Beginning
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
2 તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
3 તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
4 હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
5 હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.
6 મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
7 હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
8 હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
નહિ તો તેઓ ઊંચા ઊઠશે.
9 તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.
દાઉદનું ગીત.
1 હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો;
કારણકે, મેં પ્રાર્થના કરી છે.
મદદ માટેનો પોકાર સાંભળો.
2 મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ,
મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!
3 હે યહોવા, મારા મુખને બંધ રાખવા
અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
4 મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ,
જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ
અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
5 જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો
હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ.
તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે.
હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું!
પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
6 તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે.
તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.
7 જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે,
તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
8 પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું.
હું તમારો વિશ્વાસ કરું છું.
મારા આત્માનો નાશ ન થવા દો.
9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી
અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય,
અને તમે મારી રક્ષા કરો.
દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.
1 હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
3 હું બેહોશ થવાનો હોઉં,
ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.
4 જ્યારે હું આજુબાજુ જોઉં છું,
હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
5 હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
“યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
6 મારા પોકારો સાંભળો,
કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
7 મને બંદીવાસમાંથી બહાર લાવો,
જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી આજીજીનો જવાબ આપો
અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
3 મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
તેનું મનન કરું છું.
6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
હું મૃત્યુ પામીશ.
8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.
દાઉદનું સ્તુતિગાન.
1 યહોવા મારો ખડક છે,
તેની સ્તુતિ કરો;
તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે;
તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
2 તે મારો ગઢ છે; મારો કિલ્લો છે;
મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે;
તે મારા રક્ષક છે;
તે મારા લોકોને
મારે તાબે કરે છે.
યહોવા મારો સાચો પ્રેમ છે.
3 હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો?
તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
4 લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે.
લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.
5 હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
6 વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય.
તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
7 સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો,
મને બહાર ખેચી કાઢો,
અને વિદેશીઓથી મને બચાવો.
8 તેઓ જૂઠું બોલે છે,
તેઓ છેતરપિંડી કરે છે.
9 હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
તે લોકોથી તમે મને ઉગારો.
12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
સર્વત્ર શાંતિ વિસ્તરો;
શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.
15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
8 યહોવા દયાળુ અને કૃપાળુ છે;
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International