Beginning
શત્રુઓ તરફથી મંદિરનો વિરોધ
4 યહૂદા અને બિન્યામીનના દુશ્મનોને ખબર પડી કે દેશવટેથી પાછા આવેલા લોકો ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર બાંધે છે. 2 એટલે તેઓએ ઝરૂબ્બાબેલ અને કુટુંબના વડીલો પાસે આવીને કહ્યું, “અમે પણ તમારી સાથે મંદિર બાંધવાના કામમાં જોડાવા માગીએ છીએ, કારણ, અમે પણ તમારી જેમ તમારા દેવના ઉપાસક છીએ અને અમને અહીં વસાવનાર આશ્શૂરના રાજા એસાર-હાદોનના વખતથી એને યજ્ઞો અર્પણ કરતા આવ્યા છીએ.”
3 ઝરૂબાબ્બેલ, યેશુઆ અને ઇસ્રાએલી કુટુંબના બીજા વડવાઓએ કહ્યું, “અમારા દેવનું મંદિર બાંધવામાં તમારે અમારી સાથે જોડાવું નહિ. ઇરાનના રાજા કોરેશે અમને ફરમાવ્યા પ્રમાણે અમે એકલા જ યહોવાનું મંદિર બાંધીશું.”
4 ત્યારબાદ દેશના લોકોએ યહૂદિયાઓને ડરાવીને ના હિંમત બનાવી તેમને આગળનું બાંધકામ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો. 5 તેઓએ તેમના વિરૂદ્ધ સલાહકારો ભાડેથી રાખ્યા, આ માણસોએ તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કર્યો, કોરેશ રાજાના સમગ્ર રાજ્યકાળ દરમ્યાન અને દાર્યાવેશ રાજા ગાદી પર આવ્યો ત્યાં સુધી આમ ચાલ્યું.
6 ત્યારબાદ રાજા અહાશ્વેરોશના અમલની શરૂઆતમાં તે લોકોએ યહૂદા અને યરૂશાલેમના વતનીઓ વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી.
યરૂશાલેમના બાંધકામ વિરૂદ્ધ શત્રુઓ
7 વળી ઇરાનના રાજા આર્તાહશાસ્તાના અમલ દરમ્યાન બિશ્લામે, મિથદાથ, તાબએલે અને તેમના બીજા સાથીઓએ રાજાને પત્ર લખ્યો. એ પત્ર અરામી ભાષામાં લખેલો હતો. તેનું ભાષાંતર કરીને સંભળાવવાનું હતું.
8 આમાં મુખ્યત્વે પ્રશાસક રહૂમે અને મંત્રી શિમ્શાયે, આર્તાહશાસ્તા રાજા પર યરૂશાલેમ વિરૂદ્ધ પત્ર મોકવ્યો.
9 આ પત્રમાં સામેલ થનારાઓની યાદી: શાસન કર્તા રહૂમે અને મંત્રી શિમ્શાય અને તેમના સાથીદારો; ન્યાયાધીશો અને અધિકારીઓ તેઓ ત્રિપોલીસના, ઇરાનના, ઇરેખના અને બાબિલના લોકો, સુસાના એલામીઓ, 10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મહાન અને સજ્જન રાજા અશૂરબનિપાલ સમરૂનનાં ગામોમાં અને ફ્રાંત નદીની પશ્ચિમના બીજા પ્રદેશમાં લાવ્યો હતો તેમને ત્યાં વસાવ્યા.
11 પત્ર નીચે મુજબ છે:
રાજા આર્તાહશાસ્તા પ્રત્યે લિ. ફ્રાંતની પશ્ચિમના પ્રાંતના તેમના સેવકોના પ્રણામ.
12 અમે તમારું ધ્યાન ખેચીએ છીએ કે, બાબિલથી યરૂશાલેમ મોકલવામાં આવેલા યહૂદિયાઓ બળવાખોર અને દુષ્ટ નગરનું ફરીથી બાંધકામ કરી રહ્યા છે. તેઓ નગરના કિલ્લાની દીવાલ બાંધી રહ્યાં છે અને પાયાનું સમારકામ કરી રહ્યાં છે.
13 એટલે હવે અમારે રાજાને જણાવવું જોઇએ કે, જો એ નગર બંધાશે એના કિલ્લાની દીવાલો પૂરી થશે, તો તેઓ ખંડણી, કરવેરા કે જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની ઉપજમાં ઘટાડો થશે.
14 અમે તમારી સેવામાં છીએ એટલે તમને આ રીતે લજ્જિત થતા જોઇ રહેવું અમને યોગ્ય લાગતું નથી તેથી અમે આપ નામદારને આ હકીકત જણાવીએ છીએ.
15 અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારા પૂર્વજોની અધિકૃત નોંધોની તપાસ કરો તો, તમને ખબર પડશે કે આ નગર કેવું બંડખોર હતું, કેટલાક રાજાઓ અને પ્રજાઓ વિરૂદ્ધ વિદ્રોહ કરવા માટેના એક લાંબા ઇતિહાસના કારણે તેને પાયમાલ કરવામાં આવ્યું હતું.
16 તેથી અમે તો આપ નામદારને નિવેદન કરીએ છીએ કે, “જો એ નગરો બંધાઇ જશે ને એના કોટ પૂરા થશે, તો નદી પાર આપનુ શાસન પશ્ચિમના પ્રદેશમાં રહેશે નહિ.”
17 એટલે રાજાએ આ પ્રમાણે જવાબ મોકલ્યો:
પ્રશાસક રહૂમ, સચીવ શિમ્શાય તથા સમરૂન અને ફ્રાંતની પશ્ચિમના પ્રદેશમાં વસતા તેમના બીજા સાથીઓ સદગૃહસ્થો પ્રત્યે.
શુભકામના.
18 તમે મોકલેલ પત્ર મને મળ્યો અને તેને અનુવાદ કરાવીને મને વાંચી સંભળાવાયો છે. 19 મેં કાર્યાલયોમાં તપાસ કરાવી છે અને શોધી કાઢયું છે કે, યરૂશાલેમના લોકોએ ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે બળવો કર્યો છે. બળવો અને દગો ખરેખર તેઓને માટે સામાન્ય બાબત છે. 20 યરૂશાલેમમાં પ્રતાપી રાજાઓ પણ છે અને તેમણે ફ્રાત પારના સમગ્ર પ્રદેશ પર સત્તા ભોગવી છે અને કરવેરા વસૂલ કર્યા છે.
21 માટે હવે તમારે એવો હુકમ કરવો જોઇએ કે, “એ લોકોની પ્રવૃત્તિ બંધ થાય, અને બીજી આજ્ઞા આપના તરફથી થતાં સુધી એ નગર ન બંધાય. 22 સાવધાન રહો, હવે આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ, નહિ તો રાજ્યને વધારે નુકશાન થશે.”
23 જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ અને શિમ્શાય અને તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓ ઝડપથી યરૂશાલેમ ધસી ગયા અને જોરજુલમથી યહૂદીયાઓને કામ કરતાં રોકી દીધા.
મંદિરનું બાંધકામ સ્થગિત
24 અને એ જ રીતે યરૂશાલેમમાંના યહોવાના મંદિરનું કામ થંભી ગયું હતું અને ઇરાનના રાજા દાર્યાવેશના બીજા વર્ષ સુધી તે સ્થગિત જ રહ્યું હતું.
5 પરંતુ તે સમયે પ્રબોધકો હાગ્ગાય તથા ઉદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇસ્રાએલના દેવ યહોવાના નામે જેઓની તેમના પર કૃપા હતી યહૂદા તથા યરૂશાલેમમાં જે યહૂદીયાઓ હતા, તેઓને ભવિષ્યવાણી સંભળાવી. 2 ત્યારે શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકના પુત્ર યેશૂઆએ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કરી દીધું. દેવના પ્રબોધકો તેમને ટેકો આપતાં હતાં. 3 પરંતુ તે જ સમયે યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રદેશનો પ્રશાસક તાત્તનાય અને શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારો યરૂશાલેમ આવ્યા અને પૂછયું, “આ મંદિર ફરીથી બાંધવાની અને લાકડાનું કામ પુરું કરવાની પરવાનગી તમને કોણે આપી છે?” 4 પછી તેઓએ પૂછયું, “જે માણસો આ મંદિર બાંધે છે તેમના નામ શાં છે?”
5 પરંતુ યહૂદીઓના વડીલો પર તેઓના દેવ યહોવાની કૃપાદ્રષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી રાજાનો જવાબ આવે ત્યાં સુધી તેમને કામ કરતા અટકાવવામાં આવ્યા નહિ.
6 તાત્તનાય પ્રશાસક, શથાર-બોઝનાય તથા બીજા અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર નીચે પ્રમાણે પત્ર મોકલ્યો: 7 પ્રતિ:
દાર્યાવેશ રાજા:
સલામ! ક્ષેમકુશળ હશો.
8 આપને વિદિત થાય કે, અમે યહૂદા પ્રાંતમાં મહાન દેવના મંદિરમાં ગયાં હતા, તે મંદિર પથ્થરની મોટી શિલાઓથી બાંધવામાં આવી રહ્યું છે, એની ભીંતોએ લાકડાની તખ્તીઓ જડવામાં આવે છે, ખૂબ સફળતાપૂર્વક અને ઉત્સાહથી કામ ચાલી રહ્યું છે.
9 અમે ત્યાં આગેવાનોને પૂછયું, “તમને આ મંદિરનું બાંધકામ કરવાની અને તેનું લાકડાનું કામ પુરું કરવા માટે કોણે પરવાનગી આપી છે?” 10 વળી અમે તેમના નામ પણ પૂછયાં, જેથી અમે આપને જણાવવા માટે આગેવાનોના નામની યાદી તૈયાર કરી શકીએ.
11 તેઓએ અમને ઉત્તર આપ્યો કે,
“અમે આકાશ અને પૃથ્વીના દેવના સેવકો છીએ; ઇસ્રાએલના એક મહાન રાજાએ ઘણાં વર્ષો પહેલાં બંધાવેલ મંદિરનો અમે જીણોર્દ્ધાર કરીએ છીએ. 12 અમારા પિતૃઓએ સ્વર્ગના દેવને ગુસ્સે કર્યા, તેથી તેણે તેઓનો ત્યાગ કર્યો. તેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા આ મંદિરનો નાશ કરાવ્યો અને રાજાએ લોકોનો દેશનિકાલ કરીને બાબિલ મોકલ્યા.” 13 પણ બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં દેવના આ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની પરવાનગી આપી. 14 ઉપરાંત દેવના મંદિરની સોના ચાંદીની વસ્તુઓ નબૂખાદનેસ્સાર યરૂશાલેમના દેવના મંદિરમાંથી કાઢીને બાબિલના મંદિરમાં લઇ ગયો હતો, ને તે બધી વસ્તુઓ કોરેશ રાજાએ બાબિલના મંદિરમાંથી પાછી લઇને શેશ્બાસ્સારને સોંપી જેને તેણે પ્રશાસક નિમ્યો હતો.
15 “રાજાએ તેને સૂચના આપી કે, તે સર્વ વસ્તુઓ યરૂશાલેમના મંદિરમાં પાછી મોકલે અને દેવના મંદિરને તેની અસલ જગ્યાએ બંધાવે.”
16 પછી તે જ શેશ્બાસ્સારે આવીને દેવના એ મંદિરનો પાયો યરૂશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, તે હજી પૂરું થયું નથી.
17 તેથી આપ નામદારને યોગ્ય લાગે તો બાબિલના ભંડારમાં તપાસ કરાવશો કે રાજા કોરેશે યરૂશાલેમમાં દેવનું મંદિર ફરી બાંધવાની પરવાનગી આપી હતી કે કેમ, અને આ બાબતમાં આપનો નિર્ણય જણાવશો.
દાર્યાવેશનો વટહુકમ
6 એ પછી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો. 2 ત્યારે માદાય પ્રાંતના “એકબાતાના” કિલ્લામાંથી એક લેખ મળી આવ્યો:
એમાં આ ટીપ્પણી હતી: 3 રાજા કોરેશે પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમ્યાન યરૂશાલેમમાં આવેલા દેવના મંદિરના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો, લોકોનું યજ્ઞો અર્પણ કરવાનું જે સ્થાન છે એ સ્થાન પર મંદિર ફરી બાંધવું.
તેના પાયાઓ જાળવી રાખવા એની ઊંચાઇ 90 ફુટ અને પહોળાઇ 90 ફુટ રાખવી. 4 ભીંતોમાં મોટા પથ્થરના ત્રણ થર અને નવા લાકડાનો એક થર રાખવો. તમામ ખર્ચ રાજભંડારમાંથી કરવો. 5 તદુપરાંત યરૂશાલેમના મંદિરમાંથી નબૂખાદનેસ્સાર જે સોના ચાંદીના વાસણો બાબિલ લઇ આવ્યો હતો તે પાછાં સોંપી દેવા, તે બધાં પાછા યરૂશાલેમના દેવના મંદિરમાં લઇ જઇ ત્યાં તેના મૂળસ્થાને ફરી ગોઠવી દેવાં.
6 ત્યારબાદ દાર્યાવેશે આ મુજબ હુકમ બહાર પાડ્યો:
ફ્રાંતની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબા તાત્તનાય, શથાર-બોઝનાય અને તેમના સાથી અમલદારો જોગ. તેઓએ ત્યાથી દૂર રહેવું. 7 દેવના મંદિરના બાંધકામમાં તમારે વિઘ્નો ન નાખવા, યહૂદાના પ્રશાસક અને યહૂદીયાઓના આગેવાનો દેવનું મંદિર એના અસલ સ્થાને ફરીથી બાંધે.
8 યહૂદીયાઓના વડીલોને દેવનું મંદિર બાંધવામાં તમારે મદદ કરવી એવું મારું ફરમાન છે: એનો સમગ્ર ખર્યો ફ્રાત પારના પ્રદેશના મહેસૂલમાંથી થતી રાજ્યની આવકમાંથી અચૂક ચૂકવી દેવો. જેથી કામ અટકી પડે નહિ. 9 આકાશના દેવને દહનાર્પણો અર્પવા માટે યરૂશાલેમના યાજકોને જુવાન વાછરડાં, બકરા, ઘેટાં, હલવાનો, તથા ઘઉં, મીઠું, દ્રાક્ષારસ અને તેલ તેઓ જે કઇં માગે તે બધું અચૂક દરરોજ પૂરું પાડવું. 10 જેથી તેઓ આકાશના દેવને પ્રસન્ન કરવા માટે સુવાસિત દહનાર્પણો કરે, અને રાજાના તથા તેના પુત્રોના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે.
11 વળી એવો હુકમ પણ કર્યો છે કે, જે કોઇ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરનો એક મોભ ખેંચી કાઢવામાં આવશે. અને તેનું ઘર કચરાનો ઢગલો કરી નાખવું.
12 જે રાજાઓ કે પ્રજાઓ યરૂશાલેમના દેવના મંદિરનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ભલે દેવ વિનાશ કરે.
હું દાર્યાવેશ તમને આ હુકમ કરું છું. તેનું સંપૂર્ણ વફાદારીથી પાલન કરવામાં આવે.
મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
13 ત્યારપછી ફ્રાંતની પશ્ચિમના પ્રદેશના સૂબા તાત્તનાયએ, શથાર-બોઝનાયે અને તેમના સાથીઓએ રાજા દર્યાવેશે મોકલેલી આજ્ઞાનું અક્ષરશ: પાલન કર્યુ. 14 યહૂદીયાઓના વડીલોએ પણ પ્રબોધકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાના વચનોથી પ્રેરાઇને મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યુ અને તેમનું ઉદેશ્ય પુરું કર્યુ. તેઓએ ઇસ્રાએલના દેવના ફરમાન મુજબ તથા કોરેશ, દાર્યાવેશ અને આર્તાહશાસ્તા અને ઇરાનના રાજાઓના ફરમાન મુજબ બાંધકામને પૂરું કર્યુ. 15 તે મંદિર રાજા દાર્યાવેશના રાજ્યના છઠ્ઠા વર્ષે અદાર મહિનાના ત્રીજે દિવસે પૂર્ણ થયું હતું.
16 ત્યારબાદ ઇસ્રાએલીઓએ યાજકોએ, લેવીઓએ અને દેશવટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ ભારે આનંદપૂર્વક એ મંદિરનું સમર્પણ ઉજવ્યું.
17 તેમણે 100 બળદો, 200 ઘેટાં, 400 હલવાન, અને બાર બકરાની આખા ઇસ્રાએલ માટેની પાપાર્થાપણની બલી આપી. 18 ત્યારબાદ તેમણે મૂસાના ગ્રંથમા લખ્યા મુજબ, યાજકોને અને લેવીઓને દેવનાં મંદિરની સેવા કરવા ટૂકડીવાર ફરીથી નીમી દીધા.
પાસ્ખાપર્વ
19 દેશવટેથી પાછા ફરેલા માણસોએ પહેલા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું પર્વ ઊજવ્યું. 20 બધા જ યાજકો અને લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યુ હતું અને તેઓ હવે વિધિવત્ત શુદ્ધ હતા. લેવીઓએ બંદીવાસમાંથી આવેલા સર્વ લોકો તેમના સગાંવહાંલા, યાજકો અને પોતાને માટે પાસ્ખાના હલવાનનો વધ કર્યો. 21 ઇસ્રાએલી જેઓ દેશવટેથી પાછા આવ્યા હતા તેઓએ પાસ્ખા ખાધું, કેટલાક બીજાઓએ ઇસ્રાએલના દેવ યહોવાને શોધવા પોતાને પ્રજાની અશુદ્ધિઓથી જુદા કર્યા અને ઇસ્રાએલના દેવ યહોવા પાસે આવ્યા. તેઓએ તેમની સાથે ખાધું પણ ખરું. 22 સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીર રોટલીનું પર્વ ઊજવ્યું. તેઓ ખૂબ આનંદમાં હતા કારણકે યહોવાએ આશ્શૂરના રાજાના હૃદયમાં ઇસ્રાએલીઓ પ્રત્યે સદ્ભાવ જગાડી તેમના દેવ યહોવાના મંદિરના કામમાં તેમને મદદ કરવા પ્રેર્યાં હતાં.
એઝરાનું યરૂશાલેમમાં આગમન
7 ઇરાનના રાજા આર્તાહશાસ્તાના શાસનમાં એઝરા બાબિલથી યરૂશાલેમ આવ્યો. પોતાના કુટુંબના ઇતિહાસ પ્રમાણે એઝરા સરાયાનો પુત્ર હતો; સરાયા અઝાર્યાનો પુત્ર હતો. અઝાર્યા હિલ્કિયાનો પુત્ર હતો; 2 હિલ્કિયા શાલ્લૂમનો પુત્ર હતો; શાલ્લૂમ સાદોકનો પુત્ર હતો; સાદોક અહીટૂબનો પુત્ર હતો. 3 અહીટૂબ અઝાર્યાનો પુત્ર હતો; અઝાર્યા મરાયોથનો પુત્ર હતો; 4 મરાયોથ ઝરાહ્યાનો પુત્ર હતો; ઝરાહ્યા ઉઝઝીનો પુત્ર હતો; ઉઝઝી બુક્કીનો પુત્ર હતો 5 બુક્કી અબીશુઆનો પુત્ર હતો. અબીશુઆ ફીનહાસનો પુત્ર હતો; ફીનહાસ એલઆઝારનો પુત્ર હતો; એલઆઝાર પ્રમુખ યાજક હારુનનો પુત્ર હતો.
6 એઝરા બાબિલથી આવ્યો, તે એક મહાન શિક્ષક હતો. જે ઇસ્રાએલના દેવ યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં ઘણો નિપૂણ હતો. તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. 7-8 કેટલાક યાજકો લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો મંદિરના સેવકો અને કેટલાક બીજા ઇસ્રાએલીઓ સાથે રાજા આર્તાહશાસ્તાના શાસનના સાતમા વર્ષના પાંચમા મહિનામાં તે યરૂશાલેમ પહોંચ્યો. 9 એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને તેના પર તેના દેવ યહોવાની હતી. એટલે તે પાંચમા મહિનાના પહેલે દિવસે યરૂશાલેમ આવી પહોંચ્યો હતો. 10 એઝરાએ પોતાનું આખું જીવન યહોવાના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને આચારમાં ઉતારવામાં અને ઇસ્રાએલીઓને તેનાં કાનૂનો અને આજ્ઞાઓ સમજાવવામાં ગાળ્યું હતું.
એઝરાને આર્તાહશાસ્તાનો પત્ર
11 રાજા આર્તાહશાસ્તાએ આ પત્ર યાજક એઝરાને આપ્યો, જે યહોવાના નિયમશાસ્રનો અને યહોવાએ ઇસ્રાએલને આપેલા હુકમોનો શિક્ષક હતો.
12 રાજાઓનાં રાજા આર્તાહશાસ્તા તરફથી:
આકાશના દેવનું નિયમશાસ્ત્ર શીખવનાર શિક્ષક એઝરા યાજકને ક્ષેમકુશળ:
13 હું આથી આજ્ઞા ફરમાવું છું કે, મારા રાજ્યમાંના ઇસ્રાએલીઓમાંથી તેમના યાજકોમાંથી કે લેવીઓમાંથી, જે કોઇ પોતાની રાજીખુશીથી યરૂશાલેમ જવા ઇચ્છે, તેમને તારી સાથે જવા દેવા.
14 મેં અને મારા સાત સલાહકારોએ તારા દેવનો જે નિયમ તારી પાસે છે તેની બાબતમાં યહૂદામાં અને યરૂશાલેમમાં શી સ્થિતિ છે તે તપાસવા માટે તને મોકલ્યો છે.
15 અને અમે તમને તમારી સાથે લઇ જવા માટે ચાંદી અને સોનું આપી રહ્યાં છીએ, આ ઇસ્રાએલના દેવ માટે ભેટ છે, જે યરૂશાલેમમાં નિવાસ કરે છે. 16 તદુપરાંત તારે બાબિલના સર્વ રાજ્યોમાંથી યરૂશાલેમના દેવના મંદિર માટે ચાંદી તથા સોનું સૈચ્છિકાર્પણો તરીકે યહૂદીયા અને તેઓના યાજકો પાસેથી ઉઘરાવવું.
17 આ બધી ભેટો સાથે બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પણ ચોક્કસ ખરીદવામાં આવે, જ્યારે તમે યરૂશાલેમ પહોંચો ત્યારે તે સર્વ અર્પણોનું યરૂશાલેમમાં તમારા દેવના મંદિરની વેદી પર બલિદાન ચઢાવવામાં આવે. 18 જે કઇં સોનુંચાંદી વધે તેનો ઉપયોગ તમારા દેવને પ્રસન્ન કરવા, જેમ તને અને તારા સાથીઓને ઠીક લાગે તે રીતે કરવો. 19 તમારા દેવના મંદિરની સેવા માટે જે વાસણો તને આપવામાં આવ્યાં છે, તે તારે પૂરેપૂરા યરૂશાલેમમાં દેવને આપી દેવાં. 20 અને જો તારા દેવનાં મંદિર માટે બીજા કશાની તને જરૂર પડે તો તું રાજ્યની તિજોરીમાંથી જરૂર વાપરી શકે છે.
21 હું રાજા આર્તાહશાસ્તા ફ્રાંત નદી પારના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે, આકાશના દેવના નિયમશાસ્ત્રના લહિયા યાજક એઝરા જે કઇં માગે તે તમારે વિના વિલંબે પૂરું પાડવાનું છે. 22 3,400 કિલો[a] ચાંદી, 16,300 કિલો[b] ઘઉં, 600 ગેલન[c] દ્રાક્ષારસ અને 600 ગેલન તેલથી પ્રમાણ વધી ન જાય; મીઠું જોઇએ તેટલું આપવું. 23 આકાશના દેવ પોતાના મંદિર માટે જે કઇં ફરમાવે, તે બધું તમારે તાબડતોબ કરવાનું છે, નહિ તો કદાચ મારા રાજ્ય પર અને મારા વંશજો પર તેમનો રોષ ઊતરે.
24 અને તમને એ પણ જણાવવામાં આવે છે કે, કોઇ પણ વધારાનો કરવેરો યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે મંદિરના સેવકો કે દેવના મંદિરના બીજા કર્મચારીઓ પાસેથી લેવાનો નથી. 25 અને એઝરા, તું તને દેવે જે બુદ્ધિ આપી છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કર અને ફ્રાંત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા દેવના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓને નિયુકત કર; જો તેઓને યહોવાના નિયમશાસ્ત્રનું જ્ઞાન ના હોય તો તારે તેઓને શીખવવું. 26 દેવના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાનૂનનું પાલન કરવાની ના પાડનારને તાત્કાલિક મૃત્યુદંડ અથવા દેશમાંથી હદપાર કરવાની સજા અથવા તેનો સામાન જપ્ત કરવાની અથવા કેદની સજા કરવી.
એઝરાની દેવને સ્તુતિ
27 ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના દેવ યહોવાની સ્તુતિ હો! કારણ કે તેણે રાજાને યરૂશાલેમના યહોવાના મંદિરનો મહિમાં વધારવાની પ્રેરણા કરી છે. 28 અને તેમણે રાજાને, તેના મંત્રીઓને અને બધા ઉચ્ચ અધિકારીઓને મારા પ્રત્યે સદ્ભાવના ધરાવતા કર્યા છે. મને ખબર છે કે મારા પર મારા યહોવા દેવની કૃપા હતી તેથી મેં ઇસ્રાએલના આગેવાનોને મારી સાથે યરૂશાલેમ જવા માટે ભેગા કર્યા.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International