Beginning
નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.
1 દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
2 માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
ને પર્વતો ધ્રુજી ઉઠે.
4 ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
5 દેવ સ્વયં તે નગરમાં વસે છે.
દેવ પરોઢિયે તેની સહાય કરશે,
તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
6 ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.
7 આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
8 આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”
11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.
1 આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
2 કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
3 તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
અને આપણા શાસન નીચે મૂકે છે.
4 તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
6 દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
7 દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
8 તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
9 ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
દેવ સવોર્ચ્ચ છે.
ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.
1 યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
2 કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
3 તે નગરના મહેલોમાં
દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
4 પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6 તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
7 દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
8 આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.
9 હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
તેના મહેલોની મુલાકાત લો;
જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
જે આપણને સદાય દોરી જશે.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.
1 હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો;
હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
2 નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
3 હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ;
મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
4 હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ,
અને વીણા પર મારો મર્મ ખોલીશ.
5 જ્યારે સંકટો આવે છે ત્યારે,
ચારેબાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી.
6 જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે,
તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.
7 તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી;
દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
8 માનવ-જીવનની એટલી મોટી કિંમત છે
કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.
9 જેથી તે સદાકાળનું જીવન પામે,
અને નરકનાં ખાડાની શિક્ષાથી બચી જાય.
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે,
અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે.
અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે,
જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય;
અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી.
જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો,
અંતે તો તેમનો અંત એવોજ આવશે.
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે.
શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે.
જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો
તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે
તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.
15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે
તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.
16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે
એટલા માટે તે લોકોથી ડરશો નહિ.
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ
અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે,
અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા,
તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે
અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી;
તે વ્યકિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે.
આસાફનું ગીત.
1 યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
2 સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
3 આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
5 જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
6 દેવ પોતે જ ન્યાયાધીશ છે.
તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.
7 “હે મારા લોકો, હું કહું તે સાંભળો,
હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ;
કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
8 મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે.
તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
9 હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે
તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.
10 કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ
અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.
11 હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું,
અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.
12 જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ,
કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારું જ છે.
13 શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”
14 તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો
અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.
15 “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો,
હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”
16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે,
“શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો?
શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે
અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો,
અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે.
અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે,
તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ.
તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો,
પણ હવે આવ્યો છે સમય,
મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International