Beginning
યરૂશાલેમ પર આશ્શૂરની સેનાનું આક્રમણ
36 હિઝિક્યા રાજાની કારકિદીર્ના અમલના ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો ઉપર ચઢાઇ કરીને તે કબ્જે કરી લીધાં. 2 લાખીશથી આશ્શૂરના રાજાએ મુખ્ય સંદેશવાહકને મોટા લશ્કર સાથે રાજા હિઝિક્યા પાસે યરૂશાલેમ મોકલ્યા, અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને રસ્તે આવતા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો, અને રાજાને તેડાવ્યો;
3 એટલે ઇસ્રાએલના હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો કારભારી હતો, રાજાનો મંત્રી શેબ્ના તથા આસાફનો પુત્ર જે નોંધણીકાર હતો, યોઆહ તે બધાં સાથે મળીને નગરની બહાર તેને મળવા ગયા.
4 મુખ્ય સંદેશવાહકે તેમને કહ્યું, “જાવ હિઝિક્યાને જઇને કહો કે, આશ્શૂરના મહાન રાજાનો આ સંદેશ છે:
“‘તને આટલો બધો આત્મવિશ્વાસ શાથી છે? 5 તું શું એમ માને છે કે, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળ માત્ર ખોખલાં શબ્દો લઇ શકે છે? તું કોના ઉપર આધાર રાખીને મારી સામે બળવો પોકારે છે? 6 મિસર ઉપર? મિસર તો ભાંગેલું બરું છે; જે કોઇ એનો આધાર લે છે તેના હાથ ચિરાઇ જાય છે મિસરનો રાજા તો એવો છે જે કોઇ તેના પર વિશ્વાસ રાખે છે તેના એવા હાલ થાય છે.
7 “‘તમે કદાચ એમ કહેશો કે, “અમે તો અમારા દેવ યહોવા પર આધાર રાખીએ છીએ.” પણ તમારા એ જ દેવનાં ઉચ્ચસ્થાનોને અને વેદીઓને હિઝિક્યાએ જ હઠાવી દીધાં છે અને યહૂદા અને યરૂશાલેમના લોકોને એમ જણાવ્યું કે, “તમારે એક જ વેદી આગળ ઉપાસના કરવાની છે.”
8 “‘જુઓ, મારા ધણી આશ્શૂરના રાજા સાથે કરાર કરી લો, હું તમને બે હજાર ઘોડા આપવા તૈયાર છું, જો તમે એટલા સવારો મેળવી શકતા હો તો. 9 તમે એવું કેમ વિચારો છો કે તમે મારા ધણીના નાનામાં નાના અમલદારને સુદ્ધાં હરાવી શકશો, જ્યારેં તમે રથો અને ઘોડાઓ માટે મિસર પર આધાર રાખો છો?
10 “‘શું તમે એમ માનો છો કે હું યહોવાના કહ્યા વિના આ ભૂમિને જીતી લેવા અહીં આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે કે, “તું જઇને તેનો નાશ કર!”’”
11 એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે વડા અમલદારને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીમાં બોલો. અમે એ ભાષા સમજીએ છીએ. કોટ ઉપરના લોકોના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો.”
12 પણ સંદેશવાહકે પ્રત્યુત્તર આપ્યો, “કેવળ તું અને તારો માલિક જ નહિ પરંતુ યરૂશાલેમમાં વસનારા દરેક વ્યકિત આ સાંભળે તેવું મારા ધણી ઇચ્છે છે, કારણ કે તેઓ પોતાની વિષ્ટા ખાવા માટે અને પોતાનો પેશાબ પીવા માટે નિયત થયેલા છે.”
13 પછી સંદેશવાહકે ટટાર ઊભા રહીને ઊંચા સાદે યહૂદીઓની ભાષામાં કહ્યું,
‘આશ્શૂરના રાજાધિરાજનો સંદેશો સાંભળો; 14 રાજા કહે છે: હિઝિક્યાથી ભોળવાશો નહિ; એ તમને નહિ બચાવી શકે. 15 યહોવા જરૂર આપણું રક્ષણ કરશે, “આ શહેર કદી આશ્શૂરના રાજાના હાથમાં જવાનું નથી.” એમ કહીને હિઝિક્યા તમને યહોવા પર આધાર રાખવા સમજાવે તો માનશો નહિ.
16 ‘એની વાત સાંભળશો નહિ, હું આશ્શૂરનો રાજા તો એમ કહું છું કે, “મારી સાથે સંધિ કરો, મારે તાબે થાઓ; તો તમારામાંના એકેએક જણ પોતાની દ્રાક્ષનીવાડીનાં અને અંજીરીના ફળ ખાવા પામશે અને પોતાની ટાંકીનું પાણી પીવા પામશે; 17 અને છેલ્લે, હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં મોકલી આપીશ, જ્યાં પુષ્કળ અનાજ અને દ્રાક્ષારસ છે.”
18 ‘પરંતુ સાવધ રહેજો! હિઝિક્યા તો તમને કદાચ એમ કહીને ગેરમાર્ગે દોરે છે કે, “યહોવા આપણું રક્ષણ કરશે. બીજી પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો? 19 હમાથ અને આર્પાદની મેં કેવી દશા કરી હતી તે શું તમને યાદ નથી? શું તેઓના દેવો તેઓને બચાવી શક્યા? અને સફાર્વાઇમ તથા સમરૂનનું શું થયું? તેઓના દેવો હાલ ક્યાં છે? 20 આ બધા દેશોના દેવોમાંથી કોણે પોતાના દેશને મારા સાર્મથ્યમાંથી છોડાવ્યા છે? યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવી શકશે એમ તમે માનો છો શું?’”
21 બધા લોકો મૂંગા રહ્યાં, અને એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહિ, કારણ કે હિઝિક્યાએ તેઓને કહ્યું હતું કે “તેઓએ જવાબમાં કશું કહેવું નહિ.”
22 પછી મહેલના મુખ્ય કારભારી હિલ્કીયાના પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને નોંધણીકાર આસાફના પુત્ર યોઆહે દુ:ખના માર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, અને હિઝિક્યા પાસે જઇને સંદેશવાહકે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
યરૂશાલેમને દેવ મુકિત અપાવશે
37 જ્યારે હિઝિક્યા રાજાએ તે સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, શોક-કંથા ઓઢી લીધી અને પોતે યહોવાના મંદિરમાં ચાલ્યો ગયો.
2 તે દરમ્યાન તેણે પોતના મહેલના મુખ્ય કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તેમ જ યાજકોના આગેવાનોને શોકકંથા ઓઢાડીને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
3 તેમણે જઇને કહ્યું, “હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: આજે અમારે માટે દુ:ખનો દિવસ છે; નિરાશા અને આપત્તિનો દિવસ છે, બાળક અવતરવાની શકિત વિનાની સ્ત્રી જેવી અમારી દશા છે. 4 આશ્શૂરના રાજાના મુખ્ય સંદેશવાહકે જીવતા દેવની મશ્કરી અને નિંદા કરી છે; યહોવા, તમારા દેવે તે સાંભળી છે, એ શબ્દો માટે યહોવા તેમને જરૂર શિક્ષા કરશે, હે યશાયા, અમે જે બચી ગયા છીએ તેઓ માટે પ્રાર્થના કર.”
5 તેથી રાજા હિઝિક્યાના મંત્રીઓ યશાયા પાસે આવ્યા. 6 પછી તેણે તેમને પ્રત્યુત્તર આપ્યો: “તમારા ધણીને જઇને કહો કે, આ યહોવાના વચન છે: ‘આશ્શૂરના રાજાના નોકરોને મોઢે મારી નિંદાના જે વચનો તેં સાંભળ્યા છે તેનાથી ગભરાઇશ નહિ. 7 હું એને એવી પ્રેરણા કરવાનો છું કે એક અફવા સાંભળી તે પોતાને દેશ પાછો ચાલ્યો જશે, અને ત્યાં હું એનો તરવારથી વધ કરાવીશ.’”
આશ્શૂરના સૈન્યનું યરૂશાલેમ છોડી જવું
8 આશ્શૂરનો સંદેશવાહક પાછો ફર્યો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા, લાખીશ છોડી જઇ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઇને મળ્યો. 9 ત્યાં આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે “કૂશનો રાજા તિર્હાકાહ તેમની સામે લડવા આવે છે.”
એટલે તેણે સંદેશ વાહકોને યહૂદીયાના રાજા હિઝિક્યા પાસે મોકલી કહાવ્યું કે, 10 તું જેના પર આધાર રાખીને બેઠો છે તે તારો દેવ તને એમ કહે છે કે:
“‘યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.’ તો તેથી ભોળવાઇ જતો નહિ. 11 આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા છે તેના પરિણામો શું આવ્યા છે તે તું યાદ રાખ. કારણ કે તેઓનો વિરોધ કરનાર દરેકનો તેઓએ પૂરેપૂરો વિનાશ કરી નાખ્યો છે. શું તું માને છે કે તું છટકી જઇશ, જ્યારે તેઓ તેમ ન કરી શક્યા? 12 ગોઝાન, હારાનનાં નગરો અથવા રેસેફ અથવા તલાસ્સારમાં રહેતા એદેનના લોકોને શું તેઓના દેવો બચાવી શક્યા? ના, 13 અને હમાથના રાજા, આર્પાદના રાજા અને સફાર્વાઇમ, હેના તથા ઇવ્વાહ નગરના રાજાઓનું શું થયું તે ભૂલી જશો નહિ.”
હિઝિક્યાની દેવને પ્રાર્થના
14 હિઝિક્યાએ કાસદો પાસેથી કાગળ લઇને વાંચ્યો કે તરત જ તેણે મંદિરમાં જઇને યહોવા સમક્ષ તેને ખુલ્લો મુક્યો. 15 પછી હિઝિક્યાએ યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી: 16 “હે સૈન્યોના દેવ યહોવા, કરૂબો પર બિરાજમાન, ઇસ્રાએલના દેવ, તમે જ પૃથ્વીનાં બધા રાજ્યોના એક માત્ર દેવ છો. તમે જ આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યુ છે. 17 દેવ યહોવા, હવે અમને કાન દઇને સાંભળો. દેવ યહોવા, આંખ ઉઘાડીને જુઓ, સાન્હેરીબે તમારું જીવતા જાગતા દેવનું અપમાન કરવા જે શબ્દો કહેવડાવ્યા છે તે સાંભળો. 18 એ વાત સાચી છે, દેવ યહોવા, કે આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોની પ્રજાઓનું નિકંદન કાઢી નાખ્યું છે. 19 તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધાં છે; પણ એ તો દેવો નહોતા, પરંતુ માણસના હાથ વડે બનાવેલી વસ્તુ, ફકત લાકડાં અને પથ્થર હતા, અને તેથી તેમણે તેમનો નાશ કર્યો હતો. 20 પણ હવે, હે અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી બચાવ, જેથી પૃથ્વીના સર્વ રાજ્યો જાણી શકે કે તમે જ એક માત્ર દેવ છો.”
દેવનો હિઝિક્યાને જવાબ
21 પછી આમોસના પુત્ર યથાયાએ હિઝિક્યા રાજાને આ સંદેશો મોકલાવ્યો: “ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબની વિરુદ્ધ કરેલી પ્રાર્થનાનો મારો પ્રત્યુત્તર આ મુજબ છે.’
22 “હે સાન્હેરીબ,
‘તને યરૂશાલેમ નગરી તુચ્છકારી કાઢે છે,
તારી હાંસી ઉડાવે છે,
અને તારી પાછળ ગર્વથી માથું ધુણાવે છે.
23 તેં કોને મહેણું માર્યું છે?
કોની નિંદા કરી છે?
તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે?
ને તિરસ્કારભરી ષ્ટિ કરી છે?
ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા તરફ!
24 તારા નોકરો મારફતે તેં મારું અપમાન કર્યું છે;
તે કહ્યું છે કે, “મારા રથમાં બેસીને મેં મહાન પરાક્રમો કર્યા છે,
હું પર્વતોં ચઢયો છું અને તેના શિખરો પર પહોચ્યો છું.
લબાનોનના ઊંચામાં ઊંચા શિખર પર હું ચઢયો છું,
મેં ઊંચામાં ઊંચા એરેજવૃક્ષોને
તથા સૌથી ઉત્તમ દેવદારના વૃક્ષોને કાપી નાખ્યા છે,
મેં તેઓના ઊંચામાં ઊંચા પર્વતોને જીતી લીધા
અને તેઓના ગાઢ જંગલોમાં પહોચ્યો છું.
25 મેં જીતેલી ભૂમિમાં કૂવા ખોદાવીને પરભોમનાં પાણી પીધાં છે,
અને મારા પગનાં તળિયાથી
મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.”
26 “‘પણ શું તને ખબર નથી કે,
મેં ઘણા સમય અગાઉ આ બધી યોજના બનાવી હતી?
અને અત્યારે મેં એને હકીકત બનાવી છે.
મેં તારી પાસે કિલ્લેબંદીવાળાં નગરોનો નાશ કરાવી ખંડેરોનો ગંજ ખડકાવ્યો છે.
27 ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત,
અને હાંફળાફાંફળા બની ગયા હતા.
અને વગડાના છોડ જેવા,
કુમળા ઘાસ જેવા,
છાપરા ઉપર ઊગી નીકળેલા ને
લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
28 પરંતુ હું જાણું છું, તું ક્યારે ઉભો થાય છે,
ક્યારે તું બેસી જાય છે, ક્યારે તું બહાર જાય છે,
ક્યારે તું અંદર આવે છે, તથા તું જે કરે છે,
તે સર્વ હું જાણું છું અને મારી વિરુદ્ધ જે રીતે તું રોષે ભરાયો છે,
તે પણ હું જાણું છું.
29 કારણ કે મારી વિરુદ્ધના તારા રોષ વિષે
અને તારી ઉદ્ધતાઇ વિષે મેં સાંભળ્યું છે.
તેને લીધે હું તારા નાકમાં મારી કડી
તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માર્ગે
તું આવ્યો છે તે જ માર્ગે તારા
પોતાના દેશમાં તને પાછો દોરી જઇશ.’”
હિઝિક્યાને યહોવાનો સંદેશ
30 પછી યશાયાએ હિઝિક્યાને કહ્યું, “તારા માટે આ એધાણી છે: આ વર્ષે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, પછીના વર્ષે પહેલા વર્ષના પાકમાંથી ઉગાડેલા અનાજ ખાશો. પણ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષનીવાડીઓ કરશો અને તેના ફળ ખાશો.
31 “યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો જેના મૂળ ઊંડા ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે; 32 કારણ, યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે. સૈન્યોના દેવ યહોવાના ઉત્કટ પ્રેમને પ્રતાપે આ બધું સિદ્ધ થશે.”
33 એટલે, આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ મુજબ છે:
“તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે;
તેમ તે એની સામે બાણ પણ નહિ છોડે,
ઢાલ લઇને એની સામે નહિ આવે,
તેમ એની સામે મોરચો પણ નહિ માંડે,
34 એ જે રસ્તે આવ્યો તે જ રસ્તે પાછો જશે,
આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે.
આ હું યહોવા બોલું છું.
35 મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે
હું આ શહેરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઇશ.”
36 તે જ રાત્રે યહોવાના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઇને 1,85,000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા; લોકોએ સવારે ઊઠીને જોયું તો, તેઓની આગળ એ બધા મરેલા પડ્યા હતા. 37 પછી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પોતાના દેશ નિનવેહ પાછો ફર્યો.
38 એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, એવામાં તેના પુત્રો આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી અરારાટ ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદ્દોન તેના પછી ગાદીએ આવ્યો.
હિઝિક્યાના આયુષ્યમાં પંદર વર્ષની વૃદ્ધિ
38 એ દિવસો દરમ્યાન રાજા હિઝિક્યા માંદો પડ્યો અને આમોસનો પુત્ર યશાયા પ્રબોધક તેની મુલાકાત લેવાને ગયો અને યહોવા તરફથી તેને સંદેશો આપ્યો: “આ યહોવાના વચન છે: ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે, કારણ, તારું મોત આવી રહ્યું છે, તું જીવવાનો નથી.’”
2 હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી: 3 “હે યહોવા, હું તમારી સાક્ષીએ એકનિષ્ઠાથી અને સચ્ચાઇપૂર્વક જીવન વીતાવુ છું. અને તમારી નજરમાં જે સારું હોય તે જ કરતો રહ્યો છું.” પછી તે કટુતાપૂર્વક ખૂબ રડ્યો.
4 પછી યહોવાએ યશાયાને બીજો એક સંદેશો કહ્યો: 5 “તું પાછો જઇને હિઝિક્યાને કહે કે, આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાના વચન છે; ‘મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયાં છે. હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારી આપીશ. 6 હું તને અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઇશ.’”
7 યશાયાએ કહ્યું, “યહોવાએ જે વચન કહ્યાં છે, તે તે પૂરાં કરશે. તેની આ નિશાની છે: 8 જુઓ, આહાઝના છાયાયંત્ર પ્રમાણે એ સૂર્યના પડછાયાને દશ આંક પાછો હઠાવશે! અને તરત જ પડછાયો દશ આંક પાછો હઠી ગયો.”
9 હિઝિક્યા રાજાએ માંદગીમાંથી સાજા થયા પછી પોતાનો અનુભવ વિષે આ ગીત લખ્યું:
10 મને થયું હતું: મારા જીવનના મધ્યાહને જ મારે શેઓલને ધ્વારે જવું પડે છે,
મારા આયુષ્યના શેષ વર્ષો કપાઇ જાય છે.
11 “હવે પછી કદી આ જીવલોકમાં હું યહોવાને જોવા નહિ પામું.
આ દુનિયામાં વસતા માણસને હું કદી નજરેય નહિ નિહાળીશ.
12 મારા ડેરાંતંબુ સમેટી લેવામાં આવ્યા છે, જેમ કાપડને શાળ પરથી કાપી નાખવામાં આવે છે તેમ,
મારો જીવનપટ કાપી નાખવામાં આવ્યો છે.
સમગ્ર દિવસ દરમ્યાન દેવ મને મારા જીવનના અંતની નજીક અને નજીક લઇ આવે છે.
13 આખી રાત મેં કલ્પાંત કર્યુ છે;
જાણે સિંહોએ ફાડી મારા ટૂકડા કર્યા હોય,
સાંજ થાય ન થાય ત્યાં તો દેવ મારા જીવનનો અંત લાવશે.
14 ટિટોડીની જેમ હું ટળવળું છું,
હોલાની જેમ હું આક્રંદ કરું છું,
મારી આંખ નભ તરફ જોઇ જોઇ થાકી ગઇ છે!
હે યહોવા મારા માલિક,
હું મુશ્કેલીમાં છું,
તમે મને ઉગારી લેવાનું વચન આપો.”
15 હું શું કહું?
મારા માલિકને શું કહું?
તેણે જ આ કર્યુ છે,
મારા જીવની વેદનાને લીધે
હું આખી જીંદગી સુધી હળવે હળવે ચાલીશ.
16 હે મારા માલિક, એવાં વચનો વડે માણસો જીવન ધારણ કરે છે.
હું કેવળ તારે માટે જ જીવીશ.
તેં મને સાજો કર્યો છે
અને જીવવા દીધો છે.
17 મારી બધી વેદના શમી ગઇ છે,
તેં પ્રીતિથી મારા જીવનને વિનાશની ગર્તામાંથી બચાવ્યું છે.
તેં મારા બધાં પાપોને
તારી પીઠ પાછળ નાખી દીધાં છે.
18 જેઓ પહોંચી ગયા છે મૃત્યુલોકમાં,
નથી કરી શકતાં ગુણગાન તેઓ તારા.
જેઓ શેઓલમાં પહોંચી ગયા છે
તેઓ તારા વચન પર વિશ્વાસ રાખી શકતા નથી.
19 હું આજે કરું છું તેમ, જીવંત, હા,
ફકત જીવંત વ્યકિત તારી સ્તુતિ કરી શકે છે.
વડવાઓ પોતાના સંતાનોને તેં પાળેલા વચન અને વિશ્વાસુપણાની વાત કરે છે.
20 “યહોવા મને તમે બચાવી લીધો છે,
તેથી જીવનભર અમે તારા મંદિરમાં, વીણા વગાડતાં વગાડતાં ગીતો ગાઇશું.”
21 યશાયાએ કહ્યું હતું, “અંજીરીમાંથી લેપ બનાવી તેના ગૂમડા પર લગાવો, એટલે તે સાજો થશે.”
22 વળી હિઝિક્યાએ પૂછયું હતું, “હું યહોવાના મંદિરમાં જઇશ તેની કઇ નિશાની યહોવા આપશે?”
બાબિલમાંથી આવેલા કાસદો
39 આ અરસામાં બાલઅદાનનો પુત્ર મેરોદાખ-બાલઅદાન બાબિલનો રાજા હતો. થોડા સમય પછી તેણે હિઝિક્યા પર પોતાની શુભેચ્છાઓ તથા ઉપહારો મોકલાવ્યાં. હિઝિક્યા મરણતોલ માંદગીમાંથી સાજો થયો છે તેવા સમાચાર તેને મળ્યા હતા. 2 હિઝિક્યા ખૂબ રાજી થયો અને તેમને પોતાનો આખો ભંડાર તેમાંના સોનું ચાંદી, સુગંધી દ્રવ્યો અને મૂલ્યવાન તેલથી ભરેલો ખજાનો બધું જ બતાવ્યું તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કશું જ બાકી રહ્યું નહોતું જે તેમને ન બતાવ્યું હોય.
3 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “તે લોકો શું કહે છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”
હિઝિક્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તેઓ દૂર દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”
4 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?”
હિઝિક્યાએ કહ્યું, “તે લોકોએ મારા મહેલમાં સર્વસ્વ જોયું છે. મારા ભંડારમાં એવું કશું જ નથી જેં મેં એમને ન બતાવ્યું હોય.”
5 ત્યારે યશાયાએ કહ્યું, “સૈન્યોના દેવ યહોવાનાં વચન સાંભળ, તે કહે છે: 6 ‘એવો વખત આવી રહ્યો છે કે જ્યારે તારા મહેલમાંનુ બધું જ, તારા વડવાઓએ આજ સુધી જે કઇ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલમાં લઇ જવાશે, કશું જ બાકી નહિ રહે.’ 7 અને તારા પોતાના જ પુત્રોને લઇ જઇને બાબિલના રાજાના મહેલમાં નોકરો-ખોજાઓ બનાવવામાં આવશે.”
8 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાના જે વચનો સંભળાવ્યાં તે સારાં છે.” તેણે વિચાર્યુ કે, “હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને!”
દિલાસાના શબ્દો
40 તમારા દેવની આ વાણી છે:
“દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.
2 યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો,
તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે,
તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે,
તેણે યહોવાના હાથે તેના બધા દોષોની
બમણી સજા મેળવી છે.”
3 કોઇનો સાદ સંભળાય છે:
“મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો;
આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો
અને ડુંગરોને સપાટ બનાવી દો.
ખરબચડી જમીનને સરખી બનાવી દો.
અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
5 પછી યહોવાનો મહિમા પ્રગટ થશે
અને સમગ્ર માનવજાત તે જોવા પામશે.
આ યહોવાના મુખના વચન છે.”
6 એક અવાજ કહે છે, “સાદ પાડ.”
હું પૂછું છું, “શો સાદ પાડું?”
જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે,
ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:
7 દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે
અને ફૂલો કરમાઇ જાય છે;
નાશવંત માનવી પણ તેના જેવો જ છે.
8 ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે,
પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”
તારણ: દેવના શુભ સમાચાર
9 હે સિયોનને માટે શુભ સમાચાર લાવનારા!
તું પર્વતની ટોચે ચઢી જા, મોટા સાદે પોકાર કર!
હે યરૂશાલેમ માટે શુભ સમાચાર લાવનારા લોકો,
તમારાં અવાજ ઊંચા કરો, ગભરાશો નહિ,
યહૂદીયાના નગરોને કહો,
“આ તમારા દેવ છે!”
10 જુઓ, મારા માલિક યહોવા તેમના પૂરા સાર્મથ્ય સહિત પધારે છે,
તે પોતાના મજબૂત હાથથી દરેકને પોતાના શરણે આવવા માટે દબાણ કરે છે.
તે તેની પ્રજાને વળતર તરીકે પોતાની સાથે લાવે છે,
અને આ પ્રજા જે તેના કામનો બદલો છે, તેઓ તેની આગળ ચાલે છે.
11 તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે;
તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે
અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.
દેવે દુનિયા બનાવી તે તેનો શાસનકર્તા છે
12 સમુદ્રના જળને ખોબામાં લઇને કોણે માપ્યાં છે
અને આકાશને કોણે પોતાના વેંતથી માપ્યું છે?
સમગ્ર પૃથ્વીનું તથા પર્વતો
અને ટેકરીઓનું વજન ત્રાજવાના પલ્લામાં કોણે તોળ્યુ છે?
13 યહોવાના આત્માનો તાગ કોણે મેળવ્યો છે?
કોણે તેમને સલાહ આપી છે?
14 કોણ તેમને શીખવી શકે કે સલાહ આપી શકે?
શું તેમને કોઇ વ્યકિત સલાહ આપે તે ઉચિત છે?
શું યોગ્ય છે અને શ્રેષ્ઠ શું છે
તે જાણવા કોઇના સૂચનની શું તેમને જરૂર છે?
15 અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે,
ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે.
ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે.
16 આખો લબાનોન પર્વત એના યજ્ઞ માટે
પૂરતાં લાકડાં કે હોમવા માટે
પુરતાં પશુઓ પૂરાં પાડી શકે એમ નથી.
17 તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી,
તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે.
દેવ શું છે લોકો કલ્પના પણ નથી કરી શકતા
18 તો તમે દેવની તુલના શાની સાથે કરશો?
તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?
19 શું મૂર્તિની સાથે?
મૂર્તિને તો કારીગર ઢાળે છે,
સોની સોનાના પતરાથી મઢે છે
અને રૂપાના હાર ચઢાવે છે.
20 નિર્ધન માણસ તેના અર્પણ તરીકે
લાકડું પસંદ કરે છે તે સડતું નથી,
પછી તે કુશળ કારીગર પાસે એવી મૂર્તિ બનાવડાવે છે
જે પોતાની જગાએથી પડે નહિ કે હાલી પણ શકે નહીં.
21 શું તમે અજ્ઞાત છો?
તમે સાંભળ્યું નથી?
તમને અગાઉથી કહ્યું નહોતું?
પૃથ્વીનો પાયો કોણે નાખ્યો એ તમને ખબર નથી?
22 તે તો સૃષ્ટિના નભોમંડળ પર બિરાજમાન એવા દેવ છે.
એની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે!
તેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે,
અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.
23 તે જગતનો ન્યાય કરે છે, તે પૃથ્વીના અધિપતિઓને વિસાત વિનાના કરી દે છે
અને જગતના રાજકર્તાઓને શૂન્યમાં મેળવી દે છે.
24 હજી હમણાંજ માંડ રોપાયા હોય.
માંડ વવાયા હોય.
માંડ તેમણે ધરતીમાં મૂળ નાખ્યાં હોય,
ત્યાં તો તેમના પર તેઓ ફૂંક મારે છે અને તેઓ કરમાઇ જાય છે;
વાવાઝોડું આવી તેમને તરણાંની જેમ ઘસડી જાય છે.
25 વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો?
મારી બરોબરી કોણ કરી શકે છે?”
26 આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે
એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે સર્જ્યા છે?
જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે
અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે,
તેની શકિત એટલી પ્રબળ છે કે
તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.
27 તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે,
હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે,
“મારા માર્ગની યહોવાને ખબર નથી,
હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
28 શું તમે હજુ પણ સમજતાં નથી?
હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે
યહોવા તે સનાતન દેવ છે,
તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે,
એ કદી થાકતા નથી કે હારતા નથી;
તેના જ્ઞાનનો તાગ કોઇ પામી શકે તેમ નથી.
29 તે થાકેલા તથા નિર્ગત થયેલાંને પુષ્કળ જોર
અને નિર્બળને બળ આપે છે.
30 તરુણો કદાચ થાકીને હારી જાય,
ભરયુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઇ પડે,
31 પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે.
તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે;
તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે,
કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.
ઇસ્રાએલને દેવની સહાય
41 યહોવા પૂછે છે,
“સમુદ્રની પેલે પારના દેશો,
મારી આગળ મૌન જાળવો, સાંભળો,
તમારી સબળ દલીલો રજૂ કરો, સજ્જ થાઓ,
મારી પાસે આવો અને બોલો,
અદાલત તમારા પ્રશ્ર્ન માટે તૈયાર છે.
2 પૂર્વમાંથી આ વ્યકિતને કોણે ઊભી કરી છે,
જેને પગલે પગલે વિજય મળે છે?
તેને ઊભો કરનાર બીજો કોઇ નહિ પણ યહોવા પોતે જ છે.
એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઇ જાય છે.
અને એનાં ધનુષ્યથી તેઓ તરણાંની જેમ ઊડી જાય છે.
3 તે તેઓને પીછો પકડે છે;
અને રોકાયા વગર આગળ વધે છે
એના પગ ધરતીને તો અડતા સુદ્ધાં નથી.
4 આરંભથી આ બધું કરાવનાર કોણ છે?
અનાદિકાળથી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપીને
આ સર્વ પરાક્રમી કાર્યો કરનાર કોણ છે?
એ હું યહોવા છું,
હું પહેલો હતો
અને છેલ્લો પણ હું જ છું.
5 સમુદ્રની પેલે પાર દૂર દેશાવરના લોકો
મારા કાર્યો જોઇને ભયભીત થઇ ગયા,
પૃથ્વી એક છેડાથી બીજા છેડા સુધી ધૂજી ઊઠી.
બધા ભેગા થઇને આવ્યા.
6 “દરેક જણે પોતાના પડોશીને મદદ કરી અને પોતાના ભાઇઓને ઉત્તેજન આપ્યું. 7 સુથાર સોનીને ઉત્તેજન આપે છે, હથોડીથી મૂર્તિને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપે છે, તેઓએ કહ્યું, ‘સાંધો મજબૂત થયો છે.’ તે ખીલા સાથે મૂર્તિને એવી જડે છે કે પડી ન જાય.”
યહોવા જ આપણને બચાવી શકે છે
8 “પણ ઇસ્રાએલ, તું તો મારો સેવક છે,
યાકૂબ, મેં તને પસંદ કર્યો છે,
તું મારા મિત્ર ઇબ્રાહિમના કુળનો છે.
9 મેં તને ધરતીને છેડેથી ઉપાડી લીધો છે,
અને દૂર દૂરના ખૂણેથી
તને બોલાવ્યો છે.
મેં તને મારો સેવક કહ્યો છે,
‘મેં તને પસંદ કર્યો છે,’
તારો ત્યાગ કર્યો નથી.
10 તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું.
તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું,
હું તને બળ આપીશ, તને મદદ કરીશ;
હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
11 હવે તમારા પર ગુસ્સે થનારાં સર્વ સૈન્યો વિમાસણમાં પડ્યા છે
અને વિખેરાઇ ગયા છે.
જે કોઇ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે.
12 તમારી સાથે યુદ્ધે ચડનારા સૌ કોઇ નાશ પામશે,
અને શૂન્યમાં મળી જશે.
તેઓની શોધ કરશો તો પણ તેઓ તમને જડશે નહિ;
કોઇનું નામનિશાન નહિ રહે.
13 હું તારો દેવ યહોવા તારો જમણો હાથ પકડું છું અને કહું છું,
ડરીશ નહિ, હું તારી મદદમાં છું.
14 હે ઇસ્રાએલ, તું જેમ નબળો થઇ ગયો છે,
છતાં તું ગભરાઇશ નહિ,
કારણ કે હું તને મદદ કરીશ.”
હું તમારો યહોવા, તમારો તારક છું;
હું ઇસ્રાએલનો પવિત્ર દેવ છું.
15 “જો હું તને દાણાંના ફોતરાં છૂટાં પાડવાનાં
તીક્ષ્ણ દાંતાવાળા નવા સાધનમાં ફેરવી નાખીશ,
તું પર્વતોને અને ટેકરીઓને રોળીને ભૂકો કરી નાખશે.
16 તું તેઓને ઊપણશે; વાયુ તેઓ સર્વને ઉડાડી મૂકશે
અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે.
પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે;
ઇસ્રાએલના પવિત્ર દેવનાં પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ.
17 “દુ:ખી અને દરિદ્રીઓ પાણી શોધશે,
પણ મળશે નહિ,
તેઓની જીભો તરસથી સુકાઇ જશે.
ત્યારે તેઓ મને પોકાર કરશે અને હું તેમનો પોકાર સાંભળીશ;
હું ઇસ્રાએલનો દેવ, તેમનો ત્યાગ નહિ કરું.
18 હું તેઓને માટે ઉજ્જડ ડુંગરોમાં નદીઓ વહેવડાવીશ
અને ખીણોની વચ્ચે ઝરણાં આપીશ!
અરણ્યમાં પાણીના સરોવરો થશે
અને સૂકી ધરતીમાં ઝરા વહેવા માંડશે.
19 હું અરણ્યમાં દેવદાર ઉગાડીશ; બાવળ, મેંદી અને જૈતૂન ઉગાડીશ.
વળી હું રણ પ્રદેશમાં ભદ્રાક્ષો, સરળ અને સરુના ઝાડ ભેગાં ઉગાડીશ.
20 પ્રત્યેક વ્યકિત આ ચમત્કાર જોશે
અને કબૂલ કરશે કે,
ઇસ્રાએલના પવિત્ર દેવે
એને ઉત્પન્નકર્યુ છે.”
યહોવાની ખોટા દેવોને ચેતવણી
21 યહોવા, યાકૂબના મહાન રાજા કહે છે, “તમારા કિસ્સાની રજૂઆત કરો! તમારો ઉત્તમ બચાવ રજૂ કરો! 22 તમારી મૂર્તિઓ બહાર લઇ આવો અને તેમને કહેવા દો કે ભવિષ્યમાં શું બનવાનું છે, ભૂતકાળના બનાવોનો અર્થ સમજાવો, જેથી અમે તેનો વિચાર કરી શકીએ. 23 હા, જો તમે દેવ હો તો આવનાર દિવસોમાં શું બનવાનું છે તે કહો! અથવા કંઇક એવું કરીને અમારા પર પ્રભાવ પાડો જે ઉપયોગી હોય અથવા નુકશાનકારક હોય.
24 “પણ ના, તમારી કશી વિસાત જ નથી! તમે શું ધૂળ કરવાના હતાં! જે તમને પૂજે છે તે પણ તમારા જેવો જ કેવળ ધિક્કારપાત્ર છે!”
ફકત યહોવા જ દેવ છે
25 “હું એક જણને ઉત્તરમાંથી બોલાવી લાવ્યો
અને તે આવ્યો;
પૂર્વમાંથી તે મારા નામે બોલાવે છે,
અને કોઇ કુંભાર માટીનો ઢગલો ખૂંદતો હોય એમ
તે રાજકર્તાઓને ખૂંદતો આવશે.”
26 “મારા સિવાય તમને કોણે કહ્યું હતું કે આ પ્રમાણે થશે?
બીજા કોણે અગાઉથી કહ્યું હતું કે આમ થવાનું છે
જેથી આપણે એમ કહી શકીએ કે તેઓ સાચા હતાં?
કોઇએ તેમ કહ્યું નહોતું!
તેઓએ તો આના વિષે સાંભળ્યું પણ નહોતું!
27 મેં યહોવાએ જ સિયોનને શુભસમાચાર મોકલ્યા હતા કે,
‘જુઓ! જુઓ! હું યરૂશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.’”
28 પણ જ્યારે તમારી મૂર્તિઓ વચ્ચે જોયું,
ત્યાં કોઇ સલાહકાર નથી,
કોઇપણ નહિ જે હું જ્યારે સવાલ પૂછું ત્યારે જવાબ આપી શકે.
મેં પ્રશ્ર્ન કર્યો ત્યારે તેમના એક
પણ દેવે પ્રત્યુત્તર આપ્યો નહિ.
29 તેઓ સર્વ સાચે જ વ્યર્થ છે; જુઓ, એ દેવો કેવા નકામા છે!
એમનાં કામોમાં કોઇ ભલીવાર નથી;
તેમની મૂર્તિઓ તો ખાલી હવા છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International