Beginning
મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
અને શોભાયમાન છે!
2 તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3 વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.
મંદિર પર ચઢવા માટેનું ગીત.
1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
તમે યહોવાને સ્તુત્ય માનો.
2 પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
અને યહોવાની સ્તુતિ કરો.
3 સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
તમને આશીર્વાદ આપો!
1 યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું,
સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
તથા બાશાનના રાજા ઓગને;
અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.
યહોવાની સ્તુતિ કરો!
1 યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
2 સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
3 પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
4 દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
5 જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
6 જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
7 આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
8 દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
9 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
દાઉદને સમર્પિત એક ગીત.
1 હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
2 તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
3 મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
અને આત્મબળ આપી મને બળવાન કર્યો.
4 હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
કારણકે યહોવાનો મહિમા મહાન છે!
6 જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
તે દૂરથી જ ઓળખે છે.
7 ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
8 યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
8 જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
9 જો હું પરોઢિયાની પાંખો પર
સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
તમારું સાર્મથ્ય મને સહાય કરશે.
11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો;
અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે;
અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે;
તેઓ કેટલા મૂર્ખ છે!
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.
24 તમને દુ:ખ થાય તેવી બાબત તમને મારામાં દેખાય તો મને જણાવો;
અને સનાતન માર્ગે મને દોરી જાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International