Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 108-114

દાઉદનું ગીત.

હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે,
    હું તમારી સ્તુતિ કરીશ.
ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
    જાગો, ઓ વીણા અને સારંગી;
    ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
“હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે
    પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે
    અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો!
    ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો,
    તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.

દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા,
    “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ.
હું આ ભૂમિ વહેંચીશ,
    અને તેમને શખેમ
    તથા સુકકોથની ખીણ આપીશ.
ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે;
    એફ્રાઇમ માથાનો ટોપ છે અને,
    યહૂદિયા મારો રાજદંડ છે.
મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે.
    અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે,
    હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”

10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે?
    અને મને અદોમમાં કોણ દોરી જશે?
11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે?
    હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
    અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા,
    એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.

નિર્દેશક માટે. દાઉદના સ્તુતિગીતોમાંનુ એક

હે મારા દેવ, તમે તે એક છો જેની હું સ્તુતિ કરું
    છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.
કારણ, દુષ્ટ અને કપટી માણસો મારા પર આક્ષેપો મૂકે છે;
    તેઓ મારી સામે પોતાની જીભે જ જૂઠું બોલે છે.
તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે;
    તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.
તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે;
    પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું.
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે;
    અને મારી પ્રીતિને બદલે તેઓ દ્વેષ કરે છે.

મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુકત કરો.
    અને તેને એક અપ્રામાણિક ન્યાયાધીશ સામે ઊભો રાખો.
અને તેનો મુકદૃમો ચાલે ત્યારે ભલે તેને દોષી ઠરાવાય,
    અને ભલે દેવ દ્વારા તેની પ્રાર્થના પાપથી ભરેલી ગણાય.
તેનાં આયુષ્યનાં વર્ષો થોડાં અને ટૂંકા થાઓ;
    અને તેનું પદ કામ લેવાંને બીજા આગળ આવો.
તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ, અને તેની પત્ની વિધવા, થાઓ.
10 તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો;
    ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.
11 જોરજુલમથી લેણદાર તેમનું બધું લઇ જાઓ;
    તેમનાં મહેનતનાં ફળ પરાયા લૂંટી જાઓ.
12 તેના પર દયા દાખવનાર કોઇ ન રહો;
    અને તેનાં અનાથ છૈયાં પર કોઇ કૃપા રાખનાર ન રહો.
13 ભલે મારા શત્રુઓ અને તેના પરિવારોનો નાશ થાય!
    અને ભલે આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણ પણે ભૂંસાઇ જાય!
14 યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો!
    માતાપિતાના પાપની તેને સજા મળે!
    અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડા કાન ન કરે!
15 તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી
    તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉખેડી નાખવામાં આવે!
16 કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે;
    અને ગરીબોની સતાવણી કરી છે;
    અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.
17 બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું;
    ભલે શાપો તેની ઉપર આવે.
તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી;
    તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
18 શાપોને તેના વસ્રો થવા દો!
    શાપોને તેનું પીવાનું પાણી થવા દો!
શાપોને તેના શરીર
    પરનું તેલ થવા દો.
19 પહેરવાના વસ્રની જેમ તે તેને ઢાંકનાર થાઓ;
    અને કમરબંધની જેમ તે સદા વીંટળાઇ રહો.

20 જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે;
    તેઓને આ યહોવા તરફની શિક્ષા છે.
21 પણ, હે યહોવા દેવ, તમે મારા પ્રભુ છો!
    ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો;
    તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.
22 હું ગરીબ છું અને તંગી અનુભવું છું;
    ને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
23 મારું જીવન સંધ્યા સમયના પડછાયાની જેમ અંત પામે છે.
    મને તીડની જેમ ખંખેરી નાખ્યો હોય તેવું લાગે છે.
24 ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે;
    અને પુષ્ટિ વિના મારું માંસ ઘટી ગયું છે.
25 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતિક બન્યો છું;
    જ્યારે મને જુએ છે ત્યારે પોતાના માથાઁ હલાવે છે.
26 હે યહોવા મારા દેવ, મને મદદ કરો;
    મારું તારણ કરો, તમે કૃપાળુ અને પ્રેમાળ છો.
27 જેથી હે યહોવા, આ તારે હાથે
    તેં જ કર્યુ છે એમ તે સર્વ લોકો જાણે.
28 તેઓ ભલે મને શાપ આપે, હું તેની કાળજી કરીશ નહિ;
    કારણ તમે મને આશીર્વાદ આપો છો;
    જ્યારે તેઓ મારા પર હુમલો કરે ત્યારે તેમને હારવા દો, પછી હું તમારો સેવક આનંદ પામીશ.
29 મારા શત્રુઓ વસ્રની જેમ લાજથી ઢંકાઇ જાઓ!
    અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઇ જાઓ.
30 પરંતુ હું યહોવાનો વારંવાર આભાર માનીશ;
    અને હું તેમની ઘણા લોકોમાં સ્તુતિ ગાઇશ.
31 કારણકે તે ઊભા રહે છે ગરીબ અને ભૂખ્યાંઓની જોડે;
    અને જેઓ તેમને મોતની સજા કરવાનો પ્રયત્ન કરે છે;
    તેમનાથી તે અસહાય લોકોને બચાવે છે.

દાઉદનું ગીત.

યહોવાએ મારા પ્રભુને કહ્યું,
    “જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું,
    ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”

યહોવા સિયોનમાંથી તારા સાર્મથ્યનો રાજદંડ મોકલશે;
    તારા શત્રુઓ પર રાજ કર.
તારા લોકો તારા યુદ્ધને દિવસે
    તારી સાથે જોડાવવા ઇચ્છશે.
સવારે તેં તારા પવિત્ર વસ્રો
    ધારણ કરેલા છે.
તારી યુવાવસ્થાનું જોર
    તને દોરવે છે.

યહોવાએ પ્રતિજ્ઞા કરી,
    “તું મલ્ખીસદેકની જેમ,
સદાને માટે યાજક છે;
    તેમનું આ વચન તે કદી રદબાતલ કરશે નહિ.”

તારી રક્ષા માટે, તારી પાસે પ્રભુ તારા જમણા હાથે ઊભા છે;
    તે ધણા રાજાઓનો પોતાના ક્રોધને દિવસે નાશ કરશે.
તે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે;
    અને તેમની પ્રજાઓના પ્રદેશ મૃતદેહથી ભરી દેશે,
    અને તેની વિશાળ ભૂમિમાં માથાઓને છૂંદી નાંખશે.

તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે;
    નવી તાજગી સાથે પોતાનું માથું ઊંચુ કરશે.

યહોવાની સ્તુતિ કરો!

ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
    હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
યહોવાના કાર્યો મહાન છે;
    લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
    અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
    યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
    અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
    અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
    તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
    તેઓ સદાને માટે અચળ છે.
દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
    તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
    જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
    તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.

યહોવાની સ્તુતિ થાઓ!

જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
    અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
    અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
    અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
    તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
    વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
તે વ્યકિત કદી પડશે નહિ
    તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
તે ખરાબ સમાચારથી ડરતો નથી;
    અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
    તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
    અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
    અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
    તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
    અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.

યહોવાની સ્તુતિ કરો!

હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
    યહોવાના નામની સ્તુતિ કરો.
યહોવાનું નામ આ સમયથી
    તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
    યહોવાના નામની સ્તુતિ કરો.
યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
    અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
આપણા દેવ યહોવા જેવો છે કોણ?
    જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
    પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
    અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
    રાજકુમારોની મધ્યે.
તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
    અને સુખી થશે માતા!

યહોવાની સ્તુતિ થાઓ.

જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
    તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
પછી યહૂદિયા દેવનું નવું ઘર
    અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
    યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
    અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.

અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
    યર્દન નદી, શું થયું તારા પાણીનું?
    શા માટે તમે પાછા હઠી ગયા?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
    અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
    તું થરથર કાંપ.
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
    તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International