Beginning
યહૂદા પર બાબિલનું આક્રમણ
21 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ. 2 “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમ તરફ જો અને ઇસ્રાએલ વિરુદ્ધ અને મારા મંદિરની વિરુદ્ધ પ્રબોધ કર. 3 અને કહે: યહોવા આ પ્રમાણે કહે છે: ‘હું તારી વિરુદ્ધ છું. હું મારી તરવાર મ્યાનમાંથી ખેંચીશ અને તમારામાંથી સદાચારી માણસોની તેમજ દુષ્ટોની હત્યા કરીશ. 4 મારે તમારામાંના ભલાભુંડા સૌ કોઇનો સંહાર કરવો છે માટે હું દક્ષિણથી ઉત્તર સુધીના બધા સામે મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢનાર છું. 5 ત્યારે બધા માણસોને ખાતરી થશે કે મેં યહોવાએ મ્યાનમાંથી તરવાર ખેંચી છે અને એ કદી પાછી મ્યાનમાં જવાની નથી.’”
6 “હે મનુષ્યના પુત્ર, ભગ્ન હૃદયથી, તીવ્ર શોકથી અને અતિશય દુ:ખમાં તું મોટેથી રૂદન કર, લોકો આગળ તું પસ્તાવો કર. 7 તેઓ તને પૂછે કે, ‘તું શા માટે આક્રંદ કરે છે,’ ત્યારે તેઓને કહે: ‘દેવે આપેલા સમાચારને લીધે જ્યારે એમ થશે ત્યારે હિંમતવાન માણસ પણ ભાંગી પડશે અને તેની તાકાત ચાલી જશે. દરેક વ્યકિત નિર્ગત થશે. મજબૂત ઘૂંટણો પણ થરથરશે અને પાણીના જેવા થઇ જશે.’ યહોવા મારા માલિક કહે છે તમારા પર શિક્ષા આવી રહી છે. મારા ન્યાય ચુકાદાઓ પરિપૂર્ણ થશે.”
તરવાર તૈયાર છે
8 યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 9 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું લોકોને એમ કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:
“‘તરવાર! હા, તેને ધારદાર
અને ચમકતી બનાવવામાં આવી છે.
10 સંહાર કરવા માટે તેને ધારદાર બનાવેલી છે.
વીજળીની જેમ ચમકારા મારે તેવી તેને બનાવી છે.
અજેય રહેનાર યહૂદાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું?
પરંતુ એ બાબિલની તરવાર એવા પ્રત્યેક રાજદંડને તુચ્છકારે છે.
11 તરવાર ચકચકતી બનાવી છે.
તેનો ઉપયોગ કરવા માટે સંહારકના
હાથમાં સોંપવા માટે તેને ધારદાર
અને ચકચકતી બનાવી છે.
12 “‘હે મનુષ્યના પુત્ર, તું અતિશય દુ:ખને કારણે મોટેથી પોક મૂક અને રૂદન કર, કારણ કે તે તરવાર મારા લોકોની અને તેઓના સર્વ આગેવાનોની હત્યા કરશે. સર્વ મરણ પામશે માટે તારી છાતી કૂટ. 13 હું તેઓની કસોટી કરીશ. જેને તરવાર તિરસ્કારે છે તે યહૂદાના રાજદંડનો અંત આવશે તો શું?’” એમ યહોવા મારા માલિક કહે છે.
14 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું બે હાથે જોરથી તાળી પાડ,
આ એ તરવાર છે જે એક શરીર પરથી બીજા શરીર પર જાય છે.
એ તરવાર સંહાર કરનારી છે,
એ પ્રાણ હરનારી તરવાર છે.
એ સર્વત્ર ભય ફેલાવનારી તરવાર છે,
એને જોઇને લોકો હિંમત હારી જાય છે.
15 બધા હૃદયમાં આતંક લાવવા માટે
અને ઘણા લોકોને લથડાવીને નીચે પાડવા માટે,
મેં તેઓની નગરીને દરવાજે-દરવાજે તરવાર લટકતી રાખી છે,
જે વીજળીની જેમ ઝળકે છે
અને સંહાર કરવાને સજ્જ છે.
16 હે તરવાર, તું તારી ડાબી બાજુ
અને તારી જમણી
બાજુ સંહાર કર.
જે બાજુ તું ફરે
તે બાજુ સંહાર કર.
17 “હું પણ તાળી પાડીશ
અને મારા ક્રોધને શાંત પાડીશ,
હું યહોવા આ બોલ્યો છું.”
યરૂશાલેમના માર્ગને પસંદ કરવું
18 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ. 19 “હે મનુષ્યના પુત્ર, બાબિલનો રાજા પોતાની તરવાર સાથે જ્યાં થઇને આવી શકે એવા બે રસ્તા દોર બંને રસ્તા એક જ દેશમાંથી નીકળવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં નિશાન મૂક. 20 એક એંધાણી રાજાને આમ્મોનીઓના નગર નો માર્ગ બતાવે, અને બીજી એંધાણી યહૂદાનો, ઠેઠ યરૂશાલેમ સુધીનો માર્ગ બતાવે. 21 બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં નિશાન આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે બાણ હલાવે છે, મૂર્તિઓને પ્રશ્ર્ન કરે છે અને વધેરેલા પ્રાણીનું કાળજું તપાસે છે.
22 “તેના જમણા હાથમાં આવેલું બાણ યરૂશાલેમનું છે. ત્યાં તે કિલ્લો તોડવાના યંત્રો ગોઠવશે અને હત્યા કરવા હુકમ આપશે. દરવાજા તોડવાના યંત્રો ગોઠવાશે અને માટીના ગઢ ઊભા કરાશે, અને ખાઇઓ ખોદશે. 23 યરૂશાલેમના લોકોએ સંધિઓ કરી છે એટલે તેઓ આ બધું નહિ માને; પણ એ તો તેમના પાપોની ખબર લેશે; તેઓ દુશ્મનના હાથમાં પડવાના જ છે, પછી તેઓને બંદીવાન તરીકે લઇ જવાશે.”
24 તેથી હું યહોવા મારા માલિક, કહું છું કે, “હે યરૂશાલેમ નગરી, તારાં પાપોની ખબર લેવાઇ રહી છે. સૌ કોઇ જાણે છે કે તું કેવી દોષિત છે. તારા એકેએક કાર્યમાં તારાં પાપ પ્રગટ થાય છે. તારાં પાપોની ખબર લેવાઇ રહી છે અને તું તારા દુશ્મનોના હાથમાં પડવાની જ છે. 25 હે ઇસ્રાએલના દુષ્ટ અને અધમ રાજા, તારા દિવસો પણ ભરાઇ ચૂક્યા છે, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.”
26 યહોવા મારા માલિક કહે છે: “તારી પાઘડી અને મુગટ ઉતાર. હવે પહેલાના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે. 27 હું નગરીને ખંડિયેરબનાવી દઇશ. ખંડિયેર! પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.”
આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી
28 “હે મનુષ્યના પુત્ર, તું આમ્મોનીઓ વિરુદ્ધ પ્રબોધ કર. કારણ કે તેઓએ મારા લોકોની તેમની વિકટ પરિસ્થિતીમાં હાંસી ઉડાવી છે. તેઓને આ પ્રમાણે કહે:
“‘તમારી વિરુદ્ધ પણ ધારદાર,
ચમકતી તરવાર ખુલ્લી કરવામાં આવી છે,
તે વીજળીની જેમ ચમકારા મારે છે.
29 “‘તમારાં દર્શન જૂઠાં છે.
ભવિષ્યવાણી ખોટી છે.
તમે દુષ્ટ છો, અધમ છો;
તમારા દિવસો ભરાઇ ચૂક્યા છે,
કારણ કે તમારી શિક્ષાનો
અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.
તરવાર તમારી ડોક પર પડનાર છે.
બાબિલ વિરુદ્ધ ભવિષ્યવાણી
30 “‘તારી તરવારને તેના મ્યાનની અંદર પાછી મૂકી દે! તમારા દેશમાં, જ્યાં તમારો જન્મ થયો હતો ત્યાં જ હું તમારો સંહાર કરીશ. 31 હું મારો કોપ તમારા પર રેડી દઇશ અને જ્યાં સુધી મોટી આગના ભભૂકે ત્યાં સુધી હું મારો કોપરૂપી અગ્નિ તમારા પર મોકલીશ. સંહાર કરવામાં કુશળ અને સ્વભાવે ક્રુર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ. 32 તમે અગ્નિમાં ઇંધણની જેમ હોમાઇ જશો. તમારા પોતાના દેશમાં તમારું લોહી રેડાશે. તમારું કોઇ નામોનિશાન નહિ રહે. હું યહોવા આ બોલ્યો છું.’”
યરૂશાલેમના પાપો
22 યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું તેણીનો ન્યાય તોળવા તૈયાર છે? તો તું યરૂશાલેમ પર તે ‘ખૂનીઓની નગરી’ છે તેવો આરોપ મૂક, પછી તેણે આચરેલા બધા ભયંકર કૃત્યો વિષે તેને જણાવ. 3 તે નગરને જણાવ કે, ‘યહોવા મારા માલિક તમને કહે છે: પોતાની મધ્યે ઘણાં લોકોનાં ખૂન કર્યા છે અને મૂર્તિઓની પૂજા કરીને પોતાને ષ્ટ કર્યા છે.
4 “‘એ કારણને લીધે તારા નાશનો સમય પાકી ચૂક્યો છે. એ ખૂનની જવાબદારી તારી છે અને તેં જ બનાવેલી મૂર્તિઓથી તું ષ્ટ થયેલી છે, તેથી તારી ઘડી ભરાઇ ચૂકી છે. તારું આવી બન્યું છે! આથી જ મેં તેને બધી પ્રજાઓની હાંસીનો અને બધા દેશોના ઉપહાસનો વિષય બનાવી છે. 5 દૂરના અને નજીકના દેશો તારી હાંસી ઉડાવશે, તું ઘણી બદનામ થયેલી છે. તું હિંસાથી ભરેલી છે.
6 “‘તારા કિલ્લાની અંદર રહેનાર ઇસ્રાએલના પ્રત્યેક આગેવાને પોતાના હાથનો ઉપયોગ લોહી વહેવડાવવામાં કર્યો છે. 7 તારામાં કોઇ માતાપિતાને માન આપતું નથી. વિદેશીઓને સુરક્ષા માટે નાણાં ચૂકવવા ફરજ પાડે છે. અને અનાથો તથા વિધવાઓ ઉપર ત્રાસ ગુજારે છે. 8 હું જે કઇં પવિત્ર માનું છું તેને તું ધિક્કારે છે. અને મારા ખાસ વિશ્રામવારોનું ઉલ્લંઘન કરે છે. 9 તારે ત્યાં લોકો ખોટી અફવાઓ ફેલાવે છે અને ખૂનો કરાવે છે, પર્વત પરના થાનકોએ જઇને બલિદાનો અર્પણ કરે છે.
“‘તારે ત્યાં લોકો જાતિય પાપો આચરે છે. 10 ધણા પુરુષો પોતાના પિતાની પત્નીઓ સાથે વ્યભિચારમાં ડૂબેલા હોય છે. અને તેમાંના ધણા તો સ્ત્રીઓ પર ઋતુકાળ દરમ્યાન બળાત્કાર કરે છે. 11 કેટલાંક પુરુષો બીજા પુરુષોની પત્નીઓ સાથે ભયાનક કુકર્મો કરે છે, તો કોઇ પોતાની પુત્રવધૂને ષ્ટ કરે છે; કોઇ તેની પોતાની બહેન પર એટલે કે પોતાના બાપની પુત્રી પર બળાત્કાર કરે છે. 12 તારે ત્યાં લોકો પૈસા લઇને ખૂન કરે છે, પોતાના ઇસ્રાએલી ભાઇઓને ધીરેલા નાણા ઉપર વ્યાજ લે છે અને નફા માટે તેમની પાસે વધારે ભાવ પડાવે છે, મને તો તું ભૂલી જ ગઇ છે.’ આ યહોવા મારા માલિકના વચન છે.
13 “‘તમે અપ્રામાણિક નફો મેળવ્યો છે અને તમારી મધ્યે લોહી વહેવડાવ્યું છે. તેથી હું રોષમાં હાથ પછાડીશ. 14 હું તારી ખબર લઇશ ત્યારે તારી હિંમત ટકી રહેશે ખરી? તારું બળ કાયમ રહેશે ખરું? કારણ કે હું યહોવા બોલ્યો છું અને મેં જે કંઇ કહ્યું છે તે સર્વ હું કરી બતાવીશ. 15 હું તમને બીજી પ્રજાઓમાં અને વિદેશોમાં વેરવિખેર કરી નાખીશ અને તમે જે મલિનતામાં ખૂપેલા છો તેને હું સંપૂર્ણપણે દૂર કરીશ. 16 બીજી સર્વ પ્રજાઓ આગળ તમે અપમાનિત થશો અને ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.’”
ઇસ્રાએલ કામવગરના કચરાની જેમ છે
17 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ મારે માટે કચરા જેવા નકામા છે. તેઓ ચાંદીને શોધ્યા પછી ભઠ્ઠીમાં રહેલા તાંબા, કલાઇ, લોઢા અને સીસા જેવા છે. 19 આથી હું યહોવા માલિક કહું છું કે, ‘તમે બધા એ કચરા જેવા નકામા છો એટલે હું તમને યરૂશાલેમમાં ભેગા કરીશ. 20 જેમ ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા અને જસતને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં અગ્નિ વડે ગળાય છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં ભેગા કરીને તમને ભઠ્ઠીમાં ઓગળવા માટે મૂકી દઇશ. 21 તેવી જ રીતે હું મારા ક્રોધ અને રોષમાં તમને ભેગા કરીને ઓગાળીશ. તમે મારા રોષની ભડભડતી ભઠ્ઠીમાં ઓગળી જશો. 22 જેમ ચાંદી ભઠ્ઠીના અગ્નિથી ઓગળી જાય તેમ તમે મારા રોષના અગ્નિથી ઓગળી જશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ મારો કોપ તમારા પર રેડ્યો છે.’”
હઝકિયેલ યરૂશાલેમ વિષે બોલે છે
23 ફરીથી યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 24 “હે મનુષ્યના પુત્ર, તું એ ભૂમિને કહે: તુ એક અશુદ્ધ ભૂમિ છે જે ભૂમિ પર કોપના દિવસે વરસાદ વરસતો નથી. 25 શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા ‘પ્રબોધકો’ એ તારી વિરુદ્ધ જાળ પાથરી છે. તેઓ ઘણાં જીવોને હડપ કરી ગયા છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓ આ દેશમાં વિધવાઓનો વધારો કરે છે.
26 “તારા યાજકોએ ખરેખર મારા નિયમશાસ્ત્ર ભંગ કર્યો છે અને જે અપિર્ત વસ્તુઓ છે તેને ષ્ટ કર્યું છે. તેઓએ પવિત્રતાને અપવિત્રતાથી દુર કરી છે. તેઓ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ મારા ખાસ વિશ્રામવારનું અપમાન કરે છે તેથી હું તેઓની વચ્ચે અપવિત્ર બન્યો છું.
27 “નગરીના અમલદારો શિકારની ચીરફાડ કરતાં વરુઓ જેવા છે; તેઓ ખૂનરેજી કરે છે, લોકોને મારી નાખીને તેમની મિલકત લૂંટીને અપ્રામાણિક લાભ મેળવે છે.
28 “તેમના પ્રબોધકો દરેક વસ્તુઓ ઉપર વ્યર્થ ચૂનો ઘોળે છે. તેઓ પોકળ દર્શનો જુએ છે અને અસત્ય બોલે છે – તેઓ કહે છે, ‘આ યહોવા મારા માલિકના વચન છે,’ પછી ભલે, મેં તેમને કંઇ કહ્યું ન હોય.
29 “સામાન્ય લોકો પણ જુલમમાં ડુબેલા હોય છે, તેઓ ગરીબો અને જરૂરતમંદોને લૂંટે છે અને વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે.
30 “મેં તેમનામાં એવો માણસ શોધવાનો પ્રયત્ન કર્યો જે દિવાલ બાંધી શકે, જે દિવાલમાં પડેલાં ગાબડા પાસે ઊભો રહી મારાથી દેશનું રક્ષણ કરે – જે તેનો નાશ કરવા માટે તૈયાર હોય, પણ હું એવા કોઇને પણ શોધી ન શક્યો. 31 આથી હું તમારા પર મારો ક્રોધ રેડી દઇશ. હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તમે કરેલા સર્વ કુકર્મોને માટે હું તમને જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International