Beginning
યહોવા- એક માત્ર સાચા દેવ
45 પોતાના અભિષિકત કોરેશને યહોવા આ મુજબ કહે છે:
“મેં તારો જમણો હાથ પકડ્યો છે; દેશદેશના લોકોને હું તારી આગળ નમાવીશ.
રાજાઓને તેમનો રાજવી ઝભ્ભો ઉતરાવી દઇશ;
તારી આગળ બધાં નગરોના દરવાજા ખૂલી જશે, કોઇ દરવાજો બંધ નહિ રહે.”
2 “કોરેશ, હું તારી આગળ જઇને
પર્વતોને સપાટ કરીશ
અને પિત્તળના દરવાજાઓને
તથા લોખંડની ભૂંગળોને ભાંગી નાખીશ.
3 અને હું તને અંધારા ભોંયરામાં ભંડારી
રાખેલા ગુપ્ત ખજાના આપીશ:
ત્યારે તને ખાતરી થશે કે તને નામ દઇને બોલાવનાર
હું યહોવા છું. ઇસ્રાએલનો દેવ છું.
4 મારા સેવક યાકૂબને લીધે
અને મારા પસંદ કરાયેલ સેવક ઇસ્રાએલ માટે,
મેં તને નામ દઇને બોલાવ્યો છે
અને તું મને ઓળખતો નથી છતાં મેં તને અટક આપી છે.
5 હું જ યહોવા છું,
મારા સિવાય બીજો દેવ નથી.
તું મને ઓળખતો નથી,
છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ.
6 અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વ પ્રજાઓ જાણશે
કે બીજો કોઇ દેવ નથી.
હું યહોવા છું,
હું એકલો જ દેવ છું.
7 હું જ પ્રકાશનો સર્જક છું અને અંધકારનો ઉત્પાદક છું.
સુખદુ:ખ એ મારું સર્જન છે,
હું યહોવા આ બધું કરું છું.
8 “હે આકાશો, તમે ઉપરથી વરસો,
હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો;
ધરતી ઊઘડી જાય,
ને તેમાંથી તારણ ઉદ્ભવો;
ન્યાયના ફૂલો ખીલી ઊઠો!
હું યહોવા આ બધું કરું છું.
દેવ સૃષ્ટિનું નિયંત્રણ કરે છે
9 “જે માણસ પોતાના સર્જનહારની સામે દલીલ કરે છે તેને અફસોસ! શું માટીના ઠીંકરાં જેવો માણસ પોતાના ઘડનારની સાથે દલીલમાં ઊતરે? 10 શું માટી કુંભારને કહી શકે, ‘તું શું બનાવે છે?’ અથવા ‘તારા બનાવેલા કૂંજાને હાથા નથી?’ જે બાપને પૂછે કે, તેઁ કોને જન્મ આપ્યો છે? અને સ્ત્રીને કહે કે, ‘તું કોને જન્મ આપવા કષ્ટાય છે, તેને અફસોસ!’”
11 યહોવા, ઇસ્રાએલના પવિત્રતમ સૃષ્ટા કહે છે:
“મારા બાળકો વિષે પ્રશ્ર્ન પૂછવાનો તને શો અધિકાર છે?
મારા પોતાના હાથે કરેલા કાર્યો વિષે મને પ્રશ્ર્ન કરનાર તમે કોણ?
12 મેં એકલાએ જ આ પૃથ્વીનું સર્જન કર્યુ છે.
અને પૃથ્વી પર માનવનું સર્જન કર્યુ છે.
મેં મારા પોતાને હાથે જ આકાશને ફેલાવ્યું છે
અને મારી આજ્ઞાથી જ નક્ષત્રમંડળ ચાલે છે.
13 મેં જ કોરેશને વિજયને માટે ઊભો કર્યો છે,
અને હું એની આગળ માર્ગો સીધા અને સપાટ કરીશ.
એ મારું નગર પુન:સ્થાપિત કરશે અને બંદીવાન થયેલા મારા લોકોને છોડાવશે.
એમ કરવામાં સારો બદલો મેળવવાની તે ઇચ્છા રાખશે નહિ.”
આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
14 યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે:
“મિસરની સંપતિ અને કૂશના વેપારીઓ
તેમજ સબાના કદાવર માણસો
તારે શરણે આવશે અને તારા દાસ બનશે.
તેઓ આવીને સાંકળે જકડાઇને તારી પાછળ પાછળ ચાલશે.
તેઓ તને પ્રણામ કરીને તારી આગળ અરજ કરશે.
અને કહેશે, ‘દેવ તારી સાથે જ છે,
એના સિવાય બીજો કોઇ દેવ નથી.’”
15 હે ઇસ્રાએલના દેવ, હે તારક, તમે સાચે જ રહસ્યમય
અને અકળ રીતે કાર્ય કરો છો.
16 મૂર્તિઓની પૂજા કરનારાઓ
અને બનાવનારાઓ સર્વ નિરાશ
અને લજ્જિત થશે.
17 પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે.
સદાને માટે ઉગારી લીધું છે, તેનો ફજેતો કદી નહિ થાય,
તેને કદી શરમાવું નહિ પડે.
18 યહોવા આકાશનો સર્જનહાર છે.
તે દેવ છે.
તેણે આ પૃથ્વીની રચના કરી છે.
ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે
એને સૂની રહેવા માટે નહિ,
પણ વસવા માટે તેણે બનાવી છે.
યહોવા કહે છે, “હું યહોવા છું.
મારા સિવાય બીજું કોઇ નથી.”
19 હું કંઇ અંધકારના પ્રદેશના કોઇ
ખૂણામાંથી ગુપ્ત રીતે બોલ્યો નથી;
હું જાહેરમાં કહું છું:
“મેં ઇસ્રાએલના લોકોને એમ નહોતું કહ્યું કે,
‘મને શૂન્યમાં શોધજો.’
હું યહોવા સાચું અને ચોખ્ખેચોખ્ખું બોલું છું.”
યહોવા સિદ્ધ કરે છે કે તેઓ જ દેવ છે
20 યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે. 21 આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો.
“ભૂતકાળમાં કોણે આ ભવિષ્ય ભાખ્યું હતું? કોણે આ પહેલાથી કહ્યું હતું? શું હું એ યહોવા નહોતો? મારા સિવાય બીજો કોઇ દેવ નથી, જે વિજયવંત અને ઉદ્ધાર કરવા માટે સમર્થ હોય. 22 ઉદ્ધારને માટે પૃથ્વીની સર્વ પ્રજાઓને મારા તરફ જોવા દો! કારણ કે હું દેવ છું: અને મારા સિવાય બીજો કોઇ નથી.
23 “મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે. 24 મારા વિષે લોકો જાહેર કરશે, યહોવા મારું સાર્મથ્ય અને ન્યાયીપણું છે.”
અને જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ બધા તેમની પાસે આવશે અને ફજેત થશે. 25 ઇસ્રાએલની સર્વ પેઢીઓ યહોવામાં ન્યાયી ઠરશે અને વિજય પામી જયજયકાર કરશે.
બાબિલના જૂઠા દેવો
46 યહોવા કહે છે, “બેલને નમાવી દીધું છે,નબો વિરોધ કરે છે, તેમની મૂર્તિઓ ઢોરો પર લાદવામાં આવી છે, જે મૂર્તિઓને તમે માથે લઇને ફરતા હતા તે અત્યારે થાકેલાં જનાવરો પર ભારરૂપે લદાઇ છે.
2 “શું આથી ઉત્તમ તેઓ કશું જ કરી શકતા નથી? તેઓ બધા વાંકા વળે છે, તેઓ નમી જાય છે; તેઓ ભારથી પોતાને બચાવી શકતા નથી. વળી તેઓ પોતે બંદીવાન થયા છે.
3 “હે યાકૂબના વંશજો, ઇસ્રાએલના બાકી રહેલા સર્વ લોકો મારું કહ્યું સાંભળો: મેં તમારું સર્જન કર્યુ છે અને તમારો જન્મ થયો ત્યારથી મેં તમારી સંભાળ રાખી છે. 4 તમે વૃદ્ધ થશો ત્યારે પણ હું એ જ રહેવાનો છું. તમારા વાળ ધોળા થતા સુધી હું તમને ઉપાડીશ. મેં તમને ઉત્પન્ન કર્યા છે અને હું તમારી સંભાળ રાખીશ. હું તમને ઊંચકી રાખીશ અને હું તમારો ઉદ્ધારક થઇશ.
5 “આ કોની સાથે તમે મારી તુલના કરશો? કોણ મારો બરોબરિયો છે? મારા જેવો બીજો કોણ છે? 6 એવા પણ કેટલાક લોકો છે, જેઓ કોથળીમાંથી સોનું ઠાલવે છે અને ચાંદી ત્રાજવે તોળે છે અને સોનીને રોકે છે, તે તેમાંથી મૂર્તિ ઘડે છે અને એ લોકો તેને પગે લાગી તેની પૂજા કરે છે. 7 તેઓ તેને પોતાના ખભે ઉપાડીને ફેરવે છે અને તેને સ્થાને તેની સ્થાપના કરે છે. તે ત્યાં જ ઊભી રહે છે, ત્યાંથી તે કદી ખસી શકતી નથી. કોઇ તેને ઘા નાખે તો એ ઉત્તર આપતી નથી, કે નથી તેને સંકટમાંથી ઉગારી શકતી.
8 “હે પાપી લોકો, આ યાદ કરો! ફરી વિચાર કરો અને તમારી સ્મૃતિ તાજી કરો! 9 ભૂતકાળની જુની વાતોનું સ્મરણ કરો! એક માત્ર હું જ દેવ છું, બીજો કોઇ નથી, એક માત્ર હું જ દેવ છું, મારા સમાન કોઇ નથી.
10 “ભવિષ્યમાં જે બનવાનું છે તે વિષે તમને કોણ કહી શકે? મારી ઇચ્છા પ્રમાણે જ બધું બનશે કારણ કે મને જેમ ગમે તેમ હું કરું છું. 11 હું પૂર્વમાંથી એક શકરાબાજને- દૂરદૂરના દેશમાંથી એક માણસને બોલાવું છું, જે મારી યોજના પાર ઉતારશે. આજે હું જે બોલ્યો છું તે બનશે, મારી ઇચ્છાઓને હું પાર પાડીશ.
12 “હે દુષ્ટ હઠીલા માણસો, મારું કહ્યું ધ્યાનથી સાંભળો! 13 તમે માનો છો કે વિજય દૂર છે, પણ હું વિજય નજીક લાવી રહ્યો છું. એ દૂર નથી. હું જે મુકિત લાવનાર છું તેમા હવે વિલંબ થાય એમ નથી. હું સિયોનને મુકત કરીશ, અને મારા ગૌરવ સમા યરૂશાલેમ તથા ઇસ્રાએલને હું પુન:સ્થાપિત કરીશ.”
બાબિલ વિષે ચુકાદો
47 યહોવા કહે છે, “હે અપરાજીત બાબિલ નગરી,
તું નીચે ઉતર અને ધૂળમાં બેસ.
રાજ્યાસન ઉપરથી ઊતરીને ભોંય પર બેસ.
તું કુંવારી કન્યા જેવી વણજીતાયેલી નગરી હતી, પણ હવે તું સુંવાળી કે કોમળ રહી નથી.
2 ઘંટી લઇને તારે લોટ દળવો પડશે;
બુરખો કાઢી નાખી,
ઘાઘરો ઊંચો ખોસી,
પગ ઉઘાડા કરીને નદીનહેરો ઓળંગવી પડશે.
3 તારું શરીર ઉઘાડું થશે
અને તું લજવાશે.
હું તારા ઉપર વૈર લઇશ
અને હું કોઇને પણ છોડીશ નહિ.
4 “‘ઇસ્રાએલના પવિત્ર દેવ,’ જેમનું નામ સૈન્યોના દેવ યહોવા છે,
તે આપણને બંધનાવસ્થામાંથી છોડાવશે.”
5 “હે બાબિલની પ્રજા, અંધારા ખૂણામાં મૂંગી બેસી રહે,
કારણ ‘હવે કોઇ તને રાષ્ટ્રોની મહારાણી કહેનાર નથી.’
6 “કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી
લોકો ઉપર રોષે ભરાયો હતો.
તેં તેમનું અપમાન કર્યુ હતું,
મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા.
પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી,
તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.
7 તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’
તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું
અને એનું પરિણામ શું આવશે
એનો કદી વિચાર ન કર્યો.
8 તું, એશઆરામની પ્રેમી, જે સુરક્ષામાં વસે છે,
અને સર્વ પ્રજાઓમાં પરાક્રમી હોવાની મોટાઇ કરનાર,
તારા પાપ સંબંધી મારો ન્યાયચુકાદો સાંભળ;
તું કહે છે, ‘મારાથી વધારે મહાન કોઇ નથી!
મને કદી વૈધવ્ય આવવાનું નથી;
કે હું કદી સંતાનોના નુકશાન સહન કરવાનો નથી.’
9 સારું, હવે આ સાંભળીલે, એ બે આફતો એક દિવસે એક ક્ષણમાં તારે માથે આવી પડશે,
તારા બધા કામણટૂમણ અને બધા જાદુમંત્રો છતાં સંતાનનો વિયોગ
અને વૈધવ્ય પૂરેપૂરાં તારે વેઠવા પડશે.
10 તારી દુષ્ટતામાં સુરક્ષિત રહીને
તેં માન્યું હતું, ‘કોઇ જોનાર નથી.’
તારી હોશિયારી અને તારી લુચ્ચાઇ તને ગેરરસ્તે દોરી ગઇ
અને તેં માન્યું કે, ‘હું જ માત્ર છું
અને મારા સિવાય બીજું કોઇ નથી.’
11 “તેથી અચાનક જ તારા પર એવી આફત આવી પડશે જેને તું નિવારી નહિ શકે,
તારા પર એવી વિપત્તિ આવશે જેને તું કોઇ મંત્રતંત્રથી દૂર નહિ કરી શકે,
તારી કલ્પનામાં પણ નહિ હોય એટલી ખરાબ તે હશે.
12 બાળપણથી જાદુમંત્ર અને કામણટૂમણ
તું વાપરતી આવી છે
તેને વળગી રહે,
કદાચ તે કામ આવી શકે
અને તું શત્રુઓને ડરાવી શકે.
13 તને જાતજાતની સલાહો મળશે છતાં
તારું કશું ચાલે તેમ નથી.
તારા ભવિષ્યવેત્તાઓ અને જ્યોતિષીઓ,
જેઓ તારા ભવિષ્યની આગાહી કરે છે,
ભલે તને મદદ કરે.
14 જુઓ, તેઓ અગ્નિમાં બાળી નાખવામાં આવતા સૂકા ઘાસ જેવા નકામા છે.
તેઓ પોતાનો પણ બચાવ કરી શકે તેમ નથી!
તેઓ તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક સગડી નહિ થશે.
તેઓ તરફથી તને સહેજ પણ સહાય મળશે નહિ.
15 બાળપણથી તારી સાથે વહેવાર રાખતા જ્યોતિષીઓ
અને સલાહકારો પોતપોતાના રસ્તે ચાલ્યા જશે,
કોઇ તને બચાવવા કે સહાય કરવા રહેશે નહિં.”
યહોવાના હાથમાં ભાવિ
48 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો.
તમે સાંભળો, તમે ઇસ્રાએલને નામે ઓળખાઓ છો,
તમે યહૂદાના ફરજંદો છો:
તમે યહોવાના નામે સમ ખાઓ છો
અને ઇસ્રાએલના દેવની ભકિત કરવાનો દાવો કરો છો,
પણ સાચેસાચ કે સાચી શ્રદ્ધાથી નહિ.
2 “અને છતાં તમે પોતાને પવિત્ર નગરીના નાગરિક કહેવડાવો છો
અને જેનું નામ સૈન્યોના દેવ યહોવા છે
એવા ઇસ્રાએલના દેવ પર આધાર રાખો છો.”
3 યહોવા કહે છે, “ભૂતકાળના બનાવોની મેં અગાઉથી આગાહી કરી હતી,
મારે પોતાને મોઢે મેં એ જાહેર કર્યુ હતું,
અને પછી એકાએક મેં અમલ કર્યો અને એ સાચું પડ્યું.
4 મને ખબર હતી કે તમે હઠીલા હતા,
તારા ડોકના સ્નાયુઓ લોખંડ જેવા હતા,
અને તારું કપાળ પિત્તળ જેવું હતું.
5 તેથી મેં તમને લાંબા સમય પહેલાંથી
એ બધું કહી રાખ્યું હતું,
જેથી તમે એમ ન કહી શકો કે,
‘આ તો મારી મૂર્તિએ કર્યુ છે,
મારી કોતરેલી અને ઢાળેલી મૂર્તિઓના હુકમથી એ બન્યું છે.’”
ઇસ્રાએલને સ્વચ્છ કરવા માટે દેવ સજા કરે છે
6 “તમે મારા ભવિષ્યકથનો વિષે સાંભળ્યું છે
અને તેમને પરિપૂર્ણ થતાં પણ જોયા છે.
છતાં તેની સાથે સહમત થવાની તેં સંમત્તિ દર્શાવી નથી.
હવે હું તને નવી બાબતો વિષે કહું છું જે મેં અગાઉ કહ્યું નથી,
હું તને એક ગુપ્ત બાબત કહું છું જે તેં પહેલા સાંભળી નથી.
7 એ ઘટનાઓ પહેલાં બની નહોતી, અત્યારે જ મારી ઇચ્છાથી બને છે,
એને વિષે તમે અત્યાર સુધી કશું સાંભળ્યું નથી,
જેથી તમે એમ ન કહો કે, ‘અરે! આ તો અમે જાણતા હતા.’
8 હા, હું તને સંપૂર્ણ નવી બાબતો કહેવાનો છું,
કારણ કે હું સારી રીતે જાણું છું
કે તું દગાબાજ
અને બાળપણથી જ તું બંડખોર છે,
તું ષ્ટતાથી ભરેલો છે.
9 “મારા નામની માટે
મેં મારા ક્રોધને રોકી રાખ્યો હતો,
મારી પ્રતિષ્ઠાને માટે મેં સંયમ રાખ્યો હતો,
તમારો નાશ નહોતો કર્યો.
10 “મેં તને વિશુદ્ધ કર્યો,
પણ ચાંદી જેવો નહિ.
મેં તને મુશ્કેલીઓની ભઠ્ઠીમાં તાપ્યો.
11 કેવળ મારા પોતાના માટે, હા,
મારા પોતાના માટે, હું કાર્ય કરીશ, જેથી મારું નામ ષ્ટ થાય નહિ,
હું મારું ગૌરવ બીજા કોઇને આપીશ નહિ.”
12 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો,
મારા પસંદ કરેલા ઇસ્રાએલીઓ,
મને સાંભળો! હું જ દેવ છું.
હું જ આદી છું
અને હું જ અંત છું.
13 મેં મારે પોતાને હાથે આ પૃથ્વીનો પાયો નાખ્યો હતો,
અને આ આકાશને પાથર્યું હતું.
હું જ્યારે તેમને બોલાવું છું
ત્યારે તેઓ ઉભા થાય છે.
14 “તમે બધા એકઠા થાઓ અને સાંભળો,
તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું,
યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે.
બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે.
તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.
15 “મેં મારી જાતે જ આ આગાહી કરી હતી
અને કોરેશને હાંક મારીને બોલાવ્યો છે;
હું તેને અહીં લઇ આવ્યો છું અને તેને સફળ બનાવીશ.
16 મારી નજીક આવો, અને આ સાંભળો, શરુઆતથી જ
હું જાહેરમાં જે થવાનું છે તે સ્પષ્ટ શબ્દોમાં કહેતો આવ્યો છું
અને આ બધું બન્યું
તે બધો સમય હું હાજર હતો.”
અને હવે મારા માલિક યહોવાએ મને પોતાના આત્મા સાથે મોકલ્યો છે. 17 ઇસ્રાએલના પરમપવિત્ર દેવ યહોવા, તમારા તારક એમ કહે છે કે,
“હું યહોવા તારો દેવ છું,
હું તારા હિત માટે તને શીખવું છું,
તારે જે માર્ગે જવું જોઇએ તે માર્ગે હું તને લઇ જાઉં છું.
18 તેં જો મારી આજ્ઞાઓ કાને ધરી હોત તો કેવું સારું થાત!
તારી સુખસમૃદ્ધિ સદા
સરિતા સમી વહેતી હોત
અને વિજય પામીને
તું સાગરના તરંગો જેમ ઊછળતો રહ્યો હોત.
19 તારી સંતતિની સંખ્યા રેતી જેટલી
અને તારા વંશજો તેના કણ જેટલા થયા હોત
અને તેમનાં નામ મારી નજર
આગળથી ભૂંસાઇ ગયા ન હોત.”
20 છતાં હજી બાબિલમાંથી બહાર ચાલ્યા જાઓ.
ખાલદીઓ પાસેથી ભાગી જાઓ,
અને ત્યાંથી પાછા ફરતાં હર્ષનાદ સાથે પોકાર કરો,
ધોષણા કરો, અને પૃથ્વીના છેડા સુધી
એના સમાચાર મોકલો કે,
“યહોવાએ પોતાના સેવક યાકૂબના વંશજોનો ઉદ્ધાર કર્યો છે.”
21 તેમણે તેઓને અરણ્યમાંથી દોર્યા ત્યારે તેઓને તરસ વેઠવી પડી નહોતી.
કારણ કે તેણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું હતું;
તેણે ખડકને તોડી નાખ્યો
અને પાણી ખળખળ કરતું વહેવા લાગ્યું.
22 પરંતુ યહોવા કહે છે,
“દુષ્ટોને કદી સુખશાંતિ હોતી નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International