Beginning
યર્મિયાનો પાણીના ટાંકામાંથી બચાવ
38 પરંતુ જ્યારે માત્તાનનો પુત્ર શફાટયા, પાશહૂરનો પુત્ર ગદાલ્યા, શેલેમ્યાનો પુત્ર યુકાલ અને માલ્ખિયાનો પુત્ર પાશહૂરે યર્મિયા લોકોને જે કહેતો હતો તે સાંભળ્યું: 2 “આ યહોવાના વચન છે: ‘જે કોઇ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી મૃત્યુ પામશે, પણ જે કોઇ બાબિલવાસીઓને શરણે જવા બહાર ચાલ્યો જશે તે બચવા પામશે, કઇઁં નહિ તો તે જીવતો તો રહેશે જ.’ 3 ‘અને આ નગર બાબિલના રાજાના લશ્કરના હાથમાં જશે, અને તેઓ તેનો કબજો લેશે.’”
4 ત્યારબાદ પેલા અમલદારોએ રાજાને કહ્યું, “આ માણસને મારી નાખવો જોઇએ. આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. એ આ લોકોનું હિત કરવા નથી માગતો પણ વિનાશ કરવા માંગે છે. તે દેશદ્રોહી છે.”
5 રાજા સિદકિયાએ કહ્યું, “સારું તમને યોગ્ય લાગે તેમ કરો. હું તમને રોકી શકતો નથી.”
6 આથી એ લોકોએ યર્મિયાને લઇ જઇને રક્ષકઘરના પ્રાંગણમાં આવેલા રાજકુમાર માલ્ખિયાના ધાતુંના ટાંકામાં તેને ઉતાર્યો. તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. ધાતુના ટાંકામાં પાણી નહોતું, પણ ફકત કાદવ હતો અને યર્મિયા એ કાદવમાં ખૂંપી ગયો.
7 કૂશનો એબેદ-મેલેખ એ રાજમહેલમાં એક ખોજો હતો. તેણે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ધાતુના ટાંકામાં નાખવામાં આવ્યો છે. 8 રાજા બિન્યામીન દરવાજા આગળ બેઠો હતો એવામાં એબેદ-મેલેખે આવીને તેને કહ્યું, 9 “મારા ધણી, મારા રાજા, આ લોકોએ પ્રબોધક યર્મિયા સાથે જે બધું કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; એ લોકોએ તેને પાણીનાં ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.”
10 આ સાંભળીને રાજાએ એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઇને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને બહાર ખેંચી કાઢ.
11 એબેદ-મેલેખે પોતાની સાથે ત્રીણ માણસો લઇને મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાંક ફાટેલાં ચીથરાં લઇને દોરડા વડે ટાંકાંમાં યર્મિયાને પહોંચાડ્યા અને કહ્યું, 12 “દોરડાથી તને હાનિ પહોંચે નહિ માટે આ જૂના ફાટેલાં કપડાને તારી બગલમાં મૂક.” 13 યર્મિયાએ તે પ્રમાણે કર્યું. અને તેને દોરડા વડે ધાતુના ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો અને પહેલા જ્યાં હતો ત્યાં રક્ષકઘરમાં મોકલી અપાયો.
સિદકિયાએ યર્મિયાને પ્રશ્ર્ન પૂછયો
14 પછી રાજા સિદકિયાએ પ્રબોધક યર્મિયાને યહોવાના મંદિરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; મારાથી કશું છુપાવીશ નહિ.”
15 યર્મિયાએ સિદકિયાને કહ્યું, “હું તમને સત્ય હકીકત જણાવીશ તો તું મને મારી નાખશે અને જો હું સલાહ આપુ તો પણ તું મારું સાંભળવાનો નથી.”
16 ત્યારે રાજા સિદકિયાએ ખાનગીમાં યર્મિયાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોનો દેવ યહોવાના સમ ખાઇને કહું છું કે, હું તને મારી નાખવા ઇચ્છતા લોકોના હાથમાં સોંપી દઇશ નહિ કે તને મારી નાખવા દઇશ નહિ.”
17 એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં આ વચન છે: ‘જો તમે બહાર જઇને બાબિલના રાજાના શરણે જશો, તો તમે તથા તમારું કુટુંબ જીવતાં રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિં. 18 પરંતુ જો તમે બહાર જઇ તેને શરણે નહિ જાઓ, તો તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓનાં હાથમાંથી બચવા નહિ પામો.’”
19 એટલે રાજા સિદકિયાએ યર્મિયાને કહ્યું, “મને યહૂદિયાના લોકોથી ડર લાગે છે, જેમણે બાબિલના સૈન્યની શરણાગતિ સ્વીકારી છે, મને તેમની બીક લાગે છે. કદાચ મને તેમનાં હાથમાં સોંપી દેવામાં આવે, તેઓ મારી સાથે કેવી રીતે વર્તશે તેની કોને ખબર?”
20 યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તું કેવળ યહોવાને આધીન થશે તો તારું જીવન બચી જશે અને બધા સારા વાનાં થશે. 21 પરંતુ જો તમે બહાર જઇને તાબે થવાની ના પાડશો, તો યહોવાએ મને આવું દિવ્યદર્શન આપ્યું છે: 22 યહૂદિયાના મહેલમાં રહેતી સર્વ સ્ત્રીઓને બહાર લાવવામાં આવશે. અને તેઓને બાબિલના સૈન્યના અધિકારીઓને વહેંચી દેવામાં આવશે; તેઓ જતાં જતાં ગાય છે:
“તમારાં પરમમિત્રોએ તમને ખોટે રસ્તે દોર્યા છે,
તેમણે તમારી પાસે પોતાનું ધાર્યું કરાવ્યું છે.
તમારા પગ કાદવમાં ફસાઇ ગયા છે.
અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.
23 “તમારી બધી સ્ત્રીઓને અને તમારા બધાં બાળકોને બાબિલવાસીઓ સમક્ષ લઇ જવામાં આવશે, અને તમે પોતે પણ બચવા નહિ પામો; તમે પણ બાબિલના રાજાના કેદી બનશો અને આ નગરને બાળીને ભસ્મિભૂત કરી દેવામાં આવશે.”
24 એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનોની કોઇને ખબર ન પડે, નહિ તો તારું આવી જ બન્યું જાણજે. 25 જો અમલદારોને ખબર પડે કે, હું તારી સાથે વાત કરતો હતો તો આપણે શું ચર્ચા કરી છે તે જાણવા માટે તેઓ તને મારી નાખવાની ધમકી પણ આપે. 26 છતાં તું કેવળ એટલું જ કહેજે કે, યહોનાથાનના ઘરમાં આવેલી કેદમાં મને પાછો મોકલે નહિ, હું ત્યાં મરી જઇશ, તેવી વિનંતી મેં રાજાને કરી હતી.”
27 બધા અમલદારોએ યર્મિયા પાસે આવીને તેને પૂછયું, અને તેણે રાજાએ તેને કહ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેમને કહ્યું. તેઓ છાનામાના ચાલ્યા ગયા, કારણ તેમણે વાતચીત સાંભળી નહોતી.
28 યરૂશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા રક્ષકઘરના ચોકમાં જ રહ્યો.
યરૂશાલેમનું પતન
39 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમાં વર્ષના દશમાં મહિનામાં નબૂખાદનેસ્સારે પોતાની આખી સૈના સાથે યરૂશાલેમ પર ચઢાઇ કરીને તેને ઘેરો ઘાલ્યો. 2 સિદકિયાના શાસનના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ નગરની બધી દીવાલોને તોડી નાખીને ભંગાણ પાડ્યું. 3 બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યાં અને વિજય પ્રાપ્ત કરીને નગરનાં વચલા દરવાજામાં બેઠાં, સામ્ગારનબૂ, સાર્સખીમ, રાબ-સારીસ અને રાજાનો મુખ્ય મદદનીશ નેર્ગલ-શારએસેર તથા અન્ય ત્યાં હાજર હતાં.
4 સિદકિયા રાજાને તથા તેના સૈન્યને તેની ખબર પડી કે નગર જીતી લેવાયું છે, ત્યારે તેઓ રાજાના બગીચાના રસ્તા પરથી ભાગી ગયા. તેઓએ બે દીવાલો વચ્ચેના દરવાજામાંથી નગર છોડ્યું અને યરદન નદી તરફ આગળ વધ્યાં. 5 પરંતુ બાબિલવાસીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લાહ ખાતે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઇ ગયા અને તેના પર કામ ચલાવવામાં આવ્યું. 6 પછી બાબિલના રાજાએ સિદકિયાની નજર સામે તેના પુત્રોનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા. 7 ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો.
8 બાબિલવાસીઓએ રાજમહેલને અને લોકોના ઘરોને બાળી મૂક્યા અને યરૂશાલેમની દીવાલ તોડી નાખી. 9 બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યાં હતાં તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને બાબિલમાં દેશવટો દીધો. 10 તેણે વસ્તીમાંના ગરીબ લોકોને યહૂદિયામાં રહેવા દીધા, જેમની પાસે કશું જ નહોતું, તેમને દ્રાક્ષનીવાડીઓ અને ખેતરો આપ્યાં.
11 હવે નબૂખાદનેસ્સાર રાજાએ નબૂઝારઅદાનને હુકમ કર્યો કે તે યર્મિયાને શોધી કાઢે. 12 તેણે કહ્યું, “તેને સહેજ પણ ઇજા થવી જોઇએ નહિ, તેની સંભાળ રાખજે, અને તેને જે જોઇએ તે બધું પૂરું પાડજે.”
13 તેથી નબૂઝારઅદાનને મુખ્ય દરબારી નબૂશાઝબાનને વડા અધિકારી નેર્ગાલ-શારએસેરને અને બાબિલના રાજાના બધા મુખ્ય અમલદારોને મોકલ્યા. 14 યર્મિયાને કેદખાનામાંથી કાઢી લાવવા માટે તેઓએ સૈનિકોને મોકલ્યા, યર્મિયાને ચોકીમાંથી બહાર કાઢયો, તે તેને ઘેર લઇ જવા સારું શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો; આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો.
અબેદ મેલેખને યહોવાનો સંદેશ
15 યર્મિયા કેદખાનામાં જ હતો અને બાબિલનું સૈન્ય યરૂશાલેમ પર ચઢી આવ્યું તે પહેલાં યહોવાનો આ સંદેશો તેની પાસે આવ્યો હતો: 16 “તુ જઇને કૂશના એબેદ-મેલેખને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: મેં કહ્યા પ્રમાણે આ શહેર પર આફત ઉતારનાર છું, હું એનું ભલું કરનાર નથી. જે વખતે આ બનશે ત્યારે તું એ જોવા હાજર હોઇશ: 17 પણ તે દિવસે હું તને ઉગારી લઇશ, તું જેમનાથી ડરે છે તે માણસોના હાથમાં તને નહિ સોંપી દઉં. 18 કારણ કે હું તને ચોક્કસ બચાવી લઇશ, તું મરણ નહિ પામે. હું તારું જીવન બચાવીશ કારણ કે, તેં મારા પર વિશ્વાસ રાખ્યો હતો,’” આ યહોવાના વચન છે.
વારસામાં પ્રાપ્ત ભૂમિમાં યર્મિયાનો નિવાસ
40 રક્ષકોની ટુકડીના નાયક નબૂઝારઅદાને યર્મિયાને રામામાંથી મોકલી દીધો, તે પછી તેને યહોવાની વાણી સંભળાઇ, યરૂશાલેમ અને યહૂદિયાના બીજા જે લોકોને કેદી તરીકે બાબિલ દેશવટે લઇ જતા હતા તેમની ભેગો યર્મિયાને પણ ત્યાં લઇ જવાયો. 2 સરદારે યર્મિયાને બોલાવ્યો અને કહ્યું, “યહોવા તમારા દેવ તેમણે આપેલા વચન પ્રમાણે આ વિપત્તિ દેશ પર લાવ્યા છે. 3 અને હવે તેણે એ આફત ઉતારી છે; તેણે જે કરવાની ધમકી આપી હતી તે કરી છે, કારણ, તમે યહોવા સામે પાપ કર્યું છે અને તેનું કહ્યું કર્યું નથી. 4 જો હવે હું તારા બંધનો છોડી નાખીશ અને તને મુકત કરીશ. તારે જો મારી સાથે બાબિલ આવવું હોય તો આવ, હું તારી સંભાળ રાખીશ. પરંતુ જો તારે મારી સાથે બાબિલ ન આવવું હોય તો તેનો ય વાંધો નથી, જો, તારી સમક્ષ પસંદગી કરવા માટે આખો દેશ પડેલો છે. તારે જ્યાં જવું હોય ત્યાં તું જઇ શકે છે.” 5 પરંતુ યર્મિયા જવાબ આપે તે પહેલાં જ નબૂઝારઅદાને કહ્યું, “તું જો અહીં વસવાનો નિર્ણય કરે તો પછી યહૂદિયા પાછો જા, કારણ કે બાબિલના રાજાએ ત્યાં ના લોકો પર ગદાલ્યાને હાકેમ તરીકે નીમેલો છે, અને તેની હકૂમત હેઠળના લોકો સાથે તું રહે. પરંતુ તેનો નિર્ણય તારે કરવાનો છે; તું ઇચ્છે ત્યાં જઇ શકે છે.”
ત્યારબાદ નબૂઝારઅદાને થોડો ખોરાક અને નાણાં યર્મિયાને આપ્યાં અને તેને વિદાય કર્યો. 6 પછી યર્મિયા ગદાલ્યા પાસે પાછો આવ્યો અને યહૂદિયા પ્રાંતમાં રહેલા લોકો સાથે આવીને રહ્યો.
ગદાલ્યાનું ટુંકુ શાસન
7 હવે જ્યારે વગડામાંના સૈનિકોના નેતાઓને અને તેના માણસોએ સાંભળ્યું કે, જેમને બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યા નથી એવા દેશમાં બાકી રહેલા ગરીબ લોકો પર બાબિલના રાજાએ ગદાલ્યાને હાકેમ તરીકે નીમ્યો છે. 8 તેઓ મિસ્પાહ ખાતે ગદાલ્યા પાસે આવ્યા, ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહના પુત્રો યોહાનાન અને યોનાથાન તાન્હુમેથના પુત્ર સરાયા, નટોફાથીને એફાયના પુત્રો માઅખાથીનો પુત્ર યઝાન્યા તથા તેઓની ટૂકડીઓ મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.
9 ગદાલ્યાએ તેમને અને તેમના માણસોને વચન આપ્યું કે, “બાબિલવાસીઓને તાબે થતાં ડરશો નહિ. આ દેશમાં ઠરીઠામ થઇને રહો અને બાબિલના રાજાની સેવા કરો. સૌ સારાવાના થશે. 10 જ્યાં સુધી મારો સવાલ છે, હું મિસ્પાહમાં વસીશ. અને જ્યારે જ્યારે બાબિલવાસીઓ આવશે ત્યારે હું તમને તેમની સામે રજુ કરીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગા કરી શકો છો અને તમે જે ગામો કબજે કર્યા છે તેમાં વસી શકો છો.”
11 તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા યહૂદિયાના લોકોએ સાંભળ્યું કે હજુ પણ થોડા લોકો વસવાટ કરે છે, યહૂદિયામાં ગદાલ્યાને તે બધાં લોકોનો નેતા તરીકે નીમવામાં આવ્યો જેમને તે બાબિલ લઇ ગયો નથી. 12 ત્યાર પછી તેઓ બધાં જુદા જુદા સ્થળોએથી ગદાલ્યા પાસે આવ્યા. તેમણે પુષ્કળ ફળ અને દ્રાક્ષારસ ભેગાં કર્યાં.
13 પછી કારેઆહનો પુત્ર યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતાં, તેઓ બધા મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા અને 14 તેઓએ તેને કહ્યું, “શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાઅલીસે નથાન્યાના પુત્ર ઇશ્માએલને તમારું ખૂન કરવા માટે મોકલ્યો છે?” પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમની વાત પર વિશ્વાસ મૂકયો નહિ.
15 કારેઆહના પુત્ર યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે, ને તે વાતની કોઇને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? જે યહૂદિયાઓ પાછા ફર્યા છે તેઓનું શું થશે? શેષ યહૂદિયાના લોક તારી પાસે ભેગા થયા છે તે શા માટે વિખેરાઇ જાય અને નાશ પામે?”
16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે ના કરીશ, હું તને આમ કરવા માટે મનાઇ ફરમાવું છું, કારણ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.”
41 અલીશામાનો પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રાજવી કુટુંબનો સભ્ય અને રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહ ખાતે અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા આવ્યો. ગદાલ્યાએ તેઓને ભોજન માટે આમંત્રણ આપ્યું. 2 જ્યારે તેઓ ભોજન લઇ રહ્યા હતાં ત્યારે ઇશ્માએલ તથા તેની સાથેના દશ માણસો એકદમ ઊઠયા અને પોતાની તરવાર ખેંચીને ગદાલ્યાને મારી નાખ્યો. 3 ઇશ્માએલે ત્યાં મિસ્પાહમાં ગદાલ્યા સાથે હાજર રહેલા યહૂદિયાના બધાં માણસોને અને ખાલ્દીઓના યોદ્ધાઓને પણ મારી નાખ્યા.
4 બીજા દિવસે, આ વાતની કોઇને ખબર પડે તે પહેલાં, 5 શખેમ, શીલોહ તથા સમરૂનમાંથી એંસી માણસો યહોવાની ભકિત કરવા માટે મંદિરમાં આવ્યા. તેઓએ પોતાની દાઢી મૂંડાવેલી હતી તથા પોતાનાં કપડા ફાડ્યાં હતાં, અને પોતાના શરીરો પર ઘા કર્યા હતા. તેઓ અર્પણો તથા ધૂપ લઇને આવ્યા હતા. 6 નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!” 7 તેઓ બધા શહેરની મધ્યમાં પહોંચ્યા પછી ઇશ્માએલ તથા તેના માણસોએ દશ માણસો સિવાય સર્વને મારી નાખ્યા અને તેઓના મૃતદેહોને ટાંકામાં ફેંકી દીધા. 8 પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખશો. અમારી પાસે ઘઉં, જવ, તેલ અને મધ ખેતરોમાં સંતાડેલા છે.” આથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેમના સાથીઓ ભેગા મારી ન નાખ્યા. 9 ઇશ્માએલે મૃતદેહોને જે ટાંકામાં નાખી દીધા તે ઘણું મોટું હતું. આસા રાજાએ ઇસ્રાએલના રાજા બાઅશાથી રક્ષણ મેળવવા મિસ્પાહના નગરને કિલ્લેબંધ કર્યું ત્યારે તે બંધાવ્યું હતું.
10 ત્યારબાદ ઇશ્માએલ રાજકુમારીઓને તથા બાકી રહેલા લોકોને બંધકો તરીકે લઇ ગયો. જેઓને રક્ષક ટૂકડીના સરદાર નબૂઝારઅદાને અહીકામના પુત્ર ગદાલ્યાના તાબામાં સોપ્યાં હતાં. એ સર્વને લઇને તે આમ્મોન તરફ આગળ વધ્યો.
11 પરંતુ નથાન્યાનો પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડા કાર્યો કર્યા હતાં, તે વિષે કારેઆહના પુત્ર યોહાનાન અને સૈન્યના સર્વ અધિકારીઓ, જે તેની સાથે હતા તેઓએ સાંભળ્યું. 12 તેઓ પોતાના સર્વ માણસોને લઇને ઇશ્માએલની પાછળ તેની સાથે યુદ્ધ કરવા માટે ગયા. તેઓએ ગિબયોન પાસેના મોટા જળસમૂહ પાસે તેને પકડી પાડ્યો. 13 ઇશ્માએલે જેમને મિસ્પાહ ખાતે કેદ પકડ્યા હતા તે બધા માણસો યોહાનાન અને તેની સાથેના સૈનાનાયકોને જોઇને પ્રસન્ન થયા. 14 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઇ ગયો હતો તેઓ પાછા ફરીને યોહાનાનની સાથે ગયા. 15 પરંતુ ઇસ્માએલ આઠ માણસો સાથે છટકી ગયો અને આમ્મોનના પ્રદેશમાં ભાગી ગયો.
16 ગદાલ્યાને મારી નાખ્યાં પછી ઇશ્માએલ જે પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને અધિકારીઓને, ગિબયોનથી લઇ આવ્યો હતો તે સર્વ બાકી રહેલા લોકોને પછી યોહાનાન અને તેના સૈન્યના અધિકારીઓ પોતાની સાથે લઇ ગયા.
મિસરમાં બચી નીકળવું
17 તેઓ ત્યાંથી બાબિલવાસીઓથી બચવા મિસર જવા નીકળ્યાં અને માર્ગમાં તેમણે બેથલેહેમ પાસે કિમ્હામ આગળ મુકામ કર્યો. 18 તેઓને ડર લાગતો હતો કે હવે તે સમાચાર બાબિલ પહોંચશે ત્યારે તેઓ શું કરશે. કારણ કે બાબિલના રાજાએ ગદાલ્યાને પસંદ કરીને નીમ્યો હતો અને ઇશ્માએલે ગદાલ્યાને મારી નાખ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International