કરવાનાં કાર્યો

17 પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ પહેલા શું કહ્યું છે તે યાદ કરો. 18 પ્રેરિતોએ તમને કહ્યું છે, “અંત સમયે દેવના વિશે મશ્કરી કરનારા લોકો ત્યાં હશે.” આ લોકો ફક્ત તેઓની ઈચ્છા મુજબ કરવાનાં કાર્યો જે દેવની વિરૂદ્ધ છે તે જ કરે છે. 19 આ લોકો જ તમારામાં ભાગલા પાડે છે. આ લોકો પોતાની પાપી સ્વાર્થી અધર્મી ઉત્કંઠા પ્રમાણે જ ફક્ત કાર્યો કરે છે. તે લોકોમાં આત્મા નથી.

20 પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો. 21 તમારી જાતને દેવના પ્રેમમાં રાખો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વડે તમને જે અનંતજીવન પ્રાપ્ત થવાનું છે તેની રાહ જુઓ.

22 જેઓને શંકા છે તે લોકોને મદદ કરો. 23 તમારે કેટલાએક લોકોને બચાવવાની જરુંર છે. તમે તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવશો. પણ જ્યાંરે તમે બીજા લોકો જે પાપીઓ છે તેઓને મદદ કરવા ઈચ્છો છો ત્યારે સાવધ રહો. તેમનાં વસ્ત્રો જે પાપથી ગંદા થયેલાં છે તેને પણ ઘિક્કારો.

દેવની સ્તુતિ થાઓ

24 તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે. 25 તે જ ફક્ત દેવ છે. તે જ એક છે જે આપણો ઉદ્ધાર કરે છે. તેને મહિમા, ગૌરવ, પરાક્રમ તથા અધિકાર, અનાદિકાળથી હમણા તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International