Beginning
હબાક્કુકની દેવ સમક્ષ ફરિયાદ
1 દેવે હબાક્કુક પ્રબોધકને સંદર્શન દ્વારા આપેલો સંદેશો:
2 હે યહોવા, ક્યાં સુધી હું તમને બોલાવ્યા કરું અને તમે સાંભળો જ નહિ, “હિંસા” આ હિંસા માટે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી. 3 તું શા માટે મને આવા અન્યાયનો સાક્ષી બનાવે છે, અને શા માટે આવાં દુષ્કૃત્યો સહી લે છે? મારી આંખ સામે જ વિનાશ અને હિંસા ઝઘડા અને ટંટા થઇ રહ્યાં છે; 4 અને કાયદાનો અમલ થતો નથી, તેથી કદી અદલ ન્યાય મળતો નથી; સદાચારી લોકોને દુષ્ટ લોકોએ ઘેરી લીધા છે; તેથી કુટિલ ન્યાય થાય છે.
હબાક્કુકને દેવનો જવાબ
5 યહોવાએ કહ્યું, “તમે જરા વિદેશીઓ તરફ નજર કરો અને જુઓ, તો તમે વિસ્મય પામશો, કારણકે તમારા જમાનામાં જ હું એવું કઇંક કરી રહ્યો છું, જે તમને કહ્યું હોય પણ તમે માનો નહિ. 6 જગતમાં હું એક નવું કાર્ય સ્થાપી રહ્યો છું, એટલે કે ખાલદીઓ જે-ક્રૂર અને હિંસક પ્રજા છે, તેઓ તેમની માલિકીના ન હોય તેવા સ્થળો કબજે કરવા પૃથ્વીના છેડા સુધી જશે. 7 તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભય અને આતંક ફેલાવે છે; તેઓનો ગર્વ અને ન્યાય તેઓની અંદરથી જ આવે છે, તેમના ઘોડાઓ ચિત્તા કરતા વધુ વેગવાન છે અને સાંજના વરૂઓ કરતાં વધારે સજાગ છે. 8 તેમના ઘોડેસવારો ઝડપથી દૂરથી આવે છે, તેઓ શિકાર પર તૂટી પડતા ગરૂડના જેવા છે. 9 એમની સમગ્ર સૈના હિંસા માટે આવે છે. તેમના ચહેરા આતુરતાથી આગળ ધપવાની રાહ જુએ છે; અને તેઓ રેતીના કણ જેટલા અસંખ્ય બંદીવાનો એકઠા કરે છે.
10 “અને તેઓ રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. તેથી તેઓના કિલ્લાઓની તે હાંસી ઉડાવે છે. કિલ્લાઓના કોટ આગળ ધૂળના ઢગલા કરી બહુ આસાનીથી તેઓને જીતી લે છે. 11 ત્યારબાદ તેઓ વાયુવેગે આગળ વધી અને પસાર થઇ જાય છે; શકિત તે પાપીઓના દેવ છે. તેઓ ગુનેગાર છે.”
હબાક્કુકની દેવ સમક્ષ બીજી ફરિયાદ
12 હે મારા દેવ યહોવા, મારા પરમ પવિત્ર દેવ,
તું અનાદિ અને અમર છે.
અમે માર્યા જવાના નથી,
તમે શિક્ષાને માટે તેનું નિર્માણ કર્યું છે.
અને હે મારા યહોવા,
તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.
13 તમારી આંખો એટલી પવિત્ર છે
કે તમે દુષ્ટતા જોઇ શકતા નથી,
અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી.
તો પછી શા માટે તમે એ અપ્રામાણિક લોકોને જોઇ રહ્યાં છો.
અને દુષ્ટ માણસ પોતાના કરતાં સારા માણસને ગળી જાય છે,
ત્યારે તમે શા માટે મૂંગા રહો છો?
14 તમે માણસોને દરિયાના માછલાં જેવા શા માટે બનાવો છો?
તેઓ ધણી વગરના સમુદ્રના પ્રાણી જેવા છે.
15 તે લોકોને તે ગલથી ઊંચકી લે છે,
તેઓ પોતાની જાળમાં પકડીને તેઓને મોટી જાળમાં ભેગાં કરે છે
તેથી તેઓ ખુશી ને આનંદીત થાય છે.
16 તે માટે તે પોતાની જાળમાં બલિદાન આપે છે,
ને પોતાની મોટી જાળની આગળ ધૂપ બાળે છે;
કારણકે તેમના વડે તેઓનો હિસ્સો મોટો થાય છે;
તથા તેમને પૂરતો ખોરાક મળે છે.
17 તેથી શું તેઓ સદા માટે તેઓની જાળ ખાલી કરશે?
શું તેઓ લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?
2 “હવે હું મારી ચોકી પર ઊભો રહીશ,
ને બુરજ પર ઊભો રહીને જોયાઁ કરીશ કે તે મારી સાથે શું બોલે છે,
ને તે મને ઠપકો આપે ત્યારે તે શું જવાબ આપશે?”
હબાક્કુકને દેવનો જવાબ
2 ત્યારે યહોવાએ મને કહ્યું, “હું તને જે કંઇ કહું તે તકતી ઉપર ચોખ્ખા અક્ષરે એવી રીતે લખી નાખ, જેથી કોઇ પણ તે સહેલાઇથી વાંચી શકે; 3 આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય. 4 ગવિર્ષ્ઠ માણસ તરફ જુઓ, તેનો આત્મા તેનામાં પ્રામાણિક નથી; પરંતુ સાચો ન્યાયી માણસ તેની વફાદારીને કારણે જીવશે.”
5 “મદ્યપાન છેતરામણું છે; તેવી જ રીતે તેમના અભિમાનને કારણે બાબીલીઓ ઘરે રહેતા નથી. તેઓના લોભમાં ઘણા દેશો અને લોકોને જીત્યાં છે. પરંતુ મૃત્યુ અને નર્કની માફક તેઓ કદી તૃપ્ત થતાં નથી. 6 એવો સમય આવી રહ્યો છે, જ્યારે તેઓનાં સર્વ બંદીવાનો તેની મશ્કરી કરશે; ‘તેઓ તેની મજાક કરશે અને તેના પર હસશે! ધિક્કાર છે તેને જેણે જે પોતાની વસ્તુ નથી તે લૂંટી છે. ભારે દેવું ભેગું કરવાથી તમે કેટલો વખત ધનવાન રહી શકશો?’
7 “શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે, શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે, ને તું લાચાર ધ્રુજતો ઊભો રહીશ અને તમારા લેણદારો અચાનક તમારું સર્વસ્વ લૂંટી લેશે. 8 તમે ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે; માણસોના રકતપાતને, અને દેશમાં હિંસાને લીધે, નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે.
9 “એવા માણસોનું ભાવિ સારું નથી, જેઓ લૂંટના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે અને ખૂબ ઊંચે બાંધેલા માળાની જેમ એમને સંકટોથી સુરક્ષિત રાખવા મથે છે. 10 આ બધી યોજનાઓને લીધે તેઁ તારા કુટુંબને કાળી ટીલી લગાડી છે. અનેક લોકોની હત્યા કરીને તેઁ તારી જાત સાથે પાપ કર્યુ છે. 11 કારણકે દીવાલનો એકેક પથ્થર સુદ્ધાં તેની વિરૂદ્ધ પોકારી ઊઠશે અને લક્કડકામનો એકેએક ટુકડો સુદ્ધાં તેનો પડઘો પાડશે.
12 “ધિક્કાર છે તેને રકતપાત કરીને શહેર બાંધે છે, ને અન્યાયથી નગર વસાવે છે! 13 શું આ સૈન્યોનો દેવ યહોવાએ કર્યુ છે? લોકોએ પોતાની જાતે જે બધો પરિશ્રમ કર્યો છે, તે બળી ગયો છે, પ્રજાએ કારણ વગર સખત પરિશ્રમ કર્યો છે. 14 કારણકે જેમ સમુદ્ર પાણીથી છલોછલ ભરેલો છે તેમ યહોવાના ગૌરવના જ્ઞાનથી છલોછલ ભરાઇ જશે. 15 તમે તમારા પાડોશીને દારૂડીયો બનાવ્યો તમે તમારો કોપ તેના પર વરસાવ્યો જેથી તમે તેને નગ્ન જોઇ શકો, તમને શ્રાપ મળે!
16 “તમે કીર્તિને બદલે શરમથી ભરપૂર હશો, તું પીશે અને તારી જાતને ખુલ્લી કરશે; યહોવાના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, ને તને અપકિતીર્ મળશે.
17 “કારણ કે લબાનોન પર કરેલા ગુનાઓ તને ઢાંકી દેશે. અને ત્યાંના પ્રાણીઓ પર લાદેલો ત્રાસ તેને ભયભીત બનાવી દેશે, કારણ કે તેણે લોકોને મારી નાખ્યા છે અને દેશમાં હિંસા લાવી છે, તેણે નગર અને તેમાં રહેનારાઓ સાથે ખરાબ વર્તાવ કર્યો છે.”
મૂર્તિઓ વિષે સંદેશ
18 માણસે બનાવેલી મૂર્તિઓનો શો ઉપયોગ છે? એ તો માત્ર ધાતુમાંથી બનાવેલી પુતળીઓ છે, જે કેવળ જૂઠુ ભાખે છે. માણસ જે એક મૂર્તિ બનાવે છે તેમાં શા માટે વિશ્વાસ રાખે છે? તે એવા દેવ બનાવે છે જે બોલી પણ શકતાં નથી. 19 જે મનુષ્ય લાકડાની મૂર્તિને ઊઠાડવાનો પ્રયત્ન કરે છે. જે માણસ પથ્થરને ખસેડવાની કોશિષ કરે છે તે જોખમમાં છે! શું મૂર્તિ કાંઇ શીખવી શકે છે? તેઓ સોનાથી અને ચાંદીમાં જડાયેલી છે, પણ તેની અંદર શ્વાસ બિલકુલ નથી.
20 પરંતુ યહોવા તેમના પવિત્ર મંદિરમાં છે; સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ મૌન થઇ જાઓ.
હબાક્કુકની પ્રાર્થના
3 પ્રબોધક હબાક્કુકે આ પ્રાર્થના યહોવાને કરી, રાગ શિગ્યોનોથ.
2 હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે,
અને મને ચિંતા થાય છે,
ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું
તેમ અમારી જરૂરિયાતના આ સમયમાં ફરી વાર અમારી સહાય કરો.
આ જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો,
તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.
3 દેવ તેમાનથી આવે છે,
પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે.
તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે;
તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.
4 સૂર્ય જેવું છે તેનું અનુપમ તેજ, કિરણો પ્રગટે છે તેના હાથમાંથી;
ત્યાં જ છુપાયેલું છે તેનુ સાર્મથ્ય.
5 મરકી જાય છે તેની આગળ આગળ,
ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે.
6 તે ઊભા થાય છે
અને પૃથ્વીને હલાવે છે,
તેની નજરથી લોકોને
વિખેરી નાખે છે,
પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે,
પ્રાચીન ટેકરીઓ નમી જાય છે,
તેઓ હંમેશા આવાજ હતા.
7 મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે;
મેં મિદ્યાનમાં તંબુઓને હલતા જોયા છે.
8 હે યહોવા, તમે નદીઓ પર ગુસ્સે થયા છો?
શું તમે ઝરણાઓ પર રોષે ભરાયા છો?
શું તમારો ક્રોધ સમુદ્ર પર છે?
જેને કારણે તમે ઘોડાઓને, વિજ્યી રથો પર સવારી કરી રહ્યાં છો?
9 જ્યારે તમે તમારું મેઘધનુષ્ય બહાર કાઢો છો,
તે તમે લોકોને આપેલા વચનની નિશાની હતી,
પૃથ્વીએ નદીઓને વહેંચી નાખી છે.
10 થરથર ધ્રુજે છે તને જોઇને પર્વતો,
મૂશળધાર વરસે છે વરસાદ,
અને સાગર કરે છે ઘોર ગર્જના,
ને હેલે ચડે છે તેના મોજા કેવા!
11 રા વેગીલા બાણોના ઝબકારથી,
અને તારા ચકચકતા ભાલાના ચળકાટથી;
સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.
12 તમે ગુસ્સામાં પૃથ્વી પર પગ પછાડો છો,
અને ક્રોધમાં, પ્રજાઓને પગતળે કચડી નાખો છો.
13 તમે તમારા લોકોના ઉધ્ધારને માટે,
વળી તમારા અભિષિકતના
ઉધ્ધારને માટે પણ બહાર ગયા.
તમે દરેક દુષ્ટ કુળના નેતાઓને કાપી નાખો છો
અને જમીનથી ગળા સુધી તેમને ખુલ્લા પાડો છો.
14 તમે લડવૈયાઓના માથા તેમના
પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો.
જ્યારે તેઓ વાવાઝોડાની જેમ
અમને મારી નાખવા આવ્યા.
સંતાઇ ગયેલા ગરીબોને ભસ્મસાત કરનારા
લોકોની જેમ તેઓ આનંદ માને છે.
15 તમે જ્યારે તમારા ઘોડા પર સવાર થઇને સાગરમાંથી પાછા ફરો છો,
ત્યારે પાણી ખળભળી જાય છે.
16 એ સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું;
મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે,
મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે,
પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે
તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે.
યહોવાથી હંમેશા આનંદમાં રહો
17 ભલેને અંજીરીને ફૂલના બેસે,
ને દ્રાક્ષની લતાઓને દ્રાક્ષા ન આવે;
જૈતૂનનો પાક નિષ્ફળ જાય,
ને ખેતરોમાં ધાન ન પાકે,
કોડમા ઢોરઢાંખર ના રહે,
ને નાશ પામે વાડામાં ને તબેલામા, ઘેટાંબકરાં,
18 છતા હું યહોવાથી આનંદિત રહીશ, અને દેવ,
જે મારું તારણ છે, તેનાથી હું આનંદિત થઇશ.
19 યહોવા મારા પ્રભુ મારું બળ છે;
તે મને હરણના જેવા પગ આપશે
અને તે મને સુરક્ષાથી પર્વતો ઉપર લઇ જશે.
મુખ્ય ગાયક માટે. તારવાળાં વાજિંત્ર સાથે ગાવું.
1 યહૂદાના રાજાની, એટલે આમોનના પુત્ર યોશિયાની કારકિદીર્ દરમ્યાન, હિઝિક્યાના પુત્ર અમાર્યાના પુત્ર ગદાલ્યાના પુત્ર કૂશીના પુત્ર સફાન્યાને સંભળાયેલી યહોવાની વાણી.
લોકોનો ન્યાય કરવાનો યહોવાનો દિવસ
2 યહોવા કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી એકેએક વસ્તુનો સંપૂર્ણ વિનાશ કરવા માંગું છું. 3 હું મનુષ્યની સાથે પશુઓનો પણ સંહાર કરીશ. આકાશના પક્ષીઓ અને સમુદ્રના માછલાં પણ નાશ પામશે. અને દુષ્ટ વસ્તુઓ જે તેમને લથડાવે છે તે પણ નાશ પામશે. અને હું માણસને ધરતીની સપાટી પરથી દૂર કરીશ,” એમ યહોવા કહે છે.
4 “હું યહૂદા અને યરૂશાલેમના બધા વતનીઓ સામે મારો હાથ ઉગામીશ, અને હું આ જગ્યાએથી બઆલનું નામોનિશાન મિટાવી દઇશ, હું ઇસ્રાએલના યાજકો સાથે પણ ક્રમારીમના યાજકોના નામનો અંત લાવીશ. 5 તેઓ ઘરની અગાશી પર જઇને આકાશના સૈન્યની ભકિત કરે છે, અને તેઓ યહોવાને અનુસરે છે પણ સાથે સાથે માલ્કામનું પણ ભજન કરે છે! ને તેમના નામે સમ ખાય છે. તેમનો પણ હું સંહાર કરીશ. 6 જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.”
7 યહોવા મારા પ્રભુની સંમુખ શાંત રહેજો; કારણ કે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે. યહોવાએ યજ્ઞની તૈયારી કરી છે અને અતિથિઓને પવિત્ર કર્યા છે.
8 યહોવા કહે છે, “હું મારા યજ્ઞને દિવસે રાજ્યના અમલદારોને, રાજવંશીઓને, તેમજ વિદેશી રીવાજો પાળનારાઓને શિક્ષા કરીશ. 9 જેઓ ઉંબરો ઓળંગી અને પોતાના દેવોના મંદિરો ભરવા માટે જુલમ અને છેતરપિંડી કરે છે તે સર્વને હું શિક્ષા કરીશ.
10 “તે દિવસે મચ્છી દરવાજેથી પોકાર ઊઠશે, નવા બંધાયેલા ભાગમાંથી પોક મુકાશે અને ડુંગરોમાંથી ભારે મોટા અવાજ સંભળાશે. 11 હે શહેરના નીચાણવાળા ભાગના રહેવાસીઓ, વિલાપ કરો, કારણ કે હવે કોઇ વેપારીઓ રહ્યાં નથી, જેઓ પાસે ચાંદી છે તે સર્વનો નાશ થશે.
12 “જેઓ પોતાના વ્યવસાયમાં અધર્મના માર્ગથી સ્થિર થયા હોય, અને ‘યહોવા અમારું કશું ખરાબ નહિ કરે કે ભલું નહિ કરે’ એવું માનનારાઓને તે વખતે હું દીવો લઇને યરૂશાલેમના વિસ્તારોમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ. 13 તેઓની સંપત્તિ તેઓના દ્વારા લૂંટાઇ જશે, દુશ્મનો તેઓનાં ઘરોનો નાશ કરશે. પોતે બાંધેલા ઘરોમાં તેઓ રહેવા પામશે નહિ, અને પોતે રોપેલી દ્રાક્ષાવાડીઓનો દ્રાક્ષારસ તેઓ પીવા પામશે નહિ.”
14 હવે યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે, યહોવાના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે બળવાન માણસ પોક મૂકીને રડે છે. 15 તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ, વિનાશનો તથા ઉદાસીનતાનો દિવસ છે. અંધકાર તથા અકળામણનો દિવસ છે. વાદળોથી ઘેરાયેલો અંધકારથી ભરેલો દિવસ છે. 16 કોટવાળાં નગરો વિરૂદ્ધ તથા ઊંચા બુરજો વિરૂદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
17 યહોવા કહે છે, “હું માણસોને એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દઇશ કે તેઓ આંધળા માણસની જેમ ચાલશે, તેમનું લોહી જમીન પર વહેશે અને તેઓના શરીર લાદની જેમ રઝળશે. કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યુ છે. 18 યહોવાના કોપને દિવસે તેમનું સોનું ચાંદી તેમને ઉગારી શકશે નહિ, પણ સમગ્ર ભૂમિ યહોવાના પ્રચંડ ક્રોધાજ્ઞિમાં ભસ્મીભૂત થઇ જશે. કારણકે ભૂમિ ઉપર વસનારા સૌ કોઇનો તે અવશ્ય અંત લાવનાર છે.”
યહોવા તરફ વળવા માટે હાકલ
2 ઓ શરમ વગરના લોકો! તમે સાથે મળી ભેગા થાઓ. 2 ચુકાદાનો સમય આવે અને ઊડી જતાં ફોતરાની જેમ દિવસ પસાર થઇ જાય તે પહેલા તમને યહોવાનો રોષ સખત રીતે ઇજા પહોંચાડે તે પહેલા, યહોવાના રોષનો દિવસ તમને પકડી પાડે તે પહેલાં તમે એકત્ર જાઓ! 3 દેશના સર્વ નમ્ર લોકો યહોવાને શોધવાનો પ્રયત્ન કરે છે, તમારામાંથી જેઓ તેની આજ્ઞા પ્રમાણે કરે છે, જે સાચું હોય તે કરો, નમ્રતા પ્રાપ્ત કરવા મથો: તો કદાચ યહોવાના રોષને દિવસે તમને આશ્રય મળશે.
યહોવા ઇસ્રાએલના પડોશીઓને સજા કરશે
4 કારણ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઇ જશે. આશ્દોદના લોકોને ખરે બપોરે હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનનો ઉચ્છેદ કરવામાં આવશે. 5 સમુદ્રકાંઠે રહેનારા પલિસ્તીઓને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તમારી વિરૂદ્ધ છે; હું તમારો એવી રીતે નાશ કરીશ કે તમારામાંની એક પણ વ્યકિત તમારા દેશમાં રહેશે નહિ. 6 દરિયાકાંઠો ઢોર ચરાવવાનું ચરાણ બની જશે. ફકત ભરવાડના ઝૂંપડા અને ઘેટાઁબકરાઁ રાખવાની છાપરી જ રહેશે. 7 કાંઠાનો પ્રદેશ યહૂદાના રહ્યાંસહ્યાં લોકોના હાથમાં જશે. તે લોકો ત્યાં ઘેટાઁબકરાઁ ચરાવશે અને સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઇ જશે, કારણ, તેમના દેવ યહોવા ફરીથી તેમનું ભાગ્ય ફેરવી નાખનાર છે.
8 યહોવા કહે છે, “મોઆબે કરેલી નિંદા અને આમ્મોનીઓએ મારી પ્રજાના કરેલા અપમાન મેં સાંભળ્યાં છે. તથા તેની ભૂમિ તેઓએ પચાવી પાડવાની કોશિષ કરી છે. 9 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે મોઆબ અને આમ્મોનના હાલ સદોમ અને ગમોરાના જેવા થશે; એ સદાને માટે મીઠાની ખાણ અને ઝાંખરાવાળો ઉજ્જડ પ્રદેશ બની જશે, મારા અતિજીવીઓ તે ભૂમિનો કબજો લેશે અને તેમાથી લૂંટનો માલ લેશે.”
10 તેઓના અભિમાનનો બદલો તેઓને મળશે, કારણકે તેઓએ સૈન્યોનો દેવ યહોવાના લોકોનું અપમાન કર્યુ હતું અને તેઓ સામે ઉદ્ધતાઇ કરી હતી. 11 યહોવા તેમના માટે ડરામણા બની જશે. તે પૃથ્વીના બધા દેવોને હતા ન હતા કરી નાખશે, અને પછી જ દૂરના દરિયાકાંઠાના પ્રદેશના લોકો પોતપોતાના દેશમાં તેમની આરાધના કરશે. 12 એજ રીતે કૂશીઓ પણ તેમની તરવારથી માર્યા જશે. 13 તે ઉત્તરમાં પોતાનો બાહુ લંબાવી આશ્શૂરનો નાશ કરશે. નિનવેહને ઉજ્જડ અને રણ જેવું સૂકુંભઠ્ઠ બનાવી દેશે. 14 અને દરેક જાતનાં જંગલી પ્રાણીઓના ટોળાં ત્યાં વાસો કરશે. તેના થાંભલા પર વિસામો કરશે, તેમના અવાજો બારીમાંથી આવશે, વિનાશ દરવાજે આવી ગયો છે. દેવદારના થાંભલાઓ ઊઘાડા પડી ગયાં છે. 15 સમૃદ્ધ ગણાતું અને સુરક્ષિત નગર પોતાના માટે ગર્વથી કહેતું હતું, “મારા જેવું મહાનગર બીજું એક પણ નથી.” હવે તે નગરની સામે જુઓ, તે કેવું વેરાન થઇ ગયું છે! વળી તે પશુઓના રહેવાનું સ્થાન થઇ ગયું છે! તેની પાસે થઇને જનાર દરેક માણસ મશ્કરી કરશે, અને પોતાની મુઠ્ઠી હલાવશે.
અપરાધ અને ઉદ્ધાર
3 ઉદૃંડ, બંડખોર તથા ષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ! 2 તેણે ન તો યહોવાની આજ્ઞાનો સાદ સાંભળ્યો કે ના કોઇ શિસ્ત શીખ્યા. તેમને યહોવા ઉપર જરાય વિશ્વાસ ન હતો. તેઓ દેવની સમીપ આવ્યા નહિ. 3 તેમાં વસતા અમલદારો જાણે ગર્જના કરતા સિંહ જેવા છે; તેના ન્યાયાધીશો ભૂખ્યાં વરુઓ જેવા છે, જે સાંજનું સવાર સુધી રહેવા દેશે નહિ. 4 તેના પ્રબોધકો ઘમંડી માણસો છે; તેના યાજકો પવિત્ર સ્થાનને દુષિત કરે છે. અને દેવના નિયમશાસ્ત્રનું નિકંદન કાઢે છે. 5 પણ તેમાં વસતા યહોવા ન્યાયી છે, તે અધમ કાર્ય કરતા નથી. તે નિયમિત રીતે દરરોજ સવારમાં ચુકાદો આપે છે. તથા તે પ્રભાતમાં ચૂકતા નથી છતાં અનીતિમાન લોકોને શરમ આવતી નથી.
6 દેવ કહે છે, “મેં પ્રજાઓનો નાશ કર્યો છે. તેઓની દૂરની ઊંચી મજબૂત ઇમારતોનો નાશ કર્યો છે. તેઓની શેરીઓ અને નગરોને વસ્તી વગરના કરી દીધાં છે. ત્યાં કોઇ જરા પણ જતું કે રહેતું નથી. 7 મને થયું કે મારા લોકો હવે મારાથી શિસ્તપાલન કરતા શીખશે. તો તેઓના ઘરનો નાશ થશે નહિ. મેં તેઓ માટે નક્કી કરેલ સજા થશે નહિ.” પણ તેઓ તો વધુ અધમ કામ કરવા વહેલા ઉઠે છે.
8 યહોવા કહે છે, “મારી પ્રતિક્ષા કરો, હું પ્રજાઓ પર આરોપ મૂકવા ઊભો થાઉં તે દિવસની રાહ જુઓ, કારણ કે પ્રજાઓને અને રાજ્યોને એકઠાં કરીને તેમના પર મારો બધો ગુસ્સો અને સંતાપ વરસાવવાનો મેં નિર્ધાર કર્યો છે. મારા માત્ર ક્રોધને લીધે પૃથ્વી ખાખ થઇ જશે. 9 ત્યારબાદ હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ મારું નામ લઇ શકે અને ખભેખભા મિલાવીને મારી સેવા કરે. 10 વેરવિખેર થઇ ગયેલા મારા ભકતો ઠેઠ કૂશની નદીઓની સામે પારથી પણ મારે માટે અર્પણ લઇ આવશે.
11 “હે યરૂશાલેમ, તે દિવસે તમે મારી સામે બળવો પોકારીને જે જે દુષ્કૃત્યો કર્યાં છે, તેને માટે તમારે શરમાવું નહિ પડે. કારણ કે તે વખતે હું તમારા અભિમાની અને ઉદ્ધત નાગરિકોને હાંકી કાઢીશ; પછી તારા લોકો મારા પવિત્રપર્વત પર ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી સકશે નહિ. 12 પરંતુ હું તમારામાં એવા જ લોકોને રહેવા દઇશ જે નમ્ર અને દીન હોય; અને તેઓ મારા નામ પર વિશ્વાસ રાખશે. 13 ઇસ્રાએલના બાકી રહેલા લોકો તે પછી દુષ્ટ કામ કરશે નહિ, અસત્ય બોલશે નહિ, અને અપ્રામાણિકતાથી કાર્ય કરશે નહિ. તેઓ સદા શાંતિ અને આરામદાયક રીતે રહેશે અને તેમને કોઇનોય ભય રહેશે નહિ.”
આનંદના સમાચાર
14 ઓ સિયોનની પુત્રી હર્ષનાદ કર!
ઓ ઇસ્રાએલ આનંદના પોકાર કર!
યરૂશાલેમના લોકો, ઉલ્લાસમાં આવીને આનંદોત્સવ કરો!
15 યહોવાએ ન્યાય અનુસાર તમને કરેલી શિક્ષાનો અંત કર્યો છે.
તેમણે તમારા શત્રુને હાંકી કાઢયા છે;
ઇસ્રાએલના રાજા, એટલે યહોવા, તમારામાં છે;
હવે પછી તમને કોઇ પણ પ્રકારની આપત્તિનો ડર લાગશે નહિ.
16 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે યરૂશાલેમના લોકોને આ સંદેશો મળશે,
“ઓ સિયોન, ડરીશ નહિ, તારા હાથ ઢીલા થવા દઇશ નહિ.
17 યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ
તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે.
તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે.
તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે,
અને એક ઉત્સવના દિવસની જેમ
તે ખૂબ આનંદથી પોકાર કરે છે.
18 મેં નિશ્ચિત કરેલા ધામિર્ક ઉત્સવ પર
શોક કરનારાઓને એકત્ર કર્યા છે.
અને તમને આપેલાં અપમાન પાછા લઇ લઇશ.
19 તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે,
તેઓ સાથે હું સખતાઇથી વર્તીશ.
હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ.
હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓને પાછા લાવીશ.
જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીર્તિ મેળવી આપીશ.
20 એ સમયે હું તમને પાછા લાવીશ.
તમારી નજર સમક્ષ;
તમારું ભાગ્ય ફેરવીને તમને પૃથ્વી પરના સર્વ લોકો કરતાં અલગ એવું અતિ ઉત્તમ નામ આપીશ.
ત્યારે તેઓ તમારી પ્રસંશા કરશે.”
આ યહોવાના વચન છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International