Beginning
સાન્બાલ્લાટ અને ટોબિયા
4 અમે યરૂશાલેમની દીવાલનું બાંધકામ ફરીથી કરી રહ્યા હતા તેવી ખબર સાન્બાલ્લાટને પડી ત્યારે તે અસ્વસ્થ થઇ બહુ રોષે ભરાયો, અને તેણે યહૂદીઓની હાંસી ઉડાવી. 2 તે પોતાના મિત્ર અને સમરૂનની સૈનાની સામે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યાં છે? શું તેઓ આને ફરીથી નવું બનાવશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પુરું કરી નાખશે? શું તેઓ ધૂળ ઢેફાંના ઢગલામાંથી ફરીથી પથ્થર બનાવશે જે બળીને રાખ થઇ ગયા છે?”
3 આમ્મોની ટોબિયા જે તેની બાજુમાં ઊભો હતો, તેણે કહ્યું, “તેઓ બાંધી રહ્યાં છે તે દીવાલ પર એક શિયાળવું ચઢે તોય તે તૂટી પડશે!”
4 ત્યારે મેં મારી પ્રાર્થનામાં કહ્યું, “જુઓ હે અમારા દેવ, અમારી મશ્કરી કરવામાં આવે છે; તેઓના ઉપહાસને તેમના જ માથે માર અને તેઓ પોતાની જાતેજ, તેઓને વિદેશમાં બંદીવાસમાં લઇ જવામાં આવો. 5 તેઓનાં પાપ ના સંતાડો. તેઓના પાપ ભૂંસી નાખશો નહિ, કારણકે તેઓએ બાંધનારાઓનું તેમના મોઢા પર જ અપમાન કર્યું છે.”
6 તેથી અમે તો દીવાલ બાંધતા જ રહ્યાં અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે, સમગ્ર દીવાલ તેની નિર્ધારિત ઊંચાઇથી અડધી તો જોતજોતામાં બંધાઇ ગઇ.
7 પરંતુ જ્યારે સાન્બાલ્લાટ અને ટોબિયાને, આરબો, આમ્મોનીઓ અને આશ્દોદીઓને જાણ થઇ કે, યરૂશાલેમનાં દીવાલની મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને દીવાલમાં પડેલા ગાબડાં પુરાવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઇ ગયા. 8 તેઓ બધાં ભેગા થયા અને યરૂશાલેમ વિરૂદ્ધ લડવા માટે અને એમને નિષ્ફળ બનાવવા માટે કાવત્રું કર્યુ. 9 પણ અમે અમારા દેવને પ્રાર્થના કરી અને તેમની સામે ચોકી કરવા રાતદિવસનો પહેરો ગોઠવી દીધો.
10 યહૂદાના લોકોએ કહ્યું કે, “મજૂરોની શકિત ઘટતી જાય છે, અને ત્યાં એટલી બધી ગંદકી છે કે આ દીવાલ અમે ફરી બાંધી શકતા નથી. 11 અમારા શત્રુઓએ કહ્યું, ‘આપણે તેમના પર તૂટી પડીશું અને તેમને ખબર પડે અને જુએ તે પહેલાં તેમને મારી નાખીશું. આપણે કામ પણ અટકાવી દઇશું.’”
12 તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતાં હતાં, તેઓએ અમારી પાસે વારંવાર આવીને કહ્યું કે, “તેઓ જ્યાં રહે છે ત્યાથી આવી રહ્યાં છે આપણી વિરૂદ્ધ ભેગા થઇ રહ્યાં છે.”
13 તેથી મેં દીવાલની પાછળ ખુલ્લી જગ્યાઓમાં સૌથી નીચેના ભાગમાં બેસાડ્યાં અને લોકોને તેઓનાં વંશો પ્રમાણે, તરવારો, ભાલાઓ તથા ધનુષ્યબાણ વડે તેમને શસ્રસજ્જ કર્યા. 14 જ્યારે મેં જોયું કે શું થઇ રહ્યું છે, ત્યારે મેં ઉભા થઇને ઉમરાવો, અધિકારીઓ, અને બીજા લોકોને ઉદૃેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ; આપણા યહોવા કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા દેશબંધુઓ અને પુત્રો, પુત્રીઓ માટે, તથા પત્નીઓ અને તમારા ઘર માટે લડજો.”
15 જ્યારે અમારા વિરોધીઓને ખબર પડી કે અમને તેઓના કાવત્રાની જાણ થઇ ગઇ છે અને યહોવાએ તેઓની યોજના નિષ્ફળ બનાવી છે. પછી અમે સર્વ દીવાલ સમારવા ગયા. 16 તે દિવસથી મારા માણસોના અડધા માણસો બાંધકામ કરતા અને બાકીના ભાલા ઢાલ. તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરતા ઊભા રહેતા. અને યહૂદાના બધાં લોકોને આગેવાનો તેમની જોડે રહીને પીઠબળ પુરું પાડતાં. 17 જેઓ દીવાલ બાંધતા હતા તેઓ, અને વજન ઉપાડતા હતા તેઓ બધાં એક હાથથી કામ કરતાં, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતાં; 18 બાંધકામ કરનારાઓ પણ કમરે તરવાર લટકાવેલી રાખી કામ કરતા હતા, મારી બાજુમાં રણશિંગડું ફૂંકનાર હતો. 19 મેં ઉમરાવો, અધિકારીઓ, અને બાકીના લોકોને ઉદૃેશીને કહ્યું, “કામ મોટું છે અને ખૂબ ફેલાયેલું છે, આપણે દીવાલની ફરતે ઘણાં દૂર સુધી પથરાયેલા છીએ. 20 તમે જ્યાં પણ હો જ્યારે રણશિંગડાનો અવાજ સાંભળો ત્યારે એકીસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઇ જજો, આપણા દેવ આપણા માટે યુદ્ધ લડશે.”
21 આ પ્રમાણે અમે નિર્માણનું કામ કરતા; અને અમારાંમાંના અડધા સવારથી રાતે તારા નીકળતા સુધી અડધા હાથમાં ભાલા લઇને ચોકી કરતા.
22 મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, “દરેક પુરુષ અને તેનો મદદગાર યરૂશાલેમમાં જ રહે, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે.” 23 આમ, હું મારા સગાંવહાંલા, મારા સેવકો મારી પાછળ ચાલતા અંગરક્ષકો કોઇ કદી કપડા ઉતારતા નહિ, અને જ્યારે અમે પાણી મેળવવા જતાં ત્યારે અમે દરેક જણ અમારા શસ્ત્રો પકડી રાખતાં.
નહેમ્યાએ ગરીબોને મદદ કરી
5 તે વખતે યહૂદીઓ વિરૂદ્ધ લોકોએ તથા તેઓની સ્ત્રીઓએે જબરો મોટો પોકાર કર્યો. 2 એમાંના કેટલાક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ; અમને અનાજ આપો કે જેથી અમે તેને ખાઇને જીવતાં રહીએ.”
3 તો બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમે આ દુકાળમાં અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકી રહ્યાં છીએ.”
4 તો વળી બીજા કેટલાક એમ કહેવા લાગ્યા કે, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારાઁ ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ સામે કરજ લીધું છે. 5 અને જોકે અમે અને અમારા સગાંવહાંલા સરખાંજ રકતમાંસના બનેલા છીએ અને અમારાં બાળકો તેમના જેવાઁ જ છે, તેમ છતાં અમારે અમારાં પુત્રપુત્રીઓને ગુલામ તરીકે વેચવા પડે છે. અને અમારી કેટલીક પુત્રીઓ પર બળાત્કાર પણ થયો છે. અમે તદૃન નિરુપાય છીએ; કારણકે બીજા લોકો અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બની બેઠાં છે.”
6 તેઓની આ ફરીયાદ સાંભળીને હું બહુ ક્રોધિત થયો, 7 ત્યારે મેં મનમાં વિચાર કર્યો અને ઉમરાવો તથા અમલદારો સામે આરોપ મૂકીને કહ્યું કે, “તમે બધા પોતાના સગાંવહાંલા પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેનું નિવારણ કરવાં તે બધાંની સભા બોલાવી, 8 “અને તેમને કહ્યું કે, પરદેશીઓને ગુલામ તરીકે વેચાઇ ગયેલા યહૂદીઓને અમે બને ત્યાં સુધી છોડાવતા આવ્યા છીએ; અને હવે તમે જ તમારા પોતાના જ ભાઇઓને ગુલામ તરીકે વેચી રહ્યાં છો, જેમને અમારે જ છોડાવવા પડશે ને?”
તેઓ મૂંગા થઇ ગયા અને કંઇ બોલી ન શક્યા. 9 વળી મેં કહ્યું કે, “તમે આ બધું ખોટું કરી રહ્યા છો! શું તમારે દેવથી ડરીને ચાલવું નથી જેથી આપણા શત્રુઓ વિદેશીઓ આપણી હાંસી ન ઉડાવે. 10 તે ઉપરાંત હું, મારા સગાવહાલાં તથા મારા સેવકો, તેઓને પૈસાને અનાજ ધીરતા આવ્યા છીએ. તો હવે તમે વ્યાજ લેવાનું બંધ કરો. 11 અને હવે મહેરબાની કરીને અત્યારે જ તેમનાઁ ખેતરો, દ્રાક્ષની વાડીઓ, જૈતૂનના બગીચા અને તેમનાં ઘરબાર પાછાં આપી દો, અને તેમની પાસે તમારું જે કઇં લેણું હોય, પછી એ નાણાં હોય, અનાજ હોય, દ્રાક્ષારસ હોય કે તેલ હોય તે બધું માંડી વાળો.”
12 પછી તેમણે કહ્યું કે, “અમે બધું પાછું સોંપી દઇશું અને હવે અમે બીજી કોઇ વસ્તુની માંગ નહિ કરીએ. અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું.”
તેથી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ લેવડાવ્યાં, તેઓ પોતાનું વચન પાળશે. 13 ત્યારબાદ મેં મારા કપડા પર પડેલી ઘડીઓ ખંખેરતા કહ્યું, “જે માણસ પોતાનું વચન ન પાળે તેની પાસેથી દેવ તેનું ઘર અને મિલકત આ રીતે ખંખેરી લો; એને ખંખેરીને ખાલી કરી નાખો.”
તેથી ત્યાં ભેગા થયેલા બધા લોકો બોલી ઊઠયા, “આમીન!” પછી તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને તેઓ બધા આપેલા વચન પ્રમાણે ર્વત્યા.
14 તદુપરાંત જે સમયથી યહૂદાના દેશમાં મારી પ્રશાસક તરીકે નિમણૂક થઇ ત્યારથી, એટલે આર્તાહશાસ્તા રાજાના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી, બાર વર્ષના પ્રશાસકના હોદ્દાંમાં મેં તથા મારા ભાઇઓએ પ્રશાસકને જે ખાવાનું અપાતું હતું તે ખાધું નથી. 15 મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલ[a] ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો. 16 વળી, હું એ કિલ્લાના બાંધકામમાં મંડી રહ્યો, ને અમે કઇં પણ જમીન ખરીદી નહિ; અને મારા સર્વ ચાકરો પણ તે કામ કરવા ભેગાં થયાં હતાં.
17 મારી સાથે 150 થી વધારે અમલદારો અને બીજા યહૂદીઓ મારા ટેબલ પર જમતા હતા. આજુબાજુની પ્રજાઓમાંથી જે લોકો આવતા તે તો જુદા. 18 દરરોજ એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને મુરધાં રંધાતા હતા. અને દર દશ દિવસે પીપડા ભરીને દ્રાક્ષારસ પૂરો પાડવામાં આવતો હતો. તો પણ મેં પ્રશાસક તરીકેનું ખાધાં ખોરાકી ભથ્થું માગ્યું નહિ, કારણકે આ લોકો પર ભારે બોજો હતો. 19 હે મારા દેવ, મેં આ લોકો માટે જે જે કર્યુ છે તે બધું યાદ કરી મારું ભલું કરજે.
અધિક સમસ્યાઓ
6 જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં દીવાલો ફરી બાંધી છે, અને તેમાં એક પણ બાકોરૂં રહ્યું નથી, ભલે આ સાચું હોય પણ જોકે તે વખતે હજી મેં દરવાજાને બારણાં ચઢાવ્યાં નહોતાં. 2 ત્યારે સાન્બાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે, “ચાલો આપણે ઓનોના મેદાનમાં એક દીવાલ વગરના નગરમાં સાથે મળીએ,” પરંતુ તેઓ મને નુકશાન પહોચાડવા માંગતાં હતા.
3 તેથી મેં તેઓની પાસે સંદેશાવાહક મોકલીને આ જવાબ આપ્યો કે, “હું એક મોટું ચણતર કામ કરવામાં રોકાયેલો છું. માટે મારાથી આવી શકાય તેમ નથી. હું જો તમને મળવા આવું તો કામ અટકી પડે. હું એવું શું કામ કરું?”
4 તેઓએ મને એ જ સંદેશો ચાર વખત મોકલ્યો અને દરેક વખતે મેં તેમને એ જ પ્રત્યુતર આપ્યો. 5 એટલે પાંચમી વખતે સાન્બાલ્લાટે પોતાના સેવકને હાથમાં એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો; 6 તે આ પ્રમાણે હતો,
“પ્રજાઓમાં એવી અફવા ચાલે છે, ને ગેશેમ પણ કહે છે કે, તું અને યહૂદીઓ બળવો કરવાનું વિચારો છો, અને તે કારણથી જ તેં દીવાલની મરામત કરવા માંડી છે.” એમ પણ કહેવાય છે કે તું પોતે એમનો રાજા બનવાની ઇચ્છા રાખે છે. 7 અને યરૂશાલેમ વિષે તને માહિતી આપવા માટે અને યહૂદામાં રાજા છે તેમ કહેવા માટે તેઁ પ્રબોધક નીમ્યા છે. રાજા આ અફવા વિષે સાંભળશે. તેથી ચાલ, આપણે સાથે યોજના ઘડીયે.
“રાજાને આ અફવાની જાણ થયા વગર રહેવાની નથી. માટે આવો આપણે મળીને યોજના બનાવીએ.”
8 ત્યારે મેં તેને કહેવડાવ્યું કે, “તું જાણે છે કે તું જૂઠું બોલે છે. એ તો તારા મનની માત્ર કલ્પના જ છે.”
9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા, એમ વિચારીને કે તેમના હાથ ચણતરકામ અટકાવશે અને તે પૂરું નહિ થાય પણ “હે દેવ, મારા હાથ મજબૂત કરો.”
10 એ સમયે હું, દલાયાના પુત્ર શમાયાને ઘેર ગયો, દલાયા મહેટાબએલનો પુત્ર હતો. તે પોતાના જ ઘરમાં પૂરાયો હતો. તેણે કહ્યું:
“આપણે દેવનાં ઘરમાં, મંદિરની મધ્યમાં મળીએ અને આપણે મંદિરના બારણાં વાસી દઇએ, કારણકે તેઓ તને મારી નાખવા માટે આવનાર છે.”
11 ત્યારે મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઇએ? મારા જેવો માણસ જીવ બચાવવા મંદિરમાં ભરાય? હું નહિ જાઉં.”
12 પછી મને ખ્યાલ આવ્યો કે દેવે તેને મોકલ્યો ન હતો પણ ટોબીયાએ અને સાન્બાલ્લાટે એને મારી વિરૂદ્ધ ભવિષ્યવાણી કરવા મહેનતાણું આપીને રોક્યો. 13 મને ગભરાવા માટે શમાયાને ભાડે રાખ્યો હતો, જેથી હું પાપ કરું. અને તેને પરિણામે તેમને મારા નામને કલંક લગાડવાની અને મારી હાંસી ઉડાવવાની તક મળે.
14 હે મારા દેવ! ટોબિયાને ને સાન્બાલ્લાટને તેઓએ કરેલા કાર્ય પ્રમાણે તું યાદ રાખજે, ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતા હતાં, તેઓને પણ યાદ રાખજે.
દીવાલનું સમારકામ સમાપ્ત
15 દીવાલનું કામ બાવન દિવસોમાં અલૂલ મહિનાના પચીસમાં દિવસે પૂરું થયું. 16 જ્યારે અમારી આજુબાજુના અમારા શત્રુઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ અતિશય ઉદાસ થઇ ગયા અને તેમને આ વાત સમજાઇ કે આ કામ તો અમારા દેવની મદદથી જ પૂરું થયું છે.
17 તદઉપરાંત તે સમયે યહૂદાના ઉમરાવોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમજ ટોબિયાએ પણ તેમને પત્રો મોકલ્યાં હતા. 18 યહૂદાના ઘણા લોકોએ તેને વફાદાર રહેવાના સમ ખાધા હતા, કારણકે તે આરાહનો પુત્ર શખાન્યાનો જમાઇ હતો; અને તેનો પુત્ર યહોહાનાન બેરેખ્યાના પુત્ર મશુલ્લામની પુત્રી સાથે પરણ્યો હતો. 19 તેમણે મને તેના સુકૃત્યો વિષે કહ્યું હતું. અને પછી તેઓએ તેને તે સર્વ કહ્યું જે મેં તેમને કહ્યું હતું, અને મને ડરાવવા માટે ટોબિયાએ અનેક ધમકીઓ આપતા પત્રો મોકલ્યા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International