Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 74-77

આસાફનું માસ્કીલ.

હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે?
    તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા.
    તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા.
સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો.
    તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!

તમે જ્યાં અમારી મુલાકાત લો છો,
    તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
તેઓ જંગલનાં વૃક્ષો પર
    કુહાડા ઉગામનારાઓના જેવા છે.
તેઓ તેનું તમામ નકશીદાર કામ
    કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે.
    તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.”
    તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી,
    નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે?
    કોણ કરી શકે?
10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
    શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
11 શા માટે તમે વિલંબ કરો છો?
    શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો?
    હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે.
    તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં,
    વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા
    અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી;
    નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
16 દિવસ અને રાત બંને તમારા છે,
    અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે;
    ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
18 હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે,
    મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે,
    આ વસ્તુઓ યાદ રાખો.
19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ;
    તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો,
    આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો.
    દરિદ્રીઓ અને લાચારોને
    તમારું સ્તવન કરવાને કારણ આપો.
22 હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો!
    મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ
    અને બરાડાઓને તમે ના વિસરશો.

નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.

હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
    માટે તમારો આભાર માનીએ છીએ.
    લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
    અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
    અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.

“મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
    અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
    ઘમંડ કરીને ડંફાસ ન મારો.”

તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
    તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
    તે એકને નીચે પાડી નાખે છે,
    અને બીજાને ઊંચો કરે છે.
યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
    ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
    અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
    અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
    પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે. આસાફનું સ્તુતિ ગીત.

યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે,
    ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
તેમનો મંડપ યરૂશાલેમમાં છે,
    અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
    ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.

દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી
    તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે,
    ને ચિર નિંદ્રાવશ થયા છે;
    અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ
    અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો
    ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
    અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
હે દેવ, તમે ન્યાય કરવા માટે
    તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે;
    અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.

11 જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે
    તે તમે પૂર્ણ કરો.
ભયાવહ દેવ સમક્ષ તમે સૌ,
    તમારા દાન લાવો.
12 પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે,
    કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.

મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
    મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
    મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
    જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
    મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
    પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
    હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
હું અગાઉના દિવસો
    અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
    હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
    ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
    શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
    શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?

10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
    અસ્વસ્થ કરે છે તે આ છે.”

11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
    અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
    અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
    તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
    તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
    તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.

16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
    અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
    વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
    વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
    અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
    તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
    તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International