Beginning
પ્રત્યેકનો અંત એક સમાન
9 એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે દરેકના કાર્યનું ફળ સદાચારી અને જ્ઞાની લોકો માટે પણ દેવ પર નિર્ભર છે. પણ કોઇ જાણતું નથી કે તેને પ્રેમ મળશે કે ધિક્કાર અથવા તેની પાસે શું આવશે?
2 બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે.
3 સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ દુનિયામાં થાય છે તેઓમાંનો એક અનર્થ છે; વળી માણસોનું અંત:કરણ ભૂંડાઇથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાંઓમાં ભળી જાય છે. કારણ કે તેઓને કોઇ આશા નથી. તેમને તો સામે ફકત મૃત્યું જ દેખાય છે. 4 જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે:
કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
5 જીવતાં મનુષ્યો એટલું જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે. પરંતુ મરેલાંઓ તો કશુંજ જાણતા નથી. તેઓને કોઇ બદલો મળતો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામી જાય છે. 6 તેમનો પ્રેમ, ઇર્ષ્યા, ધિક્કાર, અને જે કાંઇ તેઓના જીવનકાળ દરમ્યાન તેઓમાં હતું તે ભૂતકાળ બની ગયું છે અને હવે દુનિયામાં જે કાંઇ થઇ રહ્યું છે તેમાં તેઓને કોઇ લેવાદેવા નથી.
જીવનમાં મોજ કરો જેવી રીતે તમે કરી શકો
7 તેથી તારે રસ્તે ચાલ્યો જા, ખાનપાન કર અને જીવનનો આનંદ માણ, દેવ સમક્ષ તે માન્ય છે. 8 સુંદર શ્વેત વસ્રો સદા ધારણ કર. અને તારા મસ્તકને અત્તરની ખોટ કદી પડવા દઇશ નહિ. 9 દુનિયા પર જે ક્ષણિક જીવન તેણે તને આપ્યું છે, તે તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે આનંદથી વિતાવ, કારણ કે દેવે તને જે પત્ની આપી છે તે તારા દુનિયા પરનાં ભારે પરિશ્રમનો ઉત્તમ બદલો છે. 10 જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
સૌભાગ્ય? દુર્ભાગ્ય? આપણે શું કરી શકીએ?
11 ફરી પાછું મેં જાણ્યું કે હંમેશા વેગવાન સ્પર્ધા જીતતા નથી અને યુદ્ધોમાં બળવાનની હંમેશા જીત થતી નથી. અને ડાહ્યાં હંમેશા તેઓની રોટલી માટે કમાતા નથી. અને બુદ્ધિ હંમેશા ધન ઉપજાવતી નથી. તેમજ ચતુર હંમેશા દયા (આશીર્વાદ) દ્રષ્ટિ પામતા નથી. સમય અને આડી અવળી આકસ્મિક ઘટના તો દરેકને બને છે.
12 મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઇ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.
જ્ઞાનની શકિત
13 વળી માણસોના વ્યવહારમાં મેં એક બીજી જ્ઞાનની બાબત જોઇ અને મારા ઉપર તેની ઉંડી અસર થઇ. 14 ઓછી વસ્તીવાળું એક નાનું નગર હતું, એક બળવાન રાજા પોતાના સૈન્ય સાથે નગર પર ચડી આવ્યો, અને તેને આજુબાજુ મોટો યુદ્ધની સામગ્રીઓથી ઘેરો ઘાલ્યો. 15 હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા. 16 ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે; તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઇ સાંભળતું નથી.
17 પરંતુ શાશકોના મૂર્ખો વચ્ચેના બૂમબરાડાં કરતાં
બુદ્ધિમાન માણસના થોડાં શાંત બોલ વધારે સારા છે.
18 યુદ્ધશસ્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે;
પણ એક જ પાપી માણસ ઘણા સારા લોકોનો નાશ કરી શકે છે.
10 જેમ મરેલી માખીઓ મઘમઘતા અત્તરને દૂષિત કરી દે છે; તેવી જ રીતે થોડી મૂર્ખાઇ બુદ્ધિ અને સન્માનને નબળું પાડી દે છે.
2 બુદ્ધિમાન માણસનું હૃદય તેને સાચી દિશા બાજુએ દોરે છે; પણ મૂર્ખનું એ જ હૃદય તેને ખોટી અને મૂર્ખ બાજુ પર દોરે છે. 3 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેક ને કહે છે કે હું મૂર્ખ છું.
4 જ્યારે તારો શાશક તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જતો. કારણ કે તું જે સાંત્વન લાવે છે તેનાથી મોટા પાપો વડે થયેલો ગુસ્સો પણ ઠંડો પડી જાય છે.
5 મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે છે કે શકિતશાળી શાશક દ્વારા થયેલી ભૂલ; 6 મૂર્ખાને મોટી સત્તાઓ મળે છે જ્યારે ધનવાનોને નીચા સ્થળે લાવવામાં આવે છે! 7 મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને રાજકર્તાઓને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
દરેક કામ પોતાને માટે ખતરનાક છે
8 જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે! અને જે વાડમાં છીંડુ પાડે છે તેને સાપ કરડે છે. 9 જે પથ્થરની શિલા તેને જે ખસેડે છે તેને જ ઇજા પહોચાડે અને કઠિયારાને લાકડું જ ભયમાં મૂકી દે.
10 બુઠ્ઠી કુહાડી વાપરવામાં ધારદાર કરતા વધારે શકિતની જરૂર પડે છે; તે ડહાપણ તમને તમારું કામ સરળ કરવામાં મદદ કરે છે.
11 સાપ જો તેને મંત્રથી વશ કર્યા પહેલા જ કરડી જાય તો મદારી નકામો છે.
12 ડહાપણભર્યા શબ્દો મનને આનંદ આપે છે,
પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ નોતરે છે.
13 તેનાં મૂખના શબ્દોનો આરંભ મૂર્ખાઇ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે. 14 મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઇ જાણતું નથી. પણ કોઇ કહી શકે તેમ નથી કે કાલે શું થવાનું છે?
15 કામ મૂર્ખને થકવી નાખે છે જે નગરમાં જવાનો પોતાનો રસ્તો
પણ શોધી શકતો નથી.
કામનું મુલ્ય
16 જે દેશનો રાજા બાળક જેવો નાદાન હોય; અને જેના સરદારો સવારમાં ઉજાણીઓ માણે છે તે દેશનો ઉદ્ધાર અશક્ય છે! 17 એ દેશને આશીર્વાદ છે જેનો રાજા ઉમદા ગુણ લક્ષણ વાળો છે અને જેના નેતાઓ વધુ પડતું ખાતા નથી કે પીધેલ હોતા નથી.
18 આળસથી છાપરું નમી પડે છે;
અને આળસુ હાથ ઘરમાં છિદ્ર વાટે ચૂવા દે છે.
19 ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવનને ખુશી આપે છે. પૈસાથી બધું જ મળે છે.
નિંદા પૂર્ણ વાતો
20 રાજાને કે ધનવાનને તારા મનમાં પણ શાપ ન આપીશ; કારણ કે, વાયુચર પક્ષી તે સાંભળીને વાત લઇ જાય છે.
ઉદારતાનું ઇનામ
11 તારી રોટલી પાણી પર નાખ, કારણ કે ઘણા દિવસો પછી તે તને પાછી મળશે.
2 તારી પાસે જે છે તે ઘણાંઓમાં વહેંચી દે, તને ખબર નથી કદાચ ભવિષ્યમાં એવો ખરાબ સમય આવે.
3 પાણીથી ભરેલાં વાદળાં વરસાદ લાવે છે; ઝાડ દક્ષિણ તરફ તો તે ઉત્તર તરફ તે પડે કે ત્યાં જ પડ્યું રહે છે.
4 જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ.
5 તું જાણતો નથી ગર્ભવતી સ્રીનાં ગર્ભમાં જીવ કેવી રીતે પ્રવેશે છે તેમ જ દેહ કેવી રીતે બંધાય છે તથા વાયુની ગતિ શી છે, તેવી જ રીતે તું તે પણ જાણતો નથી કે સર્જનહાર દેવ કઇ રીતે કાર્ય કરે છે.
6 સવારમાં બી વાવ, ને સાંજે તારા કામમાંથી વિશ્રાન્તિ લઇશ નહિ; કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે, અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.
7 સાચે જ અજવાળું રમણીય છે, ને સૂર્યને જોવો એ આંખને રુચિકર છે. 8 જો માણસ લાંબુ આયુષ્ય ભોગવે તો તેણે જીવનનાં સર્વ દિવસોપર્યંત આનંદ કરવો. પરંતુ તેણે અંધકારના દિવસો પણ યાદ રાખવા, કારણ કે તે ઘણા હશે, જે કાંઇ બધું બને છે તે વ્યર્થતા જ છે.
યુવાનીમાં દેવની સેવા કરો
9 હે યુવાન, તારી યુવાવસ્થાનો આનંદ લે; અને તારા હૃદયની ઇચ્છાઓ પૂરી કર, યુવાવસ્થા અદભૂત છે! તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની ષ્ટિ પ્રમાણે તું ચાલ. પણ યાદ રાખ, તું જે કાઇ કરે, દેવ તેનો ન્યાય કરશે. 10 માટે તારા હૃદયમાંથી ગુસ્સો અને નિરાશાને દૂર કર. પણ તું પોતે જ અનિષ્ટથી દૂર રહેજે; કારણ કે યુવાવસ્થા વ્યર્થ છે.
યુવાનોને સલાહ
12 તારી યુવાવસ્થાના દિવસોમાં તું યહોવાનું સ્મરણ કર. તું જીવનનો આનંદ માણી શકે તેવાં ભૂંડા વર્ષો અને દિવસો આવે તે પહેલાં તારી યુવાનીમાં તારા યહોવાને ભૂલી જઇશ નહિ.
2 જ્યારે તારી આંખો ચંદ્ર, સૂરજ અને તારાઓ જોવા ખૂબજ નિર્બળ બનશે, અને જ્યારે વાદળો વરસાદ લઇ પાછા ફરશે ત્યારે તું તેમને યાદ કરી શકશે નહિ.
3 તે દિવસે જે ઘરનું નિયંત્રણ કરવાવાળાઓ ધ્રુજશે, બળવાન વાંકા વળી જશે, અને દળનારી સ્રીઓ થોડી હોવાથી તેમનો તોટો પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની ષ્ટિ ઝાંખી થઇ જશે. 4 અને બજાર તરફના બારણા બંધ કરી દેવામાં આવશે; અને ત્યારે દળવાનો અવાજ ધીમો થશે. અને માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, ને સર્વ ગાનારી સ્ત્રીઓ શાંત થઇ જશે;
5 જે ઉંચે જાય છે તેને પડવાની બીક લાગશે. જે રસ્તા પર ચાલતો હશે તે ત્યાં જતા ડરશે. બદામનું ઝાડ ફાલશે. તીડ પોતે ધીમે ધીમે સાથે ઘસડાશે. બધી ઇચ્છાઓ મરી પરવારશે અને દરેક જણ પોતાના અનંત અનાદિ ઘેર જશે.
મૃત્યુ
6 તે દિવસે જીવનરૂપી રૂપેરી દોરી તૂટી જશે
અને સોનેરી પ્યાલો ભાંગી જશે,
અને ગાગર ઝરા આગળ ફૂટી જશે,
અને કૂવા ઉપર જ ગરગડી ભાંગી જશે;
7 અને તારી કાયા જેમ અગાઉ હતી
તેવી જ પાછી ધૂળ થઇ જશે,
અને દેવે તને જે આપેલો
તે આત્મા તેમની પાસે પાછો જશે.
8 તેથી સભાશિક્ષક કહે છે કે; વ્યર્થતાની વ્યર્થતા, સઘળું વ્યર્થ છે.
સમાપ્તિ
9 વળી સભાશિક્ષક સમજુ હતો; તેથી તેણે જે જાણ્યું તે સર્વને શીખવવા લાગ્યો; તે વિચાર કરીને ઘણા નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો. 10 સભાશિક્ષકે સત્ય વચનો, શોધી કાઢવાનો અને જે સત્ય હતા તે લખવાનો પ્રયત્ન કર્યો.
11 જ્ઞાની માણસનો ઉપદેશ પરોણીની અણીદાર ધાર જેવો છે અને સભાશિક્ષકોનાં ઉપદેશ કે જે માત્ર એક જ પાદરી દ્વારા આપવામાં આવેલાં છે, તે સજ્જડ જડેલા ખીલાની જેમ તેમનાં મનમાં ઠસી રહેશે. 12 પણ મારા પુત્ર, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઇ પાર નથી; તેમનો અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે.
13 આ મારી વાતનો ઉપસંહાર છે; દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે. 14 કારણ કે આપણે ભલું કે ભૂંડુ જે કરીએ, તે સર્વનો એટલે પ્રત્યેક ગુપ્ત બાબતનો દેવ ન્યાય કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International