Beginning
21 યહોશાફાટ પિતૃલોકને પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોરામ તેની જગ્યાએ યહૂદાનો રાજા બન્યો. 2 તેને છ ભાઇઓ હતા: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મીખાએલ અને શફાટયા. એ બધા યહૂદાના રાજા યહોશાફાટના પુત્રો હતા, 3 અને તેણે એમને ઘણા ઉપહાર આપ્યા, સોનું, ચાંદી, કીંમતી વસ્તુઓ, અને યહૂદામાં કિલ્લેબંદીવાળા નગરો. પણ રાજગાદી તેણે યહોરામને આપી હતી. કારણકે તે સૌથી મોટો હતો.
યહૂદાના યહોરામનો દુષ્ટ અમલ
4 રાજા તરીકે સ્થિર થયા પછી યહોરામે તેના ભાઇઓને તથા ઇસ્રાએલના કેટલાક આગેવાનોને મારી નાખ્યા. 5 બત્રીસ વર્ષની ઉંમરે તે રાજગાદીએ આવ્યો, અને યરૂશાલેમમાં તેણે આઠ વર્ષ રાજ કર્યુ. 6 તે આહાબની પુત્રીને પરણ્યો હતો એટલે તેણે આહાબના કુટુંબની જેમ ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલી યહોવાની ષ્ટિએ ખોટું ગણાય તેવું આચરણ કર્યુ. 7 તેમ છતાં યહોવા દાઉદના વંશનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેણે દાઉદ સાથે કરાર કરીને તેને વચન આપ્યુ હતું કે, “હું તારા વંશનો દીવો સદાસર્વદા સળગતો રાખીશ.”
8 એના અમલ દરમ્યાન અદોમના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને યહૂદાથી સ્વતંત્ર જાહેર કર્યા પછીથી તેઓએ પોતાની પસંદગીથી પોતાના રાજા ચુટયાં. 9 યહોરામે તેના લશ્કરી અધિકારીઓ અને રથો સાથે અદોમ તરફ કૂચ કરી, અદોમીઓએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા પરંતુ યહોરામે તેમના ઉપર રાત્રે આક્રમણ કર્યુ અને પોતાના લશ્કર અને રથોની મદદથી તેઓને હરાવી દીધા. યહોરામ અને તેનું લશ્કર પાછું યહૂદા ભાગી ગયું. 10 પણ આજ સુધી યહૂદાની ઝૂંસરી પોતાના પરથી ફેંકી દેવામાં અદોમ સફળ રહ્યો હતો. પછી લિબ્નાહે પણ યહૂદા સામે બળવો કર્યો. કારણકે યહોરામ તેના પિતૃઓના દેવ યહોવાથી દૂર ભટકી ગયો હતો. 11 યહૂદાની ટેકરીઓ ઉપર સ્થાનકો બાંધ્યા હતા, યરૂશાલેમના વતનીઓ મૂર્તિપૂજા કર્યા કરતા હતા. અને આખા યહૂદાને ખોટે માર્ગે ચડાવ્યું હતું.
12 ત્યારબાદ એલિયા પ્રબોધકે તેના ઉપર પત્ર લખ્યો,
“તારા પિતૃ દાઉદના યહોવા દેવ કહે છે: ‘તારા પિતા યહોશાફાટ અને આસા રાજા જે સારા માર્ગો પર ચાલ્યાઁ, તે માર્ગો ઉપર તું ચાલ્યો નથી. 13 પરંતુ તું ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો છે, અને આહાબના કુટુંબે ઇસ્રાએલના લોકોને મારાથી વિમુખ કરી દીધા હતા તેમ તેં યરૂશાલેમના અને યહૂદાના લોકોને મારાથી વિમુખ બનાવી દીધા છે અને તારા કરતાં સારા એવાં તારા ભાઇઓને તેં મારી નાખ્યા છે. 14 એટલે હું તારા પર, તારી પ્રજા પર, તારા વંશજો પર, તારી પત્નીઓ પર અને બધી મિલકત પર ભયંકર રોગ લાવીશ. 15 તને પોતાને આંતરડાનો ર્જીણ રોગ લાગુ પડશે અને આખરે એ રોગને કારણે તારાં આંતરડાં બહાર નીકળી પડશે.’”
16 પછી યહોવાએ કૂશીઓ વચ્ચે વસતા પલિસ્તીઓ અને આરબોને યહોરામ પર ચઢાઇ કરવા ઉશ્કેર્યા. 17 તેમણે યહૂદા પર હુમલો કર્યો અને દેશ પર આક્રમણ કર્યું અને રાજાના મહેલમાં જે કાઇં હાથ આવ્યું, તે બધું તેઓ લૂંટી ગયા, રાજાનાં પુત્રો અને પત્નીઓને પણ લઇ ગયા; એક માત્ર સૌથી નાનો પુત્ર યહોઆહાઝ બચી ગયો.
18 આ બધું બની ગયા પછી યહોવાએ તેને આંતરડાના અસાધ્ય રોગનો ભોગ બનાવ્યો. 19 બે વર્ષ સુધી તે બહુ જ પીડાયો, તેનાં આંતરડા બહાર નીકળી પડ્યાં અને ભારે વેદના સહીને તે મૃત્યુ પામ્યો. તેની પ્રજાએ તેના પિતાના માનમાં જે અગ્નિ પ્રગટાવી હતી તેવી એના માનમાં પ્રગટાવી નહિ. 20 તે ગાદીએ આવ્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યુ. તે મૃત્યુ પામ્યો ત્યારે કોઇએ તેને માટે શોક કર્યો નહિ. તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પણ રાજાઓનાં ખાસ કબ્રસ્તાનમાં નહિ.
યહૂદાના અહાઝયાનું શાસન
22 ત્યારબાદ યરૂશાલેમનાં લોકોએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાને તેના પછી રાજા બનાવ્યો, કારણ, આરબો સાથે જે ધાડપાડુઓએ છાવણી ઉપર હુમલો કર્યો હતો, તેમણે એના બીજા બધા મોટા પુત્રોને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો પુત્ર અહાઝયા યહૂદાનો રાજા થયો. 2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 42 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ્ય કર્યુ. તેણે એ જ કામ કર્યા જે આહાબના કુટુંબીઓએ કર્યા હતા. 3 કારણકે તેની માતા તેને દુષ્ટ સલાહ આપતી હતી. 4 તેથી તે પણ આહાબના કુટુંબને પગલે ચાલ્યો, અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ, કારણકે આહાબના કુટુંબીઓ જ એના પિતાના અવસાન પછી એને સલાહ આપતા હતા જેને પરિણામે તે પાયમાલ થયો. 5 તેઓની ભૂંડી સલાહ માનીને અહાઝયાએ ઇસ્રાએલના રાજા, યહોરામ સાથે મિત્રતા બાંધી, યહોરામ આહાબનો પુત્ર હતો. અરામના રાજા હઝાએલ સામે તેણે યુદ્ધ જાહેર કર્યુ હતું. અહાઝયા પણ પોતાનું સૈન્ય લઇને આ યુદ્ધમાં સામેલ થવા રામોથ-ગિલયાદ ગયો. યહોરામ આ યુદ્ધમાં ઘાયલ થયો. 6 અને તે રામોથ આગળ અરામના રાજા હઝાએલ સાથે લડતાં પડેલાં ઘામાંથી સાજો થવા માટે પાછો ઇસ્રાએલ ચાલ્યો ગયો, એ ઘવાયેલો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝ્એલ ગયો.
7 યહોરામને મળવા જવા યહોવાએ અહાઝયાએ પ્રેર્યો હતો, જેથી તેનો વિનાશ થાય. એ મુલાકાત દરમ્યાન તે યહોરામની સાથે જઇને નિમ્શીના પુત્ર યેહૂને પડકાર્યો, યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા માટે યહોવાએ નિમિર્ત કર્યો હતો. 8 યેહૂ એ કામમાં રોકાયેલો હતો તેવામાં તેને યહૂદાના અમલદારોનો અને અહાઝયાની સેવામાં રહેતાં તેનાં કુટુંબીઓનો ભેટો થઇ ગયો, અને તેણે તેમને મારી નાખ્યાં અને પછી તે અહાઝયાની શોધમાં ગયો. 9 અહાઝયા સમરૂનમાં સંતાઇ ગયો હતો. ત્યાંથી તેને પકડીને યેહૂ પાસે લઇ આવ્યા અને તેને ત્યાં મારી નાખ્યો, તેમણે તેને દફનાવ્યો ખરો, કારણકે, તેમણે કહ્યું કે, “એ યહોવાના સાચા ભકત યહોશાફાટનો વંશજ છે.” પછી અહાઝયાનુ કુટુંબ કોઇ રાજ કરવા જેટલું બળવાન રહ્યું નહિ.
રાણી અથાલ્યા
10 જ્યારે અથાલ્યાએ પોતાના પુત્ર અહાઝયાના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારે તેણીએ યહૂદાના સમગ્ર રાજકુટુંબનો નાશ કર્યો. 11 ત્યારે રાજકુંવરી યહોશાબ સાથે અહાઝયાના પુત્ર યોઆશને અને તેની આયાને લઇ જઇ શયનખંડમાં પૂરી દીધા. યહોશાબ સાથે રાજા યોરામની પુત્રી અને યાજક યહોયાદાની પત્ની હતી. તેણી અહાઝયાની બહેન પણ થતી હતી. અથાલ્યા યોઆશને મારી ન શકી કારણકે યહોશાબ સાથે તેને સંતાડી દીધો હતો. 12 તે છ વરસ સુધી યાજકોની સાથે યહોવાના મંદિરમાં છુપાઇ રહ્યો. તે સમય દરમિયાન અથાલ્યા દેશ ઉપર રાજ્ય કરતી હતી.
યાજક યહોયાદા અને રાજા યોઆશ
23 અથાલ્યા રાણીના શાસનકાળના સાતમા વર્ષે યહોયાદાએ હિંમતવાન બનીને યહોરામના પુત્ર અઝાર્યાને, યહોહાનાન પુત્ર ઇશ્માએલને, ઓબેદનો પુત્ર અઝાર્યાને, અદાયાના પુત્ર માઅસેયાને, તથા ઝિખ્રીના પુત્ર અલીશાફાટને, અને બીજાઓને બોલાવડાવી તેમની સાથે કોલકરાર કર્યા. 2 તેઓએ સમગ્ર યહૂદામાં ફરીને યહૂદાના બધાં નગરોમાં લેવીઓને તેમજ ઇસ્રાએલી કુટુંબોના વડીલ આગેવાનોને યરૂશાલેમમાં એકઠા કર્યા. 3 અને એ સમગ્ર સમૂહે દેવનાં મંદિરમાં રાજા સાથે કરાર કર્યો.
યહોયાદાએ તેમને કહ્યું, “રાજાનો કુંવર શાસન કરશે. દાઉદના વંશજો જ રાજા થશે, એવું યહોવાએ વચન આપ્યું હતું તે મુજબ જ થશે. 4 તમારે બધાએ આ પ્રમાણે કરવાનું છે: તમારી ત્રણ ટૂકડી છે. તેમાંથી યાજકો અને લેવીઓની જેજે ટૂકડીઓ વિશ્રામવારે ફરજ પર રહેવાનું છે, તેણે દરવાજાની ચોકી કરવી; બીજી ટૂકડીએ રાજમહેલની ચોકી કરવી, 5 અને ત્રીજી ટૂકડીએ પાયાના દરવાજાની ચોકી કરવી અને બધા લોકોએ યહોવાના મંદિરના પ્રાંગણમાં રહેવું. 6 પરંતુ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓના સિવાયના કોઇએ યહોવાના મંદિરમાં પ્રવેશ કરવો નહિ; ફકત તેમણે જ અંદર જવું, કારણકે તેઓ પવિત્ર છે; પરંતુ સર્વ લોકોએ યહોવાના નિયમોનો અમલ કરવો. 7 લેવીઓએ પોતાની તરવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ગોઠવાઇ તેનું રક્ષણ કરવું. જે કોઇ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવો. રાજા જ્યાં જાય ત્યાં તેમણે તેની સાથે રહેવું.”
8 મુખ્ય યાજક યહોયાદાની આજ્ઞાનું લેવીઓએ તથા સર્વ યહૂદાવાસીઓએ અક્ષરશ: પાલન કર્યુ. યાજક યહોયાદાએ સમૂહમાંથી કોઇને પણ છોડ્યા નહિ. તેથી દરેક આગેવાન તેના માણસો સાથે આવ્યાં, તે બન્ને પ્રકારના માણસો જેઓ વિશ્રામવારને દિવસે અંદર આવ્યા, અને જેઓ વિશ્રામવારને દિવસે બહાર ગયા. 9 પછી યાજક યહોયાદાએ રથાધિપતિઓને રાજા દાઉદે યહોવાના મંદિરમાં આપેલાં ભાલા અને નાની-મોટી ઢાલો વહેંચી આપ્યાં; 10 અને એ લોકોના હાથમાં હથિયાર સાથે મંદિરની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા. 11 ત્યારબાદ યહોયાદા રાજકુંવરને લઇ આવ્યો અને તેના માથા ઉપર રાજમુગટ પહેરાવ્યો. પછી તેણે તેના હાથમાં નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી તેને રાજા જાહેર કર્યો. ત્યારબાદ, યહોયાદા અને તેના પુત્રો દ્વારા તેનો રાજ્યાભિષેક કરાયા બાદ તેઓએ રાજા ઘણું જીવો ના પોકારો કર્યા.
12 જ્યારે અથાલ્યા રાણીએ, લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિના પોકારો સાંભળ્યા ત્યારે શું બની રહ્યું છે તે જોવા માટે તે મંદિરમાં દોડી આવી. 13 ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”
14 યાજક યહોયાદાએ સેનાનાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લશ્કરની વચ્ચે લઇ જાઓ અને જે કોઇ એની સાથે આવે તેની હત્યા કરો.” પછી યાજકે ચેતવણી આપતાં કહ્યું, “યહોવાના મંદિરમાં એનો વધ કરવાનો નથી.” 15 તેથી તેઓ તેને પકડીને રાજમહેલ સુધી લઇ ગયા અને ત્યાં “ઘોડા-દરવાજાના” પ્રવેશ દ્વાર પાસે તેનો વધ કર્યો.
16 તે પછી યહોયાદાએ ગંભીર કરાર કર્યો કે, તે પોતે રાજા અને લોકો યહોવાના જ બનીને રહેશે. 17 અને પછી બધા લોકોએ બઆલને મંદિરે જઇ તેને તોડી નાખ્યું; તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખી અને યાજક મત્તાનને વેદીઓની સામે જ મારી નાખ્યો.
18 ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા. 19 પછી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઇ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.
20 ત્યારબાદ રક્ષકદળના નાયકોને, આગળપડતા પુરુષોને, અમલદારોને તથા દેશના બધા લોકોને સાથે લઇને રાજાને મંદિરની બહાર લઇ જવામાં આવ્યો અને પછી યહોવાનાં મંદિરના “ઉપલા દરવાજાથી” રાજમહેલમાં લઇ ગયાને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો. 21 દેશનાં સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા હતા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઇ હતી કારણકે રાણી અથાલ્યા મૃત્યુ પામી હતી.
રાજા યોઆશ દ્વારા મંદિરનું પુન:નિર્માણ
24 યોઆશ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ સિબ્યા હતું. તે બેરશેબાની હતી. 2 યહોયાદા યાજકના જીવનકાળ દરમિયાન યોઆશે યહોવાને પ્રસન્ન કરવા પૂરાં ઉમંગ-ઉત્સાહથી કામ કર્યુ. 3 યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેનાં લગ્ન કરાવ્યાં અને તેના પુત્રો અને પુત્રીઓ થયા.
4 યોઆશે યહોવાના મંદિરનો જીણોર્દ્ધાર કરવાનું નક્કી કર્યુ. 5 આથી તેણે યાજકોને અને લેવીઓને એકઠા કરીને કહ્યું, “યહૂદાના ગામેગામ જઇને બધા ઇસ્રાએલીઓ પાસેથી તમારા દેવ યહોવાના મંદિરની મરામત માટે વાર્ષિક પૈસા ઉઘરાવો. જાઓ, જલદી કરો.”
6 પણ લેવીઓએ કામમાં વિલંબ કર્યો. આથી રાજાએ મુખ્ય યાજક યહોયાદાને બોલાવ્યો અને કહ્યું, “તમે શા માટે યહોવાના સેવક મૂસાએ સાક્ષ્યમડંપ માટે ઇસ્રાએલના લોકો ઉપર નાખેલાં કર અને યહૂદા અને યરૂશાલેમમાં રહેતા લેવીઓ પાસેથી કર ઉઘરાવ્યો નથી?”
7 દુષ્ટ અથાલ્યાના અનુયાયીઓએ યહોવાના મંદિરને લૂંટી લીધું હતું. દેવના ભજનને માટે સમર્પિત કરેલા પાત્રો મંદિરમાંથી લઇ જઇને પૂજા માટે તેઓએ બઆલના મંદિરમાં મૂક્યાં હતા.
8 રાજાએ એક પેટી બનાવડાવીને યહોવાના મંદિરના દરવાજા બહાર મૂકાવી. 9 અને આખા યહૂદામાં અને યરૂશાલેમમાં લેવીઓએ એવો ઢંઢેરો પિટાવ્યો કે, યહોવાના સેવક મૂસાએ રણમાં ઇસ્રાએલીઓ પર જે કર નાખ્યો હતો તે લોકોએ લાવવો જોઇએ. 10 બધા આગેવાનો અને બધા લોકો ઉત્સાહપૂર્વક પૈસા લઇ આવીને એ પેટીમાં નાખવા લાગ્યાં. 11 પેટી ભરાઇ જતી ત્યારે એ પેટી રાજાના અમલદાર આગળ લઇને આવતા, અને જ્યારે તેમને ખાતરી થતી કે, પેટી બરાબર ભરાઇ ગઇ છે, ત્યારે રાજાનો મંત્રી અને મુખ્ય યાજકનો અમલદાર આવીને તે ખાલી કરતાં અને ત્યારબાદ તેને પાછી તેની જગ્યાએ લઇ જતા. રોજ આ પ્રમાણે કરવામાં આવતું અને મોટી રકમ ભેગી થતી. 12 રાજા અને યહોયાદા એ રકમ દેવના મંદિરનાં કામ ઉપર દેખરેખ રાખનારા અધિકારીને સોંપી દેતા, તેમણે કડિયાઓ અને સુથારોને મંદિરના જીણોર્દ્ધાર માટે રોક્યા. લોખંડનું અને પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ મરામત કરવા માટે રોક્યા.
13 કારીગરો કામે લાગી ગયા અને તેમણે યહોવાના મંદિરના જીણોર્દ્ધારનું કામ પૂરું કર્યુ; તેમણે દેવના મંદિરને પહેલાનાં જેવું મજબૂત બનાવી દીધું. 14 બધું જ કામ પૂરું થતાં તેઓ વધેલાં નાણાં રાજાની અને યહોવાની આગળ લઇ આવ્યા, અને તેમાંથી મંદિરમાં પૂજા માટે વાપરવાના વાસણો અને બીજાં સોનાચાંદીના વાસણો મંદિર માટે બનાવડાવવામાં આવ્યાં. યહોયાદા જીવ્યો ત્યાં સુધી મંદિરમાં હંમેશા દહનાર્પણ અપાતાં રહ્યાં.
15 યહોયાદા ઘરડો થયો અને એકસોને ત્રીસ વર્ષની ઉંમરે અવસાન પામ્યો. 16 અને તેને રાજાઓ ભેગો દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. કારણ, તેણે ઇસ્રાએલમાં દેવની અને તેના મંદિરની સારી સેવા બજાવી હતી.
17 યહોયાદાના મૃત્યુ પછી યહૂદાના આગેવાનો રાજાને સલામ ભરવા આવવા લાગ્યા અને રાજા હવે તેમની સલાહ લેતો થયો, તેઓએ તેને ખોટી સલાહ આપી. 18 તે આગેવાનોએ તેમના વંશજોના દેવ યહોવાનું મંદિર છોડી દીધું અને અશેરાદેવીની, ને બીજાં દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેમના આ દોષને કારણે યહૂદા અને યરૂશાલેમ ઉપર યહોવાનો રોષ ઊતર્યો. 19 યહોવાએ તેમને પોતાના તરફ પાછા લાવવા માટે તેમની વચ્ચે પ્રબોધકો મોકલ્યા. પરંતુ તેમનો સંદેશો તેમણે સાંભળ્યો નહિ.
20 પછી યહોયાદાના પુત્ર ઝખાર્યા પર દેવનો આત્મા આવ્યો. અને તેણે લોકોની સમક્ષ ઊભા થઇને કહ્યું, “‘શા માટે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને આફત વહોરો છો? તમે યહોવાને છોડી દીધા છે એટલે તેણે તમને છોડી દીધા છે.’”
21 પરંતુ તેઓ બધા તેની વિરૂદ્ધ એક થઇ ગયા અને રાજાના હુકમથી તેમણે તેને મંદિરના પ્રાંગણમાં તેના પર પથ્થર ફેકીને મારી નાખ્યો. 22 ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”
23 એક વર્ષ પૂરું થતાં અરામીઓની સેનાએ યોઆશ ઉપર ચઢાઇ કરી. તેમણે યહૂદા અને યરૂશાલેમ ઉપર હુમલો કર્યો અને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને લૂંટનો માલ રાજાને દમસ્ક મોકલી આપ્યો. 24 અરામીઓએ હુમલો કર્યો ત્યારે તેમનું લશ્કર કઇં મોટું નહોતું; તેમ છતાં યહોવાએ યહૂદાની ભારે મોટી સૈના ઉપર તેમને વિજય અપાવ્યો. કારણ, એ યહૂદાના લોકોએ પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો હતો, આમ અરામીઓએ યોઆશને ઘટતી સજા કરી. 25 અરામીઓ યોઆશને સખત ઘવાયેલી હાલતમાં મૂકી ગયા અને ત્યાર પછી તેના પોતાના અમલદારોએ યાજક યહોયાદાના પુત્રના મૃત્યુનું વેર લેવા તેની સામે ગુપ્તયોજના ઘડી તેને પથારીમાં જ મારી નાખ્યો. આમ તે મરણ પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. જો કે રાજાઓના કબ્રસ્તાનમાં તો નહિ જ.
26 જે સેવકોએ તેની સામે કાવત્રું કરીને તેને મારી નાખ્યો હતો તેઓ આ બધાં હતાં; ઝાબાદ અને યહોઝાબાદ. આમ્મોની શિમઆથ તે ઝાબાદની માતા હતી અને યહોઝાબાદની માતા તે મોઆબેણ શિમ્રીથ હતી. 27 યોઆશનાં છોકરાની વિગતો, તેની સામે પ્રબોધકોએ ઉચ્ચારેલી અનેક ચેતવણીઓ, તેમજ તેણે કરાવેલી મંદિરની મરારત વગેરે વિષે રાજાઓના વૃત્તાંતના ગ્રંથમાં લખ્યું છે. તેના પછી તેનો પુત્ર અમાસ્યા ગાદીએ આવ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International